કાપડ મંત્રાલય

કેન્દ્રીય કાપડ તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઇરાનીએ છઠ્ઠા રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી


હેન્ડલૂમ માર્ક યોજના માટે મોબાઇલ એપ્લિકેશન અને બેકએન્ડ વેબસાઇટનો પ્રારંભ, માય હેન્ડલૂમ પોર્ટલ, વર્ચ્યુઅલ ભારતીય કાપડ સોર્સિંગ મેળા 2020નું ઉદ્ઘાટન અને આ પ્રસંગે કુલ્લુ ખાતેના ક્રાફ્ટ હેન્ડલૂમ ગામનું પ્રદર્શન

હાથવણાટના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે #Vocal4Handmade હેશટેગ સાથે બે સપ્તાહનું સોશિયલ મીડિયા અભિયાન શરૂ કરવામાં આવ્યું

Posted On: 07 AUG 2020 4:17PM by PIB Ahmedabad

કેન્દ્રીય કાપડ તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઇરાનીએ આજે છઠ્ઠા રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. ભારત સરકારના કાપડ મંત્રાલયના ઉપક્રમે આજે રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી કરવા માટે વર્ચ્યુઅલ માધ્યમથી યોજવામાં આવેલા કાર્યક્રમને સંબોધતા શ્રીમતી સ્મૃતિ ઇરાનીએ 7 ઑગસ્ટને દર વર્ષે રાષ્ટ્રીય હાથશાળ દિવસ જાહેર કરવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. 1905માં આ દિવસે જ શરૂ થયેલી સ્વદેશી ચળવળના 110 વર્ષ પછી 2015માં પ્રથમ વખત હાથશાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહાત્મા ગાંધીને સ્મરણાંજલી અર્પણ કરતા શ્રીમતી સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું કે, રેંટિયાના સહારે ભારતની સ્વતંત્રતા પ્રાપ્ત થઇ છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી જયરામ ઠાકુર આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં કાંગરાથી ઉપસ્થિત રહ્યા હતા.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001URZ0.jpg

 

આ પ્રસંગે, શ્રીમતી સ્મૃતિ ઇરાનીએ હેન્ડલૂમ માર્ક યોજના (HLM) માટે મોબાઇલ એપ્લિકેશન અને બેકએન્ડ વેબસાઇટનો પ્રારંભ કરાવ્યો હતો. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રમાણભૂત હાથવણાટના ઉત્પાદનોને એકત્રિત ઓળખ આપવા માટે હેન્ડલૂમ માર્કને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મુંબઇની ટેક્સટાઇલ સમિતિએ મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરી છે અને સાથે બેકએન્ડ પોર્ટલ પણ છે જેથી નોંધણીની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટાઇઝ કરી શકાય. આ એપ્લિકેશન અંગ્રેજી અને 10 ભારતીય ભાષામાં ઉપલબ્ધ છે અને તેની મદદથી દેશના કોઇપણ ખૂણે રહેલા વણકરો હેન્ડલૂમ માર્કની નોંધણી માટે પોતાની અનુકૂળતાએ તેમના ઘરે બેસીને તેમના મોબાઇલ ફોન પર માત્ર એક ક્લિક કરીને અરજી કરી શકે છે. આ એપ્લિકેશન દરેક હાથવણાટના ઉત્પાદનો પર લાવવામાં આવેલા અનન્ય અને ડાયનેમિક QR કોડ લેબલ દ્વારા તે અસલ અને મૌલિક હોવાની ખાતરી કરવામાં મદદ કરે છે.

કેન્દ્રીય કાપડ મંત્રીએ આ પ્રસંગે "માય હેન્ડલૂમ” નામની વેબસાઇટનો પણ પ્રારંભ કર્યો હતો. વ્યક્તિગત વણકરો અને સંગઠનો બ્લૉક સ્તરે ક્લસ્ટર્સ, હેન્ડલૂમ માર્કેટિંગ સહાય અને પુરસ્કારો જેવી વિવિધ હાથશાળ સંબંધિત યોજનાઓ અંતર્ગત અલગ-અલગ લાભ લેવા માટે અરજી કરી શકે તેવા આશય સાથે આ વેબસાઇટ તૈયાર કરવામાં આવી છે. આ પોર્ટલનું ઉદ્ઘાટન કરતા, તેમણે વર્ષ 2015માં પ્રથમ રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિત્તે "ઇન્ડિયા હેન્ડલૂમ” બ્રાન્ડનો પ્રારંભ કરવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આજદિન સુધીમાં 1590 ઉત્પાદનોની આ બ્રાન્ડ અંતર્ગત નોંધણી કરવામાં આવી છે, જેમાં 180 કરતાં વધારે ઉત્પાદનોની શ્રેણીઓ સમાવેલી છે. માત્ર એક જ સાઇન ઇનસાથેનું આ પોર્ટલ હાથશાળ સંબંધિત તમામ માહિતી મેળવવા માટે વન-સ્ટોપ શોપ તરીકે કામ કરે છે, જ્યાં માહિતી જાળવી રાખવામાં આવશે અને પારદર્શકતા સુનિશ્ચિત કરવામાં આવશે તેમજ રાષ્ટ્રીય હાથશાળ વિકાસ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવેલી અરજીના વાસ્તવિક સમયના ધોરણે સ્થિતિના અપડેટ્સ પૂરા પાડવામાં આવશે. આ ઉપરાંત, વિવિધ યોજનાઓ/હસ્તક્ષેપો જેમ કે, મુદ્રા ધિરાણ યોજના, વણકરોનો વીમો, યાર્ન પૂરવઠો, શાળ અને ઍક્સેસરીઝનું વિતરણ, સંખ્યાબંધ પ્રકારની તાલીમો વગેરે અંગેની માહિતી પણ પૂરી પાડવામાં આવશે. મેળા, દિલ્લી હાટ્સ વગેરે જેવા વિવિધ કાર્યક્રમોના આયોજનમાં સ્ટોલની પારદર્શક ફાળવણી માટે ઑનલાઇન લોટરી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ પોર્ટલને ઇ-ઓફિસ અને DBT પોર્ટલ સાથે લિંક કરવામાં આવશે.

કેન્દ્રીય કાપડ મંત્રીએ વર્ચ્યુઅલ ભારતીય કાપડ સોર્સિંગ મેળા 2020નું પણ ઉદઘાટન કર્યુ હતું. અભૂતપૂર્વ કોવિડ-19 મહામારી અને આવા પ્રદર્શનો અને મેળા જેવા પરંપરાગત માર્કેટિંગ કાર્યક્રમો યોજવાની અસમર્થતાના સંજોગોમાં સરકાર વણકરો અને હાથશાળ ઉત્પાદનોને ઑનલાઇન માર્કેટિંગના અવસરો પ્રદાન કરી રહી છે. આત્મનિર્ભર ભારતના સપનાંને સાકાર કરવા આગેકૂચ કરતાં, હાથશાળ નિકાસ પ્રોત્સાહન નિગમ વર્ચ્યુઅલ મેળાનું આયોજન કરી રહી છે. આ મેળો દેશના વિવિધ ક્ષેત્રોમાંથી 150થી વધારે સહભાગીઓને એક-બીજા સાથે જોડશે, જે આગવી ડિઝાઇન અને કૂશળતા ધરાવતી તેમની પેદાશોનું પ્રદર્શન કરી રહ્યાં છે. ભારતીય કાપડ સોર્સિંગ મેળો 7,10 અને 11મી ઑગસ્ટ, 2020ના રોજ ખુલ્લો રહેશે. આ પ્રદર્શન પહેલેથી આંતરરાષ્ટ્રીય ખરીદકર્તાઓનું નોંધપાત્ર ધ્યાન આકર્ષી ચૂક્યો છે.

કુલ્લુ જિલ્લા પ્રશાસનના સહયોગથી સ્થાપવામાં આવેલા ક્રાફ્ટ હેન્ડલૂમ વિલેજ, કુલ્લુ ઉપર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી જયરામ ઠાકુરે હિમાચલ પ્રદેશની હસ્તકળા પ્રદર્શિત કરવા તેમના રાજ્યને મળેલી તક બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, હાથસાળો રાજ્યના પરંપરાગત અને પૌરાણિક વારસાની પ્રતિક છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય એક જિલ્લો – એક ઉત્પાદન’ યોજનાનો અમલ કરવાનું પ્રયાસો કરી રહ્યું છે, જેથી જિલ્લો અને ઉત્પાદનો બન્ને પોતાની એક આગવી ઓળખ ઊભી કરવા સક્ષમ બની શકે.

આ પ્રસંગના ભાગરૂપે અને નાગરિકોની અંદર હાથશાળ વણાટની કારીગરીનું ગૌરવ પ્રસ્થાપિત કરવા માટે હાથશાળ વણાટ સમુદાય માટે બે અઠવાડિયાની સોશિયલ મીડિયા ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. શ્રીમતિ સ્મૃતિ ઇરાનીએ તમામ મંત્રીમંડળના માનનીય મંત્રીઓ, ઉપ રાજ્યપાલો, રાજ્યોના માનનીય મુખ્યમંત્રીઓ અને લોકસભા અને રાજ્યસભાના માનનીય સભ્યો અને મિત્રો અને પરિવાર સહિત ખ્યાતનામ ઉદ્યોગપતિઓને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે વણકર સમુદાય પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કરવા અપીલ કરી હતી, જેથી અન્ય લોકોને પણ આમ કરવા માટે પ્રેરણા મળી રહે. 

કાપડ મંત્રીએ ભારત સરકારના સચિવો અને તેમને સમકક્ષ અધિકારીઓને પણ આ પ્રકારની જ વિનંતી કરી હતી. આ ઉપરાંત રાજ્યો, નિકાસ પ્રોત્સાહન પરિષદો, કેન્દ્રીય રેશમ નિગમ, રાષ્ટ્રીય શણ નિગમ જેવી ગૌણ કાપડ સંસ્થાના સચિવોને સમાન હેશટેગનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા ઝૂંબેશને વેગવાન બનાવવા અને પોતાના સહકર્મીઓ અને કર્મચારીઓને હસ્તવણાટ કાપડ અપનાવવાની પ્રેરણા પૂરી પાડવા વિનંતી કરવામાં આવી હતી. હાથશાળ પેદાશોને પ્રોત્સાહન પૂરું પાડવા કાપડ મંત્રાલયના પ્રયાસોને પ્રોત્સાહન આપવા અને વધુ મજબૂત બનાવવા ઇ-કોમર્સ એકમો, રિટેલ કંપનીઓ અને ડિઝાઇનર સંસ્થાઓને પણ વિનંતી કરવામાં આવી છે.

હાથશાળ, હાથશાળ ઉત્પાદનો, દેશના વિવિધ વિસ્તારોની ઊચ્ચ ગુણવતા ધરાવતી હાથશાળ પેદાશો અંગે માહિતી, તેમના ઉત્પાદન, વણકરો/કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડવા ટ્વિટ કરવા અને સામાન્ય લોકોની અંદર આ ક્ષેત્રની પ્રસિદ્ધી કરવા અને પ્રોત્સાહન પૂરું પાડવા સામાન્ય હેશટેગ #Vocal4Handmade સોશિયલ મીડિયા અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે.

આ કાર્યક્રમમાં સચિવ (કાપડ) શ્રી રવિ કપૂર અને વિકાસ કમિશનર (હેન્ડલૂમ્સ) શ્રી સંજય રસ્તોગી પણ હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમમાં દેશના વિવિધ ભાગોમાંથી અનેક લોકોએ ભાગ લીધો હતો. સમગ્ર દેશના હાથશાળ સમૂહો, તમામ 28 વણકર સેવા કેન્દ્રો, 6 ભારતીય હાથશાળ તકનિક સંસ્થાઓ, રાષ્ટ્રીય હાથશાળ વિકાસ નિગમો, હાથશાળ નિકાસ પ્રોત્સાહન પરિષદ અને સમગ્ર ભારતના NIFTના પરિસરોને આ કાર્યક્રમમાં જોડવામાં આવ્યાં હતા. વધુમાં કુલ્લુ ખાતે ક્રાફ્ટ હેન્ડલૂમ વિલેજ અને મુંબઇની કાપડ સમિતિઓને પણ કાર્યક્રમમાં જોડવામાં આવ્યાં હતા.

હાથશાળને વ્યાપક પ્રોત્સાહન પૂરું પાડવા કાપડ મંત્રીએ અનેક નવી પહેલો હાથ ધરી હતી. હાથશાળ પેદાશોની આપૂર્તિ સીધી જ કેન્દ્ર સરકારના વિભાગોને પૂરી પાડવા સક્ષમ બને તે માટે સરકારના ઇ-માર્કેટ પ્લેસ (GeM) ઉપર વણકરો/ઉત્પાદકોને સ્થાન આપવા માટે પગલાં હાથ ધરવામાં આવ્યાં છે.

કાપડ મંત્રાલય વણકરો/કામદારોને વિવિધ હાથશાળ યોજનાઓના લાભ પ્રાપ્ત થાય તે હેતુ માટે આ ક્ષેત્રને ગતિ પૂરી પાડવા હાથશાળ ક્ષેત્રમાં સમગ્ર દેશમાં ઉત્પાદક કંપનીઓની રચના માટે સુવિધા પૂરી પાડી રહી છે, ખાસ કરીને તેમના માટે જેઓ સ્વતંત્ર રીતે અથવા સ્વ-સહાય જૂથો/ઉત્પાદક જૂથોની છત્રછાયા હેઠળ કામગીરી કરી રહ્યાં છે.

 

SD/BT

 

 

 



(Release ID: 1644237) Visitor Counter : 248