પ્રધાનમંત્રીનું કાર્યાલય
બિહારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Posted On:
21 SEP 2020 3:53PM by PIB Ahmedabad
બિહારના ગવર્નર શ્રી ફાગુ ચૌહાણજી, બિહારના મુખ્યમંત્રી શ્રીમાન નીતિશ કુમારજી, કેન્દ્રિય મંત્રી મંડળના મારા સહયોગી શ્રી રવિશંકર પ્રસાદજી, શ્રી બી. કે સિંહજી, શ્રી આર.કે. સિંહજી, બિહારના નાયબ મુખ્ય મંત્રી ભાઈ સુશીલજી, અન્ય મંત્રી સમુદાય, સાંસદો અને ધારાસભ્યો તથા મારા ભાઈઓ અને બહેનો.
આજે બિહારની વિકાસ યાત્રામાં એક મહત્વનો દિવસ છે. થોડાંક સમય પહેલાં જ બિહારમાં કનેક્ટીવિટીમાં વધારો થાય તેવી યોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ યોજનાઓના પરિણામે 4 લેન અને 6 લેનના ધોરીમાર્ગો બનાવવાનો અને નદીઓ ઉપર મોટા ત્રણ પૂલના નિર્માણના કામનો સમાવેશ થાય છે. આ યોજનાઓ માટે હું બિહારના લોકોને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું.
સાથીઓ, આજનો દિવસ બિહાર માટે ખૂબ જ મહત્વનો છે. આજનો દિવસ સમગ્ર દેશ માટે પણ ખૂબ જ મહત્વનો છે. યુવા ભારત માટે પણ ખૂબ મોટો દિવસ છે. આજે ભારત પોતાના ગામડાંને આત્મનિર્ભર ભારતનો મુખ્ય આધાર બનાવવા માટે પણ એક મોટું કદમ ઉઠાવી રહ્યું છે અને આનંદની બાબત એ છે કે આ કાર્યક્રમ સમગ્ર દેશ માટે છે. પરંતુ તેની શરૂઆત આજે બિહારથી થઈ રહી છે. આ યોજના હેઠળ 1000 દિવસમાં દેશના 6 લાખ ગામડાંઓને ઓપ્ટીકલ ફાયબર સાથે જોડવામાં આવશે. મને વિશ્વાસ છે કે નીતિશજીના સુશાસનમાં દ્રઢ નિશ્ચય સાથે આગળ વધી રહેલું બિહાર આ યોજનામાં પણ ઝડપભેર કામ કરતું રહેશે.
સાથીઓ, ભારતના ગામડાઓમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા શહેરોમાં વસતા લોકો કરતાં ક્યારેક વધી જશે એવું થોડાંક વર્ષ પહેલા વિચારવું મુશ્કેલ હતું. ગામડાંની મહિલાઓ, ખેડૂતો અને યુવાનો આટલી આસાનીથી ઈન્ટરનેટનો ઉપયોગ કરશે તેવી વાત કરીએ ત્યારે લોકો સવાલો કરતા હતા. પરંતુ હવે તમામ સ્થિતિ બદલાઈ ચૂકી છે. આજે ભારત ડીજીટલ વ્યવહારો કરનારા દુનિયાના સૌથી આગેવાન દેશોની કતારમાં આવી ગયું છે. ઓગસ્ટના આંકડાઓ જોઈએ તો આ ગાળા દરમ્યાન લગભગ રૂ.3 લાખ કરોડની લેવડ- દેવડ યુપીઆઈના માધ્યમથી થઈ છે. મોબાઈલ ફોનના માધ્યમથી થઈ છે. કોરોનાના આ સમયમાં ડીજીટલ ભારત અભિયાનને કારણે દેશના સામાન્ય લોકોને ખૂબ જ મદદ પ્રાપ્ત થઈ છે.
