સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા દિવસના અવસરે એમના રાષ્ટ્રજોગ સંબોધનમાં કોવિડ સામે દેશનાં સાહસિક અને લડાયક અભિગમને બિરદાવ્યો
નેશનલ ડિજિટલ હેલ્થ મિશનની જાહેરાત કરી
Posted On:
15 AUG 2020 2:28PM by PIB Ahmedabad
હાલ ચાલુ કોવિડ-19 રોગચાળા અને સાથે-સાથે દેશને “આત્મનિર્ભર” બનાવવાની દિશામાં અગ્રેસર કરતાં ભારતના તબક્કાવાર અને અતિ-સક્રિય અભિગમે 74મા સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રીના રાષ્ટ્રજોગ સંબોધનમાં સ્થાન મેળવ્યું હતું. તેમણે તેમના સંબોધનમાં આરોગ્યના ક્ષેત્રમાં કેન્દ્ર સરકારની સિદ્ધિઓ વિશે જાણકારી આપી હતી.
આ રોગચાળામાં પોતાના પ્રિયજનોને ગુમાવનાર પરિવારો માટે શોક વ્યક્ત કરીને તેમણે જણાવ્યું હતું કે, ભારતના કોરોના વોરિયર્સની પ્રશંસા કરવાની જરૂર છે, કારણ કે તેમણે ‘સેવા પરમો ધર્મો’ના મંત્રને ચરિતાર્થ કરી બતાવ્યો છે. પ્રધાનમંત્રીએ દેશને ફરી ખાતરી આપી હતી કે, “આપણે કોરોના સામે વિજય મેળવીશું. આપણી ‘મજબૂત ઇચ્છાશક્તિ’ વિજય તરફ દોરી જશે.”
તેમણે દેશના ‘આત્મનિર્ભર ભારત’ના જુસ્સાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, આ જુસ્સાને પરિણામે જ કોવિડ-19 વચ્ચે દેશ આત્મનિર્ભરતા હાંસલ કરી શક્યો છે. તેમણે કહ્યું હતું કે, અત્યારે દેશ પીપીઇ કિટ, એન95 માસ્ક, વેન્ટિલેટર વગેરેનું ઉત્પાદન કરે છે, જેનું ઉત્પાદન અગાઉ સ્થાનિક ધોરણે થતું નહોતું. આ પ્રકારની ચીજવસ્તુઓનું આંતરરાષ્ટ્રીય સ્તરની ગુણવત્તા સાથે ઉત્પાદનનો પડઘો એમના “વોકલ ફોર લોકલ” એટલે કે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની અપીલમાં પણ પડ્યો હતો.
આજે લાલ કિલ્લાની દિવાલો પરથી રાષ્ટ્રજોગ સંબોધન કરતા પ્રધાનમંત્રીએ દેશની કોવિડ પરીક્ષણ ક્ષમતામાં સતત થઈ રહેલા વધારા વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, “આપણી પાસે રોગચાળાની શરૂઆતમાં ફક્ત એક પ્રયોગશાળા હતી, જે અત્યારે વધીને દેશભરમાં 1400થી વધુ થઈ ગઈ છે. અગાઉ આપણે દરરોજ ફક્ત 300 નમૂનાના પરીક્ષણ કરી શકતાં હતા, અત્યારે આપણે દરરોજ 7 લાખથી વધારે નમૂનાનું પરીક્ષણ કરીએ છીએ. આપણે આ સફળતા અતિ ઓછા સમયમાં હાંસલ કરી છે.”
પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા દિવસે એમના રાષ્ટ્રજોગ સંબોધનમાં કોરોના રસીના વિકાસ માટે ભારતની વ્યૂહરચનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિક આ મિશન પર દ્રઢ સંકલ્પ સાથે રાતદિવસ કામ કરી રહ્યાં છે. અત્યારે ત્રણ રસીઓ પરીક્ષણનાં અલગ-અલગ તબક્કાઓમાં છે. વૈજ્ઞાનિકોને મંજૂરી મળતા જ મોટા પાયે ઉત્પાદન શરૂ થઈ જશે. તેમણે ઉમેર્યુ હતું કે, રસીના ઉત્પાદન અને વિતરણ માટેની યોજના પણ તૈયાર થઈ ગઈ છે.
પ્રધાનમંત્રીએ તબીબી શિક્ષણ અને આરોગ્યલક્ષી માળખાગત સુવિધામાં વધારા માટે દેશની ક્ષમતામાં વધારો વિશે જણાવ્યું હતું કે, દેશમાં નવી એઇમ્સ અને મેડિકલ કોલેજો તબીબી માળખાગત સુવિધાને મજબૂત કરશે. તેમણે ઉમેર્યું હતું કે, આપણે એમબીબીએસ અને એમડીના અભ્યાસક્રમોમાં 45,000થી વધારે સીટો વધારી છે. પ્રધાનમંત્રીએ હાલ ચાલુ રોગચાળાના સમયગાળા દરમિયાન નોન-કોવિડ હેલ્થકેર સેવાઓની જોગવાઈમાં આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ (HWCs)ની ભૂમિકાની પ્રશંસા પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે 1.5 લાખ HWCs ઊભા કરવાની યોજના બનાવી છે, જેમાંથી એક તૃતિયાંશ સેન્ટર કાર્યરત થઈ ગયા છે. તેમણે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેએવાય) આરોગ્ય ક્ષેત્રમાં સેવાઓની અસરકારકતામાં વધારો કરશે.
નેશનલ ડિજિટલ હેલ્થ મિશનની જાહેરાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દરેક નાગરિકને વિશિષ્ટ હેલ્થ આઇડી આપવામાં આવશે, જેમાં રોગો, નિદાનો, રિપોર્ટ, સારવાર વગેરેની વિગતો હશે, જે સિંગલ આઇડી દ્વારા સામાન્ય ડેટાબેઝમાં એકત્ર થશે.
SD/BT
(Release ID: 1646127)
Visitor Counter : 319
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu