સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

પ્રત્યેક દસ લાખની વસ્તીએ સૌથી ઓછા કેસ, સૌથી ઓછા મૃત્યુ તેમજ સૌથી વધુ પરીક્ષણો ધરાવતા દેશોમાં ભારતનું સ્થાન યથાવત્


સક્રિય કેસોના સ્તરમાં એકધારું નીચે જવાનું વલણ જળવાઇ રહ્યું

છેલ્લા 24 કલાકમાં નવા 55,342 પોઝિટીવ કેસ નોંધાયા

प्रविष्टि तिथि: 13 OCT 2020 12:32PM by PIB Ahmedabad

કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે મળીને અમલમાં મૂકવામાં આવેલી કેન્દ્રિત વ્યૂહનીતિ અને અસરકારક રીતે વિકસતા માપદંડોના અમલના કારણે, પ્રત્યેક દસ લાખની વસ્તીએ નોંધાતા સૌથી ઓછા કેસ અને પ્રત્યેક દસ લાખની વસ્તીએ નોંધાતા સૌથી ઓછા મૃત્યુ ધરાવતા દેશોમાં વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિ એકધારી જળવાઇ રહી છે.

વૈશ્વિક આંકડા અનુસાર પ્રત્યેક દસ લાખની વસ્તીએ કેસની સંખ્યા 4,794 છે જેની સામે ભારતમાં 5,199 છે. યુકે, રશિયા, દક્ષિણ આફ્રિકા, યુએસએ અને બ્રાઝીલમાં ઘણી વધુ સંખ્યામાં કેસો નોંધાઇ રહ્યાં છે.

ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ મૃત્યુની સંખ્યા 79 છે જ્યારે વૈશ્વિક સરેરાશ આંકડો 138 છે.

જો કુલ હાથ ધરવામાં આવેલા પરીક્ષણોની વાત કરીએ તો, ભારત સૌથી વધુ પરીક્ષણો કરનારા ટોચના દેશોમાંથી એક છે. છેલ્લા 24 કલાકમાં થયેલા 10,73,014 પરીક્ષણો સાથે દેશમાં આજદિન સુધીમાં કરવામાં આવેલા કુલ પરીક્ષણો 8.89 કરોડ (8,89,45,107)ના આંકડાને વટાવી ગયા છે.

સતત ઘણી મોટી સંખ્યામાં પરીક્ષણો કરવામાં આવી રહ્યાં હોવાથી ચેપગ્રસ્ત દર્દીના વહેલા નિદાન અને સમયસર સારવારમાં મદદ મળી રહી છે જેના કારણે દેશમાં ઊંચી સંખ્યામાં રિકવરી દર નોંધાઇ રહ્યો છે જ્યારે સામેપક્ષે મૃત્યુદર એકધારો ઘટી રહ્યો છે.

યુએસએ, યુકે, રશિયા, ફ્રાન્સ જેવા ઊંચી આવક ધરાવતા દેશો સાથે ભારતની સરખામણી કરવી અયોગ્ય રહેશે કારણ કે ત્યાં ભારતની સમકક્ષ વસ્તી નથી. આ મુખ્યત્વે તેની વસ્તી ગતિશીલતાને કારણે છે જે સંસાધનોના વિસ્તૃત વિતરણમાં પરિણમે છે. પ્રત્યેક દસ લાખની વસ્તીએ ડૉક્ટર્સ અને નર્સોની ઉપલબ્ધતા, આરોગ્ય પાછળ ખર્ચવામાં આવતી GDPની ટકાવારી જેવા માપદંડોના આધાર પર જોવામાં આવે તો, ઊંચી આવક ધરાવતા દેશો સાથે ભારતની સરખામણીના કારણે અસમાન વિશ્લેષણ પ્રાપ્ત થશે. વ્યાપક સંદર્ભને ધ્યાનમાં રાખતા, કોવિડ-19ના વ્યવસ્થાપનમાં ભારતની લક્ષિત વ્યૂહનીતિ અને છેલ્લા કેટલાક મહિનામાં જાહેર આરોગ્ય પ્રતિભાવના કારણે પ્રોત્સાહક પરિણામો સામે આવી રહ્યાં છે.

ભારતમાં નવા પુષ્ટિ થતા પોઝિટીવ કેસોની સંખ્યામાં એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 55,342 કેસ પોઝિટીવ હોવાનું નોંધાયું છે.

દૈનિક નોંધાતા નવા કેસમાં નવો નીચો આંકડો કેન્દ્રની વ્યાપક અને સઘન પરીક્ષણ, તાત્કાલિક ટ્રેકિંગ અને સર્વેલન્સ, હોસ્પિટલાઇઝેશન અને પ્રમાણભૂત સારવારના પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવાની વ્યૂહનીતિ અંતર્ગત રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કરવામાં આવી રહેલા સહિયારા પ્રયાસોનું પરિણામ છે. તેના કારણે તમામ સાર્વજનિક અને ખાનગી હોસ્પિટલોમાં તેમજ હોમ આઇસોલેશન માટે આદર્શ ગુણવત્તાની તબીબી સારવાર મેળવવાનું સુનિશ્ચિત થઇ શક્યું છે.

છેલ્લા પાંચ અઠવાડિયાથી, દૈનિક નવા નોંધાતા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. દૈનિક નવા નોંધાતા કેસોની સાપ્તાહિક રેન્જ સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં 92,830 કેસની હતી ત્યાંથી ઘટીને ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં 70,114 કેસ થઇ ગઇ છે.

ભારતમાં સક્રિય કેસોની સંખ્યામાં પણ એકધારા ઘટાડાનું વલણ જળવાઇ રહ્યું છે. હાલમાં દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી માત્ર 11.69% સક્રિય કેસો છે અને સક્રિય કેસોની સંખ્યા 8,38,729 છે. સક્રિય કેસોની સંખ્યા સળંગ પાંચમા દિવસે નવ લાખના મહત્વપૂર્ણ આંકડા કરતા નીચે નોંધાઇ છે.

નવા નોંધાયેલા કુલ કેસોમાંથી 76% કેસો 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે. કર્ણાટક નવા નોંધાયેલા કેસોના મામલે મહારાષ્ટ્ર કરતા આગળ નીકળીને ટોચે આવી ગયું છે. બંને રાજ્યોમાં હજુ પણ 7,000 કરતાં વધારે નવા કેસ નોંધાઇ રહ્યાં છે. જ્યાં સૌથી વધુ સંખ્યામાં નવા કેસો નોંધાઇ રહ્યાં છે તેમાં કર્ણાટક, કેરળ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢ ટોચે છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 77,760 દર્દીઓ સાજા થઇ ગયા છે. આ સાથે દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 62 લાખ કરતાં વધારે (62,27,295) થઇ ગઇ છે. એક જ દિવસમાં સૌથી વધુ સંખ્યામાં રિકવરીનો આંકડો પણ સતત વધી રહ્યો છે જેના કારણે રાષ્ટ્રીય સરેરાશ સાજા થવાનો દર સુધરીને 86.78% થઇ ગયો છે.

નવા સાજા થયેલા કેસોમાંથી 78% કેસ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.

મહારાષ્ટ્રમાં 15,000 કરતા વધારે દર્દીઓ સાજા થવા સાથે સતત સૌથી વધુ સંખ્યામાં દૈનિક રિકવરી નોંધાઇ રહી છે જ્યારે ત્યારબાદ કર્ણાટકમાં 12,000 કરતા વધારે દર્દી દૈનિક ધોરણે સાજા થઇ રહ્યાં છે.

કોવિડ-19ના કારણે મૃત્યુ પામનારા કુલ દર્દીઓની સંખ્યા સતત દસમા દિવસે 1000 કરતાં ઓછી નોંધાઇ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 706 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આમાંથી લગભગ 79% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.

નવા મૃત્યુ પામેલામાંથી સૌથી વધુ એટલે કે 23% દર્દીઓ (165 મૃત્યુ) માત્ર મહારાષ્ટ્રમાં મૃત્યુ પામ્યા છે.

 

 SD/GP/BT


(रिलीज़ आईडी: 1663980) आगंतुक पटल : 233
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Punjabi , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Odia , Tamil , Telugu , Malayalam