વહાણવટા મંત્રાલય

શ્રી માંડવિયાએ ડ્રેજિંગ સામગ્રી રિસાઇકલ કરવાની સંભાવનાઓ ચકાસવા આહ્વાન કર્યું


સરકાર ભારતની વિકાસગાથામાં 'વેસ્ટમાંથી વેલ્થમાં રૂપાંતરણ' દ્વારા ટકાઉક્ષમ વિકાસ કરવાનો ઉદ્દેશ રાખે છે: શ્રી માંડવિયા

Posted On: 24 JUN 2020 2:56PM by PIB Ahmedabad

કેન્દ્રીય જહાજ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં આજે, જહાજ મંત્રાલય, ડ્રેજિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ભારતીય બંદર સંગઠન, ભારતીય આંતરિક જળમાર્ગ સત્તામંડળના અધિકારીઓ, મોટા બંદર ટ્રસ્ટોના અધ્યક્ષો અને ક્ષેત્રના નિષ્ણાતો સાથે ડ્રેજિંગ સામગ્રીના રિસાઇકલિંગ બાબતે વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી.

 

બેઠકમાં આપવામાં આવેલા સૂચનો અંગે પ્રતિક્રિયા આપતા શ્રી માંડવિયાએ ડ્રેજિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને ભારતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમજ આંતરિક વિસ્તારોમાં નદી પરના બંદરો પર ડ્રેજિંગ સામગ્રીના રિસાઇકલિંગની સંભાવનાઓ ચકાસવા માટે નિર્દેશો આપ્યા છે. શ્રી માંડવિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ડ્રેજ્ડ સામગ્રીનો એવી રીતે અમલ કરવો જોઇએ જેથી ડ્રેજિંગના ખર્ચમાં ઘટાડો લાવી શકાય, કારણ કે જહાજના ટ્રાફિકની સલામતી અને સરળતા માટે જળમાર્ગો સારી રીતે જાળવવા ડ્રેજિંગ નિયમિત થતી પ્રવૃત્તિ છે. તેમણે ખાનગી ક્ષેત્રના ખેલાડીઓએ ઓછી ખર્ચાળ લોજિસ્ટિક સિસ્ટમ સાથે ડ્રેજિંગ કચરાના પરિવહન માટે રિસાઇકલિંગ મોડેલ તૈયાર કરવાનું અને સાથે પર્યાવરણને કોઇ અસર ના પડે તેનું ધ્યાન રાખવાનું સૂચન કર્યું હતું.

શ્રી માંડવિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, ભારત સરકાર ટકાઉક્ષમ વિકાસનો ઉદ્દેશ રાખે છે અને ડ્રેજિંગ કચરાને પર્યાવરણને અનુકૂળ ચીજવસ્તુઓમાં રિસાઇકલ કરવાથી, ભારતની વિકાસગાથામાં 'વેસ્ટમાંથી વેલ્થમાં રૂપાંતરણ'કરવાની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશી પણ સાર્થક થાય છે.

 

GP/DS



(Release ID: 1633957) Visitor Counter : 218