પ્રધાનમંત્રીનું કાર્યાલય
ઉત્તર પ્રદેશમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Posted On:
27 OCT 2020 1:29PM by PIB Ahmedabad
હજુ હમણાં હું પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના તમામ લાભાર્થીઓ સાથે વાત કરી રહ્યો હતો. ત્યારે મને અનુભવ થયો કે બધા લોકોના મનમાં એક આનંદ છે અને એક અચરજ પણ છે. અગાઉ તો ધંધા- વ્યવસાય ધરાવતા લોકોને જ ધિરાણ મેળવવા માટે બેંકમાં આંટા મારવા પડતા હતા. ગરીબ માણસ અને તેમાં પણ લારી- ફેરીવાળા લોકો તો બેંકની અંદર જવાનો વિચાર સુધ્ધાં પણ કરી શકતા ન હતા. પણ હવે બેંકો પોતે ચાલીને સામે આવી રહી છે. કોઈ પણ પ્રકારની દોડધામ વગર પોતાનુ કામ શરૂ કરવા માટે ધિરાણ મળી રહ્યાં છે. આજે તમારા સૌના ચહેરા ઉપર આનંદ જોઈને મને પણ સંતોષ થઈ રહ્યો છે કે તમને સૌને તમારા કામ માટે આત્મનિર્ભર થઈને આગળ ધપવવા માટે તથા ઉત્તર પ્રદેશ અને દેશને આગળ ધપાવવા માટે હું તમને ખૂબ-ખૂબ શુભકામના પાઠવુ છું. અને, જ્યારે આજે હું તમારી સાથે વાત કરી રહ્યો હતો.
મેં જોયુ કે ખૂબ ઓછુ ભણેલી અને સામાન્ય ગરીબીમાં જીવનારી આપણી બહેન પ્રીતિ, આટલા આત્મવિશ્વાસની સાથે આધુનિક ટેકનોલોજી પણ શીખી રહી હતી. પોતાના વેપારને આગળ ધપાવવા માટે કામ કરી રહી હતી. અને પૂરા પરિવારને સાથે રાખીને સૌની ચિંતા કરી રહી હતી. એવી જ રીતે બનારસના બંધુ સાથે હું જ્યારે વાત કરી રહ્યો હતો ત્યારે મને અરવિંદજીએ જે એક વાત જણાવી તે ચોકકસ શિખવા જેવી છે. અને હું માનુ છું કે દેશના ભણેલા-ગણેલા લોકો પણ તે શીખશે. તે સામાજિક અંતર જાળવવા માટેની પોતે જે કોઈ ચીજો બનાવે છે તેમાંથી એક ચીજ ભેટ આપી રહ્યા છે. જો તમે નિયમોનુ પાલન કર્યું છે. જુઓ તો ખરા એક નાની વ્યક્તિ કેટલુ મોટુ કામ કરી રહ્યો છે. આનાથી મોટી કઈ બાબત હોઈ શકે છે. તે પ્રેરણા આપે છે. અને જ્યારે અમે લખનૌમાં વિજય બહાદૂર સાથે વાત કરી રહ્યા હતા ત્યારે, એ તો લારી ચલાવે છે. પણ તેમનુ બિઝનેસનુ મોડલ તો જુઓ, તે કેવી રીતે સમય બચાવતાં બચાવતાં કામને આગળ ધપાવે છે. આ બધી કામગીરી તે ખૂબ જ બારીકી સાથે કરી રહ્યા છે. જુઓ આ આપણા દેશની તાકાત છે. આવા લોકોને કારણે જ દેશ આગળ ધપતો હોય છે. હું ચોકકસપણે કહીશ કે આવા લોકોના પ્રયાસોને કારણે દેશ આગળ ધપતો હોય છે.
