પ્રધાનમંત્રીનું કાર્યાલય
પરમપુજનીય ડૉ. જોસેફ માર થોમા મેટ્રોપોલિટનના 90મા જન્મદિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીનુ સંબોધન
પ્રધાનમંત્રીએ કહ્યું, કોરોના યોદ્ધાઓના કારણે ભારત દૃઢતાપૂર્વક કોવિડ-19 સામે લડત આપી રહ્યો છે.
આત્મનિર્ભર ભારતથી દરેક ભારતીય માટે આર્થિક મજબૂતી સુનિશ્ચિત થાય છે: પ્રધાનમંત્રી
'સ્થાનિક સ્તરે ઉત્પાદન કરો અને સ્થાનિક ઉત્પાદનો ખરીદો' આહ્વાન સંખ્યાબંધ ઘરોમાં સમૃદ્ધિનો દીપક પ્રગટાવશે: પ્રધાનમંત્રી
Posted On:
27 JUN 2020 12:50PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પરમપુજનીય ડૉ. જોસેફ માર થોમા મેટ્રોપોલિટનના 90મા જન્મદિવસની ઉજવણી પ્રસંગે સંબોધન કર્યું હતું. તેમણે આ પ્રસંગે તેમને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના દીર્ઘાયુ તેમજ ઉત્તમ આરોગ્ય માટે શુભકામના કરી હતી.
આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ડૉ. જોસેફ માર થોમાએ તેમનું સંપૂર્ણ જીવન આપણા સમાજ અને રાષ્ટ્રના ઉત્કર્ષ માટે સમર્પિત કરી દીધું છે. તેમણે ટાંક્યું હતું કે, “ડૉ. જોસેફ માર થોમા ખાસ કરીને મહિલાઓના સશક્તિકરણ અને ગરીબી નાબૂદી માટે ખૂબ ઉત્સાહિત રહ્યા છે. માર થોમા ચર્ચ ભગવાન ઇસુ ખ્રિસ્તના ધર્મદૂત સંત થોમસના ઉમદા વિચારો સાથે ખૂબ જ નીકટતાથી જોડાયેલું છે.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત કોઇપણ સ્રોતોમાંથી આવતા આધ્યાત્મિક પ્રભાવ માટે હંમેશા મુક્ત રહ્યું છે. ડૉ. જોસેફ થોમાના ઉપદેશ "નમ્રતા એવો એક સદગુણ છે જે હંમેશા સારા કાર્યોની ફળશ્રુતિ આપે છે” તેનો પણ પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, વિનમ્રતાના આ જુસ્સાને ધ્યાનમાં રાખીને જ માર થોમા ચર્ચે આપણા ભારતીય અનુયાયીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે કામ કર્યું છે. ખાસ કરીને આરોગ્ય સંભાળ અને શિક્ષણ ક્ષેત્રમાં તેમનું કાર્ય નોંધનીય છે. તેમણે ઉમેર્યું હતું કે, માર થોમા ચર્ચે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વની ભૂમિકા નિભાવી છે અને ભારતીય એકતા પ્રત્યે તેમણે અગ્ર મોરચે રહીને કામ કર્યું છે.
પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ-19 એ માત્ર એક શારીરિક બીમારી નથી જે લોકોના જીવનને જોખમમાં મૂકે છે પરંતુ આપણી બિન-આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ પણ આપણું ધ્યાન દોરે છે. તેમણે કહ્યું કે, આ વૈશ્વિક મહામારી સૂચવે છે કે, સમગ્ર માનવજાતને ઉપચારની જરૂર છે અને પ્રેક્ષકોને કહ્યું હતું કે, આપણી પૃથ્વી પર સૌહાર્દ અને ખુશીઓ જળવાઇ રહે માટે તે માટે સૌએ શક્ય હોય એવા તમામ પ્રયાસો કરવા. તેમણે વધુમાં કહ્યું કે, કોરોના યોદ્ધાઓના શક્તિબળના કારણે આજે ભારત દૃઢતાપૂર્વક કોરોના-19 સામે લડત આપી રહ્યો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લૉકડાઉનના કારણે સરકાર દ્વારા સંખ્યાબંધ પહેલ કરવામાં આવી છે અને લોકો દ્વારા આ બીમારી સામેની લડાઇ હાથ ધરવામાં આવી છે, જેના કારણે ભારત અન્ય ઘણા રાષ્ટ્રોની સરખામણીએ બહેતર સ્થિતિમાં છે અને ભારતમાં દર્દીઓ સાજા થવાનો દર સતત વધી રહ્યો છે. આના કારણે વાયરસની અસરો અપેક્ષા કરતા ઓછી રહી છે. તેમણે ખાસ એ વાત પર પ્રકાશ પાડ્યો હતો કે, ભારતમાં પ્રત્યેક એક લાખની વસ્તીએ કોવિડના કારણે મૃત્યુદર 12ની નીચે છે જ્યારે તેની સરખામણીએ ઇટાલીમાં એક લાખ વ્યક્તિએ 574 મૃત્યુદર છે. તેમણે ઉમેર્યું હતું કે, અમેરિકા, બ્રિટન, સ્પેન અને ફ્રાન્સના આંકડા પણ ભારત કરતા વધારે છે. તેમણે ઉમેર્યું કે, લાખો ગામડાંઓ, 85 કરોડ લોકોના ઘરોને હજુ સુધી કોરોના વાયરસ સ્પર્શ્યો સુદ્ધા નથી.
તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં કોવિડ-19 સામે લોકો દ્વારા લડવામાં આવી રહેલી આ લડાઇએ અત્યાર સુધીમાં ઘણા સારા પરિણામો આપ્યાં છે અને તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણે આપણાં હથિયારો હેઠાં મુકવા જોઇએ નહીં. તેમણે કહ્યું કે, આપણે હવે વધુ કાળજી રાખવાની છે, માસ્ક પહેરવાના છે, સામાજિક અંતર 'દો ગજ કી દૂરી'નું ધ્યાન રાખવાનું છે, ભીડવાળા સ્થળોએ જવાનું ટાળવાનું છે. આ બધુ હવે વધુ મહત્વનું થઇ ગયું છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં, ભારત સરકારે ટુંકા ગાળા અને લાંબા ગાળા એમ બંને પ્રકારે અર્થતંત્ર સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન આપ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, લોકલક્ષી અને વિકાસલક્ષી નિર્ણયો દરિયાથી માંડીને અવકાશ સુધી, ખેતરથી માંડીને ફેક્ટરીઓ સુધી તમામ ક્ષેત્રોમાં લેવામાં આવ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આત્મનિર્ભર ભારતના નિર્માણ માટેના આહ્વાનથી ચોક્કસપણે વધુ મજબૂત થશે અને દરેક ભારતીયની સમૃદ્ધિ સુનિશ્ચિત થશે.
તાજતેરમાં શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ યોજના રૂપિયા વીસ હજાર કરોડથી વધુ રકમના રોકાણ સાથે શરૂ કરવામાં આવી છે જે મત્સ્ત્ય પાલન ક્ષેત્રે પરિવર્તન લાવશે, નિકાસની કમાણીમાં વૃદ્ધિ કરશે અને અંદાજે પચાસ લાખથી વધુ લોકો માટે રોજગારીનું સર્જન કરશે. તેમણે જણાવ્યું હતું કે, બહેતર ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી મૂલ્ય સાંકળો વધુ મજબૂત થઇ શકશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કેરળમાં માછીમારોને વિવિધ યોજનાઓથી ઘણો સારો લાભ પ્રાપ્ત થશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અવકાશ ક્ષેત્રમાં હાથ ધરવામાં આવેલા ઐતિહાસિક સુધારાથી અવકાશીય સંપત્તિઓ અને પ્રવૃત્તિઓનો ખૂબ જ વ્યાપકપણે ઉપયોગ સુનિશ્ચિત થશે. ડેટા અને ટેકનોલોજીના ઍક્સેસમાં સુધારો આવશે. તેમણે ઉમેર્યું હતું કે, કેરળમાં અને ખાસ કરીને દક્ષિણ ભારતમાં કેટલાક યુવાનો કે જેમને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ખૂબ જ રસ છે તેમને આ સુધારાઓથી ઘણો લાભ થશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતને વિકાસનું એન્જિન બનાવવા માટે સરકાર સંવેદનશીલતા અને લાંબાગાળાની દૂરંદેશીને ધ્યાનમાં રાખીને આગળ વધી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, નિર્ણયો માત્ર દિલ્હીમાં આરામદાયક ઓફિસોમાં બેસીને ચાર દિવાલોની વચ્ચે નથી લેવામાં આવતા પરંતુ પાયાના સ્તરે લોકોના પ્રતિભાવો જાણ્યા પછી નિર્ણયો લેવામાં આવે છે. આનાથી દરેક ભારતીયને બેંક ખાતાંનો ઍક્સેસ, 8 કરોડથી વધુ પરિવારોને ધુમાડા વગરના રસોડાં ઉપલબ્ધતા, ઘરવિહોણા હોય તેવા 1.5 કરોડથી વધુ પરિવારોને પોતાનું ઘર આપવાનું સુનિશ્ચિત થઇ શક્યું છે અને આયુષમાન ભારત યોજના અંતર્ગત ભારત દુનિયાની સૌથી મોટી આરોગ્ય સંભાળ યોજનાનું ઘર બની શક્યું છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગરીબો માટે, એક રાષ્ટ્ર એક રેશન કાર્ડની યોજના લાવવામાં આવી છે જેનાથી તેઓ દેશમાં ગમે ત્યાંથી રેશન મેળવી શકે તેવી સુવિધા ઉપલબ્ધ થઇ છે. મધ્યમવર્ગના લોકો માટે, સંખ્યાબંધ પહેલ શરૂ કરવામાં આવી છે, જેથી તેમનું વધુ સરળ બની શકે. ખેડૂતો માટે MSPમાં વધારો કરવામાં આવ્યો છે અને તેમને યોગ્ય ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. મહિલાઓ માટે, સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે, અલગ અલગ યોજનાઓ મારફતે તેમના આરોગ્ય પર ખાસ ધ્યાન આપવામાં આવે અને લગ્નના બંધનના કારણે તેમની કારકિર્દીનો માર્ગ અવરોધાય નહીં તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર ધર્મ, જાતિ, જ્ઞાતિ, વંશ અથવા ભાષા વચ્ચે કોઇ જ ભેદભાવ રાખતી નથી અને 130 કરોડ ભારતીયોને સશક્ત કરવાની એકમાત્ર ઇચ્છા સાથે કામ કરે છે અને ભારતનું બંધારણ અમારું માર્ગદર્શન કરે છે.
કેવી રીતે આપણી ક્રિયાઓ રાષ્ટ્રાના વિકાસમાં યોગદાન આપી શકે છે તેના પર વિચાર કરવા તેમણે આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આજે ભારત કહી રહ્યું છે કે - આપણે સ્થાનિક સ્તરે ઉત્પાદનો તૈયાર કરીશું અને સ્થાનિક ઉત્પાદનો ખરીદીશું. આનાથી ભારતમાં સંખ્યાબંધ પરિવારોમાં સમૃદ્ધિનો દીપક પ્રગટશે.
પૃષ્ઠભૂમિ:
માલનકારા માર થોમા સિરિયન ચર્ચ ખાસ કરીને માર થોમા ચર્ચ તરીકે વધુ પ્રખ્યાત છે જે કરળમાં આવેલા સૌથી પ્રાચીન અને સ્વદેશી ચર્ચોમાંથી એક છે. એવી પરંપરાગત માન્યતા છે કે, ઇ.સ. 42માં ભગવાન ઇસુ ખ્રિસ્તના ધર્મદૂત સંત થોમસ ભારતમાં આવ્યા હતા અને તેમણે આ ચર્ચની સ્થાપના કરી હતી. હાલમાં આ ચર્ચના વડા 21મા માલનકારા મેટ્રોપોલિટન, પરમપુજનીય ડૉ. જોસેફ માર થોમા છે જેઓ છેલ્લા 13 વર્ષથી આ ચર્ચના વડા તરીકે છે. સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે અને તે પછી રાષ્ટ્રમાં કટોકટીના સમયમાં માર થોમા ચર્ચે લોકશાહીના મૂલ્યો અને રાષ્ટ્રવાદની લાગણીને જાળવી રાખી હતી. આ ચર્ચ માનવજાતની સેવા કરવા માટે અને વિવિધ સમાજ કલ્યાણની સંસ્થાઓ, અનાથાલયો, હોસ્પિટલો, કોલેજો, શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવા માટે પ્રતિબદ્ધ છે. ભૂકંપ, પૂર, સુનામી વગેરે જેવા મુશ્કેલીના સમયમાં આ ચર્ચે વિવિધ રાજ્યોમાં રાહત અને પુનર્વસનની કામગીરીમાં ભાગ લીધો છે.
GP/DS
(Release ID: 1634768)
Visitor Counter : 318
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam