સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

35 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ દૈનિક 140 કરતાં વધારે પરીક્ષણો કરવામાં આવી રહ્યાં છે


22 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પોઝિટીવિટી દર રાષ્ટ્રીય સરેરાશની સરખામણીએ ઓછો છે

સળંગ 17મા દિવસે દેશમાં સક્રિય કેસની સંખ્યા 10 લાખ કરતાં ઓછી નોંધાઇ

Posted On: 08 OCT 2020 11:20AM by PIB Ahmedabad

ભારતમાં જાન્યુઆરી 2020થી આજદિન સુધીમાં કોવિડ-19ના પરીક્ષણના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્રચંડ વૃદ્ધિ જોવા મળી છે. દેશમાં પરીક્ષણોની ક્ષમતામાં અનેક ગણો વધારો થયો છે. દરરોજ સરેરાશ 15 લાખ કરતાં વધારે પરીક્ષણો કરી શકાય તેવી સ્થિતિ છે.

પ્રત્યેક દસ લાખની વસ્તીએ દૈનિક 140 પરીક્ષણોની સંખ્યા જાળવી રાખવા માટે WHO દ્વારામાં આપવામાં આવેલી સલાહનું ભારતે નોંધપાત્ર રીતે પાલન કર્યું છે. WHO દ્વારા "કોવિડ-19ના સંદર્ભમાં જાહેર આરોગ્ય અને સામાજિક માપદંડોનું સમાયોજન કરવા માટે જાહેર આરોગ્ય માપદંડો” અંગે માર્ગદર્શન નોંધમાં સલાહ આપવામાં આવી હતી કે, શંકાસ્પદ કેસો પર વ્યાપક પ્રમાણમાં દેખરેખ રાખવા માટે આ વ્યૂહનીતિ અપનાવવી જોઇએ.

અન્ય એક સિદ્ધિરૂપે, 35 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સલાહ આપવામાં આવેલા સરેરાશ પરીક્ષણોની સરખામણીએ વધુ સંખ્યામાં પરીક્ષણો થઇ રહ્યાં છે. પ્રત્યેક દસ લાખની વસ્તીએ દૈનિક પરીક્ષણોની રાષ્ટ્રીય સરેરાશ સંખ્યા 865 છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં લગભગ 12 લાખ પરીક્ષણો કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કરવામાં આવેલા 11,94,321 પરીક્ષણો સાથે, દેશમાં આજદિન સુધીમાં થયેલા કુલ પરીક્ષણોની સંખ્યા 8.34 કરોડ (8,34,65,975)નો આંકડો ઓળંગી ગઇ છે.

આ પૂરાવાઓ દર્શાવે છે કે, એકધારા મોટી સંખ્યામાં પરીક્ષણો કરવામાં આવી રહ્યાં હોવાથી, દેશમાં પોઝિટીવિટીનો દર નીચે લાવવામાં ઘણી મદદ મળી છે. રાષ્ટ્રીય કુલ પોઝિટીવિટી દરમાં તીવ્ર ઘટાડો દર્શાવે છે કે, સંક્રમણના દરને નિયંત્રણમાં લેવામાં આવી રહ્યો છે.

વ્યાપક વિસ્તારમાં મોટી સંખ્યામાં પરીક્ષણોના કારણે પોઝિટીવ કેસની વહેલી ઓળખ, પૂરતા પ્રમાણમાં સર્વેલન્સ અને ટ્રેસિંગ દ્વારા ત્વરિત ટ્રેકિંગ તેમજ ગંભીર સ્થિતિ ધરાવતા કેસને હોસ્પિટલમાં સારવાર જ્યારે હળવા લક્ષણો હોય તેમને ઘર/ સુવિધા ખાતે સંભાળ દ્વારા સમયસર અને અસરકારક સારવાર કરવાનું શક્ય બન્યું છે. આ પગલાંના કારણે તબક્કાવાર રીતે મૃત્યુદર ઘટાડવામાં પણ મદદ મળી શકી છે.

7 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પોઝિટીવિટી દર 5% કરતાં ઓછો નોંધાયો છે.

રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવેલી કેન્દ્ર સરકારની ટેસ્ટ, ટ્રેક, ટ્રેસ, ટ્રીટ અને ટેકનોલોજીની વ્યૂહનીતિના કારણે આ પરિણામો પ્રાપ્ત કરવાનું શક્ય બન્યું છે.

22 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પોઝિટીવિટી દર રાષ્ટ્રીય સરેરાશની સરખામણીએ ઓછો નોંધાયો છે. કુલ પોઝિટીવિટી દર 8.19% ટકા છે અને તેમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.

સતત નવા પોઝિટીવ નોંધાતા કેસની સરખામણીએ નવા સાજા થતા દર્દીઓની વધારે સંખ્યા નોંધાઇ રહી છે અને છેલ્લા 24 કલાકમાં નવા પુષ્ટિ થયેલા 78,524 કેસની સરખામણીએ નવા સાજા થયેલા કેસની સંખ્યા 83,011 નોંધાઇ છે. દેશમાં આજદિન સુધીમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 58,27,704 થઇ ગઇ છે. આ સાથે દેશમાં સક્રિય કેસ અને સાજા થયેલા કેસ વચ્ચેનો તફાવત 49 લાખ (49,25,279) કરતાં વધારે નોંધાયો છે.

દેશમાં સળંગ 17મા દિવસે સક્રિય કેસની સંખ્યા 10 લાખ કરતાં ઓછી નોંધાઇ છે. હાલમાં દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસોની સંખ્યા માત્ર 13.20% એટલે કે, 9,02,425 છે.

મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યાં હોવાથી રાષ્ટ્રીય રિકવરી દરમાં પણ નોંધપાત્ર સુધારો લાવવામાં મદદ મળતા આ દર હવે વધીને 85.25% થઇ ગયો છે.

નવા સાજા થયેલા કેસમાંથી 75% કેસ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી હોવાનું ધ્યાને આવ્યું છે. માત્ર મહારાષ્ટ્રમાં જ એક દિવસમાં સૌથી વધુ 16,000 કરતા વધારે દર્દીઓ સાજા થઇ ગયા છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસની સંખ્યા 78,524 નોંધાઇ છે.

નવા નોંધાયેલા કેસમાંથી 79% કેસ 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે. મહારાષ્ટ્રમાં સતત સૌથી વધુ પોઝિટીવ કેસ નોંધાઇ રહ્યાં છે અને એક દિવસમાં નવા નોંધાયેલા કેસની સંખ્યામાં 14,000 કરતાં વધારે છે જ્યારે ત્યારબાદ લગભગ 11,000 નવા કેસ સાથે કર્ણાટક છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 971 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે.

આમાંથી, લગભગ 82% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, આંધ્રપ્રદેશ, પંજાબ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાંથી હતા.

નવા નોંધાયેલા મૃત્યુમાંથી 36% દર્દીઓ માત્ર મહારાષ્ટ્રના (355 મૃત્યુ) હોવાનું નોંધાયું છે.

 

SD/GP/BT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:          

 



(Release ID: 1662706) Visitor Counter : 190