સાથીઓ, ઈન્ટરનેટનો વપરાશ વધવાની સાથે-સાથે એ પણ જરૂરી છે કે દેશના ગામડાંઓમાં સારી ગુણવત્તા અને ઝડપી ગતિ ધરાવતું ઈન્ટરનેટ પણ ઉપલબ્ધ થાય. સરકારના પ્રયાસોના કારણે દેશની આશરે દોઢ લાખ પંચાયતો સુધી ઓપ્ટીકલ ફાયબર અગાઉથી જ પહોંચી ચૂક્યું છે. માત્ર એટલું જ નહીં, 6 વર્ષમાં દેશભરમાં 3 લાખ કરતાં વધુ કોમન સર્વિસ સેન્ટરને પણ ઓનલાઈન જોડવામાં આવ્યા છે. હવે આ કનેક્ટીવિટી દેશના દરેક ગામડાં સુધી પહોંચવાના ધ્યેય સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. ઝડપી ઈન્ટરનેટ જ્યારે ગામે ગામ પહોંચશે ત્યારે અભ્યાસમાં પણ આસાની થશે. ગામનાં બાળકો અને આપણાં ગામોના યુવાનો પણ એક ક્લીક કરતાં જ દુનિયાના પુસ્તકો સુધી પહોંચવાની ટેકનિક આસાનીથી પ્રાપ્ત કરી શકશે. આટલું જ નહીં, પણ ટેલિ મેડિસીનના માધ્યમથી હવે દૂર દૂરના ગામોને સસ્તો અને અસરકારક ઈલાજ ગરીબોના ઘર સુધી પહોંચાડવાનું શક્ય બનશે.
તમને ખબર હશે કે અગાઉ રેલવેમાં આરક્ષણ કરાવવાનું હોય તો ગામડેથી શહેરમાં જવું પડતું હતું. લાઈનમાં ઉભા રહેવું પડતું અને રેલવેના આરક્ષણ માટે આપણે જવું પડતું હતું. આજે કોમન સર્વિસ સેન્ટરમાં જઈને પોતાના જ ગામમાં આપણે રેલવેનું રિઝર્વેશન કરાવી શકીએ છીએ. જો કોઈ અન્ય સ્થળે જવું હોય તો પણ તેનું રિઝર્વેશન આસાનીથી થઈ જાય છે, કારણ કે ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ છે. આપણાં ખેડૂતોને તો તેનો ખૂબ જ લાભ થવાનો છે. આપણાં ખેડૂતોને ખેતી સાથે જોડાયેલી દરેક આધુનિક ટેકનિક, નવા પાક, નવું બિયારણ, નવી નવી પધ્ધતિઓ અને બદલાતી મોસમની જાણકાર રિયલ ટાઈમમાં મળતી થઈ જશે. અને એટલું જ નહીં, ખેત પેદાશોનો વ્યવસાય સમગ્ર દેશ અને દુનિયામાં પહોંચાડવામાં પણ અનુકૂળતા રહેશે. એક પ્રકારે કહીએ તો ગામડાંઓને હવે શહેરો જેવી જ દરેક સુવિધા ઘેર બેઠાં મળી જશે. એના માટે જરૂરી માળખાગત સુવિધાઓ તૈયાર કરવામાં આવી રહી છે.
સાથીઓ, ઈતિહાસ સાક્ષી છે કે દુનિયાભરમાં એ દેશોએ સૌથી ઝડપી પ્રગતિ કરી છે કે જેમણે માળખાગત સુવિધાઓમાં ગંભીરતાથી રોકાણો કર્યા છે. પરંતુ ભારતમાં દાયકાઓ સુધી એવી પરિસ્થિતિ રહી હતી કે મોટા અને વ્યાપક ફેરફારો લાગુ કરવાના પ્રોજેક્ટ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. બિહાર તો તેનો ઘણો મોટો ભોગ બન્યું છે. સાથીઓ, એ અટલજીની સરકાર હતી કે જેણે સૌથી પહેલાં માળખાગત સુવિધાઓને રાજનીતિનો, વિકાસની યોજનાઓનો મુખ્ય આધાર બનાવ્યો હતો. નીતિશજી તો તેમની સરકારમાં રેલવે મંત્રી હતા. તેમને આનો વધારે અનુભવ છે. તેમના શાસનમાં આ પરિવર્તન નજીકથી જોવા મળ્યું છે.
