વહાણવટા મંત્રાલય

જહાજ મંત્રાલય તથા કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય વચ્ચે બંદર અને દરિયાઈ ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ માટે સમજૂતી કરાર થયા


સમજૂતી કરારનો ઉદ્દેશ સતત વૃદ્ધિ કરતા દરિયાઈ ઉદ્યોગ માટે કૌશલ્ય, પુનઃકૌશલ્ય અને કૌશલ્ય સંવર્ધનનો તથા દરિયાકિનારામાં વસતા સમુદાયોનો વિકાસ કરવાનો છે;

આપણી વર્કફોર્સની કુશળતા વિકસાવવામાં અને એને વધારીને આંતરરાષ્ટ્રીય સ્તરની કરવા માટે મદદ કરવામાં આવશેઃ ડૉ. મહેન્દ્રનાથ પાંડે

કુશળ મેનપાવર ભારત અને દુનિયામાં દરિયાઈ ક્ષેત્રમાં ઉપલબ્ધ રોજગારીની પુષ્કળ તકોનો લાભ લેવા સક્ષમ બનશેઃ શ્રી માંડવીયા

Posted On: 20 AUG 2020 3:35PM by PIB Ahmedabad

દરિયાઈ ક્ષેત્રમાં રોજગારીની પુષ્કળ તકોનો લાભ લેવા અને આ માટે વર્કફોર્સને વિવિધ કુશળતાઓ સાથે સજ્જ કરવા આજે જહાજ મંત્રાલય અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય વચ્ચે ડિજિટલી સમજૂતી કરાર (એમઓયુ) થયા હતા.

આ સમજૂતી કરાર પર કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડે અને રાજ્ય કક્ષાના કેન્દ્રીય જહાજ મંત્રી (સ્વતંત્ર હવાલો) અને રસાયણ અને ખાતર મંત્રી શ્રી મનસુખ માંડવીયા તથા રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય વીજળી અને નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી આર કે સિંહની હાજરીમાં હસ્તાક્ષર થયા હતા. આ પ્રસંગે સંબંધિત મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા.

આ પ્રસંગે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડેએ રોજગારી મેળવવા માટે સજ્જ વર્કફોર્સ ઊભી કરવાનો પ્રયાસ હાથ ધરવા તેમને કુશળ બનાવીને અને તેમની અંદર આંતરરાષ્ટ્રીય સ્તરની ક્ષમતા વિકસાવવા બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, જો આપણે ખભેખભો મિલાવીને કામ કરીશું તથા કુશળતાના ક્ષેત્રોમાં સુલભતા અને ઇનોવેશન વધારવા વ્યૂહરચનાઓ બનાવીશું, તો ભારતને દુનિયાના કૌશલ્યની રાજધાની બનાવવાનું વિઝન સાકાર કરવાના પ્રયાસો જળવાઈ રહેશે. દરિયાઈ પરિવહન મહત્ત્વપૂર્ણ સેગમેન્ટ છે, જે આપણા દેશના આર્થિક વિકાસને વેગ આપે છે. જહાજ મંત્રાલય સાથે આ વ્યૂહાત્મક ભાગીદારી પણ એ જ ઉદ્દેશને આગળ વધારવાનો પ્રયાસ છે. આ એ દિશામાં આગળ વધારવાનો અમારો પ્રયાસ છે, જેમાં અમે અમારી પહેલો આપણી વર્કફોર્સને વધારે કુશળ બનાવવા અને તેમની અંદર આંતરરાષ્ટ્રીય સ્તરની તેમની ક્ષમતાઓ ખીલવવા ટેકો આપીએ છીએ. મારું માનવું છે કે, આપણી યુવા પેઢી ઉચિત સહાય, તાલીમ અને સંપર્ક સાથે નવી ઊંચાઈએ પહોંચશે અને જહાજ ક્ષેત્રની વૃદ્ધિમાં નોંધપાત્ર પ્રદાન કરશે.

રાજ્ય કક્ષાના કેન્દ્રીય જહાજ મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી મનસુખ માંડવીયાએ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગવિકાસ મંત્રાલયનો આ સમજૂતી કરાર માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ ભાગીદારીથી રોજગારીની પુષ્કળ તકો ઊભી થશે અને દરિયાકિનારાના વિસ્તારોનાં યુવાનોનું ભવિષ્ય ઉજ્જવળ થશે. તેમણે ઉમેર્યુ હતું કે, આ એમઓયુ જહાજ મંત્રાલય અંતર્ગત સાગરમાલા કાર્યક્રમ હેઠળ દરિયાકિનારાના સમુદાયોના વિકાસની કટિબદ્ધતાને મજબૂત પણ કરશે. શ્રી માંડવીયાએ કહ્યું હતું કે, એનાથી ભારત અને દુનિયામાં બંદર અને દરિયાઈ ક્ષેત્રના વિકાસ માટે કુશળ મેનપાવરને પ્રોત્સાહન મળશે. તેમણે ઉમેર્યુ હતું કે, “અમે આપણા બંદરોની ક્ષમતાઓમાં વધારો કરીને આપણા દેશની આર્થિક ક્ષમતા વધારવા કટિબદ્ધ છીએ. અમે દરિયાઈ પરિવહન ક્ષેત્રની વિવિધ સમસ્યાઓનું સમાધાન કરવા પણ કટિબદ્ધ છીએ. અમે આપણી યુવા પેઢીને સક્ષમ બનાવવા કુશળ વર્કફોર્સનું નિર્માણ કરવાનું, ટેકનોલોજી-સંચાલિત ભવિષ્યમાં તેમને સક્ષમ બનાવવાનું અને દરિયાઈ ક્ષેત્રમાં વૃદ્ધિને વેગ આપવા પણ પ્રતિબદ્ધ છીએ. આ સમજૂતી આપણા ઉમદેવારોના ભવિષ્ય વધારે ઉજ્જવળ બનાવશે, જેઓ બંદરો અને દરિયાઈ ક્ષેત્રના વિકાસમાં કટિબદ્ધ છે. ઉપરાંત એનાથી આપણા વર્કફોર્સ માટે ભારત અને દુનિયામાં દરિયાકિનારાના કેન્દ્રોમાં રોજગારીની અનેક નવી તકો ઊભી થશે.”

આ આઇટીઆઇ, એનએસટીઆઈ અને પીએમકેકે અને પીએમકેવીવાય કેન્દ્રો જેવા હાલના માળખાનો ઉપયોગ પણ કરશે, જેનો આશય દરિયાકિનારાના જિલ્લાઓમાં જરૂરી કુશળતા મુજબ મેનપાવરને તાલીમ આપવાનો હશે. એમએસડીઈ બંદર અને દરિયાઈ ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ માટે ખાનગી ક્ષેત્રને પ્રેરિત કરવા/સીએસઆર ફંડિંગ વધારવા પણ મદદરૂપ થશે તથા આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે કૌશલ્ય વિકાસ માટે થયેલી ટીવીઇટી સમજૂતીઓમાં બંદર અને દરિયાઈ ક્ષેત્રને સુવિધા આપશે. આ સમજૂતીકરાર મુજબ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય (એમએસડીઇ) ક્રૂઝ ટૂરિઝમ, લોજિસ્ટિક્સ, મત્સ્યપાલન, જહાજ નિર્માણ, જહાજનું સમારકામ અને જહાજ તોડવાનું કામ, ડ્રેજિંગ, ઓફશોર સપ્લાય ચેઇન વગેરે માટે અભ્યાસક્રમ, રાષ્ટ્રીય રોજગારલક્ષી ધારાધોરણો, સામગ્રી વગેરે વિકસાવવા સાથસહકાર આપશે.

જહાજ મંત્રાલય (એમઓએસ) સાગરમાલા અભિયાન અંતર્ગત જ્યાં લાગુ કરી શકાય અને જ્યાં વ્યવહારિક હોય એવી વિવિધ કૌશલ્ય નિર્માણ અને કૌશલ્ય સંવર્ધન પહેલોનો અમલ કરવા માટે ફંડ સ્વરૂપે ટેકો આપશે. આ જોડાણ અંતર્ગત જહાજ મંત્રાલય એના નેજાં હેઠળ કાર્યરત સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓની સાથે ખાનગી ક્ષેત્રના જોડાણ દ્વારા પણ કૌશલ્ય વિકાસ અને કૌશલ્ય સંવર્ધન સાથે સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓનો અમલ કરશે. જહાજ મંત્રાલય માળખાગત સુવિધાની ઓળખ કરવાની અને એને ઉપલબ્ધ કરવાની સુવિધા પણ આપશે, જેનો ઉપયોગ કૌશલ્ય વિકાસ કેન્દ્રોના વિકાસ માટે અને ઉચિત તાલીમ કેન્દ્રોમાં થઈ શકશે. એમાં દૂરસ્થ તાલીમ અને વ્યવહારિક જાણકારી આપવા 5થી 10 શિપિંગ કેબિન વિકસાવવાની બાબત સામેલ હશે, જેમાં તાલીમ આપવા વર્ગખંડનું માળખું વિકસાવવામાં રોકાણ કરવાને બદલે અંતરિયાળ વિસ્તારોમાં તાલીમ આપવા મોબાઇલ ક્લાસરૂમ સાથે કેટલાંક જહાજોને કસ્ટમાઇઝ કરી શકાશે.

ઉદ્યોગની જરૂરિયાત અને યુવાનોની આકાંક્ષા પર આધારિત કૌશલ્ય તાલીમનો અમલ કરવા જહાજ મંત્રાલયે વિવિધ મંત્રાલયો અને સંસ્થાઓ સાથે જોડાણ કર્યું છે, જે લાંબા સમયથી કૌશલ્યની તાલીમ આપવાની પ્રક્રિયા સાથે સંકળાયેલી છે. દરિયાકિનારે વસતા સમુદાયોમાં કૌશલ્યનો વિકાસ સાગરમાલા કાર્યક્રમનો મહત્ત્વપૂર્ણ ઉદ્દેશ છે અને દરિયાકિનારે વસતા સમુદાયોના વિકાસ માટેની પ્રવૃત્તિઓ માટે રૂ. 100 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

સમજૂતી કરાર હેઠળ અપેક્ષિત મહત્ત્વપૂર્ણ પરિણામો

  • આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે કૌશલ્ય વિકાસ માટે ટીવીઇટી સમજૂતીઓ દ્વારા પોર્ટ અને દરિયાઈ ક્ષેત્રના વિકાસની સુવિધા કરવી
  • કૌશલ્ય વિકાસના ક્ષેત્રમાં શૈક્ષણિક સહાય, સતત આજીવન અભ્યાસ, અગાઉના અભ્યાસને માન્યતા આપવા, પદ્ધતિ શીખવવા, લાયકાત, ધિરાણ, ટેકનોલોજીનો ઉપયોગ, અભ્યાસની વ્યવસ્થાઓ અને સંશોધન વગેરે સાથે સંબંધિત સરકારી અને ખાનગી ક્ષેત્રમાં પ્રસ્તુત સંસ્થાઓમાંથી શ્રેષ્ઠ પદ્ધતિઓ પ્રદાન કરવી
  • ટ્રેડ સ્પેશ્યલાઇઝેશન સેન્ટર્સ/સેન્ટર્સ ઓફ એક્સલન્સની સ્થાપના કરીને પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોમાં કર્મચારીઓની કુશળતા વધારવાની સુવિધા ઊભી કરવી, ખાસ કરીને પોર્ટ અને દરિયાઈ ક્ષેત્ર માટે
  • કૌશલ્યલક્ષી તાલીમ માટે પીપીપી મોડલ દ્વારા ડીજીટી અથવા એનએસડીસી સાથે જોડાણમાં વધારે કુશળતા માટે બહુકૌશલ્ય વિકાસ કેન્દ્રોની સ્થાપના કરવી
  • પ્રસ્તુત એસએસસી અથવા અન્ય કોઈ પણ વ્યવસ્થા સાથે યોગ્ય વ્યક્તિઓની પેનલ બનાવીને ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ (ટીઓટી) અને ટ્રેનિંગ ઓફ એસેસર્સ (ટીઓએ)ની સુવિધા આપવી
  • જહાજ મંત્રાલય અંતર્ગત કાર્યરત સંસ્થાઓમાં કામની ગુણવત્તા સુધારવી, જેથી વધારે કુશળ અને સર્ટિફાઇડ કર્મચારીઓની ભરતી કરી શકાય, કૌશલ્ય સંવર્ધનની તાલીમને પ્રોત્સાહન આપવા નીતિ બનાવી શકાય અને ભરતીની પ્રક્રિયામાં પ્રમાણપત્ર આપી શકાય તથા કુશળ/અર્ધકુશળ લોકોની આરપીએલ (અગાઉ જાણકાર હોવાની માન્યતા)નું સર્ટિફિકેટ આપી શકાય
  • સંશોધિત તાલીમાર્થી ધારા, 1961 અંતર્ગત મંજૂરી મળ્યા મુજબ, એનએસડીસી અને ડીજીટી સાથે સંકલનમાં મહત્તમ તાલીમાર્થીઓને તાલીમ આપવી

 

SD/GP/BT



(Release ID: 1647329) Visitor Counter : 224