ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે મહાન સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય બાળ ગંગાધર તિલકની 100મી પુણ્યતિથિ નિમિત્તે ‘લોકમાન્ય તિલક- સ્વરાજથી આત્મનિર્ભર ભારત’ વિષય પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય વેબિનારનું ઉદ્ઘાટન કર્યું


સ્વતંત્રતાની ચળવળમાં લોકમાન્ય તિલકે અજોડ યોગદાન આપ્યું હતું

મરણ અને સ્મરણમાં માત્ર અડધા અક્ષરનો તફાવત છે, પરંતુ માત્ર આ ‘સ’ ઉમેરવા માટે લોકોએ જીવનનું બલિદાન આપવું પડે છે અને લોકમાન્ય તિલક આનું શ્રેષ્ઠ દૃષ્ટાંત છે

લોકમાન્ય તિલકના સ્વરાજના સૂત્રએ ભારતીય સમાજમાં જન જાગૃતિ ફેલાવી હતી અને સ્વતંત્રતાની ચળવળને એક લોક ચળવળમાં પરિવર્તિત કરી હતી

તિલકના વિચારો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નવા ભારત અને આત્મનિર્ભર ભારતની દૂરંદેશીમાં પ્રતિબિંબિત થાય છે

ભારતીય ભાષાઓ અને ભારતીય સંસ્કૃતિ માટે લોકમાન્ય તિલકનો આગ્રહ મોદી સરકારની નવી શિક્ષણ નીતિમાં એકદમ યોગ્ય રીતે ઝળકે છે

કેન્દ્રીય ગૃહમંત્રીએ યુવાનોને અનુરોધ કર્યો કે, જો તેઓ ભારતનો કિર્તીમાન ઈતિહાસ જાણવા માંગતા હોય તો, બાળ ગંગાધર તિલકના લખાણો અવશ્ય સમજવા જોઇએ

લોકોને સ્વતંત્રતાની ચળવળ સાથે જોડવા માટે, લોકમાન્ય તિલકે શિવાજી જયંતી અને ગણેશ મહોત્સવને લોક તહેવારો તરીકે શરૂ કર્યા જેનાથી સ્વતંત્રતાની ચળવળની દિશા બદલાઈ

લોકમાન્ય તિલક

Posted On: 01 AUG 2020 6:16PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં મહાન સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય બાળ ગંગાધર તિલકની 100મી પુણ્યતિથિ નિમિત્તે લોકમાન્ય તિલક-સ્વરાજથી આત્મનિર્ભર ભારતવિષય પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય વેબિનારનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદના ઉપક્રમે આ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, લોકમાન્ય બાળ ગંગાધર તિલકે ભારતની સ્વતંત્રતાની ચળવળને શબ્દશઃ સંપૂર્ણ બનાવવા માટે મહત્વની ભૂમિકા નિભાવી હતી. સ્વતંત્રતાની ચળવળમાં તિલકે અજોડ યોગદાન આપ્યું હતું, તેમણે પોતાના જીવનની દરેક ક્ષણ રાષ્ટ્રને સમર્પિત કરી હતી અને ક્રાંતિકારીઓની આદર્શવાદી પેઢીનું સર્જન કર્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તે લઇને જ રહીશ’ સૂત્ર લોકમાન્ય તિલકે આપ્યું હતું, જે હંમેશા ભારતની સ્વતંત્રતાની ચળવળના ઈતિહાસમાં સોનેરી અક્ષરે લખાશે. શ્રી અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, આ સૂત્ર આપણા સમયમાં બોલવામાં કદાચ સહજ લાગી શકે છે પરંતુ 19મી સદીમાં સંખ્યાબંધ લોકોએ આ બોલવાની હિંમત કરી હતી અને તેને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવા માટે તેમના જીવનનું બલિદાન આપી દીધું હતું. તિલકે આપેલું આ સૂત્ર ભારતીય સમાજને જાગૃત કરવામાં અને સ્વતંત્રતાની ચળવળને લોક ચળવળમાં રૂપાંતરિત કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, લોકમાન્ય તિલકજી પૂર્વે, લોકો ‘ગીતા’ના ‘સંયમ’ વિશે જાણતા હતા પરંતુ તિલકજી જ્યારે જેલમાં હતા ત્યારે, તેમણે ‘ગીતા રહસ્ય’ લખ્યું અને ગીતામાં ઉલ્લેખિત ‘કર્મયોગ’ને લોકો સમક્ષ લાવ્યા. તિલકનું ‘ગીતા રહસ્ય’ હજુ પણ લોકો માટે માર્ગદર્શક છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, છટાદાર વક્તા, ઉત્તમ વિચારક, તત્વચિંતક, સહજ લેખક અને સમાજ સુધારક હોવા છતાં પણ તિલક હંમેશા નિરાભિમાની રહીને પાયાના સ્તરે જોડાયેલા રહ્યા હતા.

શ્રી અમિત શાહે વધુમાં ઉમેર્યું હતું કે, રાષ્ટ્ર તરીકે ભારત, ભારતીય સંસ્કૃતિ અને ભારતીય રીતરિવાજો અંગેનો તિલકજીનો વિચાર આજે પણ એટલો જ સાંદર્ભિક છે. યુવાનોનો અનુરોધ કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, જો કોઇ ભારતના કિર્તીમાન ઈતિહાસ અને ભારતીય સંસ્કૃતિ વિશે જાણવા માંગતા હોય તો, તેમણે બાળ ગંગાધર તિલકના લખાણો સમજવા પડશે. તેમણે યુવાનોને એવી પણ સલાહ આપી હતી કે, તેમના સાહિત્યિક લખાણનું વાંચન કરવાથી તિલકના મહાન વ્યક્તિત્વ વિશે તેમને નવું જ્ઞાન મળશે અને તેમના જીવનમાંથી પ્રેરણા લઇને, યુવાનો પોતાના જીવનમાં નવી ઊંચાઇએ શિખરો સર કરવા માટે સમર્થ બનશે. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ભારતીય ભાષાઓ અને ભારતીય સંસ્કૃતિમાં લોકમાન્ય તિલકનો વિશ્વાસ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સરકારની નવી શિક્ષણ નીતિમાં સ્પષ્ટ ઝળકે છે. તિલકના વિચારોને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નવા ભારત અને આત્મનિર્ભર ભારતની દૂરંદેશી દ્વારા પ્રોત્સાહન મળી રહ્યું છે.

શ્રી અમિત શાહે લોકમાન્ય તિલકના પ્રખ્યાત અવતરણ -સાચી રાષ્ટ્રીયતાનો પાયો આપણી સંસ્કૃતિ અને પરંપરાઓના પાયા પર રચાયેલો છે- ને યાદ કર્યું હતું. એવા કોઇપણ સુધારા કે, જે આપણા ભૂતકાળને અવગણે છે અથવા તેનો અનાદર કરે છે, તે ક્યારેય સાચી રાષ્ટ્રીયતાને સાકાર કરવામાં મદદ કરી શકે નહીં. કેન્દ્રીય ગૃહમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણને સામાજિક અને રાજકીય સુધારાના નામે આપણી સંસ્થાઓમાં બ્રિટિશ મોડેલ અપનાવવું ક્યારેય પરવડે નહીં. શ્રી અમિત શાહે ઉમેર્યું હતું કે, બાળ ગંગાધર તિલક લોકોમાં ભારતીય સંસ્કૃતિ માટે ગૌરવના આધારે લોકોના દિલમાં રાષ્ટ્ર માટે પ્રેમ જગાવવા માંગતા હતા. આ સંદર્ભમાં, તેમણે વ્યાયમશાળા, અખાડા, ગૌ-વધ વિરોધી સંસ્થાઓ ઉભી કરી.

શ્રી અમિત શાહે એમ પણ જણાવ્યું હતું કે, લોકમાન્ય તિલક અસ્પૃશ્યતાના પ્રખર વિરોધી હતા, તેમણે જાતિ અને સંપ્રદાયોમાં વિભક્ત થયેલા સમાજને એક કરવા માટે ચળવળ શરૂ કરી હતી. તિલકે કહ્યું હતું કે, જો ઈશ્વર અસ્પૃશ્યતા સ્વીકારતા હોય તો, હું તેવા ઈશ્વરને સ્વીકારીશ નહીં.

કેન્દ્રીય ગૃહમંત્રીએ રાષ્ટ્રીય ચળવળમાં કામકાજી વર્ગને જોડવા માટેના તિલકના મહત્વપૂર્ણ કામનો ઉલ્લેખ કર્યો હતો. સાથે-સાથે, લોકમાન્ય તિલકે સ્વતંત્રતાની ચળવળમાં લોકોને જોડવા માટે શિવાજી જયંતી અને ગણેશ ઉત્સવની ઉજવણી શરૂ કરી હતી, જેનાથી ભારતની સ્વતંત્રતાની ચળવળની દિશા બદલાઇ ગઇ હતી.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, મરણ અને સ્મરણમાં માત્ર અડધા અક્ષરનો તફાવત છે, પરંતુ માત્ર આ ઉમેરવા માટે લોકોએ જીવનનું બલિદાન આપવું પડે છે અને તિલકજી આનું શ્રેષ્ઠ દૃષ્ટાંત છે. લોકમાન્ય તિલકે ગાંધી, વીર સાવરકર અને મદન મોહન માલવિયા સહિત સંખ્યાબંધ સ્વાતંત્ર્ય સેનાનીઓને પ્રોત્સાહિત કરવા માટે કામ કર્યું હતું.

ગાંધીજી બાળ ગંગાધર તિલકની અંત્યેષ્ઠિમાં ભાગ લેવા માટે ખુલ્લા પગે ગયા હતા, જે તિલક માટે ગાંધીજીનો આદરભાવ દર્શાવે છે.

પ્રખ્યાત સમાજ સુધારક, લોકશશીર અન્નાભાઉ સાઠેજીને પણ તેમની જન્મ શતાબ્દી નિમિત્તે પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ વેબિનારના પ્રારંભિક સત્રમાં સાંસ્કૃતિક સંબંધો માટે ભારતીય પરિષદના અધ્યક્ષ અને સાંસદ ડૉ. વિજય સહસ્ત્રબુદ્ધે, તિલક મહારાષ્ટ્ર વિદ્યાપીઠના કુલપતિ શ્રી દીપક તિલક અને ડેક્કન એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ ડૉ. શરદ કુંતે સહિત અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

 

SD/GP/BT


(Release ID: 1642948) Visitor Counter : 343