સાથીઓ, માળખાગત સુવિધાઓ સાથે જોડાયેલી યોજનાઓ ઉપર હવે વ્યાપકપણે કામ થઈ રહ્યું છે. જે ઝડપથી કામ થઈ રહ્યું છે તે અભૂતપૂર્વ છે. વર્ષ 2014ની પહેલાંની સરખામણીમાં આજે દરરોજ બે ગણા કરતાં પણ વધુ ઝડપથી હાઈવે બનાવવામાં આવી રહ્યા છે. હાઈવેના નિર્માણમાં થતો ખર્ચ પણ વર્ષ 2014 પહેલાંની તુલનામાં લગભગ પાંચ ગણો વધી ગયો છે. આવનારા ચારથી પાંચ વર્ષમાં માળખાગત સુવિધાઓ માટે રૂ.110 લાખ કરોડ કરતાં વધુ ખર્ચ કરવાનું નક્કી થયું છે. તેમાં પણ રૂ.19 લાખ કરોડથી વધુ રકમના પ્રોજેક્ટ માત્ર હાઈવે સાથે જોડાયેલી યોજનાઓ માટે ખર્ચ કરવામાં આવશે.
સાથીઓ, રોડ અને કનેક્ટીવિટી સાથે જોડાયેલા માળખાગત સુવિધાઓનો વ્યાપ વધારવા માટેના આ પ્રયાસોનો બિહારને પણ ભરપૂર લાભ થવાનો છે. પૂર્વ ભારત તરફ મારૂં વિશેષ ધ્યાન છે. વર્ષ 2015માં જાહેર કરવામાં આવેલા પીએમ પેકેજ હેઠળ 1000 કી.મી. કરતાં વધુ નેશનલ હાઈવે પ્રોજેક્ટસની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ લગભઘ સાડા છસો કી.મી. નેશનલ હાઈવેનું નિર્માણ થઈ રહ્યું છે. નેશનલ હાઈવે ગ્રીડને વેગ આપવામાં આવ્યો છે. પૂર્વ અને પશ્ચિમ બિહારને જોડવા માટે ચાર લેનની પાંચ યોજનાઓ, ઉત્તર ભારતને દક્ષિણ ભારત સાથે જોડવા માટે 6 પ્રોજેક્ટસ ઉપર કામ ચાલી રહ્યું છે. આજે પણ જે હાઈવે પહોળા કરવાની યોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે તેના કારણે બિહારના તમામ મોટા શહેરો સાથે સડક સંપર્ક વધુ મજબૂત બનશે.
સાથીઓ, બિહારની કનેક્ટીવિટીમાં સૌથી મોટો અવરોધ નદીઓના કારણે ઉભો થતો હતો અને તેના કારણે જ જ્યારે પીએમ પેકેજની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે પૂલોના નિર્માણ માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. પીએમ પેકેજ હેઠળ ગંગાજી ઉપર કુલ 17 પૂલ બનાવવામાં આવી રહ્યા છે અને હમણાં જ સુશીલજીએ ખૂબ જ વિસ્તારપૂર્વક તેનું વિસ્તૃત વર્ણન તમારી સમક્ષ કર્યું હતું. આ યોજનાઓમાંથી મોટા ભાગની યોજનાઓ પૂરી થઈ ચૂકી છે. આવી જ ગંડક અને કોશી નદી પરના પૂલોનું નિર્માણ પણ થઈ રહ્યું છે. આ કડી સાથે આજે 4 લેનના 3 નવા પૂલનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે અને તેમાંથી બે પૂલ ગંગાજી ઉપર અને એક પૂલ કોશી નદી ઉપર બનાવવાનો છે. આ પૂલ તૈયાર થઈ જતાં ગંગાજી અને કોશી નદી પર 4 લેનના પૂલની ક્ષમતા ખૂબજ વધી જશે.
સાથીઓ, બિહારની લાઈફ લાઈન તરીકે જાણીતા મહાત્મા ગાંધી સેતુ, તેની હાલત પણ આપણે જોઈ છે, દુર્દશા પણ જોઈ છે, મુસીબત પણ જોઈ છે. આજે આ સેતુ નવા રૂપરંગ સાથે સેવા પૂરી પાડી રહ્યો છે, પરંતુ વધતી જતી વસતી અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હવે મહાત્મા ગાંધી સેતુને સમાંતર 4 લેનનો એક નવો પૂલ બનાવવામાં આવી રહ્યો છે. નવા પૂલની સાથે-સાથે 8 લેનનો ‘પહુંચપથ’ પણ તૈયાર થશે. આ રીતે ગંગા નદી ઉપર જ વિક્રમ શિલા સેતુની સમાંતર બનનારો નવો પૂલ અને કોશી નદી પર બનનારો પૂલ બિહારની કનેક્ટીવિટીમાં વધુ ઉમેરો કરશે.
સાથીઓ, કનેક્ટીવિટી એક એવો વિષય છે કે જેને ટૂકડાઓમાં વિચારવાને બદલે સંપૂર્ણતામાં વિચારવો જરૂરી છે. એક સડક અહિયા બની ગઈ, એક સડક ત્યાં બની ગઈ, એક રૂટ અહિંયા બન્યો, એક રેલવે રૂટ ત્યાં બન્યો, એ પ્રકારનો અભિગમ રાખવાથી દેશને ખૂબ જ નુકસાન થયું છે. અગાઉ સડકો અને હાઈવેના નેટવર્ક વચ્ચે કોઈ સંબંધ ન હતો. રેલવેનો બંદર સાથે અને પોર્ટનો એરપોર્ટ સાથે ઓછો નાતો નથી. 21મી સદીનું ભારત, 21મી સદીનું બિહાર હવે જૂની તમામ ઊણપોને પાછળ છોડીને આગળ ધપી રહ્યું છે. આજે દેશમાં મલ્ટી- મોડલ કનેક્ટીવિટી ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આજે હાઈવે એ રીતે બનાવવામાં આવી રહ્યા છે કે તે રેલવે રૂટને, એર રૂટને ટેકો આપે. રેલ રૂટ પણ એ રીતે બનાવવામાં આવી રહ્યા છે કે તે બંદર સાથે જોડાયેલા હોય. આનો અર્થ એ થયો કે પરિવહનનું એક સાધન બીજા સાધનને ટેકો પૂરો પાડશે. આના કારણે ભારતમાં લોજીસ્ટીક્સની જે સમસ્યાઓ રહેલી છે તે મોટા ભાગે દૂર થઈ જશે.
સાથીઓ, માળખાગત સુવિધાઓનો સૌથી વધુ લાભ સમાજના નબળા વર્ગને થવાનો છે. ગરીબોને થવાનો છે અને આપણાં ખેડૂતોને પણ તેનો ઘણો લાભ થવાનો છે. ખેડૂતોને સારી સડકો મળવાથી, નદીઓ પર પૂલ બનવાના કારણે, ખેતર અને શહેરોના બજાર સુધીનું અંતર ઘટી જાય છે. સાથીઓ, ગઈ કાલે દેશની સંસદમાં દેશના ખેડૂતોને નવા અધિકાર આપનારા ખૂબ જ ઐતિહાસિક ફાયદાઓને મંજૂરી આપવામાં આવી છે. હું આજે જ્યારે બિહારના લોકો સાથે વાત કરી રહ્યો છું ત્યારે આ સમયે સમગ્ર હિંદુસ્તાનના ખેડૂતોને પણ ભારતના ઉજળા ભવિષ્ય માટે જે આશાવાદી લોકો છે, તે સૌના માટે પણ દેશના ખેડૂતોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ સુધારા 21મી સદીના ભારતની જરૂરિયાત છે.
સાથીઓ, આપણાં દેશમાં અત્યાર સુધી ખેત પેદાશો અને તેના વેચાણની જે વ્યવસ્થા ચાલી રહી હતી તે કાયદાઓના કારણે ખેડૂતોના હાથ-પગ બંધાયેલા હતા. આ કાયદાઓની આડમાં દેશમાં એવા તાકાતવાન જૂથો પેદા થયા હતા કે જે ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા હતા. આવું ક્યાં સુધી ચાલતું રહેશે? આ માટે આ વ્યવસ્થામાં પરિવર્તન લાવવું ખૂબ જ જરૂરી હતું. અમારી સરકારે આ પરિવર્તન લાવવાનું કામ કરી બતાવ્યું છે. નવા ખેત સુધારાઓના કારણે દેશના દરેક ખેડૂતને એ આઝાદી પ્રાપ્ત થઈ છે કે તે કોઈને પણ, કોઈ પણ સ્થળે પોતાની ખેત પેદાશ, પોતાના ફળ અને શાકભાજી, પોતાની શરતોથી વેચી શકશે. હવે તેને પોતાના વિસ્તારની મંડી સિવાય પણ ઘણાં વધુ વિકલ્પો મળી ગયા છે. હવે તેને જે મંડીમાં વધુ ફાયદો થશે તે મંડીમાં જઈને પોતાની ખેત પેદાશ વેચી શકશે. આ મંડી સિવાય પણ જો કોઈ જગાએથી વધુ પૈસા મળતા હશે તો ત્યાં જઈને પણ વેચાણ કરી શકશે. તેને તમામ બંધનોમાંથી મુક્તિ અપાવવાનું કારણ શક્ય બનશે. હવે સવાલ એ થાય છે કે આખરે નવી પરિસ્થિતિને કારણે ફર્ક શું પડશે ? અને ખેડૂતનો ફાયદો શું થશે ? આખરે આ નિર્ણય ખેડૂતોની આર્થિક સ્થિતિમાં પરિવર્તન લાવવામાં ખૂબ જ મદદગાર કેવી રીતે થશે ? આ સવાલોના જવાબ હવે ગ્રાઉન્ડ રિપોર્ટ મારફતે જ મળી રહ્યા છે.
