પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પીએમ-સ્વનિધિ યોજનાના અમલીકરણની સમીક્ષા કરી


આ યોજના શેરી વિક્રેતાઓ દ્વારા સંપૂર્ણ ડિજિટલ વ્યવહારોના ઉપયોગને પ્રોત્સાહન આપશેઃ પ્રધાનમંત્રી

યોજનાને લોન આપવાના એકમાત્ર દ્રષ્ટિકોણથી ન જોવી જોઈએ, પણ શેરી વિક્રેતાના સંપૂર્ણ વિકાસ અને આર્થિક ઉત્થાન માટે તેમના સુધી પહોંચવાના ભાગ તરીકે જોવી જોઈએઃ પ્રધાનમંત્રી

Posted On: 25 JUL 2020 6:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની પીએમ સ્વનિધિ યોજનાના અમલીકરણની સમીક્ષા કરી હતી.

પ્રધાનમંત્રીને જાણકારી આપવામાં આવી હતી કે, 2.6 લાખથી વધારે અરજીઓ મળી છે, 64,000થી વધારે મંજૂર થઈ છે અને 5,500થી વધારેમાં વિતરણ થયું છે. તેમણે પારદર્શકતા, જવાબદારી અને ઝડપ સુનિશ્ચિત કરવા યોજનાના વહીવટી માટે વેબ-પોર્ટલ અને મોબાઇલ દ્વારા સંપૂર્ણ આઇટી સોલ્યુશનનો ઉપયોગ કરવા પર સંતોષ વ્યક્ત કર્યો હતો.

જ્યારે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય યોજનાના સતત અમલીકરણ માટે મોબાઇલ એપ્લિકેશન સહિત સંપૂર્ણ આઇટી સોલ્યુશન પર કામ કરે છે, ત્યારે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ યોજના શેરી વિક્રેતાઓ દ્વારા સંપૂર્ણ ડિજિટલ નાણાકીય વ્યવહારોના ઉપયોગને પ્રોત્સાહન આપવી જોઈએ. એમાં વ્યવસાય સાથે સંબંધિત તમામ પાસાઓને આવરી લેવા પડશે – જેમાં કાચા માલની ખરીદીથી લઈને વેચાણમાંથી પ્રાપ્ત થતી આવક સામેલ છે. આ ઉદ્દેશ માટે ઉચિત પ્રોત્સાહનો અને તાલીમો આપવી પડશે. ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરવાથી ફેરિયાઓની ભવિષ્યની નાણાકીય જરૂરિયાતોમાં મદદરૂપ થવા ક્રેડિટ પ્રોફાઇલ ઊભી કરવામાં પણ મદદ મળશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ યોજના શેરી વિક્રેતાઓને લોન આપવાના દ્રષ્ટિકોણથી જ ન જોવી જોઈએ. એને શેરી વિક્રેતાઓના સંપૂર્ણ વિકાસ અને આર્થિક ઉત્થાન માટે પહોંચના ભાગરૂપે પણ જોવી જોઈએ. આ દિશામાં એક પગલું જરૂરી નીતિગત હસ્તક્ષેપોની સુવિધા પૂરી પાડવા તેમના સંપૂર્ણ સામાજિક-આર્થિક વિગતોને મેળવવાનું રહેશે. આ પ્રકારનો ડેટા ભારત સરકારના વિવિધ મંત્રાલયોને વિવિધ યોજનાઓનો અમલ કરવા માટે ઉપયોગી થઈ શકે છે, જેનો લાભ મેળવવા આ શેરી વિક્રેતાઓ લાયકાત ધરાવે છે. જેમાં પીએમએવાય-યુ અંતર્ગત આવાસ, ઉજ્જવલા અંતર્ગત રાંધણ ગેસ, સૌભાગ્ય અંતર્ગત વીજળી, આયુષ્યમાન ભારત અંતર્ગત સ્વાસ્થ્ય, ડીએવાય-એનયુએલએમ અંતર્ગત કૌશલ્ય, જન ધન અંતર્ગત બેંક ખાતું વગેરે સામેલ છે.

પૃષ્ઠભૂમિ

ભારત સરકારે એક વર્ષની મુદ્દતની રૂ. 10,000/- સુધીની બાયંધરીમુક્ત કાર્યકારી મૂડીગત લોનની સુવિધા આપવા પીએમ સ્વનિધિ યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત આશરે 50 લાખ શેરી વિક્રેતાઓને લોન આપવાનો ઉદ્દેશ છે, જેથી તેઓ તેમનો વ્યવસાય ફરી શરૂ કરી શકે. તેમને લોનની ચુકવણી માટે પ્રોત્સાહન આપવા વ્યાજની સહાય (વર્ષદીઠ 7 ટકા) અને ડિજિટલ વ્યવહારો હાથ ધરવા માટે કેશ બેક (દર વર્ષે રૂ. 1,200/- સુધી) સ્વરૂપે પ્રોત્સાહન આપવામાં આવશે. 24 ટકા વાર્ષિક વ્યાજ પર 10000 રૂપિયાના લોન માટે વ્યાજ સબસીડી પ્રભાવી રૂપે કુલ વ્યાજના 30 ટકા જેટલી થાય છે.

એટલે શેરી વિક્રેતાઓને વ્યાજની ચુકવણી નહીં કરવી પડે. એટલું જ નહીં જો તેઓ સમયસર લોન ચુકવશે તથા લોન મેળવવા અને ચુકવણી માટે ડિજિટલ વ્યવહારોનો ઉપયોગ કરે તો લોનની રકમ પર સબસિડી મેળવશે. આ યોજના વહેલા કે સમયસર પુનઃચુકવણી પર ફરી લોન મળવાની શક્યતા વધારે છે. ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક (સિડબી) સાથે લોનની પ્રક્રિયા 02 જુલાઈ, 2020થી આઇટી પ્લેટફોર્મ “પીએમ સ્વનિધિ દ્વારા શરૂ થઈ છે, જે યોજનાનું સંચાલન કરવા માટેની અમલીકરણ સંસ્થા છે.

 

DS/BT



(Release ID: 1641278) Visitor Counter : 234