આપણા લારી- ફેરી વાળા સાથીદારો આ માટે સરકારને ધન્યવાદ આપી રહ્યા છે. મારો આભાર માની રહ્યા છે. પણ તેનો યશ સૌથી પહેલાં આપણી તમામ બેંકોને મળે છે. હું બેંક કર્મચારીઓની મહેનતને તેનો યશ આપુ છું. બેંક કર્મચારીઓની સેવા ભાવના વગર આ કામ આટલા ટૂંકા સમયમાં થઈ શકે નહી. હું આપણા તમામ બેંક કર્મચારીઓને તેમની કામગીરી બદલ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવુ છું. અને તેમને પણ તે જ્યારે ગરીબના મનની ભાવના સુધી પહોંચે છે ત્યારે તેમનો પણ કામ કરવાનો ઉત્સાહ અનેક ગણો વધી જતો હોય છે. આ તમામ ગરીબોના આશીર્વાદ સૌ પ્રથમ એ બેંકના કર્મચારીઓને મળવા જોઈએ. જેમણે લગાતાર મહેનત કરીને તમારા જીવનને લગાતાર આગળ ધપાવવા માટે કામ કર્યુ છે, મહેનત કરી છે. અને આપણા આ પ્રયાસોથી તહેવારોના દિવસોમાં ગરીબના ઘરે રોશની ફેલાઈ છે. આ એક ખૂબ મોટુ કામ થયું છે. આ કાર્યક્રમમાં સારી સાથે જોડાયેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, ઉત્તર પ્રદેશ સરકારના અન્ય મંત્રી ગણ, ઉત્તર પ્રદેશના તમામ જિલ્લામાંથી આ કાર્યક્રમમાં જોડાયેલા હજારો લાભાર્થી સમુહો, બેંકો સાથે જોડાએલા તમામ મહાનુભવો, અને મારા વહાલા ભાઈઓ અને બહેનો, આજનો આ દિવસ આત્મનિર્ભર ભારતના માટે એક ખૂબ જ મહત્વનો દિવસ છે.
આ દેશ મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિનો પણ સામનો કરી શકે છે. ઉત્તર પ્રદેશના લોકો કેવી રીતે સંકટ સામે લડવાની તાકાત ધરાવે છે. તેનો આ દિવસ સાક્ષી છે. કોરોનાએ જ્યારે પૂરી દુનિયા ઉપર હૂમલો કર્યો છે ત્યારે ભારતના ગરીબોથી માંડીને તમામ લોકો આશંકા વ્યક્ત કરી રહ્યા હતા. મારા ગરીબ ભાઈ બહેનોએ કેવી રીતે ઓછામાં ઓછી તકલીફ ઉઠાવવી પડે, કેવી રીતે ગરીબ લોકો આ તકલીફમાંથી બહાર નીકળી આવે. સરકારના તમામ પ્રયાસોના કેન્દ્રમાં આ ચિંતા હતી. અને આ વિચારની સાથે દેશે એક લાખ 70 હજાર કરોડ રૂપિયાની ગરીબ કલ્યાણ યોજના શરૂ કરી. કોઈ પણ ગરીબ માણસ ભૂખ્યો ના સુવે તેની ચિંતા કરી હતી. 20 લાખ કરોડના આર્થિક પેકેજની ઘોષણા કરવામાં આવી તો તેમાં ગરીબના હિતની અને તેની રોજી- રોટીની બાબતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી હતી. આપણા દેશના સામાન્ય માનવીએ એ સિધ્ધ કરી બતાવ્યુ છે કે તે મોટામાં મોટી તકલીફને બદલી દેવાની તાકાત ધરાવે છે. અને આજે આપણા લારી ફેરી અને ગલ્લા ધરાવતા સાથીઓ આજે ફરીથી પોતાનુ કામ શરૂ કરી શક્યા છે. ફરી એક વાર આત્મનિર્ભર બનીને આગળ ધપી રહ્યા છે.
સાથીઓ, દેશમાં 1લી જૂનના રોજ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના શરૂ કરવામાં આવી હતી. અને બીજી જુલાઈએ એટલે કે બે મહિનાની અંદર જ ઓનલાઈન પોર્ટલ ઉપર તેના માટેની અરજીઓ મળવાની શરૂ થઈ ગઈ હતી. યોજનામાં આવી ગતિ દેશે પહેલી વાર જોઈ છે. ગરીબો માટેની યોજનાઓ આટલી પ્રભાવક રીતે જમીન ઉપર સાકાર થશે તે બાબતે ભૂતકાળને જોતાં કોઈ કલ્પના પણ કરી શકે તેમ ન હતુ. ગલીએ ગલીએ ફરીને સામાન વેચતા શેરી વિક્રેતાઓ માટે ગેરંટી વગર કિફાયતી દરે ધિરાણ માટે આ પ્રકારની યોજના તો આઝાદી પછી સૌ પ્રથમ વાર બની હતી. આજે દેશ તમારી પડખે ઉભો રહ્યો છે. તમારા શ્રમનુ સન્માન કરી રહ્યો છે. આજે દેશ સામાજિક તાણા વાણામાં, આત્મનિર્ભર ભારત અભિયાનમાં તમારા યોગદાનને ઓળખી રહ્યો છે.
સાથીઓ, આ યોજનામાં શરૂઆતથી જ એ બાબતનુ ધ્યાન રાખવામાં આવ્યુ છે કે આપણા લારી ફેરી વાળા ભાઈ બહેનોને કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહી. શરૂઆતમાં કેટલાક લોકો એટલા માટે પરેશાન હતા કે લોન લેવા માટે કેવા કેવા કાગળ તૈયાર કરવા પડશે. શું ગેરંટી આપવી પડશે અને એટલા માટે એવુ નક્કી કરવામાં આવ્યું કે ગરીબોના માટે તૈયાર કરવામાં આવતી અન્ય યોજનાઓની જેમ જ આ યોજનામાં પણ ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ કરવામાં આવશે. કોઈ કાગળ નહી, કોઈ ગેરંટર નહી, કોઈ દલાલ પણ નહી અને કોઈ સરકારી કચેરીની બહાર ચકકર લગાવવાની જરૂર પણ નહી, એપ્લીકેશન તમે જાતે પણ અપલોડ કરી શકો છો. અને કોઈ કોમન સર્વિસ સેન્ટર, નગરપાલિકા અથવા તો બેંકની બ્રાન્ચમાં જઈને નગરપાલિકા કે બેંકની શાખામાં જઈને પણ આવેદન પત્ર અપલોડ કરી શકાતુ હતુ. અને તેનુ પરિણામ એ આવ્યુ કે કોઈ પણ લારી ફેરી વાળા કે શેરીમાં ફરીને માલ વેચનાર વ્યક્તિને પોતાનુ કામ ફરી શરૂ કરવા માટે બીજાની પાસે જવાની કોઈ મજબૂરી રહી નથી. બેંકો પોતે આવીને પૈસા આપી રહી છે.
સાથીઓ, ઉત્તર પ્રદેશની અર્થ વ્યવસ્થામાં તો બેંકોની ખૂબ મોટી ભૂમિકા છે. આટલી મોટી વસતી, આટલુ મોટુ રાજ્ય પરંતુ લારી-ફેરીવાળાને કારણે અનેક લોકો પોતાના શહેરમાં જ પોતાની જરૂરિયાતો પૂર્ણ કરી રહ્યા છે. અને કોઈના કોઈ પ્રકારે કમાણી કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાંથી જે સ્થળાંતર થઈ રહ્યુ હતું તેને ઓછુ કરવામાં પણ લારી ફેરીના વ્યવસાયવાળાની ખૂબ મોટી ભૂમિકા રહી છે. અને એટલા માટે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો લાભ પહોંચાડવામાં પણ આજે ઉત્તર પ્રદેશ નં. 1 છે. સમગ્ર દેશમાં શહેરી સ્ટ્રીટ વેન્ડર્સનાં સૌથી વધુ આવેદનપત્રો ઉત્તર પ્રદેશમાંથી જ આવ્યાં છે, અને તેમાંથી આશરે 25 લાખ સ્વનિધિ ધિરાણની અરજીઓ મળી હતી અને 12 લાખથી વધુ અરજીઓ સ્વીકારવામાં પણ આવી છે. આમાંથી સાડા છ લાખથી વધુ અરજીઓ તો માત્ર ઉત્તર પ્રદેશમાંથી જ મળી છે. હું ઉત્તર પ્રદેશ સરકારને, યોગી આદિત્યનાથજીને અને તેમની ટીમને વિશેષ અભિનંદન પાઠવુ છું. કારણ કે તે આટલી વ્યાપક રીતે લારી ફેરી વાળા લોકોની ચિંતા કરી રહ્યા છે. મને કહેવામાં આવ્યુ છે કે હવે ઉત્તર પ્રદેશ સરકારે સ્વનિધિ યોજનાના ધિરાણ કરારને સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ આપી દીધી છે. ઉત્તર પ્રદેશમાં કોરોનાના આ મુશ્કેલ સમયમાં 6 લાખ લારીવાળા અને શેરી વિક્રેતાઓને હજારો રૂપિયાની મદદ પહોંચાડવામાં આવી છે. તેના માટે પણ હું ઉત્તર પ્રદેશ સરકારને ધન્યવાદ પાઠવુ છું.
સાથીઓ, ગરીબીના નામે રાજકારણ કરનારા લોકોએ દેશમાં એવુ વાતાવરણ ઉભુ કરી દીધુ છે કે એવુ માનવામાં આવે છે કે ગરીબને લોન આપવામાં આવશે તો તે પૈસા પાછા આપશે જ નહી. જે લોકો અગાઉ ગફલા અને ગોટાળા કરીને હંમેશાં બેઈમાની કરતા રહ્યા હતા તે લોકો તમામ વાંક ગરીબ લોકોનો કાઢી રહ્યા છે અને ગરીબને જવાબદદાર ઠેરવી રહ્યા છે, અને મેં અગાઉ પણ કહ્યું છે તે વાતનુ ફરીથી પુનરાવર્તન કરી રહ્યો છું કે આપણા દેશના ગરીબો ક્યારેય ઈમાનદારી અને આત્મસન્માન સાથે સમજૂતી કરતા નથી. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના માધ્યમથી ગરીબે વધુ એક વાર સચ્ચાઈ પૂરવાર કરી છે. દેશની સામે પોતાની ઈમાનદારીનુ ઉદાહરણ રજૂ કર્યુ છે. આજે દેશની શેરીમાં માલ-સામાન વેચતા લોકોને સ્વનિધિ યોજના હેઠળ ધિરાણ આપવામાં આવી રહ્યુ છે. અને અનેક લોકો સમયસર પોતાનુ ધિરાણ ચૂકવી પણ રહ્યા છે. અમારા ઉત્તર પ્રદેશના શેરી વિક્રેતા મહેનત કરીને કમાણી પણ કરી રહ્યા છે અને હપ્તા પણ ચૂકવી રહ્યા છે. આ આપણા ગરીબની ઈચ્છાશક્તિ છે. આપણા ગરીબની શ્રમ શક્તિ છે, આપણા ગરીબની ઈમાનદારી છે.
સાથીઓ, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના બાબતે તેમને બેંકમાંથી અને અન્ય સંસ્થાઓમાંથી જાણકારી મળી રહી હશે. અહીંથી પણ તમને આ યોજના બાબતે વાત કરવામાં આવી છે. આ યોજના અંગે વધુમાં વધુ લોકોને જાણ કરવી જરૂરી છે. આ યોજનામાં તમને આસાનીથી ધિરાણ મળી રહ્યું છે અને સમયસર ચૂકવણી કરવાથી વ્યાજમાં 7 ટકાની રાહત પણ આપવામાં આવી રહી છે, અને જો તમે ડિજિટલ લેવડ-દેવડ કરશો તો એક મહીનામાં 100 રૂપિયા કેશ-બેક તરીકે પણ તમારા ખાતામાં જમા થઈ જશે. મળવાના શરૂ થઈ જશે. આનો અર્થ એ થયો કે આ બંને કરવાથી તમારી લોન વ્યાજ મુક્ત થઈ જશે, વ્યાજ ફ્રી થઈ જશે. અને બીજી વખતે આનાથી વધુ ધિરાણ તમને મળી શકે છે. આ પૈસા તમને તમારો વ્યવસાય આગળ ધપાવવામાં મદદરૂપ થવાના છે.
સાથીઓ, આજે તમારા માટે બેંકોના જે દરવાજા ખુલ્યા છે. આજે બેંકો જે રીતે પોતે ચાલીને તમારી પાસે આવી રહી છે આ બધુ એકજ દિવસમાં શક્ય બન્યુ નથી. એ “સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ”ની નીતિનુ પરિણામ છે. આટલા વર્ષોથી જે પ્રયાસો કરવામાં આવ્યા છે તેનુ પરિણામ છે. આ એ લોકોને જવાબ છે કે જે લોકો કહેતા હતા કે ગરીબોને બેંકની વ્યવસ્થા સાથે જોડવાથી કશુ થશે નહી.
સાથીઓ, દેશમાં જ્યારે ગરીબોનાં જન ધન ખાતાં ખોલવામાં આવ્યાં હતાં ત્યારે આ લોકો જ તેની સામે સવાલો ઉભા કરી રહ્યા હતા. આ યોજનાની તેમણે હાંસી ઉડાવી હતી. પણ આજે એ જ જન ધન ખાતાં ગરીબોના મુશ્કેલીના સમયમાં કામમાં આવી રહ્યાં છે. ગરીબને આગળ ધપાવવામાં કામ લાગી રહ્યાં છે. આજે ગરીબ બેંક સાથે જોડાયેલો છે. અર્થ વ્યવસ્થાના મુખ્ય પ્રવાહ સાથે જોડાઈ ગયો છે. આટલી મોટી વૈશ્વિક આફત, જેની સામે દુનિયાના મોટા મોટા દેશ ઘૂંટણીયે પડી ગયા છે. એ સંકટ સામે લડત આપવામાં આજે આપણા દેશનો ગરીબ માણસ ખૂબ આગળ છે. આજે આપણી માતાઓ અને બહેનો ગેસ ઉપર રસોઈ બનાવી રહી છે. લૉકડાઉનના સમયમાં તેમને ધુમાડા વચ્ચે ખાવાનુ બનાવવુ પડ્યુ નથી. ગરીબોને રહેવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર મળી રહ્યાં છે. સૌભાગ્ય યોજનાને કારણે વીજળીનુ જોડાણ મળ્યુ છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળી રહી છે. આજે ગરીબો પાસે વીમા યોજનાનુ કવચ પણ છે. ગરીબોનો સમગ્ર વિકાસ, તેમના જીવન માટે થઈ રહેલા સમગ્ર પ્રયાસો, આજે દેશ માટે એક સંકલ્પ બની ચૂક્યા છે. આજે આ પ્રસંગે જેટલા લારી ફેરીવાળા, દુકાનદાર જેટલા શ્રમિક, મજૂર ખેડૂત વગેરે જોડાયેલા છે. હું તમને સૌને આશ્વાસન આપુ છું કે દેશ તમારા વ્યવસાયની સાથે ઉભો છે. તમારા કામને આગળ ધપાવવા માટે, તમારા જીવનને બહેતર અને આસાન બનાવવા માટે કોઈ કસર બાકી છોડવામાં આવશે નહી
સાથીઓ, કોરોનાની તકલીફોનો તમે હિંમત સાથે સામનો કર્યો છે. જે સાવધાનીથી તમે બચાવના નિયમોનુ પાલન કર્યુ છે, એ માટે હું તમને ફરી એક વાર ખૂબ-ખૂબ ધન્યવાદ પાઠવુ છું. તમારી આ સતર્કતાને કારણે, તમારી આ સાવધાનીને કારણે દેશ ખૂબ ટૂંકા સમયમાં આ મહામારીને હરાવશે. મને વિશ્વાસ છે કે ખૂબ ઝડપથી આપણે બધા મળીને આત્મનિર્ભર ભારતનું સપનુ પૂર્ણ કરીશું, અને હા, બે ગજનુ અંતર, માસ્ક જરૂરી છે, આ મંત્રનો આપણે તહેવારોની ઋતુમાં જરા વધુ ધ્યાન રાખવાનું છે. આ બાબતે કોઈ કચાશ રહેવી જોઈએ નહીં. એવી શુભકામના સાથે, હું ફરી એક વાર આપ સૌને તહેવારોની ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવુ છું. ખૂબ ખૂબ અભિનંદન પણ આપુ છું અને તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય તેવી ભગવાનને પ્રાર્થના કરૂ છું.
ખૂબ-ખૂબ ધન્યવાદ.
SD/GP/BT
(Release ID: 1667858)
Visitor Counter : 376
Read this release in:
Hindi
,
English
,
Urdu
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam