શ્રમ અને રોજગાર મંત્રાલય

સંસદે ઐતિહાસિક “પરિવર્તનકારક” શ્રમ કાયદાઓનો અમલ કરવાનો માર્ગ મોકળો કરવા ત્રણ શ્રમ સંહિતાઓને મંજૂરી આપી


શ્રમ સંહિતાઓ કામદારો અને ઉદ્યોગની જરૂરિયાતો વચ્ચે સંતુલન સ્થાપિત કરે એ જરૂરી છે અને આ સંહિતાઓ કામદારોના કલ્યાણ માટે મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન પુરાવર થશેઃ શ્રી ગંગવાર

શ્રમ સંહિતાઓ સબ કા વિશ્વાસ સાથે સબ કા સાથ, સબ કા વિકાસને મોટું પ્રોત્સાહન આપશેઃ શ્રી ગંગવાર

નવી શ્રમ સંહિતાઓમાં સંગઠિત, અસંગઠિત અને પોતાની રીતે રોજગારી મેળવતા 50 કરોડથી વધાર કામદારોને લઘુતમ વેતન, સામાજિક સુરક્ષા માટે આવરી લેવામાં આવ્યાં

સ્વતંત્ર કોન્ટ્રાક્ટરો અને પ્લેટફોર્મ કામદારોની સાથે 40 કરોડ અસંગઠિત કામદારો માટે “સામાજિક સુરક્ષા ભંડોળ”ની સ્થાપના થશે અને એનાથી સાર્વત્રિક સુરક્ષા કવચનો વ્યાપ વધારવામાં મદદ મળશે

પુરુષ કામદારોની જેમ મહિલા કામદારોને સમાન વેતન મળશે

વર્કિંગ જર્નલિસ્ટની પરિભાષામાં ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક મીડિયાને સામેલ કરવામાં આવ્યું

પરપ્રાંતીય કામદારોની ફરિયાદોનું નિવારણ કરવા હેલ્પલાઇન સ્થાપિત થશે

શ્રમ સંહિતાઓ પારદર્શક, જવાબદાર અને સરળ વ્યવસ્થા સ્થાપિત કરશે, જેનાથી તમામ સંહિતાઓ માટે એક નોંધણી, એક લાઇસન્સ અને એક રિટર્નની સરળ કામગીરી ઊભી થશે

Posted On: 23 SEP 2020 4:28PM by PIB Ahmedabad

આજે રાજ્યસભાની બેઠકમાં ત્રણ શ્રમ સંહિતાઓ પસાર થઈ હતી, જેના નામ છેઃ (1) ઔદ્યોગિક સંબંધોની આચારસંહિતા, 2020; (2) આજીવિકાલક્ષી કામગીરીમાં સલામતી, સ્વાસ્થ્ય અને કામની સ્થિતિઓ સાથે સંબંધિત આચારસંહિતા, 2020 અને (3) સામાજિક સુરક્ષાની આચારસંહિતા, 2020. આ સાથે આ આચારસંહિતાઓના અમલ માટેનો મંચ તૈયાર થઈ ગયો છે, કારણ કે લોકસભાએ ગઈકાલે આ બિલોને મંજૂરી આપી હતી.

