પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સંયુક્ત રાષ્ટ્રસંઘની 75મી વર્ષગાંઠે ECOSOC સમારંભમાં આપેલા સંબોધનનો મૂળપાઠ

Posted On: 17 JUL 2020 8:49PM by PIB Ahmedabad

મહાનુભાવો

સન્નારીઓ અને સજ્જનો,

આ વર્ષે આપણે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપનાની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ. માનવજાતની પ્રગતિમાં UNના સંખ્યાબંધ યોગદાનને ધ્યાનમાં લેવાનો આ પ્રસંગ છે. આજની દુનિયામાં UNની ભૂમિકા અને સંદર્ભનું આકલન કરવાની અને તેના માટે બહેતર ભાવિનું ઘડતર કરવાની પણ આ તક છે.

મહાનુભાવો,

બીજા વિશ્વયુદ્ધ પછી તુરંત જ સંયુક્ત રાષ્ટ્રસંઘના 50 સ્થાપક સભ્ય દેશોમાં ભારતનો પણ સમાવેશ થતો હતો. ત્યારથી આજદિન સુધીમાં ઘણું બધું બદલાઇ ગયું છે. આજે, સંયુક્ત રાષ્ટ્રસંઘમાં 193 સભ્ય દેશો જોડાયેલા છે. તેના સભ્યોની સંખ્યા વધવાની સાથે-સાથે, આ સંગઠન પાસેથી અપેક્ષાઓ પણ વધતી ગઇ છે. આ સાથે આજે, બહુપક્ષવાદ સંખ્યાબંધ પડકારોનો સામનો કરી રહ્યો છે.

મહાનુભાવો,

એકદમ શરૂઆતના તબક્કેથી જ, ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘના વિકાસના કાર્યો અને ECOSOCને સક્રિયપણે સમર્થન આપ્યું છે. ECOSOCના પ્રથમ અધ્યક્ષ એક ભારતીય હતા. ભારતે ટકાઉક્ષમ વિકાસના લક્ષ્ય સહિત ECOSOCનો એજન્ડા ઘડવામાં પણ યોગદાન આપ્યું છે. આજે, અમારા ઘરેલું પ્રયાસો દ્વારા અમે ફરી એકવાર, એજન્ડા- 2030 પ્રાપ્ત કરવામાં અને ટકાઉક્ષમ વિકાસના લક્ષ્ય સુધી પહોંચવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છીએ. અમે અન્ય દેશોને તેમના ટકાઉક્ષમ વિકાસના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સહકાર આપી રહ્યા છીએ.

મહાનુભાવો,

ભારત વિશ્વના છઠ્ઠા ભાગના જનસમુદાયનું ઘર છે. અમારી મહત્તા અને જવાબદારી પ્રત્યે અમે સભાન છીએ. અમે જાણીએ છીએ કે, ભારત પોતાના વિકાસના હેતુઓ સિદ્ધ કરવામાં સફળ થશે તો, વૈશ્વિક લક્ષ્યો પ્રાપ્ત કરવામાં તે ઘણે દૂર સુધી જઇ શકશે. અને આથી જ, અમે અમારા રાજ્યો, અમારા સ્થાનિક સ્વરાજ, અમારા નાગરિક સમાજો, સમુદાયો અને અમારા લોકોને સાથે જોડીને સંપૂર્ણ સમાજનો અભિગમ અપનાવ્યો છે.

 સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ એ અમારો મંત્ર છે – અર્થાત્ સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ. આમાં કોઇને પણ વંચિત ના રહેવા દેવાના મૂળ SDG સિદ્ધાંતનો પડઘો પડે છે. વાત પોષણની હોય, આરોગ્ય શિક્ષણની હોય, વીજળીની હોય કે પછી આવાસની હોય – અમારા સહિયારા કાર્યક્રમોના કારણે અમે ઘણી મોટી પ્રગતિ કરી રહ્યા છીએ.

મહાનુભાવો,

ગત વર્ષે, અમે અમારા છ હજાર ગામડાંઓમાં સંપૂર્ણ સફાઇ કવરેજનું લક્ષ્ય પ્રાપ્ત કરીને અમારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મતિથિની ઉજવણી કરી.

પાંચ વર્ષમાં, અમે 110 મિલિયનથી વધુ આવાસોનું નિર્માણ કર્યું, જેનાથી અમારું ગ્રામીણ સફાઇ કવરેજ 38%થી વધીને 100% થઇ ગયું. અમારા વ્યાપક લોકજાગૃતિ કાર્યક્રમો અમારા દેશની મહિલાઓને સશક્ત બનાવી રહ્યા છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં અમે લૈંગિક સમાનતા પ્રાપ્ત કરી શક્યા છીએ. ગ્રામીણ ભારતમાં અંદાજે 70 મિલિયન મહિલાઓ અમારા આજીવિકા મિશન અંતર્ગત સ્વ સહાય સમૂહોનો હિસ્સો છે. તેઓ ખૂબ જ મોટાપાયે જીવન અને આજીવિકાઓમાં પરિવર્તન લાવી રહી છે. એક મિલિયનથી વધુ મહિલાઓ અમારા સ્થાનિક સ્વરાજોમાં ચૂંટાયેલી પ્રતિનિધિઓ છે, સહભાગી વિકાસની પ્રગતિમાં નેતૃત્વ સંભાળી રહી છે. છેલ્લા છ વર્ષમાં, અમે જેમની પાસે બેંક ખાતાં નહોતા તેવા લોકો માટે 400 મિલિયન બેંક ખાતાં ખોલાવ્યા છે જેમાંથી 220 મિલિયન ખાતાં મહિલાઓના નામે છે. આર્થિક સમાવેશીતા માટે અમે ટેકનોલોજીની તાકાતનો ઉપયોગ કર્યો છે. આ અનન્ય ઓળખ નંબર, બેંક ખાતું અને દરેક માટે એક મોબાઇલ કનેક્શનની ત્રિપુટી પર આધારિત છે. તેના કારણે અમે 150 મિલિયન ડૉલરની રકમનો લાભ 700 મિલિયનથી વધુ લોકોના બેંક ખાતાંમાં સીધો ટ્રાન્સફર કરી શક્યા છીએ. અમારો ખાદ્ય સુરક્ષા કાર્યક્રમ 813 મિલિયન લોકો સુધી પહોંચ્યો છે.

2022 સુધીમાં જ્યારે દેશ 75મા સ્વાતંત્રય દિવસની ઉજવણી કરતો હશે ત્યારે, અમારો સૌના માટે આવાસ કાર્યક્રમ દરેક ભારતીયને રહેવા માટે તેમના માથે સલામત અને સુરક્ષિત છત મળી રહે તે સુનિશ્ચિત કરશે. ત્યાં સુધીમાં, આ કાર્યક્રમ અંતર્ગત 40 મિલિયન નવા મકાનોનું નિર્માણ કરવામાં આવશે – જે ઘણા દેશોમાં કુલ મકાનોની સંખ્યા કરતા વધારે છે. આજે, અમારી આયુષ્યમાન  ભારત યોજના દુનિયાનો સૌથી મોટો આરોગ્ય સુરક્ષા કાર્યક્રમ છે અને આ યોજનામાં 500 મિલિયન લોકોને આવરી લેવામાં આવ્યા છે. કોવિડ સામેની લડાઇમાં, અમારા પાયાના સ્તરના આરોગ્યતંત્રએ ભારતને દુનિયામાં સૌથી શ્રેષ્ઠ સાજા થવાનો દર ધરાવતા રાષ્ટ્રોમાં સામેલ થવામાં મદદ કરી છે. અમે 2025 સુધીમાં દેશમાંથી TB નાબૂદ કરવાના માર્ગે પણ આગળ વધી રહ્યા છીએ. ભારતના વિકાસ કાર્યક્રમની ઊંચાઇ અને સફળતા પરથી અન્ય વિકાસશીલ દેશો પણ બોધપાઠ લઇ શકે છે. અને, અમે તૈનાત કરેલી ટેકનોલોજી તેમજ ઇનોવેશનમાંથી પણ તેઓ શીખી શકે છે. આ હકીકતની અનુભૂતિ છે જે વૈશ્વિક દક્ષિણ રાષ્ટ્રો સાથે ભારતની પોતાની વિકાસ સહભાગીતાને મજબૂત આધાર આપે છે.

મહાનુભાવો,

વિકાસના માર્ગ પર આગેકૂચ કરતી વખતે, અમે આપણા ગ્રહ પ્રત્યેની અમારી જવાબદારીને ભુલ્યા નથી. છેલ્લા કેટલાક વર્ષમાં, અમે વાર્ષિક 38 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન ઘટાડી શક્યા છીએ. અમારા ગામડાંઓમાં વિદ્યુતિકરણ કરીને, 80 મિલિયન ગરીબ પરિવારોને રસોઇ માટે સ્વચ્છ ઇંધણ પૂરું પાડીને તેમજ ઉર્જા કાર્યદક્ષ પગલાં ભરીને અમે આ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા છીએ. અમે 2030 સુધીમાં 450 ગીગા વૉટ અક્ષય ઉર્જા સ્રોતો સ્થાપિત કરવાનું 26 મિલિયન હેક્ટર વેરાન જમીનને ફરી ઉપજાઉ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડીને જીવવાની અમે પ્રાચીન પરંપરા ધરાવીએ છીએ. સ્વચ્છતા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા માટે અમે સૌથી મોટા પૈકી એક અભિયાનનો પ્રારંભ કર્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે, આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનની રચના કરવાની અમારી પહેલ ક્લાઇમેટ એક્શન માટે અમારી વ્યવહારુ અભિવ્યક્તિ હતી. તેવી જ રીતે, આપત્તિ સામે ટકાઉક્ષમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગઠબંધનની રચના વ્યાપક અભિગમ માટે તમામ સંબંધિત હિતધારકોને ભેગા કરે છે. અમારા પ્રદેશમાં સૌથી પ્રથમ પ્રતિભાવક તરીકેનું અમે હંમેશા ગૌરવ અનુભવ્યું છે – જરૂરિયાતના સમયે મૈત્રી નિભાવી છે. ભૂકંપ, ચક્રાવાત કે પછી અન્ય કોઇપણ કુદરતી અથવા માનવસર્જિત કટોકટીના સમયમાં, ભારતે ઝડપથી અને એકતાની ભાવના સાથે પ્રતિભાવ આપ્યો છે. કોવિડ સામેની આપણી સંયુક્ત લડાઇમાં, અમે 150થી વધુ દેશોને દવાઓ અને અન્ય સહાય પહોંચાડી છે. અમે અમારા પડોશી રાષ્ટ્રોમાં SAARC કોવિડ ઇમરજન્સી ભંડોળની રચના કરવામાં પણ મદદ કરી છે.

