પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીનું રાષ્ટ્રને સંબોધન અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો ગાળો લંબાવવાની જાહેરાત

યોજના દિવાળી અને છઠ પૂજા, એટલે કે નવેમ્બરના અંત સુધી લંબાવવામાં આવશે ઃ પ્રધાનમંત્રી

દર મહિને વિના મૂલ્યે પાંચ કિલો ઘઉં / ચોખા, 80 કરોડ કરતાં વધુ લોકો - પરિવારના પ્રત્યેક સભ્યને પૂરા પાડવામાં આવી રહ્યા છે - તેની સાથે પરિવાર દીઠ એક કિલો ચણા પણ વિના મૂલ્યે અપાઈ રહ્યા છે

પ્રધાનમંત્રીએ આ યોજનાને સંભવ બનાવવા માટે કઠોર પરિશ્રમ કરી રહેલા ખેડૂતો અને પ્રામાણિક કરદાતાઓને શ્રેય આપ્યું

કોરોનાવાયરસ સામેનો જંગ અનલોક 2માં પ્રવેશી રહ્યો છે, ત્યારે પ્રધાનમંત્રીએ પ્રત્યેક દેશવાસીને લૉકડાઉન દરમિયાન જે ગંભીરતાથી નિયમનોનું પાલન કર્યું હતું, તે જ ગંભીરતા દાખવીને નિયમનોને અનુસરવા જણાવ્યું છે.

Posted On: 30 JUN 2020 4:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના નવેમ્બરના અંત સુધી લંબાવવાની જાહેરાત કરી હતી.

 

ગરીબોને મદદનો હાથ લંબાવાયો

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે લૉકડાઉન દરમિયાન  જરૂરિયાતમંદ લોકોને ખાદ્યચીજો ઉપલબ્ધ કરાવવી તે દેશની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. લૉકડાઉનની જાહેરાત થઈ કે તરત સરકારે પીએમ ગરીબ કલ્યાણ યોજના અમલી બનાવી હતી, જેના હેઠળ ગરીબો માટે રૂા. 1.75 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું હતું.

તેમણે નોંધ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં લગભગ 20 કરોડ ગરીબ પરિવારોના જન ધન ખાતાંઓમાં રૂા. 31,000 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે, નવ કરોડથી વધુ ખેડૂતોના બેન્ક એકાઉન્ટ્સમાં રૂા. 18,000 કરોડ ટ્રાન્સફર કરાયાં છે અને પીએમ ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન માટે રૂા. 50,000 કરોડ ખર્ચવામાં આવી રહ્યાં છે, જેના હેઠળ રોજગારની તકો ઉપલબ્ધ કરવાનું શરૂ કરાયું છે.

પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના નવેમ્બર સુધી લંબાવાઈ

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ત્રણ મહિના સુધી 80 કરોડથી વધુ લોકોને વિના મૂલ્યે રૅશન આપવાનો એટલે કે પરિવારના પ્રત્યેક સભ્યને વિના મૂલ્યે પાંચ કિલો ચોખા / ઘઉં તેમજ પ્રત્યેક પરિવાર દીઠ એક કિલો કઠોળ આપવાના અસાધારણ નિર્ણયની નોંધ સમગ્ર વિશ્વએ લીધી છે. જે લોકોને વિના મૂલ્યે રૅશન ઉપલબ્ધ કરાવાયું છે, તેમની સંખ્યા અનેક મોટા દેશોની વસ્તીના કેટલાક ગણી છે.

પ્રધાનમંત્રીએ પણ નોંધ્યું કે વરસાદની મોસમ શરૂ થવાને કારણે કૃષિ ક્ષેત્રે મોટા ભાગનાં કામ શરૂ થયાં છે. ઉપરાંત, ગુરુ પૂર્ણિમા, રક્ષાબંધન, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, ઓણમ, દશેરા, દિવાળી, છઠ પૂજા વગેરે સહિત એક પછી એક કેટલાક તહેવારો પણ આવી રહ્યા છે. તેમણે જાહેર કર્યું કે સમયે લોકોની જરૂરિયાત તેમજ ખર્ચ વધી જતા હોવાની બાબત ધ્યાનમાં રાખીને સરકારે પીએમ ગરીબ કલ્યાણ અન્ય યોજના દિવાળી અને છઠ પૂજા સુધી લંબાવી છે, એટલે કે યોજના જુલાઈથી માંડીને નવેમ્બરના અંત સુધી ચાલુ રહેશે. પાંચ મહિનાના ગાળામાં 80 કરોડથી વધુ લોકોને દર મહિને વિના મૂલ્યે પાંચ કિલો ઘઉં / ચોખા આપવામાં આવશેદર મહિને પરિવારના દરેક સભ્યને વિના મૂલ્યે પાંચ કિલો ચોખા / ઘઉંની સાથે સાથે પરિવાર દીઠ વિના મૂલ્યે એક કિલો આખા ચણા પણ આપવામાં આવશે.

યોજના લંબાવવા માટે સરકાર રૂા. 90,000 કરોડથી વધુ ખર્ચ કરશે, તેમ જણાવતાં પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે જો પાછલા ત્રણ મહિનામાં ખર્ચ કરાયેલી રકમને આની સાથે જોડવામાં આવે તો યોજના પાછળ કુલ લગભગ રૂા. 1.5 લાખ કરોડનો ખર્ચ થશે. સરકાર માટે અનાજ ખરીદીને વિનામૂલ્યે વિતરણ સંભવ બન્યું છે, તે માટેનું શ્રેય તેમણે કઠોર પરિશ્રમ કરતા ખેડૂતો અને પ્રામાણિક કરદાતાઓને આપીને તેમનો આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે દેશ વન નેશન, વન રૅશન કાર્ડ ની વ્યવસ્થા તરફ આગળ ધપી રહ્યો છે, જેનાથી કામકાજની શોધમાં અન્ય રાજ્યોમાં મુસાફરી કરી રહેલા ગરીબ લોકોને અસાધારણ લાભ થશે.

 

અનલોક 2માં સુરક્ષિત રહેવા અનુરોધ

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કોરોનાવાયરસ સામેનો જંગ અનલોક-2માં પ્રવેશી રહ્યો છે, તે સમયે આબોહવા કેટલીક બીમારીઓમાં પરિણમે તેવી છે. તેમણે દરેકને પોતાના સ્વાસ્થ્યની સંભાળ લેવા જણાવ્યું. તેમણે કહ્યું કે લૉકડાઉન  જેવા સમયસરના નિર્ણયોને કારણે લાખો લોકોનાં જીવન બચાવી શકાયાં છે અને દેશમાં મૃત્યુ દર વિશ્વના અન્ય દેશોની તુલનાએ અત્યંત નીચો નોંધાયો છે. જોકે, અનલોક -1માં બેજવાબદારી અને લાપરવાહીભર્યું વર્તન વધ્યું છે. તેમણે જણાવ્યું કે અગાઉ લોકો માસ્કના ઉપયોગ, દિવસમાં અનેકવાર 20 સેકન્ડથી વધુ હાથ ધોવા અને દો ગજદૂરી જાળવવા બાબતે વધુ સાવધ હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વધુને વધુ સાવચેત રહેવું આવશ્યક છે, લાપરવાહી વધી હોવાની બાબત ચિંતાનું કારણ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ખાસ કરીને કન્ટેઇન્મેન્ટ ઝોન્સમાં લૉકડાઉન  દરમિયાન  જેટલી ગંભીરતાથી નિયમનોનું પાલન કર્યું, એટલી ગંભીરતાથી પાલન કરવાની જરૂર છે. જે લોકો આવા નિયમો અને નિયમનોનું પાલન કરતા નથી, તેમનામાં જાગૃતિ ફેલાવવા તેમણે લોકોને આહ્વાન કર્યું અને એક દેશના પ્રધાનમંત્રીને જાહેર સ્થળે માસ્ક નહીં પહેરવા બદલ રૂા. 13,000 દંડ ભરવો પડ્યો, તેનું ઉદાહરણ આપ્યું. તેમણે જણાવ્યું કે ભારતમાં સ્થાનિક પ્રશાસને આવી તત્પરતા સાથે કાર્યરત બનવાની જરૂર છે અને પ્રધાનમંત્રી સહિત કોઈ પણ કાયદાના નિયમથી ઉપર - બાકાત નથી.

આગળનો માર્ગ

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આગામી સમયમાં સરકાર ગરીબો તેમજ જરૂરિયાત વાળા લોકોને સક્ષમ બનાવવાનાં વધુ પગલાં લેવાનું ચાલુ રાખશે. આર્થિક પ્રવૃત્તિઓ પણ આવશ્યક સાવધાનીઓ સાથે વધશે. તેમણે આત્મનિર્ભર ભારત માટે કામ કરવા અને સ્થાનિક લોકો માટે અવાજ ઉઠાવવાના સંકલ્પને પુનઃ દોહરાવ્યો હતો અને લોકોને સાવચેત રહેવા, માસ્ક / ચહેરા ઉપર આવરણનો ઉપયોગ કરવા તેમજ દો ગજ દૂરી જાળવી રાખવાના મંત્રને અનુસરવાનું ચાલુ રાખવા અપીલ કરી હતી.

 

 

 

GP/DS(Release ID: 1635462) Visitor Counter : 116