આ બિલો પર ચર્ચા દરમિયાન બોલતા શ્રી ગંગવારે આ બિલોને ઐતિહાસિક પરિવર્તનકારક ગણાવ્યાં હતાં, જે કામદારો, ઉદ્યોગો અને અન્ય સંબંધિત પક્ષોની જરૂરિયાતો વચ્ચે સમન્વય સ્થાપિત કરશે. તેમણે જણાવ્યું હતું કે, આ શ્રમ સંહિતાઓ દેશમાં કામદારોના કલ્યાણ માટે મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન તરીકે પુરવાર થશે. શ્રી ગંગવારે માહિતી આપી હતી કે, વર્ષ 2014થી અત્યાર સુધી અમારી સરકારે કામદારોના કલ્યાણ માટે ઘણાં પગલાં લીધા છે અને આ શ્રમ સંહિતાઓ બનાવીને સંપૂર્ણ શ્રમ સુધારાનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઓએચએસ (આજીવિકાલક્ષી સલામતી અને સ્વાસ્થ્ય) આચાસંહિતા કામદારો માટે સલામત વાતાવરણ ઊભું કરશે, ખાસ કરીને મહિલા કામદારો માટે. મંત્રી શ્રીએ ઉમેર્યું હતું કે, દરેક સંસ્થામાં નિયત સમયમર્યાદામાં વિવાદનું નિવારણ કરવાની વ્યવસ્થા માટે ઔદ્યોગિક સંબંધોની આચારસંહિતા દ્વારા અસરકારક વિવાદ નિવારણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સામાજિક સુરક્ષાની આચારસંહિતા વિસ્તૃત સામાજિક સુરક્ષાની જાળમાં સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કામદારોને સામેલ કરવા એક માળખું પૂરું પાડશે. સામાજિક સુરક્ષાની આચારસંહિતા ઇપીએફઓ, ઇએસઆઇસી, બિલ્ડિંગ નિર્માણના કામદારો, માતૃત્વના લાભો, ગ્રેચ્યુઇટી અને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે સામાજિક સુરક્ષા ભંડોળ સાથે સંબંધિત જોગવાઈઓ ધરાવે છે. શ્રી ગંગવારે કહ્યું હતું કે, આ આચારસંહિતા દ્વારા અમે પ્રધાનમંત્રીના સાર્વત્રિક સામાજિક સુરક્ષાના સ્વપ્નને સાકાર કરવા અગ્રેસર છીએ.

શ્રી ગંગવારે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ આ સરકારે વર્ષ 2014થી બાબાસાહેબ આંબેડકરના સ્વપ્નોને સાકાર કરવાની દિશામાં ઘણાં પગલાં લીધા છે તથા ‘શ્રમેવ જયતે’ અને ‘સત્યમેવ જયતેને એકસમાન મહત્ત્વ આપવામાં આવ્યું હતું. મારું મંત્રાલય આ કોવિડ-19 રોગચાળા દરમિયાન સંગઠિત અને અસંગઠિત એમ બંને કામદારો માટે સામાજિક સુરક્ષા પ્રદાન કરવા અને અન્ય કલ્યાણકારક પગલાં લેવા સતત કાર્યરત છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકારે અભૂતપૂર્વ પગલાં લીધા હતા અને ઘણી કલ્યાણકારક પગલાં લીધા છે, જેમ કે આપણી બહેનો માટે માતૃત્વની રજા 12 અઠવાડિયાથી વધારીને 26 અઠવાડિયા કરી છે; મહિલાઓને પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના અંતર્ગત ખાણમાં કામ કરવાની સંમતિ આપી છે. ઇપીએફઓમાં પોર્ટેબિલિટી સાથે ઔપચારિક રોજગારી વધી હતી અને આપણા સાથી નાગરિકો માટે કલ્યાણકારક યોજનાઓ અને ઇએસઆઇસીની સુવિધાઓનો લાભ આપવામાં આવ્યો છે.

ચાર શ્રમ સંહિતાઓમાં 29 શ્રમ કાયદાઓને વિલિન કરવા અંગે શ્રી ગંગવારે જણાવ્યું હતું કે, આ શ્રમ સંહિતાઓને અંતિમ સ્વરૂપ આપતા અગાઉ સરકારે વિસ્તૃત ચર્ચાવિચારણા હાથ ધરી હતી. આ માટે નવ ત્રિપક્ષીય બેઠકો, 4 પેટાસમિતિઓ, 10 આંતરમંત્રીમંડળીય બેઠકો, કામદાર સંઘો, એમ્પ્લોયર્સ એસોસિએશન્સ, રાજ્ય સરકારો, નિષ્ણાતો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે બેઠકો કરવામાં આવી હતી તથા 2થી 3 મહિના માટે જાહેર જનતા પાસેથી સૂચનો/ટિપ્પણીઓ પણ મંગાવવામાં આવી હતી.

મંત્રી શ્રીએ ભાર મૂક્યો હતો કે, શ્રમ સુધારાઓનો ઉદ્દેશ કાર્યસ્થળની બદલાતી દુનિયા સાથે સુસંગત શ્રમ કાયદાઓ બનાવવાનો તથા કામદારો અને ઉદ્યોગોની જરૂરિયાતો વચ્ચે સંતુલન સ્થાપિત કરતી અસરકારક અને પારદર્શક વ્યવસ્થા પ્રદાન કરવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશની આઝાદીના 73 વર્ષની સફરમાં વાતાવરણ, ટેકનોલોજીના વિકાસના તબક્કા, કામ કરવાની પદ્ધતિ અને કામના પ્રકારમાં મોટા પાયે પરિવર્તન આવ્યું છે, જેના પરિણામે આજના નવા ભારતનું નિર્માણ થયું છે. જો ભારત આ પરિવર્તન સાથે તાલમેળ ન મેળવે અને એના શ્રમ કાયદાઓમાં જરૂરી ફેરફારો ન કરે, તો આપણે કામદારોના કલ્યાણ અને ઉદ્યોગોના વિકાસ એમ બંને દ્રષ્ટિએ પાછળ રહી જશે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આત્મનિર્ભર શ્રમિકના કલ્યાણ અને અધિકારોનું માળખું ચાર આધારસ્તંભ પર આધારિત છે. પ્રથમ આધારસ્તંભ પગારના રક્ષણ વિશે મંત્રી શ્રીએ કહ્યું હતું કે, દેશ આઝાદ થયાને 73 વર્ષ પછી અને 44 શ્રમ કાયદાઓ હોવા છતાં ભારતના 50 કરોડ કામદારોમાંથી આશરે 30 ટકાને જ કાયદેસર લઘુતમ પગાર મેળવવાનો અધિકાર છે અને તમામ કામદારોને સમયસર પગારની ચુકવણી થતી નહોતી. શ્રી ગંગવારે ઉમેર્યું હતું કે, પહેલી વાર અમારી સરકારે આ ખામી કે કામદારોની મુશ્કેલીને દૂર કરવા કામ કર્યું છે. અમારી સરકારે સંગઠિત અને અસંગઠિત એમ બંને ક્ષેત્રોના તમામ 50 કરોડ કામદારોને સમયસર પગાર અને લઘુતમ પગાર મેળવવાનો કાયદેસર અધિકાર આપ્યો છે.

આત્મનિર્ભર શ્રમિકના કલ્યાણ અને અધિકારોનો બીજો આધારસ્તંભ શ્રમિકની સલામતી છે. આ વિશે શ્રી ગંગવારે કહ્યું હતું કે, કામદારો કે શ્રમિકોને કામ કરવા માટે સલામત વાતાવરણ મળવાથી તેમના સ્વાસ્થ્ય જળવાઈ રહેશે અને તેઓ સુખી અને સ્વસ્થ જીવન જીવી શકશે. તેમણે જણાવ્યું હતું કે, આ માટે ઓએસએચ આચારસંહિતામાં પહેલી વાર ચોક્કસ વયથી વધારે ઉંમર ધરાવતા કામદારો માટે વાર્ષિક ધોરણે હેલ્થ ચેક-અપ્સની સુવિધા આપવામાં આવી છે. ઉપરાંત સલામતી સાથે સંબંધિત ધારાધોરણોને અસરકારક અને સક્રિય જાળવવા રાષ્ટ્રીય આજીવિકાલક્ષી સલામતી અને સ્વાસ્થ્ય મંડળ દ્વારા બદલાતી ટેકનોલોજી સાથે તેમને બદલી શકાશે. કામદારોને કામ કરવા માટે સલામત વાતાવરણ પૂરું પાડવા માટે કામદારો અને રોજગારદાતાઓએ સંયુક્તપણે નિર્ણય લેવો પડશે. આ માટે તમામ સંસ્થાઓમાં એક સલામતી સમિતિની રચનાની જોગવાઈ કરવામાં આવી છે.

તેમણે ગૃહને એવી જાણકારી પણ આપી હતી કે, ઓએસએચ આચારસંહિતામાં રજા માટે લઘુતમ લાયકાત 240 દિવસથી ઘટાડીને 180 દિવસ કરવામાં આવી છે. બિલ કાર્યસ્થળે ઇજા કે મૃત્યુ બદલ કામદાર કે કામદારના પરિવારજનોને રોજગારદાતાને કરવામાં આવેલા દંડના ઓછામાં ઓછા 50 ટકા ચુકવણી પણ પ્રદાન કરે છે, જેની સાથે અન્ય ફાયદા પણ ઉપલબ્ધ છે. આ તમામ જોગવાઈઓ સાથે કામદારોને કામનું સલામત વાતાવરણ પ્રદાન કરવાનો પ્રયાસ થયો છે.

મહિલાઓને પુરુષો જેવું કામ કરવાની સ્વતંત્રતા આપવી જોઈએ એ વિશે તેમણે જણાવ્યું હતું કે, પહેલી વાર એવી જોગવાઈ કરવામાં આવી છે કે, મહિલાઓ તેમની પસંદગી મુજબ કોઈ પણ પ્રકારની સંસ્થામાં રાત્રે કામ કરી શકે છે. તેમણે ઉમેર્યુ હતું કે, જોકે રોજગારદાતાએ સરકારે નક્કી કરેલા નીતિનિયમો મુજબ, મહિલાઓની સુરક્ષા માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવી પડશે.

તેમણે જાણકારી આપી હતી કે, કામદારો માટે ત્રીજો મહત્ત્વપૂર્ણ આધારસ્તંભ વિસ્તૃત સામાજિક સુરક્ષા છે. આ ઠરાવને અનુરૂપ તેમણે જણાવ્યું હતું કે, ઇએસઆઇસી અને ઇપીએફઓની કામગીરીને સામાજિક સુરક્ષા આચારસંહિતામાં વધારવામાં આવી છે. ઇએસઆઇસીના કાર્યક્ષેત્રને વધારવા એક જોગવાઈ એવી કરવામાં આવી છે કે, હવે એનો લાભ દેશના તમામ 740 જિલ્લાઓમાં કામદારોને મળશે. આ ઉપરાંત બાગાયતી કામદારો, અસંગઠિત ક્ષેત્રના કામદારો, સ્વતંત્ર કોન્ટ્રાક્ટરો અને ઓનલાઇન પ્લેટફોર્મના કામદારો તથા 10થી ઓછા કામદારો ધરાવતી સંસ્થાઓ માટે ઇએસઆઇસીનો વિકલ્પ મળશે. જો સંસ્થામાં જોખમકારક કામગીરી હોય, તો સંસ્થામાં એક કામદાર હશે તો પણ એ ઇએસઆઇસીના અધિકારક્ષેત્ર હેઠળ આવશે. એ જ રીતે ઇપીએફઓની કામગીરી વધારવા હાલના કાયદામાં સંસ્થાઓની યાદી દૂર કરવામાં આવી છે અને હવે 20 કે વધારે કર્મચારીઓ ધરાવતી આ તમામ સંસ્થાઓ ઇપીએફના કાર્યક્ષેત્ર હેઠળ આવશે. આ ઉપરાંત 20થી ઓછા કર્મચારીઓ ધરાવતી કંપની કે સંસ્થા અને પોતાની રીતે રોજગારી મેળવતા કામદારો માટે ઇપીએફઓનો વિકલ્પ પણ સામાજિક સુરક્ષા આચારસંહિતામાં આપવામાં આવ્યો છે.

અસંગઠિત ક્ષેત્રના 40 કરોડ કામદારોને સામાજિક સુરક્ષા પ્રદાન કરવા સામાજિક સુરક્ષા ભંડોળ”ની જોગવાઈ કરવામાં આવી છે. આ ભંડોળ દ્વારા સામાજિક સુરક્ષા સાથે સંબંધિત યોજનાઓ કામદારો તથા અસંગઠિત ક્ષેત્રના સ્વતંત્ર કોન્ટ્રાકટરો અને ઓનલાઇન પ્લેટફોર્મના કામદારો માટે કરવામાં આવશે તેમજ મૃત્યુનો વીમો, અકસ્માતનો વીમો, માતૃત્વના લાભ અને પેન્શન વગેરે જેવા સામાજિક સુરક્ષાના તમામ પ્રકારના લાભ પ્રદાન કરવા માટે યોજના બનાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, આ પ્રયાસો દ્વારા અમે સાર્વત્રિક સુરક્ષા કવચની અમારી પ્રતિબદ્ધતા પૂર્ણ કરવા મહત્ત્વપૂર્ણ પગલું છે.

ચોથા આધારસ્તંભ વિશે વાત કરીને શ્રી ગંગવારે જણાવ્યું હતું કે, અમે સરળ અને અસરકારક આઇઆર કોડ ધરાવીએ છીએ, જેથી ઔદ્યોગિક એકમોમાં શાંતિ અને સંવાદિતા જળવાઈ રહે. તેમણે કહ્યું હતું કે, ઔદ્યોગિક સંબંધોની આચારસંહિતામાં નિશ્ચિત મુદ્દતની રોજગારીના સંબંધમાં, ટૂંકા ગાળા માટે કરારબદ્ધ કર્મચારીઓ અને કાયમી કર્મચારીઓની જેમ સેવાની શરતો, રજા, પગાર, સામાજિક સુરક્ષા, ગેચ્યુઇટી વગેરે લાભ ન મેળવતા અસ્થાયી કર્મચારીઓ માટે અમે કામચલાઉ ધોરણે ભરતી કરવામાં આવતા કર્મચારીઓને કાયમી કર્મચારીઓની જેમ સેવાની શરતો, પગાર, રજા અને સામાજિક સુરક્ષાનો લાભ મળે એ સુનિશ્ચિત કર્યું છે. ઉપરાંત નિશ્ચિત મુદ્દત માટે ભરતી થયેલા અસ્થાયી કર્મચારીઓને પ્રમાણ અનુસાર ગ્રેચ્યુઇટી પણ આપવામાં આવશે.

શ્રી ગંગવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઔદ્યોગિક સંબંધની આચારસંહિતામાં કામદારોના હડતાલના અધિકારને જાળવી રાખવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યુ હતું કે, જોકે કામદારોએ હડતાલ પર ઉતરતા અગાઉ 14 દિવસની નોટિસ આપવી પડશે, જેથી દરેક સંસ્થાને આ ગાળા દરમિયાન વિવાદનું તમામ પક્ષો માટે લાભદાયક રીતે સમાધાન લાવવાની તક મળે અને એ આ દિશામાં પ્રયાસ કરે. હડતાલથી કામદારો કે ઉદ્યોગ એમ એક પણ પક્ષને લાભ થતો નથી.

તેમણે ધ્યાન દોર્યું હતું કે, જ્યાં સુધી ઔદ્યોગિક સંબંધોની આચારસંહિતામાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવાનો, એકમ બંધ કરવાનો કે કામચલાઉ ધોરણે કર્મચારીઓને કામ પરથી ઉતારવાનો સંબંધ છે, ત્યાં સુધી આ માટે કામદારોની લઘુતમ સંખ્યા 100થી વધારીને 300 કરવામાં આવી છે. શ્રમ સમવર્તી વિષયોની યાદીમાં સામેલ હોવાથી સંબંધિત રાજ્ય સરકારો આ કાયદાને પડકારવાનો અધિકાર ધરાવે છે. તેમણે જાણકારી આપી હતી કે, આ અધિકારનો ઉપયોગ 16 રાજ્યો કરે છે, જેમણે આ મર્યાદા વધારી દીધી છે. સંસદીય સ્થાયી સમિતિએ પણ ભલામણ કરી હતી કે, આ મર્યાદા વધારીને 300 કરવી પડશે. ઉપરાંત મોટા ભાગની સંસ્થાઓ 100થી વધારે કામદારો ધરાવતી નથી, જેનાથી અનૌપચારિક રોજગારીને પ્રોત્સાહન મળશે.

મંત્રી શ્રીએ એવી જાણકારી પણ આપી હતી કે, આર્થિક સર્વે 2019 મુજબ, રાજસ્થાન રાજ્યમાં આ મર્યાદા 100થી વધારીને 300 કરવામાં આવી છે અને એની સાથે અનેક મોટા કારખાનાઓએ કામદારોની રોજગારીની તકોમાં વધારો પણ કર્યો છે અને કામદારોને છૂટાં કરવાની ઘટનાઓમાં મોટો ઘટાડો થયો હતો. તેમણે અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે, આ પરથી સ્પષ્ટ થાય છે કે, આ એક જોગવાઈમાં ફેરફાર કરવાથી રોકાણકારોને દેશમાં મોટા કારખાના સ્થાપિત કરવા પ્રોત્સાહન મળશે અને વધારે કારખાનાઓ સ્થાપિત થવાથી રોજગારીની તકો વધારો થશે, આપણા દેશમાં વધારે કામદારો કામ કરવા પ્રેરિત થશે.

તેમણે જાણકારી આપી હતી કે, ઔદ્યોગિક સંબંધોની આચારસંહિતામાં પહેલી વાર કામદારોને પુનઃ કૌશલ્ય આપવા માટેના ફંડ (રિ-સ્કિલિંગ ફંડ)ની જોગવાઈ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ જો કોઈ કામદાર ચુકી જાય, તો રોજગારીની તકોમાં વધારો કરવાનો છે. આ કામદારોને કૌશલ્ય વધારવા 15 દિવસનો પગાર પણ આપવામાં આવશે.

શ્રી ગંગવારે એવું પણ જણાવ્યું હતું કે, સંસ્થાઓ, ઉદ્યોગો કે કંપનીઓમાં કામદારોને તેમના અધિકારો અપાવવામાં કામદાર સંઘો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. કાયદામાં પહેલી વાર સંસ્થાગત સ્તરે, પ્રાદેશિક સ્તરે અને કેન્દ્રીય સ્તરે કામદાર સંઘોના પ્રદાનને માન્યતા આપવામાં આવી છે.

કોવિડ-19ની સ્થિતિમાં પરપ્રાંતીય કામદારોના અધિકારોને મજબૂત કરવા વિશેષ જોગવાઈઓનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે, હવે પરપ્રાંતીય કામદારોની પરિભાષાને વધારે વિસ્તૃત બનાવવામાં આવી છે. અત્યારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આવેલા અને રૂ. 18,000થી ઓછો પગાર ધરાવતા તમામ કામદારો પરપ્રાંતીય કામદારની પરિભાષા હેઠળ આવશે અને સરકારની વિવિધ કલ્યાણકારક યોજનાનો લાભ મેળવશે. આ ઉપરાંત પરપ્રાંતીય કામદારો માટે ડેટા બેઝ ઊભો કરવાની, તેમની કલ્યાણકારક યોજનાઓની પોર્ટેબિલિટી, અલગ હેલ્પલાઇનની વ્યવસ્થા કરવાની અને રોજગારદાતા દ્વારા વર્ષમાં એક વાર તેમના વતનમાં જવા માટે પ્રવાસ ભથ્થું આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

શ્રી ગંગવારે એવી જાણકારી પણ આપી હતી કે, વિવિધ શ્રમ કાયદાઓ અંતર્ગત ઉદ્યોગો સ્થાપિત કરવા માટે એકથી વધારે નોંધણીઓ કે વિવિધ લાઇસન્સ લેવાની જરૂર નહીં પડે. તેમણે ઉમેર્યું હતું કે, શક્ય હોય ત્યાં સુધી હવે અમે નિર્ધારિત સમયમર્યાદામાં રજિસ્ટ્રેશન, લાઇસન્સ પ્રદાન કરવાની વ્યવસ્થા કરી રહ્યાં છે. વળી આ પ્રક્રિયાને ઓનલાઇન કરી રહ્યાં છીએ.

અંતમાં શ્રી ગંગવારે જણાવ્યું હતું કે, આ 4 શ્રમ સંહિતાઓ દ્વારા આપણે એક તરફ કામદારોના કલ્યાણને સુનિશ્ચિત કર્યું છે, તો બીજી તરફ સરળ નિયમોની વ્યવસ્થા દ્વારા નવા ઉદ્યોગો વિકસાવવાનો પ્રયાસ કર્યો છે, જે આપણા શ્રમિકો માટે રોજગારીનું સર્જન કરશે. નવી તકો ઊભી કરવી પડશે. શ્રી ગંગવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવી શ્રમ સંહિતાઓ અપનાવવાની સાથે આપણા પ્રધાનમંત્રીનું સબ કા સાથ, સબ કા વિકાસ અને સબ કા વિશ્વાસનાં સ્વપ્નને મોટો વેગ મળશે અને ભારત વિકસિત દેશોમાં મોખરાની હરોળમાં સ્થાન મેળવવા આગેકૂચ કરશે.

 

SD/GP/BT

 (Release ID: 1658388) Visitor Counter : 729