સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

સતત ત્રીજા દિવસે દર્દીઓ સાજા થવાની સંખ્યામાં સૌથી મોટો એક દિવસીય વધારો નોંધાયો - છેલ્લા 24 કલાકમાં કોવિડમાંથી 34,602 દર્દી સાજા થયા


દેશમાં કોવિડમાંથી સાજા થયેલા કુલ દર્દીની સંખ્યા 8 લાખથી વધુ થઇ

મૃત્યુદર ઘટીને 2.38% નોંધાયો અને તેમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.

Posted On: 24 JUL 2020 3:26PM by PIB Ahmedabad

એક દિવસમાં કોવિડ-19માંથી સર્વાધિક દર્દીઓ સાજા થવાનો ટ્રેન્ડ એકધારો જળવાઇ રહ્યો છે. સતત ત્રીજા દિવસે, છેલ્લા 24 કલાકમાં કોવિડ-19માંથી 34,602 દર્દીઓ સાજા થઇ ગયા છે. વૃદ્ધિ સાથે દેશમાં અત્યાર સુધીમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતા હવે આંકડો 8 લાખથી પણ વધીને 8,17,208 સુધી પહોંચી ગયો છે. આના કારણે દેશમાં કોવિડ-19ના દર્દીઓ સાજા થવાના સરેરાશ દરમાં પણ ખૂબ વધારો થતા દર 63.45%ની નવી ઊંચાઇએ પહોંચ્યો છે.

દેશમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો હોવાથી, સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે સક્રિય દર્દીઓની સંખ્યા (4,40,135) કરતાં 3,77,073 વધુ નોંધાઇ છે. તફાવતમાં સતત પ્રગતિપૂર્ણ વૃદ્ધિનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો અને જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વ્યૂહાત્મક વિચારવિમર્શ કરીને તેમજ અતિ વધુ કેસનું ભારણ ધરાવતા વિસ્તારોમાં કેન્દ્રના નિષ્ણાતોની ટીમો મોકલીને રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને કેન્દ્ર દ્વારા પૂરતો સહકાર આપવામાં આવી રહ્યો છે. આરોગ્ય સંભાળ કર્મચારીઓના સમર્પિત પ્રયાસોના પરિણામે, કોવિડના કારણે દર્દીઓના મૃત્યુની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે અને હાલમાં દેશમાં કોવિડના કારણે સરેરાશ મૃત્યુદર ઘટીને 2.38% થઇ ગયો છે.

સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં થયેલી નોંધપાત્ર વૃદ્ધિ કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ વિવિધ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો દ્વારા કોવિડ-19ની કન્ટેઇન્મેન્ટ વ્યૂહનીતિની રચના અને તેના અમલીકરણનું પરિણામ છે. તેમાં પ્રાથમિકરૂપે ઘરે-ઘરે સર્વે, સંપર્કોનું ટ્રેસિંગ અને અતિ સંવેદનશીલ શ્રેણીઓમાં આવતા કેસોને વહેલી તકે શોધી કાઢવા માટે SARI/ILI કેસોના સર્વેલન્સ દ્વારા સક્રિય શોધખોળ સહિત સઘન પરીક્ષણની કામગીરી દ્વારા કોવિડના વહેલા નિદાન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ત્યારબાદ અસરકારક કન્ટેઇન્મેન્ટ પ્લાન અને વધારવામાં આવેલા ત્રિ-સ્તરીય આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મદદથી ચેપગ્રસ્ત દર્દીઓના અસરકારક તબીબી વ્યવસ્થાપન તેમજ સારી રીતે અમલમાં મૂકવામાં આવેલા દેખરેખ પ્રોટોકોલના ધોરણોનો અમલ કરવામાં આવે છે. આના કારણે હોસ્પિટલોમાં તેમજ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા દર્દીઓની અસરકારક સારવારમાં મદદ મળી છે અને દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવાથી ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓ માટે હોસ્પિટલોમાં ખાલી જગ્યા સુનિશ્ચિત થઇ શકી છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો:  https://www.mohfw.gov.in/અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

SD/GP/DS/BT(Release ID: 1640909) Visitor Counter : 101