PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 01 JUL 2020 6:17PM by PIB Ahmedabad

 

 

Coat of arms of India PNG images free download

 

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

 
 

 

Date: 01.07.2020

 

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

 

 

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ: દર્દીઓ સાજા થવાનો દર વધીને 59.43% નોંધાયો

આજની સ્થિતિ અનુસાર, દેશમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા કોવિડ-19ના સક્રિય દર્દીઓની સરખામણીએ 1,27,864 વધારે નોંધાઇ છે. આના કારણે દેશમાં કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર વધીને 59.43% સુધી પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં, કોવિડ-19માંથી કુલ 13,157 દર્દીઓ સાજા થઇ ગયા છે આથી હાલમાં દેશમાં કુલ સાજા થયેલાની સંખ્યા વધીને 3,47,978 થઇ છે. હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 2,20,114 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. ભારતમાં કોવિડના નિદાન માટે લેબોરેટરીના નેટવર્કને સતત મજબૂત કરવામાં આવી રહ્યું છે. ભારતમાં હવે કોવિડ-19ના પરીક્ષણ માટે સમર્પિત લેબોરેટરીની સંખ્યા વધીને 1056 થઇ ગઇ છે. આમાં 764 લેબોરેટરી સરકારી ક્ષેત્રની છે જ્યારે 292 લેબોરેટરીઓ ખાનગી ક્ષેત્રની છે. સેમ્પલના પરીક્ષણમાં દૈનિક ધોરણે એકધારો વધારો થઇ રહ્યો છે; છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,17,931 સેમ્પલનું કોવિ઼ડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. દેશમાં અત્યાર સુધીમાં થયેલા કુલ પરીક્ષણનો આંકડો વધીને 88,26,585 સુધી પહોંચી ગયો છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635679

 

કોવિડ-19 અંગે અપડેટ્સ

કેટલાક મીડિયા રિપોર્ટ્સ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ધ્યાનમાં એવી માહિતી આવી છે કે, ભારત સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલા વેન્ટિલેટર્સમાં બાઇલેવલ પોઝિટીવ એરવે પ્રેશર (BiPAP) મોડ ઉપલબ્ધના હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, દિલ્હીના GNCT સહિત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પૂરા પાડવામાં આવેલા 'મેક ઇન ઇન્ડિયા’ વેન્ટિલેટર્સ ICUમાં ઉપયોગના ઉદ્દેશ્યથી છે. આ કોવિડ વેન્ટિલેટર્સ માટે ટેકનિકલ વિવરણો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના મહા નિદેશક હેલ્થ સર્વિસિઝ (DGHS)ની અધ્યક્ષતામાં ડોમેન નોલેજ એક્સપર્ટ્સની એક ટેકનિકલ સમિતિ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા છે જેના અનુરૂપ વેન્ટિલેટર્સની ખરીદી કરવામાં આવી છે અને તે પૂરા પાડવામાં આવ્યા છે. વેન્ટિલેટર્સની ખરીદી અને પૂરવઠામાં આ તમામ વિવરણોનું પાલન કરવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635659  

 

પ્રધાનમંત્રી ડૉક્ટર દિવસ પર ડૉક્ટરોને સલામ કરે છે

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી ડૉક્ટર દિવસ નિમિતે ડોકટરોને સલામ કરે છે. પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી કહ્યું છે કે "ભારત આપણા ડૉક્ટરોને સલામ કરે છે,તેઓ અસાધારણ રૂપે લોકોની સારસંભાળ રાખી રહ્યા છે. COVID-19 સામેની લડતમાં તેઓ સૌથી મોખરે છે." #doctorsday2020

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635586  

 

NBEના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ફેલોશિપ કાર્યક્રમ માટે ડૉ. હર્ષવર્ધને સારા તબીબી આચરણો અંગે માર્ગદર્શિકાની પુસ્તિકા તેમજ પ્રોસ્પેક્ટ્સનું વિમોચન કર્યું

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. હર્ષવર્ધને આજે આંતરરાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ (NBE)ના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ફેલોશિપ કાર્યક્રમ (FPIS)ના વિદ્યાર્થીઓ માટે સારા તબીબી આચરણો અંગે માર્ગદર્શિકા અને પ્રોસ્પેક્ટ્સનું વિમોચન કર્યું હતું. વેબ પ્લેટફોર્મ પર આ ઇ-પુસ્તિકાના વિમોચન પ્રસંગે ડૉ. હર્ષવર્ધને તબીબી સમુદાયને તેમના વ્યવસાયમાં નૈતિક આચરણનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આજે રાષ્ટ્રીય ડૉક્ટર્સ દિવસ નિમિત્તે તબીબોને અભિનંદન પાઠવતા ડૉ. હર્ષવર્ધને ડૉ. બી.સી. રોયને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી, જેમના નામમાં દર વર્ષે 1 જુલાઇના રોજ ડૉક્ટર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડૉ. હર્ષવર્ધને ઉમેર્યું હતું કે, “તબીબ બનવું તે અંગત સિદ્ધિ છે, સારા તબીબ બનવું તે એકધારી પડકારજનક બાબત છે. આ એક માત્ર એવો વ્યવસાય છે જ્યાં કોઇ વ્યક્તિ સમગ્ર માનવજાતની સેવા કરવાની સાથે સાથે પોતાનું ગુજરાન ચલાવવા માટે કમાણી પણ કરી શકે છે.” તેમણે કોવિડ-19 મહામારીના સમયમાં તબીબોએ લોકોની સારવારમાં નિઃસ્વાર્થ ભાવે સેવા આપી તે બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, તેઓ વાસ્તવિક નાયકો છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635676

