પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જયપુરમાં પત્રિકા ગેટનું ઉદ્ઘાટન કર્યું; સંવાદ ઉપનિષદ અને અક્ષર યાત્રા પુસ્તકોનું વિમોચન કર્યું


ભારતીય સંસ્થાઓએ આંતરરાષ્ટ્રીય કદના અલગ-અલગ સાહિત્ય પુરસ્કારો આપવા જોઇએ: પ્રધાનમંત્રી

સમાજને કંઇક સકારાત્મક આપવું એ માત્ર પત્રકાર તરીકે જરૂરી નથી પરંતુ દરેક વ્યક્તિ માટે તે જરૂરી છે: પ્રધાનમંત્રી

ઉપનિષદોનું જ્ઞાન અને વેદોનું ચિંતન માત્ર આધ્યાત્મિક આકર્ષણના ક્ષેત્રો નથી પરંતુ તે વિજ્ઞાનનો ઝરુખો પણ છે: પ્રધાનમંત્રી

Posted On: 08 SEP 2020 2:25PM by PIB Ahmedabad

પ્રધાનંમત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જયપુરમાં પત્રિકા ગેટનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પત્રિકા સમૂહના ચેરમેન શ્રી ગુલાબ કોઠારીએ લખેલા સંવાદ ઉપનિષદ અને અક્ષર યાત્રા નામના બે પુસ્તકોનું પણ વિમોચન કર્યું હતું.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રી મંત્રીએ જણાવ્યું હતું કે, ગેટ રાજસ્થાનની સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે અને તે મોટા સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય પર્યટન આકર્ષણમાં રૂપાંતરિત થશે.

બંને પુસ્તકોને સંદર્ભ આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તે બંને પુસ્તકો ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની વાસ્તવિક રજૂઆત કરે છે અને લેખકોએ સમાજને જ્ઞાનસભર કરવા માટે ખૂબ જ મોટી ભૂમિકા નિભાવી છે.

પ્રધાનમંત્રીએ જુના સ્મરણો યાદ કરતા કહ્યું હતું કે, દરેક વરિષ્ઠ સ્વતંત્રતા સેનાની લેખન કાર્યોમાં જોડાયેલા હતા અને તેમણે પોતાના લેખનના માધ્યમથી લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

તેમણે ભારતીય સંસ્કૃતિ, ભારતીય જનસંસ્કૃતિ અને મૂલ્યોની જાળવણીમાં પત્રિકા સમૂહ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની ખૂબ પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ પત્રિકા સમૂહના આદ્યસ્થાપક શ્રી કર્પૂર ચંદ્ર કુલિશે પત્રકારત્વમાં આપેલા યોગદાન અને બાદમાં સમાજમાં તેમણે વેદોના જ્ઞાનનો પ્રસાર કરવા માટે જે વિવિધ રીતો અજમાવી તે બદલ તેમની ખૂબ જ પ્રશંસા કરી હતી.

શ્રી કુલિશના જીવન અને તેમના સમયનો સંદર્ભ ટાંકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દરેક પત્રકારે સકારાત્મકતા સાથે કામ કરવું જોઇએ. તેમણે ઉમેર્યું હતું કે, ખરેખર તો દરેક વ્યક્તિએ સકારાત્મકતા સાથે કામ કરવું જોઇએ જેથી તેઓ સમાજ માટે કંઇક અર્થપૂર્ણ કામ કરી શકે.

બંને પુસ્તકોનો સંદર્ભ ટાંકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વેદોમાં અપનાવવામાં આવેલા વિચારો સદાકાળ છે અને તે સમગ્ર માનવજાત માટે છે. તેમણે શુભેચ્છા વ્યક્ત કરી હતી કે, ઉપનિષદ સંવાદ અને અક્ષર યાત્રા ખૂબ મોટી સંખ્યામાં લોકો વાંચશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણી પેઢી માટે સૌથી મોટી જરૂર એ છે કે આપણે ગંભીર જ્ઞાન મેળવવાથી છટકવું જોઇએ નહીં. તેમણે વેદો અને ઉપનિષદોને માત્ર આધ્યાત્મિક જ્ઞાનના સાકાર સ્વરૂપો નહીં પરંતુ વૈજ્ઞાનિક જ્ઞાન ભંડાર તરીકે પણ ગણાવ્યા હતા.

પ્રધાનમંત્રીએ ગરીબોને સંખ્યાબંધ બીમારીઓથી સુરક્ષિત રાખવા માટે તેમને શૌચાલયો પૂરા પાડવા માટે સ્વચ્છ ભારત અભિયાનની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે આ પ્રસંગે માતાઓ અને બહેનોને ધુમાડા સામે સુરક્ષા આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલી ઉજ્જવલા યોજના અંગે પણ વાત કરી હતી અને દરેક પરિવાર સુધી પાણી પહોંચાડવા માટે શરૂ કરાયેલા જળ જીવન મિશન અંગે પણ વાત કરી હતી.

ભારતીય મીડિયાએ કોરોનાના સમયમાં લોકોની સેવા કરવા માટે તેમજ કોરોના અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે જે પ્રકારે અભૂતપૂર્વ યોગદાન આપ્યું તેની પણ પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મીડિયાએ સરકારના પગલાં અને કામગીરીઓનો પાયાના સ્તરે ખૂબ સારી રીતે પ્રસાર કર્યો છે અને તેમની ભૂલો પર ધ્યાન દોરવાનું કામ પણ કર્યું છે.

પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી કે, મીડિયા "આત્મનિર્ભર ભારતઅભિયાનને આકાર આપી રહ્યું છે જેમાં "વોકલ ફોર લોકલપર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ દૂરંદેશીનું વધુ વિસ્તરણ કરવાની જરૂર છે. તેમણે પુનરુચ્ચાર કર્યો હતો કે, ભારતના સ્થાનિક ઉત્પાદનો વૈશ્વિક બની રહ્યાં છે પરંતુ ભારતનો અવાજ પણ વધુ વૈશ્વિક બનવો જોઇએ.

તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, હવે આખી દુનિયા ભારતની વાત બહુ ધ્યાનથી સાંભળે છે. આવી પરિસ્થિતિમાં, ભારતીય મીડિયાએ પણ વૈશ્વિક બનવાની જરૂર છે. ભારતીય સંસ્થાઓએ આંતરરાષ્ટ્રીય દરજ્જાના અલગ-અલગ સાહિત્ય પુરસ્કારો આપવા જોઇએ.

પ્રધાનમંત્રીએ શ્રી કર્પૂર ચંદ્ર કુલિશના માનમાં પત્રિકા સમૂહ દ્વારા શરૂ કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય પત્રકારત્વ પુરસ્કાર બદલ આ સમૂહને અભિનંદન પાઠવ્યા હતા.

 

SD/GP/BT



(Release ID: 1652359) Visitor Counter : 156