મહાનુભાવો,

કોવિડ-19 મહામારીએ તમામ રાષ્ટ્રોની અનુકૂલનશીલતાની આકરી કસોટી કરી છે. ભારતમાં, અમે સરકાર અને સમાજના પ્રયાસોને એકબીજા સાથે જોડીને આ મહામારી સામેની લડાઇને લોક ચળવળ બનાવવાનો પ્રયાસ કર્યો છે. અમે ગરીબ પરિવારો સુધી લાભ પહોંચાડવાની બાબતને સૌથી વધુ પ્રાથમિકતા આપી છે. અમે 300 બિલિયન ડૉલરથી વધુ મોટા પેકેજની જાહેરાત કરી છે. આનાથી અર્થતંત્ર ફરી પાટે ચડશે, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થશે અને ટેકનોલોજી ચાલિત વ્યવસ્થાતંત્ર અમલમાં આવશે. અમે વૈશ્વિક અર્થતંત્ર સાથે એકીકૃત આત્મનિર્ભર ભારત એટલે કે પોતાના પર નિર્ભર ભારતની દૂરંદેશી આગળ ધપાવી છે.

મહાનુભાવો,

ભારત દૃઢપણે માને છે કે, ટકાઉક્ષમ શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ બહુપક્ષવાદમાંથી નીકળે છે. આ પૃથ્વીના સંતાનો તરીકે, આપણા સહિયારા પડકારોનો સામનો કરવા માટે અને આપણા સમાન લક્ષ્યો સિદ્ધ કરવા માટે અવશ્યપણે આપણે હાથમાં હાથ મિલાવીને આગળ વધુ જોઇએ. જોકે, બહુપક્ષવાદ સમકાલિન વિશ્વની વાસ્તવિકતા રજૂ કે તે આવશ્યક છે. માત્ર સુધારેલા સંયુક્ત રાષ્ટ્રસંઘને કેન્દ્ર સ્થાને રાખીને સુધારેલા બહુપક્ષવાદથી જ માનવજાતની આંકાક્ષાઓ સંતોષી શકાશે. આજે, આપણે જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે, ચાલો વૈશ્વિક બહુપક્ષીય તંત્રમાં સુધારાનું પ્રણ લઇએ, તેની સાંદર્ભિકતા વધારવા માટે, તેની અસરકારકતા વધારવા માટે અને તેને નવા પ્રકારના માનવ કેન્દ્રિત વૈશ્વિકરણનો આધાર બનાવવા માટે. સંયુક્ત રાષ્ટ્રસંઘનો જન્મ મૂળ તો બીજા વિશ્વયુદ્ધના આવેશમાંથી થયો છે. આજે, પ્રવર્તમાન મહામારીનો આવેશ તેના પુનર્જન્મ અને સુધારણાનો સંદર્ભ પૂરો પાડે છે. ચાલો, આ તકને હાથમાંથી સરકવા ના દઇએ.

મહાનુભાવો,

આ ખૂબ જ મહત્વપૂર્ણ સમયે સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદમાં ભારતને ચૂંટવામાં આવ્યું છે. સામાજિક- આર્થિક સમાનતા જાળવવા માટે અને પ્રકૃતિનું સંતુલન ટકાવી રાખવા માટે, વૈશ્વિક સૌહાર્દ જાળવવાની અમારી ઊંડી પ્રતિબદ્ધતા સાથે, ભારત સંયુક્ત રાષ્ટ્રસંઘના એજન્ડામાં સંપૂર્ણ સહકાર આપીને પોતાની ભૂમિકા નિભાવશે.

નમસ્કાર,

આભાર.

 

 

DS/BT


(Release ID: 1639578) Visitor Counter : 517