સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

અત્યારે ભારતમાં કુલ સાજા થયેલા કેસ સક્રિય કેસથી બમણા થયા


કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 12.3 લાખથી વધી

સાજા થવાનો દર વધીને 66.31 ટકા થયો

મૃત્યુદર વધુ ઘટીને 2.1 ટકા થયો

Posted On: 04 AUG 2020 7:55PM by PIB Ahmedabad

આજ સુધીમાં કુલ સાજાં થયેલા 12,30,509 કેસ સાથે ભારતનો રિકવરી દર સક્રિય કેસથી બમણો થઈ ગયો છે. છેલ્લાં 24 કલાકમાં 44,306 દર્દીઓને રજા આપવામાં આવી હતી. એના પરિણામે કોવિડ-19 દર્દીઓમાં રિકવરી દર 66.31 ટકા થયો હતો. કેન્દ્ર સરકાર/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોની કોવિડ-19નું વ્યવસ્થાપન કરવાની વ્યૂહરચનાના સંકલિત અમલ અને મોખરે રહીને કામ કરતાં તમામ હેલ્થ વર્કર્સના પ્રયત્નોથી સુનિશ્ચિત થયું છે કે, સાજા થતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો રહે.

કુલ પોઝિટિવ કેસમાં સક્રિય કેસ (5,89,298) છે, જે 31.59 ટકા છે અને આ તમામ તબીબી નિરીક્ષણ હેઠળ છે.

અસરકારક વ્યવસ્થા, ઝડપથી વધુને વધુ પરીક્ષણ અને સંપૂર્ણ પ્રમાણભૂત સારવારના અભિગમ પર પ્રમાણભૂત નૈદાનિક વ્યવસ્થાનની આચારસંહિતા જેવા પરિબળોથી દેશમાં મૃત્યુદર સતત ઘટી રહ્યો છે. ભારત પહેલી વાર લોકડાઉન લાગુ કર્યા પછી અત્યાર સુધી સૌથી ઓછો સીએફઆર 2.10 ટકા ધરાવે છે, જે આંતરરાષ્ટ્રીય સીએફઆરથી ઓછો છે.

હાલના આંકડાનું મૃત્યુલક્ષી વિશ્લેષણ દર્શાવે છે કે, 60 વર્ષ અને એનાથી વધારે વય ધરાવતા દર્દીઓમાં 50 ટકા મૃત્યુ થયા છે; 45થી 60 વર્ષની વયજૂથના દર્દીઓમાં 37 ટકા દર્દીઓના મૃત્યુ થયા છે; ત્યારે 26થી 44 વર્ષથી વયજૂથમાં 11 ટકા દર્દીઓના મૃત્યુ થયા છે. આ સ્પષ્ટપણે સૂચવે છે કે, 45 વર્ષથી વધારે વયજૂથના દર્દીઓ વધારે જોખમ ધરાવતા ગ્રૂપમાં છે અને દેશની રોગચાળાને નિયંત્રણમાં લાવવાની વ્યૂહરચના આ જૂથ પર કેન્દ્રિત છે. જાતિ મુજબ અવલોકન પર દ્રષ્ટિપાત કરીએ તો જણાય છે કે, 68 ટકા પુરુષ દર્દીઓનું અને 32 ટકા મહિલા દર્દીઓના મૃત્યુ થયા છે.

ભારતે કોવિડ-19 રોગચાળાની શરૂઆતથી અત્યાર સુધી વેન્ટિલેટર્સની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સમયસર અને તબક્કાવાર પગલાં લીધા છે. દુનિયાભરમાં કોવિડ-19 રોગચાળાને કારણે વેન્ટિલેટર્સની માગમાં વધારો થયો છે. ભારતે ‘મેક ઇન ઇન્ડિયા અંતર્ગત વેન્ટિલેટર્સના સ્થાનિક પુરવઠાનો પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો હતો, કારણ કે રોગચાળાની તીવ્રતાની સાથે આયાત અને આયાત નિયંત્રણો પર નિર્ભર 75 ટકા બજાર નિર્ભર છે.

દેશમાં અંદાજે 60,000 વેન્ટિલેટર્સની જરૂરિયાત પૂર્ણ કરવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અંતર્ગત ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ (ડીજીએચએસ) હેઠળ કાર્યરત ટેકનિકલ નિષ્ણાતોની સમિતિએ વિસ્તૃત અને ઉચિત ચર્ચાવિચારણા કર્યા પછી કોવિડ-19ના ઉદ્દેશ માટે મૂળભૂત વેન્ટિલેટર્સ ખરીદવા માટે લઘુતમ આવશ્યક નિયમો બહાર પાડ્યાં હતાં. સક્ષમ જૂથ (ઇજી) – 3ની રચના આવશ્યક તબીબી પુરવઠાની સમસ્યાનું સમાધાન કરવા માટે થઈ હતી. સ્થાનિક વેન્ટિલેટરના મોડલના કાળજીપૂર્વક ફિઝિકલ પ્રદર્શન અને નૈદાનિક વેલિડેશન પછી ઓર્ડર્સ આપવામાં આવ્યાં હતાં.

મુખ્યત્વે ઓર્ડર્સ સરકારી ક્ષેત્રની બે કંપનીઓ (પીએસઇ) ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (બીઇએલ) અને આંધ્ર મેડ-ટેક ઝોન (એએમટીઝેડ)ને આપવામાં આવ્યાં હતાં. ઉપરાંત ઓટોમોબાઇલ ઉદ્યોગે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (ડીઆરડીઓ) સાથે જોડાણ કરવાનું પગલું પણ ભર્યું હતું. અત્યાર સુધી ‘મેક ઇન ઇન્ડિયા વેન્ટિલેટર્સ વોલ્યુમની દ્રષ્ટિએ 96 ટકાથી વધારે બજારહિસ્સો ધરાવે છે અને મૂલ્યની દ્રષ્ટિએ 90 ટકાથી વધારે બજારહિસ્સો ધરાવે છે. અત્યાર સુધી તેમણે 700થી વધારે હોસ્પિટલોમાં વેન્ટિલેટર્સ સ્થાપિત કર્યા છે. બે મહિનાથી ઓછા સમયમાં 18000થી વધારે વેન્ટિલેટર્સનો પુરવઠો રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો/કેન્દ્ર સરકારની હોસ્પિટલો/ડીઆરડીઓ સુવિધામાં પૂરો પાડ્યો છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

SD/BT

 



(Release ID: 1643422) Visitor Counter : 244