પ્રધાનમંત્રીનું કાર્યાલય

સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડના વિતરણના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 11 OCT 2020 5:46PM by PIB Ahmedabad

આજે જે એક લાખ લોકોને પોતાના ઘરના માલિકી પત્રો એટલે કે પ્રોપર્ટી કાર્ડ મળ્યા છે. જેમને પોતાના કાર્ડ ડાઉનલોડ કર્યા છે તેમને હું ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છે. મને ખાત્રી છે કે આજે જ્યારે તમે તમારા પરિવારની સાથે બેઠેલા હશો, સાંજે જ્યારે ભોજન લેતા હશો ત્યારે તમને જેટલો આનંદ થયો હશે તેટલો આનંદ અગાઉ ક્યારેય નહીં થયો હોય. તમે તમારા બાળકોને ગર્વસાથે કહી શકશો કે જુઓ આજે આપણે વિશ્વાસ સાથે કહી શકીએ છીએ કે આ આપણી મિલકત છે. તમને આ મિલકત વારસામાં મળવાની છે. આપણને પૂર્વજોએ જે કાંઈ આપ્યું હતું તેના કાગળો ન હતા. આજે તેના કાગળો મળતાં આપણી તાકાત વધી ગઈ છે. આજની સાંજ તમારા માટે ખૂબ આનંદની સાંજ બની રહેશે અને નવા નવા સપનાં ઘડવાની સાંજ બની રહેશે. નવા સપનાંના વિષયમાં બાળકો સાથે વાતચીત કરવાની સાંજ બની રહેશે. એટલા માટે આજે તમને જે અધિકાર મળ્યો છે તેના માટે હું તમને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું.

એક રીતે કહીએ તો આ અધિકાર તમારા માટે એક કાનૂની દસ્તાવેજ છે. તમારૂં ઘર તમારૂં પોતાનું જ છે, તમારા ઘરમાં તમે જ રહેશો. તમારા ઘરનો શું શું ઉપયોગ કરવાનો છે તેનો નિર્ણય પણ તમે જ કરશો. ના, સરકાર એમાં કોઈ જ દખલ કરવાની કે અડોશ- પડોશના લોકો પણ તેમાં દખલ નહીં કરે. આ યોજના આપણાં દેશના ગામડાંઓમાં એક ઐતિહાસિક પરિવર્તન લાવનારી યોજના છે અને આપણે સૌ તેના સાક્ષી બની રહ્યા છીએ.

આજે આ કાર્યક્રમમાં મંત્રી મંડળના મારા સાથી, શ્રીમાન નરેન્દ્ર સિંહ તોમર પણ છે. હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહર લાલજી પણ છે. નાયબ મુખ્યમંત્રી શ્રી દુષ્યંત ચૌટાલા પણ છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી ત્રિવેન્દ્ર રાવત પણ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્ય નાથ પણ છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ છે. વિવિધ રાજ્યોના મંત્રીઓ પણ છે. સ્વામિત્વ યોજનાના અન્ય લાભાર્થી સાથીદારો પણ આજે આપણી વચ્ચે હાજર છે. અને જે રીતે નરેન્દ્ર સિંહ કહી રહ્યા હતા તે રીતે એક કરોડ કરતાં પણ વધુ લોકો કે જેમણે નોંધણી કરાવી છે અને આ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા છે. એટલે કે આજની આ વર્ચ્યુઅલ મિટીંગમાં ગામના આટલા બધા લોકો જોડાયા છે તે પણ સ્વામિત્વ યોજનાનું કેટલું મોટું આકર્ષણ છે, કેટલી તાકાત છે અને કેટલું મહત્વપૂર્ણ છે તેનો આ પૂરાવો છે.

આત્મનિર્ભર ભારત અભિયાનમાં આજે દેશે એક ઘણું મોટું પગલું ઉઠાવ્યું છે. સ્વામિત્વ યોજના ગામડાંમાં રહેનારા આપણાં ભાઈ-બહેનોને આત્મનિર્ભર બનાવવામાં ખૂબ મદદરૂપ નિવડે તેવી યોજના છે. આજે હરિયાણા, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના હજારો પરિવારોને તેમના ઘરના કાયદેસરના દસ્તાવેજો સોંપવામાં આવ્યા છે. હવે પછીના ત્રણ- ચાર વર્ષમાં દેશના દરેક ગામમાં અને દરેક ઘરને આ પ્રકારે, આ રીતે પ્રોપર્ટી કાર્ડ આપવાનો પ્રયાસ કરવામાં આવશે.

અને સાથીઓ, મને એ બાબતનો અત્યંત આનંદ છે કે આજે આ મહાન કામ, એક એવા દિવસે થઈ રહ્યું છે કે જે દિવસ ખૂબ જ મહત્વનો છે. આજનો દિવસ ભારતના ઈતિહાસમાં ઘણું મહત્વ ધરાવે છે અને તે એ છે કે આજના બે- બે મહાન સપૂતોની જન્મ જયંતિ છે, એક છે- ભારત રત્ન લોકનાયક જયપ્રકાશ નારાયણ અને બીજા- ભારત રત્ન નાનાજી દેશમુખ. આ બંને મહાપુરૂષોનો જન્મ દિવસ એક જ તારીખે આવે છે અને એટલું જ નહીં, આ બંને મહાપુરૂષોએ દેશમાં ભ્રષ્ટાચારના વિરોધ માટે, દેશમાં પ્રમાણિકતા માટે, દેશમાં ગરીબો અને ગામડાંઓનું કલ્યાણ થાય તે માટે આ બંનેની વિચારધારા એક સરખી હતી. બંનેના આદર્શો સમાન હતા, બંનેના પ્રયાસો પણ એક સરખા હતા.

જયપ્રકાશ બાબુએ જ્યારે સંપૂર્ણ ક્રાંતિનો અનુરોધ કર્યો, બિહારની ધરતી ઉપરથી અવાજ ઉઠ્યો, જે સપનાં જયપ્રકાશજીએ જોયા હતા, જે સપનાંના ઢાલ બનીને નાનાજી દેશમુખે કામ કર્યું હતું, જ્યારે નાનાજીએ ગામડાંઓના વિકાસ માટે પોતાની કામગીરીનો પ્રસાર કર્યો ત્યારે નાનાજી માટે જયપ્રકાશ બાબુ પ્રેરણારૂપ હતા.

અને જુઓ, કેટલો મોટો અદ્દભૂત સંયોગ છે. ગામ અને ગરીબોનો અવાજ બુલંદ કરવા માટે જયપ્રકાશ બાબુ અને નાનાજીના જીવનનો એક સહિયારો સંકલ્પ હતો. મેં ક્યાંક વાંચ્યુ હતું કે ડો. કલામ જ્યારે ચિત્રકૂટમાં નાનાજી દેશમુખને મળ્યા હતા ત્યારે નાનાજીએ તેમને જણાવ્યું હતું કે અમારે ત્યાં આસપાસના ડઝનબંધ ગામ કાનૂની લડાઈથી સંપૂર્ણપણે મુક્ત છે, એટલે કે અહિંયા કોઈ કોર્ટ-કચેરી નથી. કોઈની વિરૂધ્ધ પણ અહીં એફઆઈઆર થતી નથી. નાનાજી કહેતા હતા કે જો ગામનાં લોકો જ વિવાદોમાં ફસાયેલા રહેશે તો ના પોતાનો વિકાસ કરી શકશે કે ના પોતાના સમાજનો પણ વિકાસ કરી શકશે. મને વિશ્વાસ છે કે સ્વામિત્વ યોજના પણ આપણાં ગામોમાં અનેક વિવાદોને સમાપ્ત કરવાનું એક મોટું માધ્યમ બની રહેશે.

સાથીઓ, સમગ્ર વિશ્વમાં મોટા મોટા નિષ્ણાતો એક વાત ભારપૂર્વક કહી રહ્યા છે કે જમીન અને ઘરના માલિકી હક્કની દેશના વિકાસમાં ખૂબ મોટી ભૂમિકા હોય છે. જ્યારે સંપત્તિનો રેકોર્ડ હોય છે ત્યારે, જ્યારે સંપત્તિ પર અધિકાર મળતો હોય છે ત્યારે સંપત્તિ પણ સુરક્ષિત રહેતી હોય છે અને નાગરિકનું જીવન પણ સુરક્ષિત રહેતું હોય છે અને નાગરિકમાં આત્મવિશ્વાસ અનેક ગણ વધી જતો હોય છે. જો સંપત્તિનો રેકોર્ડ હોય તો રોકાણ માટે, નવા નવા સાહસો સ્થાપવા માટે, આર્થિક ઉપાર્જનની નવી યોજના બનાવવા માટે પણ ઘણાં બધા રસ્તા ખૂલી જતા હોય છે.

સંપત્તિનો રેકોર્ડ હોય તો બેંકમાંથી આસાનીથી ધિરાણ મળતું હોય છે. રોજગાર અને સ્વરોજગારનો રસ્તો ખૂલી જાય છે. પરંતુ આજે મુશ્કેલી એ છે કે દુનિયામાં એક તૃતિયાંશ વસતિ પાસે પોતાની સંપત્તિના કાનૂની દસ્તાવેજો ઉપલબ્ધ છે. સમગ્ર વિશ્વમાં બે તૃતિયાંશ લોકો પાસે પોતાની સંપત્તિના દસ્તાવેજ નથી. આવી સ્થિતિમાં ભારત જેવા વિકાસશીલ દેશ માટે એ જરૂરી બની રહે છે કે લોકો પાસે તેમની સંપત્તિનો સાચો રેકોર્ડ હોય અને જેમના નસીબમાં વૃધ્ધત્વ આવી ગયું છે, જે લોકો ભણેલા ગણેલા નથી, જે લોકો ખૂબ મુશ્કેલીથી જીવન પસાર કરી રહ્યા છે, પરંતુ આજે આ દસ્તાવેજો મળ્યા પછી તેમના માટે એક નવો વિશ્વાસ ધરાવતી જીંદગી જીવવાની શરૂઆત થઈ રહી છે.

સ્વામિત્વ યોજના અને તેની હેઠળ મળનારા પ્રોપર્ટી કાર્ડ આ દિશામાં, એવા વિચાર સાથે કે કોઈ પિડીત હોય, શોષિત હોય, વંચિત હોય, ગામમાં રહેતો હોય તો તેની ભલાઈ માટે આટલું મોટુ કદમ ઉઠાવવામાં આવ્યું છે.

પ્રોપર્ટી કાર્ડ, ગામડાંના લોકોને કોઈપણ વિવાદ વગર મિલકત ખરીદવાનો અને વેચવા માટેનો રસ્તો સરળ બનાવે છે. પ્રોપર્ટી કાર્ડ મળ્યા પછી લોકોને પોતાના ઘર ઉપર કબજો થઈ જવાની કોઈ આશંકા રહેતી નથી. તે આવી શંકાથી મુક્ત થાય છે અને પોતાનો અધિકાર દર્શાવી શકે છે. ખોટા કાગળો આપવાનું, લેવાનું વગેરે હવે બંધ થઈ જશે. પ્રોપર્ટી કાર્ડ મળ્યા પછી ગામડાંના ઘર ઉપર પણ બેંક સરળતાથી ધિરાણ આપશે.

સાથીઓ, આજે આપણાં ગામમાં જે નવયુવાનો છે તે પોતાની તાકાત ઉપર કશુંક કરવા માંગતા હોય છે. આત્મવિશ્વાસ સાથે આત્મનિર્ભર બનવા માંગે છે, પરંતુ ઘર હોવા છતાં પણ, જમીનનો ટૂકડો પોતાની પાસે હોવા છતાં પણ તેના દસ્તાવેજો હોતા નથી. કોઈ સરકારી દસ્તાવેજો ઉપલબ્ધ હોતા નથી. આથી દુનિયામાં કોઈ તેમની વાત માનવા તૈયાર હોતું નથી. તેમને કશુ મળી શકતું નથી, પણ હવે તેમને ધિરાણ પ્રાપ્ત કરવા માટે હક્ક સાથે ધિરાણ મેળવવા માટે આ દસ્તાવેજો તેમની પાસે ઉપલબ્ધ થયા છે. હવે સ્વામિત્વ યોજના હેઠળ બનેલા પ્રોપર્ટી કાર્ડ દેખાડીને બેંકોમાંથી ખૂબ જ સરળતાથી ધિરાણ મેળવવાનું નિશ્ચિત થઈ શક્યું છે.

સાથીઓ, આ માલિકી પત્રનો વધુ એક લાભ નવી વ્યવસ્થાઓના નિર્માણ માટે થવાનો છે. ડ્રોન જેવી નવી ટેકનોલોજીની મદદથી જે પ્રકારે મેપીંગ અને સર્વે કરવામાં આવી રહ્યા છે તેના કારણે દરેક ગામના નિશ્ચિત લેન્ડ રેકોર્ડ પણ બની શકશે. હું જ્યારે અધિકારીઓ સાથે વાત કરી રહ્યો હતો, જ્યારે પ્રોજેકટ શરૂ થયો ત્યારે અધિકારીઓએ મને કહ્યું કે ગામડાંઓની અંદર અમે જ્યારે મિલકત માટે ડ્રોન ચલાવીએ છીએ ત્યારે ગામનાં લોકોને પોતાની જમીનમાં રસ પડે તે ખૂબ જ સ્વાભાવિક છે, પરંતુ સૌની એવી ઈચ્છા રહે છે કે ડ્રોન મારફતે અમારી ઉપર અને સમગ્ર ગામમાં અમે તેમને બતાવીએ કે તેમનું ગામ કેવું દેખાય છે, તેમનું ગામ કેટલું સુંદર છે. અને અમારા એ અધિકારીઓ તો કહેતા હતા કે તેમણે થોડોક સમય તો ગામના સૌ લોકોને પોતાનું ગામ બતાવવું પડતું હતું. ગામ બતાવવાનું કામ ફરજીયાત થઈ ગયું હતું અને ગામ પ્રત્યે પ્રેમ જાગતો હતો.

ભાઈઓ અને બહેનો,

અત્યાર સુધીમાં મોટાભાગના ગામડાંઓમાં શાળા, હોસ્પિટલ, બજાર અથવા અન્ય કેટલીક સુવિધાઓ ક્યાં ઉભી કરવી, કેવી રીતે ઉભી કરવી. સુવિધાઓ ક્યાં ઉભી કરાશે, તેના માટે જમીન ક્યાં છે તેનો કોઈ હિસાબ મળતો ન હતો. જ્યાં પણ મરજી પડે, જ્યાં પણ અધિકારી બેઠેલો હોય, જ્યાં ગામનો સરપંચ હોય અને કોઈ જરા દમદાર આદમી હોય તો તે પોતાનું ધાર્યું કરાવી શકતો હતો. હવે તો કાગળ ઉપર તમામ નકશા તૈયાર છે. કઈ ચીજ ક્યાં બનશે તે ખૂબ જ સરળતાથી નક્કી કરી શકાશે, કોઈ વિવાદ પણ નહીં ઉભો થાય. અને સાચો લેન્ડ રેકોર્ડ હોવાના કારણે ગામના વિકાસ સાથે જોડાયેલા કામો પણ ખૂબ જ આસાનીથી થઈ શકશે.

સાથીઓ, વિતેલા 6 વર્ષમાં આપણી પંચાયતી રાજ સિસ્ટમને સશક્ત બનાવવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને આવા પ્રયાસોને પણ સ્વામિત્વ યોજનાને કારણે મજબૂતી પ્રાપ્ત થશે. અનેક યોજનાઓના પ્લાનીંગથી માંડીને તેના અમલ અને માવજતની જવાબદારી ગ્રામ પંચાયતોની પાસે જ રહેશે. અને હવે ગામના લોકો જાતે જ નક્કી કરશે કે તેમના ત્યાં વિકાસ માટે શું કરવું જરૂરી છે અને તેમની સમસ્યાનો ઉકેલ કઈ રીતે આવી શકે તેમ છે.

પંચાયતોના કામકાજને પણ હવે ઓનલાઈન કરવામાં આવી રહ્યું છે, અને એટલું જ નહીં, વિકાસના જે કોઈ કામ પંચાયત કરે છે તેનું પણ જીઓ ટેગીંગ કરવાનું અનિવાર્ય કરવામાં આવ્યું છે. જો કોઈ કૂવો બનાવવામાં આવે તો મારી ઓફિસ સુધી ઓનલાઈન જાણકારી વડે ખબર પડી જાય છે કે કયા ખૂણામાં કૂવો બની રહ્યો છે. આ ટેકનોલોજીની કૃપા છે અને આ બાબત ફરજીયાત છે. શૌચાલય બને તો તેનું પણ જીઓ ટેગીંગ થશે. સ્કૂલ બનશે તો તેનું પણ જીઓ ટેગીંગ થશે. પાણી માટે નાનો સરખો બંધ બનાવવાનો હશે તો તેનું પણ જીઓ ટેગીંગ થશે. આના કારણે રૂપિયા- પૈસા ગાયબ કરી દેવાના કામ બંધ થઈ જશે અને વ્યવસ્થાઓ ઉભી થશે તે બતાવવી પડશે અને રૂબરૂ જોઈ પણ શકાશે.

સાથીઓ, સ્વામિત્વ યોજનાથી આપણી ગ્રામ પંચાયતો માટે અને નગરપાલિકાઓ માટે તથા નગર નિગમોની જેમ જ વ્યવસ્થિત રીતે ગામનો વહિવટ કરવાનું પણ આસાન બની જશે. ગામની સુવિધાઓ માટે સરકાર તરફથી જે મદદ મળી રહી હોય તેની સાથે સાથે ગામમાં પણ સાધનો ઉભા કરવા પડશે. એક રીતે કહીએ તો ગામમાં રહેનારા લોકોને મળી રહેલા દસ્તાવેજ ગ્રામ પંચાયતોને મજબૂત બનાવવામાં પણ ખૂબ જ મદદરૂપ પૂરવાર થશે.

સાથીઓ,

આપણે ત્યાં હંમેશા એવું કહેવામાં આવતું હતું કે ભારતનો આત્મા તેના ગામડાંઓમાં વસે છે, પરંતુ હકિકત એ છે કે ભારતમાં ગામડાંઓને તેમની હાલત ઉપર છોડી દેવામાં આવેલા છે. અત્યાર સુધી શૌચાલયોની સૌથી વધુ મુશ્કેલી ક્યાં હતી? ગામડાંઓમાં હતી. વિજળીની સૌથી વધુ પરેશાની ક્યાં હતી? ગામડાંઓમાં હતી. અંધારામાં જીવન કોણે ગૂજારવું પડતું હતું ? ગામના લોકોએ પસાર કરવું પડતુ હતું. લાકડા બાળવાના ચૂલા હતા, ધૂમાડા વચ્ચે રસોઈ ક્યાં બનાવવી પડતી હતી? આ મજબૂરી ગામડાંઓમાં હતી.

બેંકીંગ વ્યવસ્થાઓ સાથે ક્યાં મોટું અંતર પડી ગયું હતું ? આ સ્થિત ગામડાંઓની હતી. સાથીઓ, આટલા વર્ષો સુધી જે લોકો સત્તામાં રહ્યા, જેમણે વાતો તો મોટી મોટી કરી, પણ તેમણે પોતાના ગામ અને ગામનાં લોકોને એવી મુસીબતો વચ્ચે છોડી દીધા હતા, પરંતુ હું એવું કરી શકતો નથી, તમારા આશીર્વાદથી જો કોઈ કામ થઈ શકશે તે મારે કરવાનું છે, તમારા માટે જ કરવાનું છે. ગામના માટે કરવાનું છે, ગરીબો માટે કરવાનું છે. પિડીત, શોષિત અને વંચિત માટે કરવાનું છે કે જેથી તેમણે બીજા કોઈની ઉપર આધાર રાખવો પડે નહીં. બીજાની ઈચ્છાના ગુલામ બનીને જીવવું પડે નહીં.

પરંતુ સાથીઓ, છેલ્લા 6 વર્ષમાં મેં આવી જૂની ઊણપો દૂર કરવા માટે એક પછી એક કામ શરૂ કર્યા અને તેને ગામડાં સુધી લઈ ગયો. ગરીબના ઘર સુધી લઈ ગયો. આજે દેશમાં કોઈપણ ભેદભાવ વગર સૌનો વિકાસ થઈ રહ્યો છે. સંપૂર્ણ પારદર્શકતા સાથે બધાને યોજનાઓના લાભ મળી રહ્યા છે. જો સ્વામિત્વ જેવી યોજના અગાઉ બની હોત તો, ઠીક છે એ સમયે ડ્રોન ના હોત, પરંતુ ગામડાં સાથે બેસીને ઉપાય તો શોધી શકાયો હોત, પરંતુ એ નહીં થઈ શક્યું. જો એવું થઈ શક્યું હોત તો ના કોઈ, વચેટિયા હોત કે ના કોઈ રૂશ્વતખોરી હોત. ના કોઈ દલાલ હોત કે ના કોઈ મજબૂરી હોત. હવે જે યોજના બની છે તેની તાકાત ટેકનોલોજીમાં છે, ડ્રોનમાં છે. અગાઉ જમીનનું મેપીંગ દલાલોની નજર નીચે થતું હતું, હવે ડ્રોનની નજર નીચે મેપીંગ થઈ રહ્યું છે. ડ્રોનમાં જે દેખાયું હોય છે તે જ કાગળ ઉપર ઉતારવામાં આવે છે.

સાથીઓ, ભારતના ગામડાંઓ માટે, ગામડાંમાં રહેનારા લોકો માટે જેટલું કામ છેલ્લા 6 વર્ષમાં કરવામાં આવ્યું છે તેટલું કામ આઝાદીના 6 દાયકા દરમ્યાન પણ થયું નથી. 6 દાયકા સુધી ગામડાંના કરોડો લોકો બેંકના ખાતાથી વંચિત હતા. તેમના માટે હવે ખાતા ખૂલી ગયા છે. 6 દાયકા સુધી ગામડાંના કરોડો લોકો પાસે વિજળીના જોડાણો ન હતા. આજે હવે ઘેર ઘેર વિજળી પહોંચી શકી છે. 6 દાયકા સુધી ગામડાંના કરોડો લોકો શૌચાલયથી વંચિત હતા. આજે ઘરે ઘરે શૌચાલય પણ બની ગયા છે.

સાથીઓ,

દાયકાઓ સુધી ગામના ગરીબ લોકો પાસે ગેસનું જોડાણ હોય તેવું વિચારી પણ શકાતું ન હતું. આજે ગરીબોના ઘરે પણ ગેસનું જોડાણ પહોંચી ગયું છે. દાયકાઓ સુધી ગામડાંના કરોડો ગરીબ પરિવારો પાસે પોતાનું ઘર ન હતું. આજે આશરે બે કરોડ ગરીબ પરિવારોને પોતાના પાકા ઘર મળી ચૂક્યા છે અને આવનારા ખૂબ ઓછા સમયમાં જે લોકો બાકી રહી ગયા છે તેમને પણ પાકા ઘર મળી રહે તેના માટે હું તન, મન લગાવીને કામે લાગી ગયો છું. દાયકાઓ સુધી ગામડાંના ઘરોમાં પાઈપથી પાણી પહોંચી શકતું ન હતું. આવું થઈ શકે તેવું કોઈ વિચારી પણ શકતું ન હતું. આપણી માતાઓ અને બહેનોએ ત્રણ- ત્રણ કી.મી. ચાલીને માથે મોટો બોજ ઉઠાવીને પાણી લેવા જવું પડતું હતું. આજે હવે દરેક ઘરમાં પાણી પહોંચી રહ્યું છે. આજે દેશના એવા 15 કરોડ ઘર સુધી પીવાનું પાણી પહોંચાડવા માટે ઝડપભેર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પહેલાં લોકો કહેતા હતા કે વિજળી આવે છે અને જાય છે. આજે લોકો ફરિયાદ કરે છે કે મોબાઈલ ફોનમાં કનેક્શન આવે છે અને જાય છે. આ સમસ્યાઓનું સમાધાન ઓપ્ટીકલ ફાયબરમાં છે.

સાથીઓ, જ્યાં અભાવ હોય છે ત્યાં એવી એવી તાકાતોનો પ્રભાવ ઉભો થાય છે અને આવી તાકાતોનું દબાણ પરેશા કરી જતું હોય છે. આજે ગામડાં અને ગરીબને અભાવમાં રાખવું તે કેટલાક લોકોની રાજનીતિનો આધાર બની ગયો છે. આવું ઈતિહાસ બતાવે છે. અમે ગરીબોને અભાવમાંથી મુક્તિ આપવાનું અભિયાન હાથ ધર્યું છે.

ભાઈઓ અને બહેનો,

આવા લોકોને લાગતું હતું કે જો ગામ, ગરીબ, ખેડૂત, આદિવાસી વગેરે સશક્ત બની જશે તો તેમને કોણ પૂછશે? તેમની દુકાન નહીં ચાલે, તેમના હાથ-પગ કોણ પકડશે? તેમની પાસે આવીને કોણ ઝૂકશે? એટલા માટે આવા લોકો માનતા હતા કે ગામની સમસ્યાઓ એવીને એવી જ રહેવી જોઈએ. જો સમસ્યાઓ એવીને એવી જ રહેશે તો તેમનું કામ ચાલતું રહેશે અને આટલા માટે જ કામને અટકાવવા, લટકાવવા અને ભટકાવવા તે તેમની આદત બની ગઈ હતી.

આજ કાલ આ લોકોને ખેતી બાબતે જે ઐતિહાસિક સુધારા કરવામાં આવ્યા છે તેના કારણે મુશ્કેલી પડી રહી છે. સ્તબ્ધ થઈ ગયા છે. સ્તબ્ધ થવાનું ખેડૂતો માટે નથી, હવે દેશને એ સમજાવવામાં લાગ્યુ છે કે તેમની પરેશાની પેઢી દર પેઢી વચેટીયાઓ, ઘૂસણખોરો અને દલાલોનું તંત્ર ઉભુ કરીને એક પ્રકારે માયાજાળ ઉભી કરીને રચવામાં આવ્યું હતું તથા આવા લોકોની આ માયાજાળને તથા તેમના ઈરાદાઓને ધ્વસ્ત કરવાનું કામ અમે શરૂ કરી દીધુ છે.

કરોડો ભારતીયો ભૂજાઓ જ્યાં સુધી એક તરફ ભારતના નવનિર્માણમાં જોડાયેલી રહેશે અને તે લોકોને હકિકતથી માહિતગાર કરતી રહેશે. દેશને લૂંટવામાં લાગેલા આ લોકોને દેશ હવે ઓળખી ગયો છે. અને એટલા માટે જ આ લોકો આજ કાલ દરેક બાબતનો વિરોધ કરી રહ્યા છે. ના તેમને કોઈ ગામની ચિંતા છે, કે ના તેમને કોઈ ગરીબની ચિંતા છે. તેમને દેશની પણ કોઈ ચિંતા નથી. તેમને દરેક સારા કામમાં મુશ્કેલી દેખાઈ રહી છે. આ લોકો દેશનો વિકાસ રોકવા માંગે છે. આ લોકો ઈચ્છતા નથી કે આપણાં ગામ, ગરીબો અને ખેડૂતો તથા શ્રમિક ભાઈ- બહેનો આત્મનિર્ભર બને. આજે અમે દોઢ ગણા ટેકાના લઘુત્તમ ભાવ આપી બતાવ્યા છે. આ લોકો એવું કરી શકતા ન હતા.

નાના ખેડૂતો, પશુ પાલકો, માછીમારો, વગેરેને કિસાન ક્રેડિટ કાર્ડ મળવાથી જે લોકોની કાળી કમાણીનો રસ્તો બંધ થઈ ગયો છે તેમને આજે સમસ્યા થઈ રહી છે. યુરિયાનું નીમ કોટીંગ કરવાથી જેમની ગેરકાયદે થતી પધ્ધતિઓ બંધ થઈ ગઈ છે તેવા લોકોને તકલીફ પડી રહી છે. ખેડૂતોને બેંકના ખાતામાં સીધા પૈસા પહોંચવાના કારણે જે લોકોને મુશ્કેલી નડી રહી છે તે લોકો આજે બેચેન છે. ખેડૂતો અને ખેત મજૂરોને આજે વીમો, પેન્શન વગેરે સુવિધાઓ મળવાના કારણે જેમને પરેશાની થઈ રહી છે તે લોકો આજે ખેત સુધારાનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ ખેડૂત તેમની સાથે જવા તૈયાર નથી, ખેડૂત તેમને ઓળખી ગયો છે.

સાથીઓ,

દલાલો, વચેટિયાઓ, લાંચિયાઓ, કમિશનબાજો વગેરેના આધારે રાજનીતિ કરનારા લોકો ભલે મોટા સપનાં સેવતા હોય, મોટું જુઠ્ઠાણું ફેલાવી રહ્યા હોય, પરંતુ દેશ તેના કારણે અટકવાનો નથી. દેશે નક્કી કરી લીધું છે કે ગામડાં અને ગરીબોને આત્મનિર્ભર બનાવવાના છે. ભારતના સામર્થ્યની ઓળખ ઉભી કરવાની છે. આ સંકલ્પની સિધ્ધિ માટે સ્વામિત્વ યોજનાની ભૂમિકા ઘણી મોટી છે અને એટલા માટે આજે જે 1 લાખ પરિવારોને આટલા ઓછા સમયમાં સ્વામિત્વ યોજનાનો લાભ મળી ચૂક્યો છે અને આજે હું ખાસ કરીને નરેન્દ્ર સિંહજી અને તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છે. તેમને પણ અભિનંદન આપું છું કે જેમણે આટલા ઓછા સમયમાં આટલું મોટું કામ કરી બતાવ્યું છે. કામ નાનું નથી, ગામડે ગામડે જવું અને તે પણ આ લૉકડાઉનના સમયમાં જવું અને આટલું મોટું કામ કર્યું હોવાના કારણે આ લોકોને પણ જેટલા અભિનંદન આપવામાં આવે તેટલા ઓછા છે.

અને મને વિશ્વાસ છે કે અમારી સરકારના નાના મોટા અધિકારીઓએ જે રીતે કામ કર્યું છે તે જોતાં મને લાગે છે કે ચાર વર્ષ પ્રતિક્ષા નહીં કરવી પડે. જો તે ઈચ્છશે તો સમગ્ર દેશમાં અને તે પહેલાં પણ આ કામ કરી બતાવશે, કારણ કે આટલું મોટું કામ અને જ્યારે મેં એપ્રિલમાં વાત કરી ત્યારે મને ખબર પડી કે હું થોડીક વધારે વાત કરી રહ્યો છું. મેં જોયું, મેં કહ્યું, તેના કરતાં પણ તેમણે વધુ કામ કરી બતાવ્યું છે. સાથે સાથે જેમને આ લાભ મળ્યો છે તે પરિવારોમાં તો એક સ્વામિત્વ ઉભુ થયું છે. આત્મવિશ્વાસ જાગી ઉઠ્યો છે. તમારા ચહેરા પર જે આનંદ દેખાય છે તેનાથી પણ વધુ આનંદ મને થાય છે. તમારો આનંદ મારા આનંદનું કારણ બન્યો છે. તમારા જીવનમાં ભવિષ્યના સપનાં સાકાર કરવાની જે તક પેદા થઈ છે તે મારાં સપનાં સાકાર કરવા માટે મને પણ દેખાઈ રહી છે.

અને એટલા માટે જ ભાઈઓ અને બહેનો, તમે જેટલા ખુશ છો, તેનાથી વધારે ખુશી મને થાય છે, કારણ કે આજે મારા એક લાખ પરિવાર આત્મવિશ્વાસની સાથે, આત્મસન્માન સાથે પોતાની સંપત્તિના દસ્તાવેજો સાથે દુનિયાની સામે વિશ્વાસથી ઉભા રહ્યા છે. આ એક ઉત્તમ અવસર છે અને તે પણ જયપ્રકાશ નારાયણના જન્મ દિવસે. નાનાજીના જન્મ દિવસે પ્રાપ્ત થયો છે તેના કરતાં વિશેષ બીજો કયો આનંદ હોઈ શકે !

હું આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, કારણ કે હાલ સમગ્ર દેશમાં આપણે અભિયાન ચલાવી રહ્યા છીએ. હાલના કોરોનાના સમયમાં માસ્ક પહેરવા માટે, બે ગજનું અંતર જાળવવા માટે વારંવાર સાબુથી હાથ ધોવા માટે, તમે બિમાર ના થાવ, તમારા પરિવારમાં પણ કોઈ બિમાર ના થાય, તમારા ગામમાં પણ કોઈ બિમારી ના ઘૂસે એટલા માટે આપણે સૌએ ચિંતા કરવાની છે. અને આપણે જાણીએ છીએ કે આ બિમારી એવી છે કે જેની દુનિયામાં કોઈ દવા બની નથી. તમે મારા પરિવારના સભ્યો છો અને એટલા માટે જ તમને આગ્રહ સાથે જણાવું છું કે, જ્યા સુધી દવા નહીં, ત્યાં સુધી ઢીલાશ નહીં. આ મંત્ર ભૂલવાનો નથી અને પૂરી કાળજી લેવાની છે. આવા વિશ્વાસની સાથે હું ફરી એક વખત આજની ખૂબ જ આનંદદાયક પળ, સુખદ પળ, સપનાંની પળ, સંકલ્પની પળ માટે અનેક અનેક શુભેચ્છાઓ પાઠવું છું.

ખૂબ-ખૂબ ધન્યવાદ !

 

SD/GP/BT

 



(Release ID: 1663611) Visitor Counter : 511