પ્રધાનમંત્રીનું કાર્યાલય

ભારત-ડેન્માર્ક વર્ચ્યુઅલ દ્વિપક્ષીય મંત્રણામાં પ્રધાનમંત્રીનું પ્રારંભિક નિવેદન

Posted On: 28 SEP 2020 5:25PM by PIB Ahmedabad

નમસ્કાર, મહામહિમ !

આ વર્ચ્યુઅલ મંત્રણાના માધ્યમથી તમારી સાથે વાત કરવાની તક પ્રાપ્ત થઈ છે તેની મને અત્યંત પ્રસન્નતા છે. સૌથી પહેલાં તો હું ડેન્માર્કને કોવિડ- 19ના કારણે થયેલા નુકસાન બદલ ખેદ વ્યક્ત કરૂ છું અને આ સંકટ પાર પાડવા માટે તમે જે કુશળ નેતૃત્વ પૂરૂ પાડ્યુ છે તે બદલ અભિનંદન પણ પાઠવુ છું.

તમામ વ્યસ્તતાઓની વચ્ચે તમે આ વાર્તાલાપ માટે સમય કાઢયો છે તે આપણાં પરસ્પરના સંબંધો ઉપર તમે જે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છો તેની નિષ્ઠા દર્શાવે છે.

હજુ હમણાં જ આપના લગ્ન થયા છે. હું તેના માટે તમને મંગલમય શુભકામના પાઠવું છું અને આશા રાખુ છું કે કોવિડ-19ના કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં સુધારો થયા પછી તુરત જ ભારતમાં પરિવાર સહિત તમારૂં સ્વાગત કરવાની તક પ્રાપ્ત થશે. મને વિશ્વાસ છે તે તમારી દિકરી ઈદા ફરીથી ભારત આવવા માટે ચોકકસ આતુર હશે.

થોડાંક મહિના પહેલાં આપણી વચ્ચે ફોન ઉપર થયેલી વાતચીત ખૂબ જ ઉપયોગી નિવડી હતી. તમે ઘણાં ક્ષેત્રોમાં ભારત અને ડેન્માર્ક વચ્ચે સહયોગ વધારવા બાબતે ચર્ચા કરી હતી.

મારા માટે એ આનંદનો વિષય છે કે આજે આપણે વર્ચ્યુઅલ સમિટના માધ્યમથી આપણાં ઈરાદાને નવી દિશા અને ગતિ આપી રહ્યા છીએ. હું જ્યારે 2009માં ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે વર્ષ 2009થી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ડેન્માર્ક સતત સામેલ થઈ રહ્યુ હતું જેના કારણે ડેન્માર્ક તરફ મારી વિશેષ લાગણી રહી છે. દ્વિતીય ઈન્ડીયા નાર્ડીક સમિટના યજમાન બનવા માટેના તમારા પ્રસ્તાવ બદલ હું તમારો આભારી છું. સ્થિતિમાં સુધારો થયા પછી ડેન્માર્ક આવવાનું અને તમને મળવાનું મારા માટે સૌભાગ્યની બાબત બની રહેશે.  

મહામહિમ,

વિતેલા કેટલાક મહિનાઓની ઘટનાઓએ એ સ્પષ્ટ કર્યું છે કે, આપણાં જેવા સમાન વિચારધારા ધરાવતા દેશોએ એક નિયમ આધારિત, પારદર્શક અને માનવતાવાદી તથા લોકશાહી મૂલ્ય પધ્ધતિનું આદાન- પ્રદાન કરીએ છીએ, સાથે મળીને કામ કરવું તે કેટલું આવશ્યક છે.

રસી વિકસાવવાની બાબતમાં પણ સમાન વિચારધારા ધરાવતા દેશ વચ્ચે સહયોગ થાય તો તેના કારણે મહામારી સામે કામ પાર પાડવામાં મદદ મળશે. આ મહામારી દરમ્યાન ભારતની ફાર્મા ઉત્પાદન ક્ષમતા સમગ્ર વિશ્વ માટે ઉપયોગી બની રહી છે. આવો જ પ્રયાસ અમે રસી બાબતે પણ કરી રહ્યા છીએ.

અમારા અભિયાનનો પણ એ પ્રથમ પ્રયાસ છે કે મુખ્ય આર્થિક ક્ષેત્રોમાં ભારતની ક્ષમતામાં વધારો થાય, ભારત “આત્મનિર્ભર” બને અને તે વિશ્વના કામમાં પણ આવે.

અમારા અભિયાન હેઠળ અમે તમામ ક્ષેત્રોમાં સુધારા ઉપર ભાર મૂકી રહ્યા છીએ. નિયમનલક્ષી અને કરવેરા સુધારાઓને કારણે ભારતમાં કામ કરનારી કંપનીઓને પણ લાભ થશે. અન્ય ક્ષેત્રોમાં પણ સુધારાની પ્રક્રિયા નિરંતર ચાલુ છે. હજુ હમણાં જ કૃષિ અને શ્રમ ક્ષેત્રે મહત્વના સુધારા કરવામાં આવ્યા છે.

મહામહિમ,

કોવિડ-19 એ બતાવી આપ્યું છે કે ગ્લોબલ સપ્લાય ચેઈન પણ કોઈપણ એક જ સ્રોત ઉપર વધુ આધાર રાખે તે જોખમી બની રહે છે.

અમે જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે મળીને સપ્લાય ચેઈનનું વિવિધિકરણ કરવા અને તેને ટકાઉ બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. સમાન વિચારધારા ધરાવતા અન્ય દેશો પણ આ પ્રયાસોમાં જોડાઈ શકે છે.

આ સંદર્ભમાં મારૂં માનવું છે કે આપણી વર્ચ્યુઅલ સમિટ માત્ર ભારત અને ડેન્માર્કના સંબંધો માટે ઉપયોગી થશે તેવું નથી પણ, વૈશ્વિક પડકારો તરફ એક સહિયારો અભિગમ ઉભો કરવામાં પણ સહાય થશે.

ફરી એક વખત મહામહિમ,તમે જે સમય ફાળવ્યો છે તે બદક ખૂબ-ખૂબ ધન્યવાદ.

હવે હું આપને પ્રારંભિક નિવેદન માટે આમંત્રણ આપવાની ઈચ્છા વ્યક્ત કરૂં છું.

 

SD/GP/BT



(Release ID: 1659892) Visitor Counter : 213