પ્રધાનમંત્રીનું કાર્યાલય

મોરિશિયસમાં સુપ્રિમ કોર્ટના નવા ભવનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 30 JUL 2020 1:16PM by PIB Ahmedabad

મોરિશિયસના પ્રધાનમંત્રી માનનીય પ્રવિંદ કુમાર જગન્નાથ, વરિષ્ઠ મંત્રીઓ અને મોરિશિયસના મહાનુભવો, માનવંતા મહેમાનો, નમસ્કાર, બોન્જુર

હું આપ સૌને ઉષ્માભર્યા અભિનંદન પાઠવુ છું. સૌ પ્રથમ તો હું સરકારને અને મોરિશિયસના લોકોને કોવિડ-19ની વૈશ્વિક મહામારીના અસરકારક વ્યવસ્થાપન બદલ તથા સમયસર દવાઓનો પૂરવઠો પૂરો પાડવા બદલ તથા પોતાના અનુભવોનુ આદાનપ્રદાન કરવા બદલ અભિનંદન આપુ છું.

મિત્રો, આજે આપણે ભારત અને મોરિશિયસ વચ્ચેની વધુ એક સિમાચિન્હરૂપ વિશેષ મૈત્રીની ઉજવણી કરી રહ્યા છીએ. પોર્ટ લુઈસમાં નવુ સુપ્રિમ કોર્ટનું ભવન એ આપણા સહકારનુ અને સહિયારા મૂલ્યોનુ પ્રતિક છે. ભારત અને મોરેશિયસ બંને લોકશાહી પધ્ધતિના મહત્વના સ્થંભ તરીકે સ્વતંત્ર ન્યાયતંત્રનુ સન્માન કરે છે. આ આધુનિક ડિઝાઈન અને બાંધકામ સાથેનુ પ્રભાવક નવુ ભવન એ આ સન્માનની નિશાની છે. મને એ વાતનો આનંદ છે કે, આ પ્રોજેકટ સમયસર અને શરૂઆતમાં અંદાજ મુકાયેલા ખર્ચમાં જ પૂર્ણ કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી જગન્નાથજી સાથે મળીને થોડાક મહિનાઓ પહેલાં જ અમે એક સિમાચિન્હરૂપ મેટ્રો પ્રોજેકટનુ તથા એક અદ્યતન હૉસ્પિટલનુ ઉદ્ઘાટન કર્યુ હતું. મને એ જાણીને આનંદ થાય છે કે, આ બંને પ્રોજેક્ટ મોરેશિયસના લોકો માટે ઉપયોગી સાબિત થઈ રહ્યા છે.

મિત્રો, મોરેશિયસમાં જ મેં SAGAR - તમામ વિસ્તારમાં સલામતી અને વિકાસ (SAGAR - Security and Growth for All in the Region) માટેના ભારતના વિઝન વિશે સૌ પ્રથમ વાત કરી હતી. આ એટલા માટે છે કે, મોરિશિયસ એ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતના અભિગમના કેન્દ્રમાં છે. અને આજે હું એ બાબતનો ઉમેરો કરવા માગુ છું કે મોરિશિયસ એ વિકાસલક્ષી ભાગીદારીના ભારતના અભિગમના પણ કેન્દ્રમાં છે.

મિત્રો, મહાત્મા ગાંધીજીએ કહ્યુ છે કે, “હું સમગ્ર વિશ્વની પરિભાષામાં વિચારવા માગુ છું. મારી દેશભક્તિમાં સામાન્ય રીતે માનવ જાતનો સમાવેશ થાય છે. આથી, ભારત માટેની મારી સેવામાં માનવજાતની સેવાનો સમાવેશ થાય છે.” ભારતની આ માર્ગદર્શક વિચાર ધારા છે. ભારત વિકસ કરવા ઈચ્છે છે અને ભારત અન્ય લોકોને તેમની વિકાસ જરૂરિયાતોમાં સહાય કરવા પણ ઈચ્છે છે.

મિત્રો, ભારતનો વિકાસ માટેનો અભિગમ મુખ્યત્વે માનવ-કેન્દ્રિત રહ્યો છે. અમે માનવ જાતના કલ્યાણ માટે કામ કરવા માગીએ છીએ. ઈતિહાસે અમને શીખવ્યું છે કે, વિકાસની ભાગીદારીના નામે રાષ્ટ્રોને બળપૂર્વક અવલંબનની ભાગીદારીમાં દબાણ કરવામાં આવે છે. તેનાથી સંસ્થાનવાદી અને સામ્રાજ્યવાદી શાસનને વેગ મળે છે. તેનાથી ગ્લોબલ પાવર બ્લોક્સનો ઉદય થાય છે. અને માનવતાને અસર થાય છે.

મિત્રો, ભારત એવી વિકાસ ભાગીદારીઓમાં માને છે કે, જે સન્માન, વૈવિધ્ય અને ભવિષ્ય માટેની દેખરેખ સાથે સાથે જોડાયેલી હોય અને પર્યાવરણલક્ષી વિકાસની દરકાર કરતી હોય.

મિત્રો, ભારત માટે વિકાસલક્ષી સહયોગનો અત્યંત પાયાનો સિધ્ધાંત પોતાના સહયોગીનું સન્માન કરવાનો છે. વિકાસલક્ષી પાઠનુ આ પ્રકારે આદાનપ્રદાન કરવું તે અમારા માટે એક પ્રેરણાત્મક બાબત છે, અને એટલા માટે જ અમારો વિકાસ સહયોગ કોઈ શરત સાથે આવતો નથી. તેમાં કોઈ રાજકીય કે વ્યાપારી ધારણાઓને ધ્યાનમાં લેવામાં આવતી નથી.

મિત્રો, ભારતની વિકાસ ભાગીદારીઓ ભિન્ન પ્રકારની છે. તેમાં વાણિજ્યિકથી માંડીને સાંસ્કૃતિક ભાગીદારીનો સમાવેશ થાય છે. આરોગ્યથી માંડીને આવાસ યોજનાઓ, ઇન્ફોર્મેશન ટેકનોલોજીથી માંડીને માળખાગત સુવિધાઓ અને રમતગમતથી માંડીને વિજ્ઞાન સુધીની ભાગીદારીઓનો સમાવેશ થાય છે. ભારત દુનિયાભરના દેશો સાથે કામ કરી રહ્યુ છે. ભારતને જો અફઘાનિસ્તાનમાં સંસદ ભવનના બાંધકામ માટે સન્માનવામાં આવતુ હોય તો તે નાઈજરમાં મહાત્મા ગાંધી કનવેન્શન સેન્ટરના નિર્માણ માટે પણ ગૌરવ અનુભવતુ હોય છે. અમે નેપાળમાં ઈમરજન્સી અને ટ્રોમા હૉસ્પિટલના બાંધકામ વડે તેની આરોગ્ય સેવાઓ સુધારવામાં પણ આનંદ અનુભવીએ છીએ અને અમે સમાન પ્રકારે શ્રીલંકાને તેના તમામ નવ પ્રદેશોમાં ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસીસ સ્થાપિત કરવામાં પણ સહાય કરીએ છીએ.

અમને એ વાતનો આનંદ છે કે, અમે નેપાળ સાથે મળીને જે ઓઈલ પાઈપલાઈન પ્રોજેકટ હાથ ધરી રહ્યા છીએ તેનાથી પેટ્રોલિયમ પેદાશોની ઉપલબ્ધી આસાન થશે. અને એવી જ રીતે અમે માલદિવ્ઝના 34 ટાપુઓમાં પીવાનુ પાણી અને સેનિટેશન ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે યોગદાન આપવામાં પણ ગૌરવ અનુભવીએ છીએ. અમે અફઘાનિસ્તાન અને ગયાના જેવા વિભિન્ન પ્રકારના દેશોમાં ક્રિકેટને લોકપ્રિય બનાવવામાં સહયોગ આપ્યો છે તથા સ્ટેડિયમ તથા અન્ય સુવિધાઓ ઉભી કરવામાં સહાય કરી છે.  

અમને એ બાબતનો રોમાંચ છે કે, ભારતમાં તાલીમ પામેલી યુવાન અફઘાન ટીમ એક ધ્યાન આકર્ષિત પરિબળ બની રહી છે. અમે હવે આ પ્રકારનો જ સહયોગ માલદીવ્ઝના ક્રિકેટ ખેલાડીઓના વિકાસ માટે પૂરો પાડી રહ્યા છીએ. અમને એ બાબતે ખૂબ ગૌરવ થાય છે કે, ભારત શ્રીલંકામાં મહત્વના આવાસ પ્રોજેકટ માટે મોખરે રહ્યુ છે. અમારી વિકાસલક્ષી ભાગીદારીઓમાં અમારા સહયોગી દેશોની વિકાસની અગ્રતાઓ પ્રતિબિંબિત થાય છે.

મિત્રો, ભારત માત્ર તમારા વર્તમાન માટે સહાય કરવાનુ ગૌરવ અનુભવતુ નથી. અમે તમારા યુવાનોના સારા ભાવિના નિર્માણમાં પણ વિશેષાધિકાર અનુભવીએ છીએ. આથી તાલીમ અને કૌશલ્ય નિર્માણ અમારા વિકાસલક્ષી સહયોગનો મહત્વનો હિસ્સો બની રહે છે. આવા પ્રયાસો અમારા સહયોગી દેશોમાં યુવાનોને આત્મનિર્ભર બનાવે છે અને ભવિષ્યને નવી ઉંચાઈએ લઈ જવામાં વધુ આત્મવિશ્વાસ ધરાવતા બનાવે છે.

મિત્રો, હવે ભવિષ્ય ટકાઉ વિકાસનુ છે. માનવ જરૂરિયાતો અને માનવીઓની આકાંક્ષાઓ સાથે આપણી આસપાસના કુદરતી વાતાવરણનો સંઘર્ષ થવો જોઈએ નહી. અને આથી જ આપણે માનવ સશક્તિકરણ અને પર્યાવરણની કાળજી બંનેમાં માનીએ છીએ. આ વિચારધારાને આધારે, ભારતે આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સ જેવી નવી સંસ્થાઓના સંવર્ધનની કામગીરી હાથ ધરી છે. સૂર્યનાં કિરણોને માનવ પ્રગતિની સફર ઉપર ઉજાસ ફેલાવવા દો. અમે આપત્તિમાં ટકી શકે તેવી માળખાગત સુવિધાઓના નિર્માણ માટે મજબૂત સહયોગ સાથે કામ કરી રહ્યા છીએ. આ બંને પ્રયાસો ટાપુઓના દેશો સાથે વિશેષ સુસંગત છે. જે રીતે વૈશ્વિક સમુદાયોએ આ પ્રયાસેને સહયોગ આપ્યો છે તે બાબત ઉત્સાહ પ્રેરક છે.

મિત્રો, આજે અહી મેં જે બધાં મૂલ્યોની વાત કરી તે મોરિશિયસ સાથેની અમારી ભાગીદારી સાથે જોડાયેલાં છે. મોરિશિયસ સાથે અમે હિંદ મહાસાગરનાં પાણીની વહેંચણી કરીએ છીએ તેટલુ જ નહી પણ, સંબંધો, સંસ્કૃતિ અને ભાષાનો સમાન વારસો પણ ધરાવીએ છીએ. અમારી મૈત્રીને ભૂતકાળમાંથી તાકાત મળે છે અને અમે ભવિષ્ય માટે પણ આશાવાદી છીએ. ભારત મોરિશિયસના લોકોની સિધ્ધિ બદલ ગૌરવ અનુભવે છે. અપ્રવાસી ઘાટનાં સાંકડાં સોપાનોમાંથી આ આધુનિક ભવનના નિર્માણ તરફ આગળ વધીને મોરિશિયસે તેના સખત પરિશ્રમ અને ઈનોવેશન વડે સફળતાનુ નિર્માણ કર્યુ છે. મોરિશિયસની ભાવના પ્રેરણાદાયી છે. અમારી ભાગીદારી આગામી વર્ષોમાં નવી ઉંચાઈઓ સર કરશે.

(વિવ લામિતે એંત્ર લાંદ એ મોરિસ)

ભારત અને મોરિશિયસની મૈત્રી અમર રહો

લોંગ લીવ ઇન્ડિયા-મોરિશિયસ મિત્રતા

આપનો ખૂબ-ખૂબ આભાર.

 

SD/GP/BT(Release ID: 1642346) Visitor Counter : 102