કેન્દ્રીય ગૃહમંત્રીએ ડૉક્ટર્સ ડે નિમિત્તે તબીબો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને તેમનો આભાર માન્યો

આજે ડૉક્ટર્સ ડે નિમિત્તે, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે, ટ્વીટના માધ્યમથી ભારતના બહાદુર તબીબો પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી અને તેમનો ખૂબ જ આભાર માન્યો હતો, જેઓ કોવિડ-19 સામેની લડાઇમાં અગ્ર હરોળમાં રહીને આ લડાઇનો મોરચો સંભાળી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પડકારજનક સમયમાં રાષ્ટ્રને સલામત અને સ્વસ્થ રાખવા માટે તેમની સર્વોપરી પ્રતિબદ્ધતા ખરેખરમાં અપવાદરૂપ છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ડૉક્ટર્સ ડે નિમિત્તે રાષ્ટ્ર તેમના સમર્પણ અને ત્યાગને સલામ કરે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635663  

 

ઝારખંડના સહિયા: સર્વત્ર સામુદાયિક આરોગ્ય કર્મચારીઓ માટે પ્રેરણાસ્રોત

ઝારખંડમાં આશા કર્મચારીઓ જેને, 'સહિયા' તરીકે ઓળખવામાં આવે છે તેઓ ખાસ કરીને આદિજાતિ વિસ્તારો સહિત છેવાડાના વિસ્તારો સુધી આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવામાં ખૂબ જ સહકાર આપે છે. રાજ્યમાં અંદાજે 42,000 સહિયા છે અને તેમને 2260 સહિયા સાથી (આશા સુવિધાકારો), 582 બ્લોક ટ્રેઇનર, 24 જિલ્લા સામુદાયિક મોબિલાઇઝર અને રાજ્ય સ્તરના સામુદાયિક પ્રક્રિયા સંસાધન કેન્દ્રોનું સમર્થન છે. સહિયાઓ માર્ચ 2020થી કોવિડ-19 સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે, લોકોમાં કોવિડ-19 માટે જાગૃતિ ફેલાવવી અને તેમને તકેદારીના પગલાં જેમ કે વારંવાર સાબુ અને પાણીથી હાથ ધોવા, જ્યારે જાહેર જગ્યાએ નીકળીએ ત્યારે માસ્ક/ ફેસકવરનો ઉપયોગ કરવો, ઉઘરસ અને છીંક આવે ત્યારે યોગ્ય શિષ્ટાટારનું પાલન કરવું વગેરે સુરક્ષાત્મક પગલાં અંગે લોકોને સમજાવવામાં સામેલ છે. તેઓ કોવિડ-19ના કેસોનું સંપર્ક ટ્રેસિંગ, લાઇન લિસ્ટિંગ અને તેમનું ફોલોઅપ લેવાની કામગીરીઓમાં પણ સામેલ છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635562

 

જૂન મહિનામાં રૂ. 90,917 કરોડ GSTની ચોખ્ખી આવક તરીકે એકત્ર થયા

જૂન 2020ના મહિનામાં GSTની ચોખ્ખી આવકનું કલેક્શન રૂપિયા 90,917 કરોડ નોંધાયું છે જેમાંથી CGST પેટે રૂપિયા 18,980 કરોડ અને SGST પેટે રૂપિયા 23,970 કરોડનું કલેક્શન થયું છે. IGSTની રકમ રૂપિયા 40,302 કરોડ રહી છે (જેમાં રૂ. 15,709 કરોડ આયાતી માલસામન પર એકત્ર થયા તે પણ સામેલ છે) અને રૂ. 7,665 કરોડ (આયાતી સામાન પર એકત્ર કરવામાં આવેલા રૂ. 607 કરોડ સહિત) સેસ પેટે એકત્ર કરવામાં આવ્યા છે. ગત વર્ષે સમાન મહિનાની સરખામણીએ આ વર્ષે આ મહિના માટે GSTની કુલ આવક 91% થઇ છે. આ નાણાકીય વર્ષમાં કોવિડ-19ના કારણે આવક પર વિપરિત અસર પડી છે, સૌથી પહેલા તો મહામારીના કારણે આર્થિક અસર અને બીજુ કે, મહામારીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા રિટર્ન ફાઇલ કરવા માટે અને કરવેરાની ચુકવણી કરવા માટે આપવામાં આવેલી છૂટછાટોના કારણે આવક ઓછી થઇ છે. જોકે, છેલ્લા ત્રણ મહિનાના આંકડા GSTની આવકમાં રિકવરી થઇ રહી હોવાનું દર્શાવે છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635572

 

પેટ્રોલિયમ ઉત્પાદનોની માંગ તબક્કાવાર સામાન્ય સ્થિતિમાં આવી રહી છે

ભારતમાં એકંદરે પેટ્રોલિયમ ઉત્પાદનનોનો વપરાશ, જે આ વર્ષે માર્ચના છેલ્લા સપ્તાહ અને એપ્રિલમાં અત્યંત તળીયાના સ્તરે પહોંચી ગયો હતો, તેમાં હવે લૉકડાઉન પહેલાના તબક્કામાં જે સ્થિતિ હતી ત્યાં જૂન 20માં ફરી ધીમે ધીમે સુધારો આવી રહ્યો છે તેવું PSU (IOC, BPC અને HPC)ના વેચાણના બહાર આવી રહેલા આંકડાઓ દર્શાવી રહ્યા છે. દુનિયામાં ત્રીજા ક્રમે સૌથી વધુ ઓઇલ વપરાશકર્તા દેશ તરીકે ગણાતા ભારતમાં પેટ્રોલિયમ ઉત્પાદનોનું વેચાણ કોવિડ-19 મહામારીના ફેલાવાને રોકવા માટે દેશભરમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના કારણે 2007 પછી સૌથી નીચેના સ્તરે પહોંચી ગયું હતું. તબક્કાવાર હવે લૉકડાઉનનો અમલ દૂર કરવામાં આવી રહ્યો છે અને તબક્કાવાર અર્થતંત્રમાં અનલૉકની શરૂઆત કરવામાં આવી રહી હોવાથી, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને લોકોનું આવનજાવન ફરી શરૂ થવા લાગ્યા છે, જેથી જૂન 2020માં કુલ પેટ્રોલિયમ ઉત્પાદનોનો વપરાશ 88 ટકા પહોંચી ગયો છે (11.8 MMT) જ્યારે જૂન 2019માં 13.4 MMT વપરાશ થયો હતો જે સમગ્ર અર્થતંત્રમાં તમામ ક્ષેત્રમાં ઉત્પાદન/ ઔદ્યોગિક/ પરિવહનની પ્રવૃત્તિઓ વધી રહી હોવાના સંકેત આપે છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635689

 

UPSC જાહેર સેવા (પ્રિલિમનરી) પરીક્ષા 2020 અને ભારતીય વન સેવા પરીક્ષા 2020

કેન્દ્રીય જાહેર સેવા પંચ દ્વારા જાહેર સેવાઓ (પ્રિલિમનરી) પરીક્ષા 2020 [ભારતીય વન સેવા (પ્રિલિમનરી) પરીક્ષા, 2020 સહિત] 05.06.2020ના રોજ પ્રકાશિત કરવામાં આવેલા પરીક્ષાઓ/RTના સુધારેલા કાર્યક્રમ અનુસાર સમગ્ર ભારતમાં 04.10.2020 (રવિવાર)ના રોજ લેવામાં આવશે. જાહેર સેવાઓ (પ્રિલિમનરી) પરીક્ષા 2020 [ભારતીય વન સેવા (પ્રિલિમનરી) પરીક્ષા, 2020 સહિત]માં ઉમેદવારોની ઘણી મોટી સંખ્યા અને ઘણા ઉમેદવારો દ્વારા તેમના કેન્દ્રમાં ફેરફાર કરવા માટે કરવામાં આવેલી અરજીઓને ધ્યાનમાં રાખતા પંચે નિર્ણય લીધો છે કે, કેન્દ્રોની સુધારેલી પસંદગીઓ દાખલ કરવા માટે ઉમેદવારોને વધુ એક તક આપવામાં આવશે. જાહેર સેવાઓ (મેઇન) પરીક્ષા, 2020 અને ભારતીય વન સેવા (મેઇન) પરીક્ષા, 2020 માટે કેન્દ્રોમાં વિકલ્પ બદલવાની તક પણ ઉમેદવારોને આપવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635587

 

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત એપ્રિલથી નવેમ્બર 2020 દરમિયાન વિનામૂલ્યે ખાદ્યાન્ન અને દાળના વિતરણનો અંદાજિત ખર્ચ રૂ. 1,50,471 કરોડ થશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઇ કાલે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના નવેમ્બર 2020ના અંત સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, PMGKAY યોજના જુલાઇથી લંબાવીને નવેમ્બર 202ના અંત સુધી ચાલુ રાખવામાં આવશે. આ પાંચ મહિના દરમિયાન, 80 કરોડથી વધુ લોકોને દર મહિને વ્યક્તિ દીઠ પાંચ કિલો ઘઉં/ ચોખા અને દર મહિને દરેક પરિવાર દીઠ એક કિલો દાળનો જથ્થો વિનામૂલ્યે આપવામાં આવશે. આ યોજના અંતર્ગત ખાદ્યાન્ન (ઘઉં અને ચોખા) તેમજ દાળના વિનામૂલ્યે વિતરણનો અંદાજિત ખર્ચ રૂ. 1,50,471 કરોડ થશે જેમાં ભારત સરકારે ખાદ્યાન્ન સબિસિડી પેટે કરેલા રૂ. 46,061 કરોડ અને આંતરરાજ્ય પરિવહન, વિતરકોનું માર્જિન અને ePOSના ઉપયોગ માટે ડિલરોનું વધારાનું માર્જિન વગેરે ખર્ચ પણ સામેલ કરવામાં આવ્યા છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635648

 

કેન્દ્રીય ગૃહમંત્રીએ નવેમ્બર મહિના સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મુદત લંબાવવા બદલ પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ટ્વીટના માધ્યમથી જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રીશ્રીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મુદત લંબાવી છે તે ગરીબ લોકોના કલ્યાણ માટે સરકારની સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતાની પ્રતિતિ કરાવે છે.”

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635433

 

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીએ ખેડૂતોને ખરીફ મોસમમાં મહત્તમ કૃષિ ઉત્પાદન લેવા માટે શ્રેષ્ઠ કૃષિ પદ્ધતિઓ અપનાવવાની અપીલ કરી

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતોને અપીલ કરી હતી કે, તેઓ કૃષિ વધુ લાભદાયી પ્રવૃત્તિ બને તે માટે ખેતરોમાં અલગ અલગ પ્રકારના પાકની ઉપજ લે. દેશના ખેડૂતોને લખેલા પત્રમાં શ્રી તોમરે જણાવ્યું હતું કે, હવે ચોમસુ આવી ગયું હોવાથી દેશમાં સંખ્યાબંધ વિસ્તારોમાં પાકની વાવણીનું કામ પૂરું થઇ ગયું છે અને અન્ય વિસ્તારોમાં આ કામગીરી ચાલી રહી છે. શ્રી તોમરે પોતાના પત્રમાં જણાવ્યું હતું કે, તેઓ ખેડૂતોને ખરીફ મોસમમાં મહત્તમ પ્રમાણમાં ઉપજ લેવા માટે કૃષિની શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરવાના આશયથી આ પત્ર લખી રહ્યા છે. કોવિડ-19ના કારણે અમલી લૉકડાઉન દરમિયાન ખેડૂતોના સમર્પણની પ્રશંસા કરતા શ્રી તોમરે જણાવ્યું હતું કે, કૃષિ ઉત્પાદન દેશના અર્થતંત્રની ધરી બની ગયું છે. કૃષિ અને ખેડૂતો આત્મનિર્ભર ભારત અભિયાનમાં કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635599

 

કોવિડ-19ના કારણે ઉભા થયેલા પડકારજનક તબક્કામાં પણ RCF ખેતીવાડી સમુદાયને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કર્યું

RCFના પ્લાન્ટ્સની કામગીરી એકધારી ચાલુ રહી છે અને તેમણે પૂરતા પ્રમાણમાં ખાતરના જથ્થાનું ઉત્પાદન કર્યું છે. પોતાના ઉત્પાદન કરેલા ખાતરો ઉપરાંત, RCF દ્વારા દેશમાં વર્તમાન ખરીફ વાવેતરની મોસમમાં ખેડૂતોને DAP, APS (20:20:0:13) અને NPK (10:26:26) જેવા કોમ્પ્લેક્સ ખાતરોનું વેચાણ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635634

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • ચંદીગઢઃ કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસકે નિર્દેશો આપ્યાં છે કે બહારથી આવી રહેલા દર્દીઓની ઉપર વધુ સઘન દેખરેખ રાખવામાં આવે, જેથી પ્રારંભિક તબક્કામાં જ કેસો શોધી શકાય. વધુમાં તેમણે ગર્ભવતી મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને બાળકો સહિત ચેપની વધુ સંભાવના ધરાવતા લોકો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા આરોગ્ય કર્મચારીઓને નિર્દેશો આપ્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે જો પડોશમાં કોઇ વ્યક્તિમાં કોરોનાના લક્ષણો જોવા મળે તો સ્થાનિક રહેવાસીઓએ તે અંગે તાત્કાલિક જાણકારી આપવી જોઇએ, જેથી, વહેલી તકે તેમની સારવાર શરૂ કરી શકાય.
  • પંજાબઃ પંજાબ સરકારે 01.07.2020થી 30.07.2020ના 'અનલૉક 2'ના સમયગાળા દરમિયાન કામગીરી તબક્કાવાર રીતે ફરી શરૂ કરવા અંગેના દિશા-નિર્દેશો બહાર પાડ્યાં છે અને ચેપગ્રસ્ત વિસ્તારોની બહારના વિસ્તારોમાં આયોજનબદ્ધ રીતે પ્રવૃતિઓ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સામાજિક અંતર, એટલે કે ઓછામાં ઓછા 6 ફુટના અંતર (બે ગજની દૂરી) જાળવીને તમામ પ્રવૃતિઓ હાથ ધરી શકાશે. તે અનુસાર, જો કોઇપણ પ્રવૃત્તિ વધારે પડતી ભીડ અને લોકોના ટોળા તરફ દોરી જાય તો કચેરીઓ અને સંસ્થાઓ વગેરેના સમયને વારાફરતી અને અલગ-અલગ રાખીને ખોલવા સંબંધિત જરૂરી પગલાં લેવામાં આવશે અને તે સુનિશ્ચિત કરાશે કે સામાજિક અંતરના સિદ્ધાંતોનું કોઇપણ સંજોગોમાં ઉલ્લંઘન ન થાય. કાર્યસ્થળ વગેરે સહિત જાહેર સ્થળો પર તમામ વ્યક્તિઓ માટે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે અને તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને તેનો અમલ કરાવવામાં આવશે.
  • હિમાચલ પ્રદેશઃ ચાલુ વર્ષે નવેમ્બર મહિનાના અંત સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની સમયમર્યાદા વધારવા સંબંધિત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી જાહેરાતની મુખ્યમંત્રીએ ભારોભાર પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પ્રતિ માસ 80 કરોડથી વધારે લોકોને પાંચ મહિના માટે પ્રત્યેક પરિવાર દીઠ 1 કિ.ગ્રા. કઠોળની સાથે પરિવારના દરેક સભ્યને 5 કિ.ગ્રા. ચોખા/ઘઉં વિનામૂલ્યે વિતરણ કરવાની જાહેરાત આ કટોકટીના સમયગાળામાં લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
  • હરિયાણાઃ નાયબ મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારને 'આત્મનિર્ભર ભારત' પેકેજ અંતર્ગત ખાસ કરીને મરઘા ઉછેર પ્રવૃતિ તેમજ સંકલિત પશુપાલન અને તે સંબંધિત સેવાઓનો સમાવેશ સુક્ષ્મ, લઘુ અને મધ્ય ઉદ્યોગની શ્રેણીમાં કરવા અપીલ કરી છે. વધુમાં તેમણે કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખતાં કેન્દ્રીય નાણાં મંત્રાલય મારફતે આ ક્ષેત્રો માટે ધિરાણ પ્રદાન કરવા માટે બેન્કોને જરૂરી નિર્દેશો આપવા પણ અપીલ કરી છે.
  • કેરળઃ રાજ્યના મંત્રીમંડળે આજે બસ ભાડામાં વધારો કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે, આ વધારવામાં આવેલા બસ ભાડા કોવિડ કટોકટી શાંત ન થાય ત્યાં સુધી અમલી રહેશે. અનલૉક 2.0 માટે કેન્દ્ર સરકારના દિશા-નિર્દેશો સ્વીકારતાં કેરળ દ્વારા લૉકડાઉનના નિયંત્રણોમાં રાહત સહિત આદેશો બહાર પડાયાં છે. કેરળ રાજ્યમાં પ્રવેશતા લોકો માટે જાગરથા પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની શરતો ચાલુ રહેશે. 31મી જુલાઇ સુધી ચેપગ્રસ્ત વિસ્તારોમાં લૉકડાઉનનો ચુસ્ત અમલ ચાલુ રહેશે. આ દરમિયાન, વાયાનાડમાં કટ્ટુનાઇકરમાં 40 વર્ષીય મહિલાનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો, જે આદિવાસી- બહુમતી ધરાવતી પંચાયતમાં વાયરસ દ્વારા આદિવાસીને સંક્રમણ થયું હોય તેવો પ્રથમ કેસ છે. રાજ્યની બહાર વધુ નવ કેરળવાસીઓનો કોરોના વાયરસના કારણે મૃત્યુ નીપજ્યાં છે. ગઇકાલે રાજ્યમાં 131 નવા કોરોના વાયરસના કેસો નોંધવામાં આવ્યાં હતા. આ દરમિયાન 10 કેસો સ્થાનિક સંક્રમણના નોંધાયા છે. સમગ્ર રાજ્યમાં વિવિધ હોસ્પિટલોમાં 2,112 દર્દીઓ સારવાર હેઠળ છે.
  • તામિલનાડુઃ 1 જુલાઇ બુધવારથી જાહેર ધાર્મિક સ્થાનો ખુલવાના કારણે ગ્રામીણ વિસ્તારોમાં પૂજા-અર્ચનાના સ્થળો માટે રાજ્ય સરકારે SOP બહાર પાડી છે. જોકે ચેન્નઇ અને મદુરાઇ ઉપરાંત કાંચીપુરમ, થિરુવલ્લુર અને ચેંગાલપટ્ટુ જેવા સ્થાનોમાં આવેલા ધાર્મિક સ્થળો કોવિડ-19ના વધી રહેલા કેસોના કારણે ખોલવામાં આવશે નહીં. ઇરાનમાં ફસાયેલા તામિલનાડુના 652 સહિત 687 ભારતીયો છ દિવસની મુસાફરી બાદ INS જલસ્વા ઉપર સવાર થઇને તૂથુકુડી આવી પહોંચ્યાં હતા. ગઇકાલે 3,943 નવા કેસો નોંધાયા હતા અને 2,325 લોકો સાજા થયા હતા અને 60 લોકોના મૃત્યુ થયાં હતા. કુલ કેસોની સંખ્યા 90,167 છે, સક્રિય કેસો 38,889 અને 1,201 વ્યક્તિના મૃત્યુ નીપજ્યાં છે. ચેન્નઇમાં 22,610 કેસો સક્રિય છે.
  • કર્ણાટકઃ રાજ્ય સરકારે મંગળવારે અનલૉક 2.0 માટે માર્ગદર્શિકા બહાર પાડી છે અને તે 31 જુલાઇ સુધી અમલી રહેશે. જુલાઇ મહિનાથી રાત્રે 8થી સવારે 5 વાગ્યાં સુધી કર્ફ્યૂ રહેશે, સરકારી કચેરીઓ અઠવાડિયાના 5 દિવસ કાર્યરત રહેશે અને સ્કૂલો બંધ રાખવામાં આવશે. રાજ્ય દ્વારા પ્રારંભિક અભ્યાસ બાદ 15 જુલાઇથી બેંગલુરુ અને ઉડુપીમાં ઝીરો-સર્વે હાથ ધરવામાં આવશે અને તેમાં સમગ્ર કર્ણાટકને આવરી લેવામાં આવશે. મંગળવારે કર્ણાટક રાજ્યમાં કોવિડના પરિણામે સૌથી વધારે 20 લોકોના મરણ નીપજ્યાં હતા. ગઇકાલે 947 નવા કેસો નોંધાયા હતા. કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 15,242 છે, સક્રિય કેસો 7,074 છે, 246 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા અને 7,918 લોકોને રજા આપવામાં આવી છે.
  • આંધ્રપ્રદેશઃ ખાસ કરીને કોવિડ-19ના સમયગાળા દરમિયાન લોકોને ઝડપી તબીબી સેવાઓ પૂરી પાડવા માટે રાજ્યમાં તબીબી માળખાકીય સુવિધાઓને ભારે ગતિ પ્રદાન કરતાં મુખ્યમંત્રીએ નવી 1,088 108 અને 104 એમ્બ્યુલન્સ શરૂ કરી છે. ઉચ્ચ અદાલતે તમામ નીચેની અદાલતોમાં કાર્યવાહી મોકૂફ રાખવાનો આદેશ બહાર પાડ્યો છે. જોકે, આ નિર્દેશોમાં આપાતકાલીન સંજોગોમાં ઑનલાઇન પિટિશન દાખલ કરવા જણાવ્યું હતું. પ્રકાસમ જિલ્લામાં કોરોના વાયરસથી 10 પોલીસ કર્મચારી અને આયુષ મેડિકલ અધિકારીઓનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો. 28,239 નમૂનાઓનું પરીક્ષણ કર્યા બાદ છેલ્લા 24 કલાક દરમિયાન 657 નવા કેસો નોંધાયાં છે, 342 લોકોને રજા અપાઇ છે અને છ લોકોના મૃત્યુ નીપજ્યાં છે. આ 657 કેસોમાંથી, 39 કેસો આંતર-રાજ્ય અને સાત વિદેશમાંથી નોંધાયા છે. કુલ કેસો 15,252 છે, સક્રિય કેસોની સંખ્યા 8,071 છે અને 6,988 લોકોને રજા આપવામાં આવી છે તથા 191 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.
  • તેલંગણાઃ દક્ષિણ મધ્ય રેલવે દ્વારા કોવિડ-19ની સારવાર માટે રેલવે હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. દર્દીઓની સારવાર માટે હોસ્પિટલમાં ICMRના નિયમો અનુસાર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. તેલંગણા સરકારે 31 જુલાઇ સુધી ચેપગ્રસ્ત વિસ્તારોમાં લૉકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. જ્યારે ચેપગ્રસ્ત વિસ્તારોની બહાર આયોજનબદ્ધ રીતે પ્રવૃતિઓ ફરી શરૂ કરવામાં આવશે. ગઇકાલ સુધી 16,339 કેસો નોંધાયા છે, જેમાંથી 8,785 કેસો સક્રિય છે, 260 લોકોના મૃત્યુ નીપજ્યાં છે અને 7,294 લોકોને રજા આપવામાં આવી છે.
  • અરૂણાચલ પ્રદેશઃ રાષ્ટ્રીય ડૉક્ટર દિનના પ્રસંગે અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ આપેલા સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારી વૈશ્વિક સ્તરે જનસમુદાયને પ્રભાવિત કરી રહી છે ત્યારે આપણાં ડૉક્ટરો અને અગ્રીમ હરોળમાં રહેલા આરોગ્ય કર્મચારીઓ જીવન બચાવવા માટે દિવસ-રાત કામગીરી કરી રહ્યાં છે. તેઓ વાયરસથી જનસમુદાયને સુરક્ષિત રાખવા માટે પોતાનો જીવ જોખમમાં મુકતાં હોવાથી તેમની સલામતી માટે હું પ્રાર્થના કરી રહ્યો છું.
  • આસામઃ આસામના આરોગ્ય મંત્રી હેમાંતા બિશ્વા શર્માએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે હવે આસામમાં કોવિડ-19 કુલ 13 લેબ છે અને વધુ 6 લેબ આગામી સમયમાં શરૂ કરવામાં આવશે.
  • મણિપુરઃ મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આજે ડૉક્ટર દિન પર અગ્રીમ હરોળમાં કામગીરી કરીને અને લોકોના કિંમતી જીવનને બચાવીને કોવિડ-19 સામે લડી રહેલા તમામ તબીબોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને તેમના જૂસ્સાને સલામ કરી હતી.
  • મિઝોરમઃ આજે મિઝોરમમાં એક સાજા થયેલા દર્દીને રજા આપવામાં આવી હતી. અત્યારે રાજ્યમાં 37 કેસો સક્રિય છે. 123 સાજા થયેલા કેસોની સાથે કોવિડ-19ના કેસોની કુલ સંખ્યા 160 પર પહોંચી ગઇ છે. મિઝોરમના મુખ્યમંત્રી ઝોરામથાંગાએ PMGKYની સમયમર્યાદા વધારવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાનનો આભાર વ્યક્ત કર્યો હતો.
  • નાગાલેન્ડઃ રાષ્ટ્રીય ડૉક્ટર દિન નિમિતે નાગાલેન્ડના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીએ ડૉક્ટરોનું સન્માન કરતાં જણાવ્યું હતું કે, મહામારીનો સામનો કરવા માટે આ કટોકટીના સમયગાળામાં લોકોને સમયસર આરોગ્ય સંભાળ પૂરી પાડવા માટે તેમણે પૂરી પાડેલી સેવાઓ અને બલિદાન અભૂતપૂર્વ છે, જે ખરેખર પ્રશંસનીય છે.
  • સિક્કિમઃ પોતાની નિઃસ્વાર્થ સેવા અને સમર્પણ બદલ પ્રેમ, સન્માન અને પ્રશંસાના પ્રતિક રૂપે સિક્કિમના મુખ્યમંત્રીએ કોવિડ-19ના તમામ અગ્ર હરોળના આરોગ્ય કર્મચારીઓને પ્રોત્સાહક નાણાકીય વળતર પૂરું પાડવાની જાહેરાત કરી છે. તેમણે ડૉક્ટરો માટે રૂ. 20,000 અને નર્સિગ કર્મચારીઓને રૂ. 10,000 અને સહાયક કર્મચારીઓ માટે રૂ. 5,000નું એક-વખત પ્રોત્સાહન વળતર પૂરું પાડવાની જાહેરાત કરી છે.
  • મહારાષ્ટ્રઃ રાજ્યમાં કોવિડ-19 દર્દીઓની કુલ સંખ્યા 1,74,781 છે. મંગળવારે 4,878 નવા દર્દીઓ નોંધાયા હતા, જ્યારે 1,951 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં આજદિન સુધી કુલ 90,911 દર્દીઓ સાજા થયા છે. કુલ સક્રિય દર્દીઓની સંખ્યા 75,979 છે. ગ્રેટર મુંબઇ વિસ્તારમાં મંગળવારે 903 પોઝિટીવ દર્દીઓ નોંધાયા હતા, 625 લોકો સાજા થયા હતા અને 36 લોકોના મરણ થયા હતા. હવે મુંબઇમાં કેસોની કુલ સંખ્યા 77,197 છે, 44,170 લોકો સાજા થયા છે અને 4,554 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. બીજી તરફ રાજ્યની 11 જેલોમાં અત્યાર સુધી 361 જેટલા કેદીઓનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે, જેમાંથી 106 કેસો સક્રિય છે. જેલના 94 કર્મચારીઓનો પણ કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે, જેમાંથી આ જેલોમાં ચાર વ્યક્તિઓના મૃત્યુ નોંધાયા છે.
  • ગુજરાત: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 626 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ દર્દીની સંખ્યા વધીને 32,446 થઇ ગઇ છે. આ ઉપરાંત વધુ 20 દર્દીઓએ કોવિડ-19ના કારણે જીવ ગુમાવ્યો હોવાથી અત્યાર સુધીમાં કુલ 1,848 દર્દીઓ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. નવા સૌથી વધુ 183 દર્દીઓ સુરતમાં નોંધાયા હતા જે પહેલી વખત રાજ્યમાં અમદાવાદ કરતા વધુ સંખ્યામાં દર્દીઓ નોંધાયા હોવાનું દર્શાવે છે. અમદાવાદ શહેરમાં નવા 182 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 422 દર્દીઓને રાજ્યની વિવિધ હોસ્પિટલમાં સાજા થતા રજા આપવામાં આવી છે. આ સાથે રાજ્યમાં કુલ 23670 દર્દીઓ કોવિડની બીમારીમાંથી સાજા થઇ ગયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડ-19 માટે 3 લાખ 73 હજારથી વધુ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. દરમિયાન, અનલૉક- 2 માટે નવી માર્ગદર્શિકાનો આજથી અમલ શરૂ થઇ ગયો છે જે અંતર્ગત નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં હવે દુકાનો રાત્રે 8 વાગ્યા સુદી અને હોટેલો તેમજ રેસ્ટોરન્ટ્સ રાત્રે નવ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. IIT ગાંધીનગર દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એક ટૂલ વિકસાવવામાં આવ્યું છે જેની મદદથી છાતીના એક્સ-રે પરથી કોવિડનું નિદાન થઇ શકે છે. આ ટૂલ તબીબી પરીક્ષણ કરતા પહેલાં ઝડપથી પ્રાથમિક નિદાન કરવા માટે ઉપયોગમાં લઇ શકાય છે.
  • રાજસ્થાન: રાજસ્થાનમાં કોવિડના નવા 78 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી કોવિડના કુલ નોંધાયેલા કેસ વધીને 18092 થઇ ગયા છે. સાજા થયેલા કેસનો આંકડો વધીને 14,232 થઇ ગયો છે. અલવર જિલ્લામાં નવા 29 કેસ નોંધાયા હતા જ્યારે જયપુરમાં 25 કેસ નોંધાયા હતા.
  • મધ્યપ્રદેશ: રાજ્યમાં મંગળવારે કોવિડના નવા 223 કેસ નોંધાયા હોવાથી રાજ્યમાં કોવિડના કુલ નોંધાયેલા કેસની સંખ્યા 13,593 થઇ ગઇ છે. હાલમાં રાજ્યમાં 2626 સક્રિય કેસ સારવાર હેઠળ છે જ્યારે કુલ 10,395 દર્દી સાજા થઇ ગયા છે. રાજ્યમાં કુલ 572 દર્દીઓ કોરોના વાયરસથી મૃત્યુ પામ્યા છે. હોટસ્પોટ ઇન્દોરમાં મંગળવારે નવા 45 કેસ પોઝિટીવ નોંધાયા છે અને વધુ 3 દર્દી મૃત્યુ પામ્યા છે. કોવિડ-19ના ઇન્દોરમાં કુલ 4709 કેસ નોંધાયા છે. રાજ્યના પાટનગર ભોપાલમાં મંગળવારે વધુ 25 કેસ નોંધાયા હતા જ્યારે 3 દર્દી મૃત્યુ પામ્યા હતા. આથી ભોપાલમાં કુલ નોંધાયેલા કેસનો આંકડો વધીને 2789 થઇ ગયો છે. તેમજ મોરાના જિલ્લામાં નવા 59 કેસ, ગ્વાલિયરમાં 14 કેસ અને ભીંડમાં 12 નવા કેસ મંગળવારે નોંધાયા હતા. કિલ કોરોના અભિયાનની આજથી શરૂઆત કરવામાં આવી છે જેનો ઉદ્દેશ્ય કોવિડ-19ના પગલે રાજ્યમાં દરેક પરિવાર સુધી પહોંચવાનો છે. આજથી 15 જુલાઇ સુદી 11,400 ટીમ દ્વારા રાજ્યમાં ઘરે ઘરે સર્વે કરવામાં આવશે અને જરૂરી તૈયારીઓ કરવામાં આવશે. રાજ્યમાં SARTHAK એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે જેનો ઉપયોગ આ સર્વેના દસ્તાવેજીકરણ માટે થશે.
  • છત્તીસગઢ: રાજ્યમાં મંગળવારે કોવિડ-19ના વધુ 63 કેસ પોઝિટીવ નોંધાયા છે જ્યારે 100 દર્દીઓ સાજા થઇ ગયા છે. આથી રાજ્યમાં કોવિડ-19ના કુલ નોંધાયેલા કેસની સંખ્યા 2858 થઇ ગઇ છે. હાલમાં 595 સક્રિય કેસ સારવાર હેઠળ છે જ્યારે કુલ 2250 દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થઇ ગયા છે.
  • ગોવા: ગોવામાં મંગળવારે કોવિડ-19ના નવા 64 દર્દીઓને ઓળખી કાઢવામાં આવ્યા હોવાથી રાજ્યમાં નોંધાયેલા કોવિડ-19ના કુલ કેસનો આંકડો 1315 થઇ ગયો છે. હાલમાં રાજ્યમાં 716 સક્રિય કેસો સારવાર હેઠળ છે. તેમજ મંગળવારે 72 દર્દીઓ સાજા થઇ ગયા હોવાના પણ અહેવાલ હોવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 596 દર્દી સાજા થઇ ગયા છે.

 

 

 

FACTCHECK

 

 



(Release ID: 1635764) Visitor Counter : 286