પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગૂગલના CEO સુંદર પિચાઇ સાથે વાર્તાલાપ કર્યો
ગૂગલના CEOએ ભારતમાં મહામારી સામેની લડાઇમાં પ્રધાનમંત્રીના નેતૃત્વની પ્રશંસા કરી
ગૂગલના CEOએ પ્રધાનમંત્રીને ભારતમાં મોટાપાયે ગૂગલ દ્વારા રોકાણની યોજનાની વિગતો આપી
ટેકનોલોજીથી ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થયો છે: કૃષિ ક્ષેત્ર માટે AIમાં ખૂબ જ સંભાવનાઓ છે: પ્રધાનમંત્રી
ઑનલાઇન શિક્ષણની શક્યતાનું વિસ્તરણ કરવા અને પ્રાદેશિક ભાષાઓમાં ટેકનોલોજીની પહોંચ વધારવા અંગે ચર્ચા કરી
Posted On:
13 JUL 2020 2:31PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગૂગલના CEO શ્રી સુંદર પિચાઇ સાથે વાર્તાલાપ કર્યો હતો.
કોવિડ-19 અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા અને ભરોસાપાત્ર માહિતીનો પ્રસાર કરવા માટે મદદરૂપ થવા ગૂગલ દ્વારા કરવામાં આવેલા વિવિધ પ્રયાસો અંગે શ્રી પિચાઇએ પ્રધાનમંત્રીને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ લૉકડાઉન લાગુ કરવાનું જે પગલું લીધું તેનાથી ભારતમાં આ મહામારી સામેની લડાઇનો એક મજબૂત પાયો નાંખી શકાયો છે. ખોટી માહિતીનો પ્રસાર રોકવા માટે અને જરૂરી સાચવેતી અંગે સાચી માહિતી લોકો સુધી પહોંચાડવા માટે ગૂગલે જે પ્રકારે સક્રિયતાપૂર્ણ ભૂમિકા નિભાવી તે બદલ પ્રધાનમંત્રીએ આ પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવા માટે ટેકનોલોજીના હજી પણ વધુ ઉપયોગ અંગે ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીયો ખૂબ જ ઝડપથી ટેકનોલોજી સાથે અનુકૂલન સાધી રહ્યા છે અને તેને અપનાવી રહ્યા છે. તેમણે ટેકનોલોજીનો લાભ ઉઠાવી રહેલા ખેડૂતો અંગે વાત કરી હતી અને કૃષિ ક્ષેત્રમાં AIની ખૂબ જ વ્યાપક રેન્જમાં લાભોની સંભાવનાઓ અંગે પણ ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલ લેબ્સની વિચારનું પણ અન્વેષણ કર્યું હતું જેનો ઉપયોગ વિદ્યાર્થીઓ તેમજ ખેડૂતો કરી શકે છે. સુંદર પિચાઇએ ભારતમાં ગૂગલ દ્વારા શરૂ કરવામાં આવી રહેલી નવી પ્રોડક્ટ્સ અને પહેલો અંગે પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા હતા. તેમણે બેંગલુરુમાં AI રિસર્ચ લેબ શરૂ કરવાનો ઉલ્લેખ કર્યો હતો અને ગૂગલના, પૂરનું પૂર્વાનુમાન કરવાના પ્રયાસોથી થતા લાભો પર પ્રકાશ પાડ્યો હતો.
ભારતમાં ગૂગલ દ્વારા ખૂબ જ મોટાપાયે રોકાણ અને વિકાસની વ્યૂહાત્મક ભાગીદારીઓ વિશે પણ પ્રધાનમંત્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, ભારત દુનિયામાં સૌથી મુક્ત અને ખુલ્લા અર્થતંત્રોમાંથી એક છે. તેમણે તાજેતરમાં કૃષિ ક્ષેત્રમાં સુધારા લાવવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા કેટલાંક પગલાં અંગે તેમજ નવી નોકરીઓનું સર્જન કરવા માટે હાથ ધરવામાં આવેલા અભિયાન અંગે ચર્ચા કરી હતી. તેમણે પુનઃકૌશલ્યના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો.
પ્રધાનમંત્રીએ ડેટા સુરક્ષા અને ગોપનીયતા સંબંધિત ચિંતાઓ અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, લોકોમાં રહેલા વિશ્વાસના અભાવની ખાઇ પુરવા માટે ટેક કંપનીઓએ પોતાની રીતે તમામ પ્રયાસો કરવાની જરૂર છે. તેમણે સાઇબર ક્રાઇમ અને સાઇબર હુમલાઓના જોખમો અંગે પણ ચર્ચા કરી હતી. બંને મહાનુભવો વચ્ચે થયેલા વાર્તાલાપમાં ચર્ચાયેલા અન્ય મુદ્દામાં, ઑનલાઇન શિક્ષણની શક્યતાઓનું વિસ્તરણ કરવા માટે ટેકનોલોજી આધારિત ઉકેલો, પ્રાદેશિક ભાષાઓમાં ટેકનોલોજીની પહોંચ, રમતગમત ક્ષેત્રે સ્ટેડિયમમાં બેસીને રમત જોતા હોઇએ તેવો અનુભવ પ્રદાન કરવા માટે AR/VRનો ઉપયોગ અને ડિજિટલ ચુકવણીઓના ક્ષેત્રમાં પ્રગતી વગેરે પણ સામેલ હતા.
DS/GP/BT
(Release ID: 1638298)
Visitor Counter : 275
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam