પ્રધાનમંત્રીનું કાર્યાલય
ઇન્ડિયા આઇડિયાઝ શિખર સંમેલન 2020માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Posted On:
22 JUL 2020 9:27PM by PIB Ahmedabad
નમસ્તે!
બિઝનેસ લીડર્સ,
વિશિષ્ટ અતિથિઓ,
‘ઇન્ડિયા આઇડિયાઝ શિખર સંમેલન’ને સંબોધિત કરવા મને આમંત્રણ આપવા બદલ યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલનો હું આભાર માનું છું. હું ચાલુ વર્ષે યુએસઆઇબીસી (USIBC)ને એની 45મી વર્ષગાંઠ પર પણ અભિનંદન આપું છું. ગત દાયકામાં USIBCએ ભારત અને અમેરિકન વ્યવસાયોને નજીક લાવવાનું કામ કર્યું છે. ચાલુ વર્ષે USIBCએ આઇડિયાઝ શિખર સંમેલનની થીમ ‘બહેતર ભવિષ્યનું નિર્માણ’ પસંદ કરવામાં આવી છે, જે હાલના સ્થિતિસંજોગોમાં ઘણી પ્રસ્તુત પણ છે.
મિત્રો,
આપણે બધા સંમત છીએ કે, દુનિયાને ખરેખર ઉજ્જવળ ભવિષ્યની જરૂર છે. આપણે બધા ખભેખભો મિલાવીને ભવિષ્યને દિશા આપીશું. હું દ્રઢપણે માનું છું કે, ભવિષ્ય માટે આપણો અભિગમ મુખ્યત્વે વધુને વધુ માનવ-કેન્દ્રિત હોવો જોઈએ એટલે આપણું કેન્દ્ર મનુષ્ય હોવો જોઈએ. આપણી વૃદ્ધિ અને વિકાસલક્ષી કાર્યોનું હાર્દ ગરીબ અને વંચિત વર્ગ હોવો જોઈએ. ‘વેપારવાણિજ્યની સરળતા’ જેટલું જ મહત્ત્વ ‘જીવનની સરળતા’ છે.
મિત્રો,
તાજેતરના અનુભવે આપણને શીખવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર કાર્યદક્ષતા અને અસરકારકતા પર પણ કેન્દ્રિત છે. કાર્યદક્ષતા અને કાર્યક્ષમતા સારી બાબત છે. પણ આપણે એ દિશામાં અગ્રેસર થવાની સાથે એટલી મહત્ત્વપૂર્ણ બાબતને ભૂલી જઈએ છીએ. એ છે – નવેસરથી બેઠાં થવાની ક્ષમતા. મારો કહેવાનો અર્થ છે – કોઈ પણ પ્રકારના બાહ્ય આંચકા સામે નવેસરથી બેઠાં થવાની ક્ષમતા. આ ક્ષમતા કેટલી મહત્ત્વપૂર્ણ છે એની યાદ આપણને આંતરરાષ્ટ્રીય રોગચાળાએ અપાવી છે.
મિત્રો,
આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક પુનરોદ્ધાર મજબૂત સ્થાનિક આર્થિક ક્ષમતા થકી જ હાંસલ થઈ શકશે. એનો અર્થ છે – ઉત્પાદન માટે સ્થાનિક ક્ષમતા વધારવી, નાણાકીય વ્યવસ્થાની સ્થિતિ પુનઃસ્થાપિત કરવી અને આંતરરાષ્ટ્રીય વેપારમાં વિવિધતા લાવવી.
મિત્રો,
ભારત ‘આત્મનિર્ભર ભારત’ની અપીલ કરીને સમૃદ્ધ અને સક્ષમ, મજબૂત દુનિયાના નિર્માણમાં પ્રદાન કરી રહ્યું છે. અને આ માટે અમે તમારી ભાગીદારી માટે આતુર છીએ!
મિત્રો,
અત્યારે દુનિયાના દેશો ભારત તરફ આશાસ્પદ નજરે જોઈ રહ્યાં છે. એનું કારણ છે – ભારત ઉદારતા, તકો અને વિકલ્પોનો આદર્શ સમન્વય પૂરો પાડે છે. હું તમને સમજાવું. ભારતના લોકોમાં અને વહીવટ કે શાસનમાં ઉદારતા જોવા મળે છે. નિખાલસતા કે પારદર્શકતા ઉદાર બજારો ઊભા કરે છે. ખુલ્લાં અને ઉદાર બજારો સમૃદ્ધિ તરફ દોરી જાય છે. આ સિદ્ધાંતો પર ભારત અને અમેરિકા એમ બંને લોકશાહી દેશો સંમત છે.
મિત્રો,
છેલ્લાં છ વર્ષ દરમિયાન અમે અમારા અર્થતંત્રને વધારે ઉદાર બનાવવા અને સુધારાલક્ષી બનાવવા ઘણા પ્રયાસો કર્યા છે. સુધારાઓથી સ્પર્ધાત્મકતામાં વધારો, પારદર્શકતામાં વધારો, ડિજિટાઇઝેશનમાં વૃદ્ધિ, શ્રેષ્ઠ ઇનોવેશન અને વધુ નીતિગત સ્થિરતા સુનિશ્ચિત થાય છે.
મિત્રો,
ભારત તકોની ભૂમિ તરીકે વિકસ્યો છે. હું તમને ટેકનોલોજી ક્ષેત્રનું ઉદાહરણ આપું. તાજેતરમાં ભારતમાં એક રસપ્રદ અહેવાલ બહાર પડ્યો છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, પહેલી વાર દેશમાં શહેરી ઇન્ટરનેટ યુઝર કરતાં ગ્રામીણ ઇન્ટરનેટ યુઝરની સંખ્યા વધી ગઈ છે. તમે ભારતમાં રહેલી સંભવિતતા કે વેપારવાણિજ્યની કલ્પના તો કરો! અત્યારે ભારતમાં અડધો અબજ સક્રિય ઇન્ટરનેટ યુઝર્સ છે. અડધો અબજ કનેક્ટેડ લોકો. તમને આ આંકડો નાનો લાગે છે? તો તમારા માટે હજુ એક સારાં સમાચાર છે. અડધા અબજથી વધારે લોકો જોડાઈ રહ્યાં છે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે, ભારતમાં ટેકનોલોજી ક્ષેત્રમાં પુષ્કળ તકો છે, જેમાં 5જીની મોખરાના ટેકનોલોજીમાં રહેલી તકો, બિગ ડેટા એનાલીટિક્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, બ્લોક-ચેઇન અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સમાં રહેલી તકો પણ સામેલ છે.
મિત્રો,
ભારતમાં રોકાણ કરવાના વિકલ્પો વધારે છે કે મોટા પાયે તકો રહેલી છે. ભારત તમને અમારા મહેનતુ ખેડૂતોમાં રોકાણ કરવા આવકારે છે. ભારતે તાજેતરમાં કૃષિ ક્ષેત્રમાં ઐતિહાસિક સુધારા કર્યા છે. કૃષિ ક્ષેત્રમાં રોકાણની ઘણી તકો છેઃ કૃષિલક્ષી આંતરિક ચીજવસ્તુઓ અને મશીનરી, કૃષિ ક્ષેત્રમાં પુરવઠાની સાંકળનું વ્યવસ્થાપન, ભોજન કરી શકાય એવી તૈયાર ચીજવસ્તુઓ, મત્સ્યપાલન અને ઓર્ગેનિક ઉત્પાદનમાં પુષ્કળ તકો છે. ભારતનું ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર વર્ષ 2025 સુધીમાં અડધા ટ્રિલિયન ડોલરથી વધશે એવી અપેક્ષા છે. આવકના પ્રવાહોમાં વધારો કરવા અત્યારે ભારતીય કૃષિ ક્ષેત્રમાં રહેલી રોકાણની તકો ઝડપવાનો શ્રેષ્ઠ સમય છે!
ભારત તમને હેલ્થકેર ક્ષેત્રમાં રોકાણ કરવા આમંત્રણ આપે છે. ભારતમાં હેલ્થકેર ક્ષેત્ર દર વર્ષે 22 ટકાના દરે વૃદ્ધિ કરી રહ્યું છે. અમારી કંપનીઓ મેડિકલ-ટેકનોલોજી, ટેલી-મેડિસિન અને નિદાનના ઉત્પાદનમાં પણ પ્રગતિ કરી રહી છે. ભારત અને અમેરિકા ફાર્મા ક્ષેત્રમાં મજબૂત ભાગીદારી ધરાવે છે. સ્કેલ અને સ્પીડ હાંસલ કરવા ભારતીય હેલ્થ-કેર ક્ષેત્રમાં અત્યારે તમારું રોકાણ વધારવાનો શ્રેષ્ઠ સમય છે!
ભારતે ઊર્જા ક્ષેત્રમાં રોકાણ કરવા લાલ જાજમ પાથરી છે. જેમ ભારત ગેસ-આધારિત અર્થતંત્રમાં પરિવર્તિત થઈ રહ્યું છે, તેમ અમેરિકન કંપનીઓ માટે રોકાણની મોટી તકો ઊભી થશે. પર્યાવરણને અનુકૂળ એટલે કે સ્વચ્છ ઊર્જા ક્ષેત્રમાં પણ મોટી તકો છે. તમારા રોકાણ માટે વધારે ક્ષમતા પેદા કરવા ભારતીય વીજ ક્ષેત્રમાં પ્રવેશ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે!
ભારત તમને માળખાગત ક્ષેત્રમાં રોકાણ કરવા આમંત્રણ આપે છે. અત્યારે અમારા દેશના ઇતિહાસમાં અભૂતપૂર્વ રીતે મોટા પાયે માળખાગત સુવિધાઓનું સર્જન થઈ રહ્યું છે. આવો, લાખો લોકો માટે ઘરનું નિર્માણ કરવા ભાગીદાર બનો, અથવા અમારા દેશમાં રોડ, હાઇવે અને પોર્ટનું નિર્માણ કરો.
નાગરિક ઉડ્ડયન વૃદ્ધિની ઊંચી સંભવિતતા ધરાવતું અન્ય એક ક્ષેત્ર છે. એર પેસેન્જર્સની સંખ્યા આગામી 8 વર્ષમાં બમણાથી વધી જશે એવી અપેક્ષા છે. આગામી દાયકામાં ટોચની ખાનગી ભારતીય એરલાઇન કંપનીઓએ એના કાફલામાં એક હજારથી વધારે નવા વિમાન ઉમેરવાની યોજના બનાવી છે. ભારતમાં ઉત્પાદન સુવિધા સ્થાપિત કરવાનું પસંદ કરતા કોઈ પણ રોકાણકાર માટે આ વિશાળ તક છે, જે પ્રાદેશિક બજારોને પુરવઠો પૂરો પાડવા માટેનો આધાર બની શકે છે. મેઇન્ટેનન્સ, રિપેર અને ઓપરેશન સુવિધાઓ સ્થાપિત કરવા માટે પણ પુષ્કળ તકો છે. તમારા ઉડ્ડયન લક્ષ્યાંકોને ઉડાન આપવા અત્યારે ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં રોકાણ કરવાનો આદર્શ સમય છે.
ભારત તમને સંરક્ષણ અને અંતરિક્ષ ક્ષેત્રમાં રોકાણ કરવા અપીલ કરે છે. અમે સંરક્ષણ ક્ષેત્રમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ)ની મર્યાદા વધારીને 74 ટકા કરી છે. ભારતે સંરક્ષણ ઉપકરણોનાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને પ્લેટફોર્મ ઊભા કરવા બે સંરક્ષણ કોરિડોર સ્થાપિત કર્યા છે. અમે ખાનગી અને વિદેશી રોકાણકારોને વિશેષ છૂટછાટો પૂરી પાડીશું. થોડા અઠવાડિયાઓ અગાઉ અમે અંતરિક્ષ ક્ષેત્રમાં પથપ્રદર્શક સુધારાઓને મંજૂરી આપી છે. આવો, ભવિષ્યમાં વિકાસના આ ક્ષેત્રોની સફરમાં સહભાગી બનો.
ભારત તમને નાણાકીય અને વીમા ક્ષેત્રમાં રોકાણ કરવા આહવાન કરે છે. ભારતે વીમા ક્ષેત્રમાં રોકાણ કરવા એફડીઆઈની ટોચમર્યાદા વધારીને 49 ટકા કરી છે. અત્યારે વીમા મધ્યસ્થી સંસ્થાઓમાં રોકાણ માટે 100 ટકા એફડીઆઈની મંજૂરી છે. ભારતમાં વીમાબજાર 12 ટકાના દરે વૃદ્ધિ પામે છે અને વર્ષ 2025 સુધીમાં વધીને 250 અબજ ડોલર થઈ જશે એવી અપેક્ષા છે. અમારી હેલ્થ એશ્યોરન્સ યોજના આયુષ્માન ભારતની સફળતા સાથે પાક વીમા યોજના પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અને સામાજિક સુરક્ષા યોજના કે જન સુરક્ષા યોજના સાથે સરકારે વીમા ઉત્પાદનોની ઝડપી સ્વીકાર્યતા માટેનો માર્ગ મોકળો કર્યો છે. હેલ્થ, કૃષિ, બિઝનેસ અને જીવન વીમાના ક્ષેત્રમાં વીમાકવચમાં વધારો કરવા માટે વિશાળ તકો રહેલી છે. લાંબા ગાળા માટે અને સુનિશ્ચિત આવક પેદા કરવા માટે ભારતીય વીમા ક્ષેત્ર અત્યારે રોકાણ કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પો પૈકીનો એક છે!
હું તમને થોડા વિકલ્પો આપું છું અને એ પણ કોઈ પણ પ્રકારની કન્સલ્ટન્સી ફી વિના.
મિત્રો,
જ્યારે બજારો ઉદાર હોય છે, જ્યારે તકો પુષ્કળ હોય છે અને વિકલ્પો વધારે હોય છે, ત્યારે આશાવાદ પણ વધારે હોય છે! જ્યારે ભારત મુખ્ય બિઝનેસ રેટિંગ્સમાં અગ્રેસર છે, ત્યારે તમે આશાવાદમાં વધારો જોઈ શકો છો. ખાસ કરીને વર્લ્ડ બેંકના વેપારવાણિજ્ય સરળ કરવાના રેટિંગ્સમાં.
રોકાણ એ વિશ્વાસનું સૌથી મોટું પ્રતીક છે. દર વર્ષે અમે એફડીઆઈ મેળવવાનો નવો રેકોર્ડ કરી રહ્યાં છીએ. દર વર્ષે અગાઉના વર્ષ કરતાં વધારે એફડીઆઈ મળે છે. ભારતને વર્ષ 2019-20માં 74 અબજ ડોલરનું એફડીઆઈ મળ્યું હતું. આ અગાઉના વર્ષની સરખામણીથી 20 ટકા વધારે છે. યુએસઆઇબીસીમાં મિત્રોએ જાણકારી આપી છે કે, અમેરિકામાંથી રોકાણની પ્રતિબદ્ધતા ચાલુ વર્ષે 40 અબજ ડોલરને આંબી ગઈ છે! વળી તમે જુઓ કે, વર્તમાન રોગચાળા દરમિયાન પણ શું થયું છે. કોવિડની વચ્ચે ભારતે એપ્રિલથી જુલાઈ, 2020 વચ્ચે 20 અબજ ડોલરથી વધારેનું વિદેશી રોકાણ મેળવ્યું છે!
પણ ભારત ઘણી વધારે તકો પૂરી પાડે છે. આંતરરાષ્ટ્રીય આર્થિક સુધારા માટે જરૂરી ક્ષમતા અમે ધરાવીએ છીએ.
મિત્રો,
ભારતના વિકાસનો અર્થ છેઃ તમે વિશ્વાસ કરી શકો એવા દેશ સાથે વેપારની તકોમાં વધારો, વધતી ઉદારતા સાથે આંતરરાષ્ટ્રીય સંકલનમાં વધારો, સ્કેલ ઓફર કરતા બજારની સુલભતા સાથે તમારી સ્પર્ધાત્મકતામાં વધારો અને કુશળ માનવ સંસાધનોની ઉપલબ્ધતા સાથે રોકાણ પર તમારા વળતરમાં વધારો.
મિત્રો,
આ વિઝનને સાકાર કરવા માટે અમેરિકા અમારા શ્રેષ્ઠ ભાગીદારોમાં સ્થાન ધરાવે છે. ભારત અને અમેરિકા – બે જીવંત લોકશાહી દેશો છે, જે સહિયારા મૂલ્યો ધરાવે છે. બંને દેશો સ્વાભાવિક ભાગીદાર છે. અમેરિકા અને ભારતના મૈત્રીપૂર્ણ સંબંધોએ અગાઉ ઘણી નવી ઊંચાઈઓ સર કરી છે. અત્યારે રોગચાળા પછી દુનિયાના અર્થતંત્રોને ફરી ધબકતા કરવામાં મદદ કરવા આપણી ભાગીદારી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ઘણી વાર અમેરિકન રોકાણકારો કોઈ ક્ષેત્ર કે દેશમાં પ્રવેશ કરવા માટે આદર્શ સમયની રાહ જોતા હોય છે. તેમને મારે કહેવું છે કે, ભારતમાં રોકાણ કરવા માટે અત્યારે શ્રેષ્ઠ સમય છે!
હું એકવાર ફરી યુએસબીઆઈસી લીડરશિપનો ભારત અને અમેરિકાના આર્થિક સંબંધોને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા માટે આભાર માનું છું. યુએસઆઇબીસી નવી ઊંચાઈઓ હાંસલ કરવાનું જાળવી રાખે એવી શુભેચ્છા!
ભારત-અમેરિકાના મૈત્રીપૂર્ણ સંબંધ વધે એવી શુભકામના!
નમસ્તે!
ધન્યવાદ!
SD/GP/DS/BT
(Release ID: 1640588)
Visitor Counter : 325
Read this release in:
Telugu
,
Assamese
,
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam