સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારત એક નવા શિખરે પહોંચ્યું: કુલ સાજા થયેલાની સંખ્યા 20 લાખ કરતાં વધારે

છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ 60,091 દર્દીઓ સાજા થયા

ભારતમાં દર્દીઓ સાજા થવાનો દર પણ સૌથી ટોચે પહોંચ્યો, સાજા થવાનો દર 73% કરતાં વધારે

Posted On: 19 AUG 2020 11:24AM by PIB Ahmedabad

આજદિન સુધીમાં કુલ 3 કરોડથી વધુ પરીક્ષણોની દિશામાં ઝડપી ગતિએ આગળ વધી રહેલા ભારતે અન્ય એક ટોચનો આંકડો નોંધાવ્યો છે. દેશમાં આજદિન સુધીમાં કોવિડમાંથી કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે 20 લાખ કરતાં વધારે (20,37,870) થઇ ગઇ છે.

આ ઉપરાંત, છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ 60,091 દર્દી સાજા થયા હોવાનું પણ નોંધાયું છે. કોવિડ-19માંથી સાજા થયેલા અને હોસ્પિટલ તેમજ હોમ આઇસોલેશન (જો હળવા અને સામાન્ય લક્ષણના કેસ હોય તો) રજા આપવામાં આવેલા દર્દીઓની આ ઊંચી સંખ્યા સાથે, દેશમાં સાજા થવાનો દર પણ 73% (73.64%)નો આંકડો વટાવી ગયો છે. આના કારણે કોવિડના દર્દીઓમાં મૃત્યુદરની ટકાવારી ઘટી અને આજે મૃત્યુદર ઘટીને 1.91% નોંધયો હતો, જે અત્યાર સુધીનો સૌથી નીચો દર છે.

વિક્રમી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યા હોવાથી દેશમાં વાસ્તવિક કેસનું ભારણ એટલે કે સક્રિય કેસોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે અને વર્તમાન સમયમાં દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી ચોથા ભાગ કરતાં પણ ઓછા (માત્ર 24.45%) કેસ સક્રિય છે. મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થવાની સંખ્યા અને મૃત્યુદરમાં સતત થઇ રહેલો ઘટાડો સૂચવે છે કે, ભારતમાં ક્રમબદ્ધ વ્યૂહનીતિ અપનાવવામાં આવી તે કામ કરી રહી છે. ભારતમાં અત્યારે સક્રિય કેસ (6,76,514)ની કુલ સંખ્યા કરતા સાજા થઇ ગયેલા દર્દીઓની સંખ્યા 13,61,356 વધારે નોંધાઇ છે.

જાન્યુઆરી 2020ના પ્રારંભથી, ભારત સરકારે દેશમાં કોવિડ-19 માટે ક્રમબદ્ધ, પૂર્વ-અસરકારક અને પૂર્વ-સક્રિય પ્રતિક્રિયાનું એકાગ્રતાપૂર્વક પાલન કર્યું છે અને વ્યવસ્થાપન વ્યૂહનીતિ અપનાવવામાં આવી છે. એકાગ્રત, સહિયારા અને 'સંપૂર્ણ સરકાર'ના અભિગમના પરિણામે કોવિડને નિયંત્રણમાં લાવવામાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઇ છે.

સતત સંભાળના અભિગમને અનુરૂપ, કેન્દ્ર સરકારના નેતૃત્ત્વ હેઠળ સઘન પરીક્ષણ, વ્યાપક ટ્રેકિંગ અને અસરકારક સારવારની નીતિ અપનાવામાં આવી છે અને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના સહકારથી તેનો સફળ અમલ કરવામાં આવ્યો છે. અસરકારક સર્વેલન્સ અને ઘરે-ઘરે જઇને સંપર્ક ટ્રેસિંગની એકાગ્રતાપૂર્વકની કામગીરીના પરિણામે કોવિડ-19થી ચેપગ્રસ્ત દર્દીઓની વહેલી ઓળખ અને નિદાન શક્ય બન્યા છે. હળવા અને મધ્યમ લક્ષણ ધરાવતા દર્દીઓને હોમ આઇસોલેશનમાં તબીબી દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવે છે. દેખરેખના અભિગમના સર્વગ્રાહી માપદંડના આધારે પ્રમાણભૂત તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલ અનુસાર ગંભીર અને તીવ્ર અસર ધરાવતા હોય તેવા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને તેમને શ્રેષ્ઠ તબીબી સારવાર આપવામાં આવે છે.

રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારે સાથે મળીને ભારત સરકારે સમગ્ર દેશમાં હોસ્પિટલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વૃદ્ધિ કરી છે જેથી અલગ-અલગ શ્રેણીમાં પોઝિટીવ લક્ષણો ધરાવતા દર્દીઓને સમર્પિત કોવિડ સંભાળ કેન્દ્રો (DCCC), સમર્પિત કોવિડ આરોગ્ય કેન્દ્ર (DCHC) અને સમર્પિત કોવિડ હોસ્પિટલ (DCH) દ્વારા યોગ્ય તબીબી સારવાર આપવાનું સુનિશ્ચિત થઇ શકે. તેની સંખ્યામાં પણ સતત વધારો કરવામાં આવી રહ્યો છે. આજની તારીખની સ્થિતિ અનુસાર દેશમાં 1667 DCH, 3455 DCHC અને 11,597 DCCC છે. આ તમામ સુવિધાઓ દ્વારા દર્દી માટે કુલ મળીને 15,45,206 આઇસોલેશન બેડ, 2,03,959 ઓક્સિજન સમર્થિત બેડ અને 53,040 ICU બેડ પૂરા પાડવામાં આવ્યા છે.

સંભાળ અને સેવા આપવામાં ઇનકારના એકપણ કિસ્સા વગર અસરકારક રીતે એમ્બ્યુલન્સ સેવાઓની ઉપલબ્ધતા અને સંશોધનાત્મક ઉપચારોનો ઉપયોગ કરીને નોન-ઇન્વેઝિવ ઓક્સિજનના ઉપયોગ જેવા વિવિધ પગલાં લેવાથી કોવિડ-19ના પોઝિટીવ દર્દીઓનું વિના અવરોધે અને કોઇપણ ચુક વગર સંપૂર્ણ તબીબી વ્યવસ્થાપન શક્ય બન્યું છે. નવી દિલ્હી ખાતે આવેલા એઇમ્સ દ્વારા ટેલિ-કન્સલ્ટેશન સત્રોનું આયોજન કરીને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ડૉક્ટરોની તબીબી ક્ષમતાનું નિર્માણ કરવામાં ઘણી મદદ મળી શકી છે. આ અનન્ય પહેલ દ્વારા, નવી દિલ્હી સ્થિત એઇમ્સના નિષ્ણાંત ડૉક્ટરો પોતાની તજજ્ઞતાના અનુભવો આધારિત માર્ગદર્શન અને જ્ઞાનનું આદાનપ્રદાન કરીને રાજ્યોની હોસ્પિટલોમાં ICUનું વ્યવસ્થાપન કરવા માટે ડૉક્ટરોને પૂરતો સહકાર આપે છે. આ પહેલનો મૂળ ઉદ્દેશ કોવિડના દર્દીઓના મૃત્યુદરમાં ઘટાડો લાવવાનો છે.

આ પ્રયાસોના અભિન્ન હિસ્સા તરીકે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમા ASHA કર્મચારીઓનું યોગદાન પણ ખૂબ નોંધપાત્ર રહ્યું છે. સક્રિય કેસોનો શોધનારી ટીમના હિસ્સા તરીકે, તેમણે સર્વેલન્સ અને સંપર્ક ટ્રેસિંગની કામગીરી ઘણી મજબૂત બનાવી છે અને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા દર્દીઓ પર અસરકારક દેખરેખની પણ સેવા આપી છે. ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને સમયસર સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડવામાં પણ તેમણે ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવી છે. તેમણે કોવિડ-19ના નિયંત્રણ અને નિરાકરણ માટે વિવિધ પગલાંઓ અંગે લોકોમાં વ્યાપકપણે જાગૃતિ ફેલાવીને વિવિધ સમુદાયોને પણ ખૂબ મદદ કરી છે અને જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય સંભાળ સેવાઓ મેળવવામાં પણ સહાયતા કરી છે.

SD/GP/BT(Release ID: 1646895) Visitor Counter : 14