પ્રધાનમંત્રીનું કાર્યાલય

“આરંભ- 2020” પ્રસંગે નાગરિક સેવાઓના પ્રોબેશનર્સ સાથે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 31 OCT 2020 4:46PM by PIB Ahmedabad

શાસન વ્યવસ્થામાં ખૂબ મોટી ભૂમિકા સંભાળનારી અમારી યુવાન પેઢી કશુંક નવુ વિચારવા માટે તૈયાર છે. કશુંક નવુ કરી બતાવવાનો ઈરાદો પણ ધરાવે છે. મને આ બાબતે એક આશાનો સંચાર થયો છે. અને એટલા માટે જ હું આપને અભિનંદન પાઠવુ છું. ગઈ વખતે, આજના જ દિવસે કેવડિયામાં તમારી અગાઉના અધિકારીઓને ટ્રેનિંગ અંગે મારી સાથે વિસ્તારથી વાત થઈ હતી. અને એ સમયે નક્કી એવુ થયું હતં કે દર વર્ષે આ વિશેષ આયોજન આરંભ માટે અહીં સરદાર પટેલની જે પ્રતિમા છે, જે મા નર્મદાના કાંઠે આવેલુ છે. ત્યાંજ આપણે મળીશું અને અને સાથે રહીને આપણે ચિંતન- મનન કરીશું અને પ્રારંભિક અવસ્થામાં જ આપણે આપણા વિચારોને આકાર આપવાનુ કામ કરીશું. પરંતુ કોરોનાને કારણે આ વખતે એ શક્ય બની શક્યુ નથી. આ વખતે આપ સૌ મસૂરીમાં છો અને વર્ચ્યુઅલ પધ્ધતિથી જોડાયેલા છો. આ વ્યવસ્થા સાથે જોડાયેલા તમામ લોકોને મારો આગ્રહ છે કે જ્યારે પણ કોરોનાની અસર હાલ કરતાં ઓછી થાય, હું તમામ અધિકારીઓને પણ કહી રહ્યો છું કે આપ સૌ એક સાથે એક નાની સરખી શિબિર સરદાર પટેલની આ ભવ્ય પ્રતિમાના સાનિધ્યમાં શરૂ કરો. અહીં થોડો સમય વિતાવો અને ભારતના આ અનોખું શહેર એટલે કે એક પ્રવાસન મથક કેવી રીતે વિકસી રહ્યું છે તેનો પણ આપ ચોક્કસ અનુભવ કરો.

સાથીઓ, એક વર્ષ પહેલાં જે સ્થિતિ હતી અને આજે જે સ્થિતિ છે તેમાં ઘણો ફર્ક છે. મને વિશ્વાસ છે કે સંકટના આ સમયમાં દેશે જે રીતે કામ કર્યું છે, દેશની વ્યવસ્થાઓએ જે રીતે કામ કર્યું છે તેમાંથી તમે પણ ઘણું બધુ શિખ્યા હશો. તમે જો માત્ર જોયું જ નહીં હોય, નિરીક્ષણ પણ કર્યું હશે તો તમને પણ ઘણું બધુ આત્મસાત કરવા જેવું લાગ્યું હશે. કોરોના સાથેની લડાઈ માટે એવી ચીજો, કે જેના માટે દેશ બીજા દેશો ઉપર આધાર રાખતો હતો. આજે ભારતા તેમાંથી ઘણી બધી ચીજોની નિકાસ કરવાની સ્થિતિમાં આવી ગયું છે. સંકલ્પની સિધ્ધિનું આ એક ખૂબ જ શાનદાર ઉદાહરણ છે.

સાથીઓ, આજે ભારતની વિકાસ યાત્રાના એક ખૂબ જ મહત્વના કાલખંડમાં તમે છો. જે સમયે તમે નાગરિક સેવાઓના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે તે ખૂબ જ વિશેષ છે. જ્યારે કામ કરવાનું શરૂ થશે, જ્યારે સાચા અર્થમાં તમે ફીલ્ડમાં જવાનું શરૂ કરશો ત્યારે એ સમય હશે કે ત્યારે ભારત પોતાની સ્વતંત્રતાના 75મા વર્ષમાં હશે, આ ખૂબ મોટું સિમાચિહ્ન છે. એટલે કે તમારો આ વ્યવસ્થાઓમાં પ્રવેશ અને ભારતનું આઝાદીનું 75મું પર્વ અને સાથીઓ, તમે એવા અધિકારીઓ છો કે મારી એ વાત ભૂલશો નહીં કે આજે બની શકે તો રૂમમાં જઈને ડાયરીમાં નોંધી લેજો કે તમે એ જ અધિકારીઓ હશો કે તે સમયે પણ દેશની સેવામાં હશો, જ્યારે તમે પોતાની કારકીર્દિના પોતાના જીવનના એવા મહત્વપૂર્ણ મુકામમાં હશો કે જ્યારે ભારત પોતાની સ્વતંત્રતાના 100 વર્ષની ઉજવણી કરતું હશે. ભારતની આઝાદીના 75 વર્ષથી 100 વર્ષ વચ્ચેના 25 વર્ષ ભારત માટે ખૂબ જ મહત્વના છે અને તમે એ ભાગ્યશાળી પેઢીમાં છો, તમે એ લોકો છો કે જે 25 વર્ષમાં સૌથી મહત્વની શાસન વ્યવસ્થાનો હિસ્સો બની રહેશો. હવે પછીના 25 વર્ષમાં દેશની રક્ષા- સુરક્ષા, ગરીબોનું કલ્યાણ, ખેડૂતોનું કલ્યાણ, મહિલાઓ અને નવયુવાનોનું હિત, વૈશ્વિક સ્તર ઉપર ભારતનું એક એક ઉચિત સ્થાન સ્થાપિત કરવા માટેની ખૂબ મોટી જવાબદારી તમારા શિરે છે. અમારામાંથી અનેક લોકો એ સમયે તમારી સાથે નહીં હોય, પરંતુ આપ હશો, તમારા સંકલ્પો હશે, તમારા સંકલ્પોની સિધ્ધિ પણ હશે અને એટલા માટે જ આજના આ પવિત્ર દિવસે મારે તમારી સાથે ઘણાં બધા વાયદા કરવાના છે. મને નહીં, તમારી જાત સાથે એ વાયદો કરો કે જેના સાક્ષી માત્ર તમે જ હોવ, તમારો આત્મા હોય. તમને મારો એ આગ્રહ છે કે આજની રાત્રે સૂતાં પહેલા પોતાની જાત સાથે અડધો કલાક જરૂર ફાળવશો. મનમાં જે ચાલી રહ્યું હોય, જે આપણું કર્તવ્ય હોય, આપણી જવાબદારી હોય, પોતાના વચન બાબતે વિચારી રહ્યા હોવ તો તે પણ લખી રાખજો.

સાથીઓ, જે કાગળ ઉપર તમે તમારા સંકલ્પો લખશો, તમે તમારા સપનાના શબ્દો જે કાગળ પર લખશો તે કાગળનો એ ટૂકડો માત્ર કાગળ જ નહીં હોય, તમારા દિલનો પણ એક ટૂકડો હશે. સમગ્ર જીવન દરમ્યાન પોતાના સંકલ્પોને સાકાર કરવા માટે તમારા હૃદયની ધડકન બનીને તે તમારી સાથે રહેશે. જે રીતે તમારૂં હૃદય, શરીરમાં નિરંતર પ્રવાહ લાવે છે, તેવી જ રીતે આ કાગળ પર લખેલો દરેક શબ્દ તમારા જીવનમાં સંકલ્પોના, તેના પ્રવાહને નિરંતર ગતિ આપતો રહેશે. દરેક સપનાંને સંકલ્પ અને સંકલ્પને સિધ્ધિના પ્રવાહમાં આગળ લઈ જતો રહેશો. તે પછી તમને કોઈની પ્રેરણા, કોઈની શિખામણની જરૂર પડશે નહીં. તમારો જ લખેલો કાગળ તમારા હૃદયના શબ્દોમાં ભાવ પ્રગટ કરતો કાગળ તમારા મન મંદિરમાંથી નિકળેલી એક એક બાબત તમને આજન દિવસની યાદ અપાવતી રહેશે. તમારા સંકલ્પોની યાદ અપાવતી રહેશે.

સાથીઓ, એક પ્રકારે કહીએ તો સરદાર વલ્લભભાઈ પટેલ જ આ દેશની સિવિલ સર્વિસના પિતામહ હતા. 21 એપ્રિલ, 1947ના દિવસે એડમિનીસ્ટ્રેટીવ સર્વિસીસ ઓફિસર્સની પહેલી બેચને સંબોધન કરતી વખતે સરદાર પટેલને સનદી અધિકારીઓને દેશની પોલાદની ફ્રેમ કહ્યા હતા. તે અધિકારીઓને સરદાર સાહેબે એવી સલાહ આપી હતી કે દેશના નાગરિકોની સેવા હવે તમારૂં સર્વોચ્ચ કર્તવ્ય છે. મારો પણ એ આગ્રહ છે કે સિવિલ સર્વન્ટ જે કોઈપણ નિર્ણય લે તે રાષ્ટ્રીય સંદર્ભમાં લેવામાં આવે. દેશની અખંડતા અને એકતાને મજબૂત કરવા માટે લેવામાં આવે. બંધારણની ભાવનાને ટકાવી રાખવા માટે લેવામાં આવે. તમારૂં ક્ષેત્ર ભલેને નાનું હોય, તમે જે વિભાગ સંભાળી રહ્યા હોય, તેનો વ્યાપ ભલે ઓછો હોય, પરંતુ નિર્ણયો બાબતે હંમેશા દેશનું હિત, લોકોનું હિત કેન્દ્રમાં રહેવું જોઈએ. એક રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ હોવો જોઈએ.

સાથીઓ, પોલાદની ફ્રેમનું કામ માત્ર આધાર આપવાનું કે માત્ર ચાલી રહેલી વ્યવસ્થાઓને સંભાળવાનું જ નથી હોતું. પોલાદની ફ્રેમનું કામ દેશને એવી ખાત્રી અપાવવાનું હોય છે કે સંકટ નાનું હોય કે પછી મોટું, પરિવર્તન નાનું હોય કે મોટું, તમે એક તાકાત બનીને દેશને આગળ વધારવામાં તમારી જવાબદારી નિભાવશો. તમે સુગમતા કરી આપનારની જેમ સફળતાપૂર્વક તમારી જવાબદારીઓ પૂરી કરશો. ફીલ્ડમાં ગયા પછી જાત જાતના લોકો સાથે ઘેરાયેલા રહ્યા પછી તમારે પોતાની ભૂમિકાને નિરંતર યાદ રાખવાની રહેશે. તેને ભૂલી જવાની ભૂલ ક્યારેય પણ કરશો નહીં. તમારે એ બાબત પણ યાદ રાખવાની છે કે ફ્રેમ કોઈપણ હોય, ગાડીની હોય, ચશ્માની હોય કે પછી કોઈ તસવીરની હોય, જ્યારે તે એક જૂથ હોય છે ત્યારે જ સાર્થક થઈ શકે છે. તમે પોલાદની જે ફ્રેમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો તેની અસર પણ એવા સમયે વધારે હશે કે જ્યારે તમે જૂથમાં રહેશો, જૂથની જેમ કામ કરશો. આગળ વધીને તમારે સમગ્ર જીલ્લાની સંભાળ રાખવાની રહેશે. અલગ અલગ વિભાગોનું નેતૃત્વ કરવું પડશે. ભવિષ્યમાં તમે એવા નિર્ણયો કરશો કે જેની અસર સમગ્ર રાજ્ય પર પડશે, પૂરા દેશમાં પડશે. તે સમયે તમારી જૂથ ભાવના તમને વધુ કામમાં આવશે. જ્યારે તમે પોતાના વ્યક્તિગત સંકલ્પો સાથે, દેશ હિતના વ્યાપક લક્ષને જોડી દેશો ત્યારે ભલેને કોઈપણ સર્વિસ હોય, તમે એક ટીમની જેમ પૂરી તાકાત લગાવી દેશો તો તમે પણ સફળ થશો અને વિશ્વાસ સાથે કહું છું કે દેશ પણ ક્યારેય નિષ્ફળ જશે નહીં.

સાથીઓ, સરદાર પટેલે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ નું સપનું જોયું હતું. તેમનું આ સપનું ‘આત્મનિર્ભર ભારત’ સાથે જોડાયેલું હતું. કોરોના વૈશ્વિક મહામારીના સમય દરમ્યાન પણ આપણને જે સૌથી મોટી શીખ પ્રાપ્ત થઈ છે તે આત્મનિર્ભરતાની જ છે. આજે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ની ભાવના, ‘આત્મનિર્ભર ભારત’ ની ભાવના, ‘એક નવિન ભારત’ નું નિર્માણ થતું જોવા મળશે. નવિન હોવાના અનેક અર્થ થતા હોય છે, અનેક ભાવ હોઈ શકે છે, પરંતુ મારા માટે નવિનનો અર્થ એવો નથી કે તમે માત્ર જૂનું હોય તેને હટાવી દો અને કશુંક નવું લઈને આવો. મારા માટે નવિનનો અર્થ છે કાયાકલ્પ કરવો, સર્જનાત્મક બનવું, તાજા હોવું અને ઉર્જામય હોવું ! મારા માટે નવિન હોવાનો અર્થ એ છે કે જે જૂનું છે તેને વધુ પ્રાસંગિક બનાવવું, કાળના ગર્ભમાં જે પડેલું છે તેને છોડીને જવું, કશુંક છોડવા માટે પણ સાહસ કરવું પડતું હોય છે અને એટલા માટે જ આજે નવિન, શ્રેષ્ઠ અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે કેવી કેવી જરૂરિયાતો છે તે તમારા માધ્યમથી જ પૂરી થશે. તમારે આ બાબતે નિરંતર મંથન કરવું પડશે. સાથીઓ, એ બાબત પણ સાચી છે કે આત્મનિર્ભર ભારતના લક્ષને પૂર્ણ કરવા માટે આપણને વિજ્ઞાન અને ટેકનોલોજીની પણ જરૂર પડવાની છે. સાધનો અને નાણાંની પણ જરૂર પડશે, પરંતુ મહત્વની બાબત એ છે કે આ વિઝનને પૂર્ણ કરવા માટે એક સિવિલ સર્વન્ટ તરીકે તમારી ભૂમિકા શું હશે. લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે તમારા કામની ગુણવત્તામાં, ઝડપમાં તમારે દેશના આ લક્ષને ચોવીસે કલાક ધ્યાનમાં રાખવાનું રહેશે.

સાથીઓ, દેશમાં નવા પરિવર્તન માટે નવા લક્ષ્યોની પ્રાપ્તિ માટે નવા માર્ગો અને નવી પધ્ધતિઓ અપનાવવા માટે ખૂબ મોટી ભૂમિકા તાલિમની પણ હોય છે. સ્કીલ- સેટના વિકાસની પણ હોય છે. અગાઉના સમયમાં આ બાબતે ખાસ ભાર મૂકવામાં આવતો ન હતો. તાલિમમાં આધુનિક અભિગમ કેવી રીતે આવે, તે બાબતે ખાસ વિચારવામાં આવતું ન હતું, પરંતુ હવે દેશમાં માત્ર માનવ સંશાધન જ નહીં, પણ આધુનિક તાલિમ ઉપર પણ ભાર મૂકવામાં આવે છે. તમે ખુદ પણ જોયું હશે કે જે રીતે વિતેલા બે- ત્રણ વર્ષોમાં જ સિવિલ સર્વન્ટની તાલિમમાં પણ ઘણાં બધા પરિવર્તનો આવ્યા છે. ‘આરંભ’ જ નથી એક પ્રતિક પણ છે અન એક નવી પરંપરા પણ છે. એક રીતે કહીએ તો સરકારે થોડાક દિવસ પહેલાં જ વધુ એક અભિયાન શરૂ કર્યું છે અને તે છે- મિશન કર્મયોગી. મિશન કર્મયોગી ક્ષમતા નિર્માણની દિશામાં પોતાના પ્રકારનો એક નવો પ્રયોગ છે. આ મિશનના માધ્યમથી સરકારી કર્મચારીઓને તેમની વિચારધારા અને અભિગમને આધુનિક બનાવવાનો તથા તેમના સ્કીલ સેટને સુધારવાનો ઉદ્દેશ છે. તેમને કર્મયોગી બનવાનો અવસર પૂરો પાડવાનો છે.

સાથીઓ, ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું હતું કે यज्ञ अर्थात् कर्मणः अन्यत्र लोकः अयम् कर्म बंधनः નો અર્થ એ થાય કે યજ્ઞ એટલે કે સેવા સિવાય સ્વાર્થ માટે કરવામાં આવેલા કામ કર્તવ્ય હોતા નથી. તે ઉલ્ટું આપણને બંધનમાં મૂકનારા કામ છે. કર્મ એ છે કે જે એક મોટા વિઝનની સાથે કરવામાં આવે, એક મોટા લક્ષ્ય માટે કરવામાં આવે. આપણે સૌએ આવા કર્મના કર્મયોગી બનવાનું છે, તમારે પણ બનવાનું છે. આપણે સૌએ બનવાનું છે. સાથીઓ, આપ સૌ જે મોટી અને લાંબી સફર માટે આગળ ધપી રહ્યા છો તેમાં નિયમોનું ખૂબ મોટું યોગદાન છે, પરંતુ તેની સાથે સાથે તમારે તમારી ભૂમિકા ઉપર પણ ખૂબ વધારે કેન્દ્રિત બનવાનું રહેશે. નિયમ અને ભૂમિકા વચ્ચે સતત સંઘર્ષ રહેશે. સતત તણાવ ઉભો થશે, નિયમોનું પોતાનું મહત્વ છે, ભૂમિકાની પોતાની મહત્વપૂર્ણ જવાબદારી છે. તમારા માટે આ બંને વચ્ચે સમતુલા જાળવવી તે તંગ દોરડા પર ચાલવાનો ખેલ છે. વિતેલા થોડા સમયમાં સરકારે પણ ભૂમિકા આધારિત અભિગમ ઉપર ઘણો ભાર મૂક્યો છે અને તેના પરિણામો પણ મળી રહ્યા છે. અગાઉ સિવિલ સર્વિસીસમાં ક્ષમતા અને સ્પર્ધાત્મકતા તથા તેના નિર્માણ માટે નવું આર્કિટેક્ચર ઉભુ થયું. બીજુ, શિખવાના નિયમો પણ લોકશાહી યુક્ત થયા અને ત્રીજુ, દરેક ઓફિસર માટે તેની ક્ષમતા અને અપેક્ષા મુજબ તેની જવાબદારી પણ નક્કી થઈ રહી છે. આવા અભિગમની સાથે કામ કરવા પાછળ એવી વિચારધારા કામ કરે છે કે તમે જ્યારે દરેક ભૂમિકામાં પોતાની ભૂમિકા સારી રીતે નિભાવશો તો તમે પોતાના એકંદર જીવનમાં પણ સકારાત્મક બની રહેશો. આ સકારાત્મકતા તમારી સફળતાના દ્વાર ખોલી દેશે અને તે તમારા માટે એક કર્મયોગી તરીકે જીવનમાં સંતોષનું ખૂબ મોટું કારણ બનશે.

સાથીઓ, કહેવાય છે કે જીવન એક ગતિશીલ પરિસ્થિતિ છે. ગવર્નન્સ પણ એક ગતિશીલ ઘટના જ છે. એટલે, અમે રિસ્પોન્સિવ ગવર્નમેન્ટની વાત કરીએ છીએ. એક સિવિલ સર્વન્ટ માટે સૌથી પહેલા એ જરૂરી છે કે તેઓ દેશના સામાન્ય માનવી સાથે સતત જોડાયેલા રહે. જ્યારે તમે લોકો સાથે જોડાશો, ત્યારે લોકશાહીમાં કામ કરવું વધુ સરળ બની શકશે. તમે ફાઉન્ડેશન ટ્રેનિંગ અને પ્રોફેશનલ ટ્રેનિંગ પૂરી કર્યા પછી ફિલ્ડ ટ્રેનિંગ માટે જશો. મારી તમને સલાહ છે કે તમે ફિલ્ડમાં લોકો સાથે જોડાવ, કટ-ઓફ ન રહો. દિમાગમાં ક્યારેય અમલદારને ઘૂસવા ન દો. તમે જે ધરતીમાંથી આવ્યા છો, જે પરિવાર, સમાજમાંથી આવ્યા છો, તેને ક્યારેય ભૂલો નહીં. સમાજ સાથે જોડાઈને ચાલો, જોડાઈને ચાલો, જોડાઈને ચાલો. એક રીતે સમાજ જીવનમાં વિલીન થઈ જાઓ, સમાજ તમારી શક્તિનો સહારો બની જશે. તમારા બે હાથ હજાર હાથ બની જશે. આ હજાર હાથની જન-શક્તિ હોય છે, તેને સમજવાની, તેને શીખવાની કોશિષ ચોક્કસ કરજો. હું ઘણીવાર કહું છું, સરકાર ટોચ ઉપરથી નથી ચાલતી. જે જનતા માટે નીતિઓ છે, તેમને સામેલ કરવી ખૂબ જરૂરી છે. જનતા ફક્ત સરકારની નીતિઓની, કાર્યક્રમોની રિસિવર નથી, જનતા જનાર્દન જ સાચું ચાલક બળ છે. એટલે આપણે ગવર્નમેન્ટથી ગવર્નન્સ તરફ જવાની જરૂર છે.

સાથીઓ, એક અકાદમીમાંથી નીકળીને જ્યારે તમે આગળ વધશો, ત્યારે તમારી સામે બે રસ્તા હશે. એક રસ્તો સરળતાભર્યો, સુવિધાઓનો, નામ અને પ્રસિદ્ધિનો રસ્તો હશે. એક રસ્તો હશે, જ્યાં પડકારો હશે, મુશ્કેલીઓ હશે, સંઘર્ષ હશે, સમસ્યાઓ હશે. પરંતુ હું પોતાના અનુભવથી આજે તમને એક વાત કહેવા માગું છું. તમને સાચી મુશ્કેલીઓ ત્યારે પડશે, જ્યારે તમે આસાન રસ્તો પકડ્યો હશે. તમે જોયું હશે, જે સડક સીધી જતી હોય, કોઈ વળાંક ન હોય, ત્યાં સૌથી વધુ અકસ્માત થાય છે. પરંતુ જે આડા-અવળા વળાંકવાળી સડક હોય છે, ત્યાં ડ્રાયવર ખૂબ સાવધાન હોય છે, ત્યાં અકસ્માત ઓછા થાય છે અને એટલે જ સીધા-સરળ રસ્તા ક્યારેકને ક્યારેક ખૂબ મુશ્કેલ બની જતા હોય છે. રાષ્ટ્ર નિર્માણના, આત્મનિર્ભર ભારતના જે મોટા લક્ષ્ય તરફ તમે કદમ ભરી રહ્યા છો, તેમાં સરળ રસ્તા મળે, એ જરૂરી નથી, અરે, મનમાં એવી ઈચ્છા પણ ન કરવી જોઈએ. એટલે, જ્યારે તમે દરેક પડકારનો ઉકેલ કરતા કરતા આગળ વધશો, લોકોની જિંદગી સુગમ રીતે પસાર થાય તે માટે નિરંતર કામ કરશો તો તેનો લાભ ફક્ત તમને જ નહીં, સમગ્ર દેશને મળશે અને તમારી નજર સામે જ આઝાદીના 75 વર્ષથી આઝાદીનાં 100 વર્ષની યાત્રા સમૃદ્ધ બનતા જતા હિન્દુસ્તાનને જોવાનો સમય હશે. આજે દેશ જે મોડમાં કામ કરી રહ્યો છે, તેમાં તમે સહુ બ્યુરોક્રેટ્સની ભૂમિકા લઘુતમ સરકાર મહત્તમ શાસનની છે. તમારે એ સુનિશ્ચિત કરવાનું છે કે નાગરિકોના જીવનમાં તમારી દખલ કેવી રીતે ઓછી થાય, સામાન્ય માનવીને સશક્ત કેવી રીતે બનાવાય. આપણે ત્યાં ઉપનિષદમાં કહેવાયું છે - ‘ तत् द्वतीयम् अस्ति’ એટલે કે, કોઈ બીજું નથી, કોઈ મારાથી ભિન્ન નથી. જે પણ કામ કરો, જેને પણ માટે કરો, પોતાનું સમજીને કરો. અને હું મારા અનુભવથી જ કહું છું કે જ્યારે તમે તમારા વિભાગને, સામાન્ય લોકોને પોતાનો પરિવાર સમજીને કામ કરશો, તો તમને ક્યારેય થાક નહીં લાગે, હંમેશા તમે નવી ઉર્જાથી ભરેલા રહેશો. સાથીઓ, ફિલ્ડ પોસ્ટિંગ દરમ્યાન, અમે એ પણ જોઈએ છીએ કે અધિકારીઓની ઓળખ કઈ બાબતે થાય છે કે તેઓ એક્સ્ટ્રા શું કરી રહ્યા છે, જે ચાલી રહ્યું છે, તેમાં અલગ શું કરી રહ્યા છે. તમે પણ ફિલ્ડમાં, ફાઈલોની બહાર નીકળીને, રૂટિનથી અલગ હટીને પોતાના ક્ષેત્રના વિકાસ માટે લોકો માટે જે પણ કરસો, તેનો પ્રભાવ અલગ હશે, તેનું પરિણામ અલગ હશે. ઉદાહરણ તરીકે, તમે જે જિલ્લામાં, બ્લોક્સમાં કામ કરશો, ત્યાં ઘણી એવી ચીજો હશે, ઘણી એવી પ્રોડક્ટ્સ હશે, જેની એક વૈશ્વિક સંભાવના હોય. પરંતુ એ પ્રોડેક્ટ્સને એ કળાને, તેના કલાકારને વૈશ્વિક સ્તરે જવા માટે સ્થાનિક સ્તરે સપોર્ટની જરૂર છે. આ સપોર્ટ તમારે જ આપવો પડશે. આ વિઝન તમારે જ આપવું પડશે. આ રીતે, તમે કોઈ એક લોકલ નવપ્રવર્તકની શોધ કરીને તેના કામમાં એક મિત્રની જેમ તેની મદદ કરી શકો છો. શક્ય છે કે તમારા સહયોગથી તે નવપ્રવર્તન સમાજ માટે અત્યંત મોટું યોગદાનના રૂપે સામે આવે ! આમ તો હું જાણું છું કે તમે વિચારી રહ્યા હશો કે, આ બધું કરી તો લઈશું, પરંતુ વચ્ચે જ અમારી ટ્રાન્સફર થઈ જાય તો શું થશે ? મેં જે ટીમ ભાવનાની વાત શરૂઆતમાં કરી હતી ને, તે આના માટે જ કરી હતી. જો તમે આજે એક જગ્યાએ છો, કાલે બીજી જગ્યાએ છો, તો પણ તે ક્ષેત્રમાં તમારા પ્રયાસોને છોડી દેશો નહીં, પોતાનાં લક્ષ્યો ભૂલશો નહીં. તમારા પછી જે લોકો આવનારા છે, તેમને વિશ્વાસમાં લેજો. તેમનો વિશ્વાસ વધારજો, તેમનો ઉત્સાહ વધારજો. તેમને પણ તમે જ્યાં હો, ત્યાંથી મદદ કરતા રહેજો. તમારાં સપનાં તમારા પછીની પેઢી પણ પૂરાં કરશે. જે નવા અધિકારી આવશે, તેમને પણ તમે તમારાં લક્ષ્યોના ભાગીદાર બનાવી શકો છો.

સાથીઓ, તમે જ્યાં પણ જાવ, તમારે વધુ એક વાત ધ્યાન રાખવાની છે. તમે જે કાર્યાલયમાં હશો, તેના બૉર્ડમાં નોંધાયેલા તમારા કાર્યકાળથી જ તમારી ઓળખાણ ન થવી જોઈએ. તમારી ઓળખાણ તમારા કામથી થવી જોઈએ. હા, વધતી જતી ઓળખાણમાં, તમને મીડિયા અને સોશિયલ મીડિયા પણ ખૂબ આકર્ષિત કરશે. કામને કારણે મીડિયામાં ચર્ચા થવી એક વાત છે અને મીડિયામાં ચર્ચા માટે જ કામ કરવું એ બીજી વાત છે. તમારે બંનેનો તફાવત સમજીને આગળ વધવાનું છે. તમારે યાદ રાખવું પડશે કે સિવિલ સર્વન્ટ્સની એક ઓળખાણ- અનામી રહીને કામ કરવાની રહી છે. તમે આઝાદી પછીના સમયને જોશો તો તમને જણાશે કે પ્રતિભાવના ચહેરા ક્યારેક-ક્યારેક આપણે સાંભળીએ છીએ કે તેઓ પોતાના સમગ્ર કાર્યકાળ દરમ્યાન અજ્ઞાત જ રહ્યા. કોઈ તેમનાં નામ જાણતું ન હતું, રિટાયર થયા પછી કોઈએ કંઈ લખ્યું ત્યારે ખબર પડી કે આ અધિકારી દેશને આટલી મોટી સોગાદ આપીને ગયા છે, તમારા માટે પણ એ જ આદર્શ છે. તમારી અગાઉના 4-5 દાયકામાં જે તમારા સીનિયર્સ રહ્યા છે, તેમણે આ બાબતનું ચુસ્ત અનુશાસન સાથે પાલન કર્યું છે. તમારે પણ આ વાત ધ્યાનમાં રાખવાની છે.

સાથીઓ, હું જ્યારે મારા નવયુવાન રાજકીય મિત્રો, જે આપણા વિધાનસભ્યો છે, સાંસદ છે, તેમને મળું છું તો હું વાતો-વાતોમાં અવશ્ય કહું છું કે દિખાસ અને છપાસ - આ બે બીમારીથી દૂર રહેજો. હું તમને પણ આ જ કહીશ કે દિખાસ અને છપાસ - ટીવી પર દેખાવું અને અખબારોમાં છપાવું - આ દિખાસ અને છપાસના રોગ જેને લાગે છે, પછી તે સિવિલ સેવામાં પોતાનું જે લક્ષ્ય લઈને આવ્યા હોય છે, તે હાંસલ નથી કરી શકતા.
સાથીઓ, મને વિશ્વાસ છે, તમે સહુ તમારી સેવાથી, તમારા સમર્પણથી દેશની વિકાસ યાત્રામાં દેશને આત્મનિર્ભર બનાવવામાં ઘણું મોટું યોગદાન આપશો. મારી વાત પૂરી કરતાં પહેલાં હું તમને એક કામ સોંપવા માંગું છું. તમે કરશો, સહુ પોતાનો હાથ ઊંચો કરશે તો હું સમજીશ કે તમે કરશો. સહુના હાથ ઉપર થશે, કરોશો, અચ્છા, સાંભળી લો, તમારે પણ વોકલ ફોર લોકલ સાંભળવું સારું લાગતું હશે, સારું લાગે છે ને, ખરેખર સારું જ લાગતું હશે. તમે એક કામ કરજો, આગામી બે-ચાર દિવસોમાં તમે તમારી પાસે જે ચીજો છે, જે રોજિંદા ઉપયોગમાં છે, તેમાંથી કેટલી એવી ચીજો છે, જે ભારતીય બનાવટની છે, જેમાં ભારતના નાગરિકના પરસેવાની સુગંધ ભળી છે. જેમાં ભારતના નવયુવાનની પ્રતિભા ઝળકી છે, તે સામાનની એક યાદી બનાવજો અને બીજી એવી યાદી બનાવજો કે તમારાં પગરખાંથી માંડીને માથાના વાળ સુધી વપરાતી કઈ કઈ વિદેશી ચીજો તમારા ઓરડામાં છે, તમારી બેગમાં છે, તમે શેનો શેનો ઉપયોગ કરી રહ્યા છો. જરા જોજો અને મનમાં નક્કી કરજો કે આ જે તદ્દન અનિવાર્ય છે, જે ભારતમાં આજે ઉપલબ્ધ નથી, સંભવ નથી, જેને રાખવી જ પડે તેમ છે, હું માની શકું છું, પરંતુ આ 50માંથી 30 એવી ચીજો છે, જે તો મને સ્થાનિક રીતે ઉપલબ્ધ છે કે હું તેના પ્રચારની અસરમાં નથી આવ્યો, હું તેમાંથી કેટલી ચીજો ઓછી કરી શકું તેમ છું.

જુઓ, આત્મનિર્ભર બનવાની શરૂઆત આત્મથી - પોતાનાથી થવી જોઈએ. તમે પોતાના માટે વોકલ ફોર લોકલ શરૂ કરી શકો છો. બીજું - જે સંસ્થાનું નામ લાલ બહાદુર શાસ્ત્રી સાથે જોડાયેલું છે, તે સમગ્ર પરિસરમાં પણ તમારા ઓરડામાં, તમારા ઓડિટોરિયમમાં, તમારા વર્ગખંડમાં, દરેક જગ્યાએ કેટલી વિદેશી ચીજો છે, તેની યાદી અવશ્ય બનાવજો અને તમે વિચારજો કે આપણે જે દેશને આગળ વધારવા માટે આવ્યા છીએ, જ્યાંથી દેશને આગળ વધારનારી એક સમગ્ર પેઢી તૈયાર થાય છે, જ્યાં બીજ રોપવામાં આવી રહ્યાં છે, શું તે જગ્યાએ પણ વોકલ ફોર લોકલ - એ અમારા દૈનિક જીવનનો હિસ્સો છે કે નથી. તમે જોજો કે તમને મઝા આવશે. હું એમ નથી કહેતો કે તમે તમારા મિત્રો માટે પણ આ જ રસ્તો ખોલો, આ પોતાના માટે જ છે. તમે જોશો કે વિના કારણે એવી એવી ચીજો તમારી પાસે પડી હશે, જે હિન્દુસ્તાનની હોવા છતાં પણ તમે બહારથી લાવ્યા હશો. તમને ખબર પણ નથી કે આ બહારની છે. જુઓ, ભારતને આત્મનિર્ભર બનાવવા માટે આપણે સહુએ પોતાની જાતથી શરૂઆત કરીને દેશને આત્મનિર્ભર બનાવવાનો છે.

મારા નવયુવાન મિત્રો, દેશની આઝાદીના 100 વર્ષ આઝાદીના 100 વર્ષનાં સપનાં, આઝાદીનાં 100 વર્ષનાં સંકલ્પ, આઝાદીની આવનારી પેઢીઓ, તમારા હાથમાં દેશ સોંપી રહી છે. દેશ તમારા હાથમાં આવનારાં 25-35 વર્ષ સોંપી રહ્યો છે. આટલી મોટી ભેટ તમને મળી રહી છે. તમે તેને જીવનનું એક અહોભાગ્ય સમજીને પોતાના હાથમાં લેજો, તમારા કરકમળોમાં લેજો. કર્મયોગીનો ભાવ જગાવજો. કર્મયોગના માર્ગ ઉપર ચાલવા માટે તમે આગળ વધો એ જ શુભકામના સાથે તમને સહુને એકવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હું તમને વિશ્વાસ અપાવું છું કે હું દરેક પળે તમારી સાથે જ છું. હું પળે-પળે તમારી સાથે છું. જ્યારે પણ જરૂર પડે, તમે મારો દરવાજો ખખડાવી શકો છો. જ્યાં સુધી હું છું, જ્યાં પણ છું, હું તમારો દોસ્ત છું, તમારો મિત્ર છું, આપણે સહુ સાથે મળીને આઝાદીનાં 100 વર્ષનાં સપનાં સાકાર કરવા માટે અત્યારથી જ પ્રારંભ કરીએ, આવો, આપણે સહુ આગળ વધીએ.

ખૂબ ખૂબ આભાર.

 

SD/GP/BT



(Release ID: 1669199) Visitor Counter : 379