ખેડૂતોને મળેલી આ આઝાદીના ઘણાં લાભ દેખાતા શરૂ થઈ ગયા છે, કારણ કે તેનો વટહુકમ થોડાંક મહિના પહેલાં બહાર પાડવામાં આવ્યો હતો. એ વિસ્તારો કે જ્યાં બટાકા વધુ પેદા થતા હતા ત્યાંથી એવા અહેવાલો મળ્યા છે કે જૂન-જુલાઈ દરમ્યાન જથ્થાબંધ વેપારીઓએ ખેડૂતોને વધુ ભાવ આપીને સીધા કોલ્ડ સ્ટોરેજમાંથી જ બટાકા ખરીદી લીધા છે. બહારના ખેડૂતોને બટાકાના વધુ ભાવ મળવાને કારણે જે ખેડૂતો મંડીઓમાં બટાકા લઈને પહોંચ્યા હતા તે આખરે દબાણમાં આવવાના કારણે બહાર મોટું ઉંચુ બજાર હોવાના કારણે મંડીના લોકોએ પણ ખેડૂતોને વધુ ભાવ ચૂકવવા પડ્યા હતા. ખેડૂતોને પણ વધુ કિંમત મળી હતી. આવી જ રીતે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાંથી પણ એવા અહેવાલો છે કે ત્યાં પણ તેલ મિલોએ ખેડૂતો પાસેથી 20 થી 30 ટકા વધુ ભાવ ચૂકવીને રાયડાની ખરીદી કરી હતી. મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં દાળનું ઉત્પાદન વધુ થતું હતું. આ રાજ્યોમાં વિતેલા વર્ષોની તુલનામાં ખેડૂતોને 15 થી 25 ટકા સુધીના વધુ ભાવ મળ્યા છે. દાળની મિલોએ ત્યાં પણ ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરી છે અને તેમને જ સીધી ચૂકવણી કરી છે.
હવે દેશ અંદાજ બાંધી શકે છે કે અચાનક કેટલાક લોકોને કેમ તકલીફ થવા માંડી છે, શા માટે તકલીફ થઈ રહી છે. ઘણા સ્થળોએથી સવાલ ઉભા કરવામાં આવ્યા છે કે હવે ખેત બજારોનું શું થશે ? શું ખેત બજાર બંધ થઈ જશે ? શું ત્યાંથી ખરીદી બંધ થઈ જશે ? આવું સહેજ પણ નથી. અને હું અહિં સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે આ કાયદો અને આ પરિવર્તન ખેત બજારોનું વિરોધી નથી. ખેત બજારોમાં જે રીતે અગાઉ કામ થતું હતું તે જ રીતે આજે પણ કામ ચાલુ રહેશે, પરંતુ અમારી આ એનડીએ સરકાર છે કે જેણે ખેત બજારોને આધુનિક બનાવવા માટે નિરંતર કામ કર્યું છે. ખેત બજારોના કાર્યાલયોને ઠીક કરવા માટે, ત્યાં કોમ્પ્યુટરાઈઝેશન કરવા માટે વિતેલા 5 થી 6 વર્ષમાં દેશમાં ખૂબ મોટું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. એટલે જો કોઈ એમ કહેતું હોય કે નવા ખેત સુધારાના કારણે ખેત બજારો સમાપ્ત થઈ જશે તો તે ખેડૂતો સાથે સરેઆમ ખોટી બોલી રહ્યા છે.
સાથીઓ, એક જૂની કહેવત છે કે સંગઠનમાં જ શક્તિ હોય છે. ખેત સુધારા સાથે જોડાયેલો બીજો કાયદો આ કહેવત પર આધારિત છે. આજે આપણે ત્યાં 85 ટકા કરતાં વધુ ખેડૂતો એવા છે કે જેમની પાસે ખૂબ જ થોડી જમીન છે. કોઈની પાસે 1 એકર જમીન છે, તો કોઈની પાસે 2 એકર. કોઈની પાસે 1 હેક્ટર જમીન છે, તો કોઈની પાસે 2 હેક્ટર. આ બધા નાના ખેડૂતો છે અને નાની સરખી જમીન પર ખેતી કરીને પોતાનું ગુજરાત ચલાવતા હોવાના કારણે તેમનો ખર્ચ પણ વધી જાય છે અને પોતાની થોડીક ઉપજ વેચવાના કારણે તેમને યોગ્ય કિંમત મળી શકતી નથી, પરંતુ જ્યારે કોઈ વિસ્તારમાં ખેડૂતોના કે અન્ય સંગઠન બનાવીને આ કામ કરવામાં આવે તો તેમાં ખર્ચ પણ ઓછો થાય છે અને સાચી કિંમત પણ સુનિશ્ચિત બની રહે છે. બહારથી આવનારા ગ્રાહકો આ સંગઠનો સાથે કાયદેસર સમજૂતિ કરીને તેમની પાસેથી સીધી ઉપજ ખરીદી શકે છે. આવી સ્થિતિમાં ખેડૂતોના હિતોના રક્ષણ માટે બીજો કાયદો બનાવવામાં આવ્યો છે. આ એક એવો અનોખો કાયદો છે કે જ્યાં ખેડૂતો ઉપર કોઈપણ પ્રકારનું બંધન હોતું નથી. ખેડૂતના ખેતરની સુરક્ષા, તેની જમીનની માલિકીની સુરક્ષા, ખેડૂતોને સારૂં બિયારણ, ખેડૂતોને સારૂ ખાતર, આ તમામ બાબતોની જવાબદારી માટે ખેડૂતો સાથે કરાર કરવામાં આવશે. ખેડૂત સાથે જે સમજૂતિ કરશે તે ખરીદી પણ કરશે. અને આ સમજૂતિના કારણે ખેડૂતોને લાભ થવાનો છે.
સાથીઓ, આ સુધારાના કારણે ખેતીમાં મૂડી રોકાણ વધશે, ખેડૂતોને આધુનિક ટેકનોલોજી પણ પ્રાપ્ત થશે. ખેડૂતોની ખેત પેદાશો વધુ આસાનીથી આંતરરાષ્ટ્રિય બજારમાં પહોંચશે. મને કહેવામાં આવ્યું છે કે અહિં બિહારમાં થોડાંક સમય પહેલાં જ 5 કૃષિ ઉત્પાદક સંઘોએ મળીને ચોખાનું વેચાણ કરનારી એક ખૂબ જાણીતી કંપની સાથે સમજૂતિ કરી છે. આ સમજૂતિ હેઠળ 4000 ટન અનાજ તે કંપની બિહારના આ એફપીઓ પાસેથી ખરીદશે. હવે આ એફપીઓ સાથે જોડાયેલા ખેડૂતોએ બજારમાં જવું નહીં પડે. તેમની ખેત પેદાશ હવે સીધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચશે. સ્પષ્ટ છે કે આ સુધારાઓ આવ્યા પછી ખેતી સાથે જોડાયેલા ઘણાં બધા નાના મોટા ઉદ્યોગો માટે પણ નવો માર્ગ ખૂલી જશે. ગ્રામીણ ઉદ્યોગો તરફ દેશ આગળ વધશે. હું તમને ઉદાહરણ આપવા માંગુ છું કે ધારી લો કે કોઈ નવયુવાન ખેતી ક્ષેત્રમાં કોઈ સ્ટાર્ટ-અપ શરૂ કરવા માંગે છે. તે ચીપ્સની ફેક્ટરી ખોલવા માંગે છે. અત્યાર સુધી મોટા ભાગે દરેક જગાએ એવું થતું હતું કે સૌ પ્રથમ તેણે બજારમાં જઈને બટાકા ખરીદવા પડતા હતા અને તે પછી જ તે પોતાનું કામ શરૂ કરી શકતો હતો, પરંતુ હવે આ નવયુવાનો કે જે નવા નવા સપનાં લઈને આવ્યા છે તે સીધા જ ગામના ખેડૂત પાસે જઈને બટાકા ખરીદવા માટે તેમની સાથે સમજૂતિ કરી શકશે. તે ખેડૂતને જાણ કરશે કે તેમને કેવી ગુણવત્તા ધરાવતા બટાકાની જરૂર છે. કેટલા બટાકાની જરૂર છે. ખેડૂતને સારી ગુણવત્તા ધરાવતા બટાકાનું ઉત્પાદન કરવામાં દરેક પ્રકારની ટેકનિકલ સહાય પણ કરશે.
સાથીઓ, આ પ્રકારની સમજૂતીઓનું એક વધુ પાસુ છે. તમે જોયું હશે કે જ્યાં ડેરી હોય છે ત્યાં આસપાસમાં વસવાટ કરતા પશુપાલકોને દૂધ વેચવામાં ખૂબ જ આસાની થતી હોય છે. ડેરીઓ પણ પશુપાલકોનું અને તેમના પશુઓનું ધ્યાન રાખતી હોય છે. પશુઓને યોગ્ય સમયે રસી આપવામાં આવે, તેમના માટે યોગ્ય પ્રકારના શેડ બનાવવામાં આવે, પશુઓને સારો ખોરાક મળે, પશુ બીમાર હોય તો તેમને સારા ડોક્ટર સુધી પહોંચાડવામાં આવે. હું તો ગુજરાતમાંથી આવું છું. મેં જોયું છે કે ડેરી કેવી રીતે પશુઓની સંભાળ લેતી હોય છે. મોટી ડેરી દૂધ ઉત્પાદકો સુધી પહોંચીને ખેડૂતોને મદદ કરતી રહે છે અને આ બધા ઉપરાંત પણ મહત્વની બાબત એ છે કે અહિંયા જે દૂધની ખરીદી કરવાનું કામ છે તે કામ તો ડેરી કરે જ છે, પરંતુ પશુઓના માલિક, પશુપાલક અથવા તો ખેડૂત જ હોય છે. પશુનો માલિક બીજુ કોઈ હોતું નથી. તેવી જ રીતે જમીનનો માલિક પણ ખેડૂત જ બની રહેશે. આ પ્રકારનું પરિવર્તન હવે ખેતીમાં પણ કરવાનો માર્ગ ખૂલી ગયો છે.
સાથીઓ, એ બાબત પણ હવે જગજાહેર થઈ ચૂકી છે કે ખેત પેદાશોનો વેપાર કરનારા આપણાં સાથીઓ સામે આવશ્યક ચીજવસ્તુ ધારાની કેટલીક જોગવાઈઓ નડતરરૂપ બની રહી હતી. બદલાતા જતા સમયમાં તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. દાળ, બટાકા, ખાદ્ય તેલ, ડુંગળી જેવી ચીજોને હવે આ કાયદાના વ્યાપમાંથી દૂર કરવામાં આવી છે. હવે દેશના ખેડૂતો મોટા મોટા સ્ટોર હાઉસમાં, કોલ્ડ સ્ટોરેજમાં તેનો આસાનીથી સંગ્રહ કરી શકશે. જ્યારે સંગ્રહ સાથે જોડાયેલી કાનૂની અડચણો દૂર થશે ત્યારે આપણાં દેશમાં કોલ્ડ સ્ટોરેજનું નેટવર્કનો વિકાસ થશે અને તેનું વિસ્તરણ પણ થશે.
સાથીઓ, કૃષિ ક્ષેત્રમાં આ ઐતિહાસિક પરિવર્તનો કર્યા પછી અને આટલા મોટા વ્યવસ્થા પરિવર્તન પછી કેટલાક લોકોને પોતાના હાથમાંથી નિયંત્રણ દૂર થતું હોવાનું દેખાઈ રહ્યું છે. એટલા માટે જ આ લોકો હવે ખેડૂતોને ટેકાના લઘુત્તમ ભાવ અંગે ગેરમાર્ગે દોરવામાં લાગી ગયા છે. આ એ જ લોકો છે કે જેમણે વર્ષો સુધી લઘુત્તમ ટેકાના ભાવ અંગેની સ્વામિનાથન સમિતિની ભલામણોને પોતાના પગ નીચે દબાવીને રાખી હતી. હું દેશના દરેક ખેડૂતને એ બાબતે ભરોંસો આપવા માંગુ છું કે ટેકાના લઘુત્તમ ભાવની જે વ્યવસ્થા અગાઉથી જ ચાલી આવે છે તે એ રીતે જ ચાલતી રહેશે અને એ રીતે જ દરેક સિઝનમાં સરકારી ખરીદી માટે અભિયાન ચલાવવામાં આવતું હતું તે જ રીતે અગાઉની જેમ ચાલતું રહેશે.
સાથીઓ, ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ અપાવવા માટે અને સરકારી ખરીદી માટે જેટલું કામ અમારી સરકારે કર્યું છે તેટલું અગાઉ ક્યારેય પણ થયું નથી. વિતેલા 5 વર્ષમાં જેટલી સરકારી ખરીદી થઈ છે અને વર્ષ 2014 પહેલાં 5 વર્ષમાં જેટલી સરકારી ખરીદી કરવામાં આવી હતી તેના આંકડા જોશો તો કોણ સાચું બોલી રહ્યું છે અને ખેડૂતો માટે કોણ કામ કરી રહ્યું છે, કોણ ખેડૂતોની ભલાઈ માટે કામ કરે છે તેના આધાર પણ મળી રહેશે. હું અહિં દાળ અને તેલિબિયાંની વાત કરૂં તો અગાઉની તુલનામાં દાળ અને તેલિબિયાંની સરકારી ખરીદી લગભગ ચોવીસ ગણા કરતાં વધારે થઈ છે. આ વર્ષે કોરોના સંક્રમણ દરમ્યાન પણ નવી સિઝનમાં ખેડૂતોના ઘઉંની વિક્રમ ખરીદી કરવામાં આવી છે. આ વર્ષે નવી સિઝનમાં ઘઉં, અનાજ, દાળ અને તેલિબિયાં મળીને ખેડૂતોને એક લાખ તેર હજાર કરોડ રૂપિયા લઘુત્તમ ટેકાના ભાવ તરીકે ચૂકવવામાં આવ્યા છે. આ રકમ પણ પાછલા વર્ષની તુલનામાં 30 ટકા કરતાં વધુ છે, એટલે કે કોરોનાના કાળમાં માત્ર વિક્રમ ખરીદી થઈ છે, એટલું જ નહીં, ખેડૂતોને વિક્રમ રકમની ચૂકવણી પણ કરવામાં આવી છે.
સાથીઓ, 21મી સદીના ભારતની જવાબદારી છે કે તે દેશના ખેડૂતો માટે આધુનિક વિચારધારા સાથે રહીને નવી વ્યવસ્થાઓનું નિર્માણ કરે. દેશના ખેડૂતોને, દેશની ખેતીને આત્મનિર્ભર બનાવવા માટે અમારા પ્રયાસ નિરંતર ચાલુ રહેશે અને તેમાં ચોક્કસપણે કનેક્ટીવિટીની મોટી ભૂમિકા તો રહેવાની જ છે. અંતમાં ફરી એકવાર કનેક્ટીવિટીના તમામ પ્રોજેક્ટસ માટે બિહારને, દેશને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને હું વધુ એક વખત આપને આગ્રહ કરૂં છું કે આપણે કોરોના સાથેની લડાઈ લડતા રહેવાનું છે. આપણે કોરોનાને પરાજીત કરીને જ રહેવાનું છે. આપણે આપણાં પરિવારના સભ્યોને કોરોનાથી બચાવવાના છે અને તેના માટે જે નિયમો નક્કી કરવામાં આવ્યા છે તેનું આપણે સૌએ પાલન કરવાનું છે. આમાંથી જો કોઈ એકાદ નિયમ છૂટી જશે તો મામલામાં ફરી ગરબડ થઈ જશે. એટલે આપણે સૌએ તેનું કડક પાલન કરવાનું છે. હું ફરી એક વખત મારા બિહારના વ્હાલા ભાઈઓ અને બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું.
નમસ્કાર !!!
SD/GP/BT
(Release ID: 1657537)
Visitor Counter : 374
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam