પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કેદારનાથ પુનર્નિર્માણ પરિયોજનાની સમીક્ષા કરી

Posted On: 10 JUN 2020 1:47PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેદારનાથ ધામ વિકાસ અને પુનર્નિર્માણ પરિયોજનાની આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉત્તરાખંડ સરકાર સાથે સમીક્ષા કરી હતી.

તીર્થસ્થળના પુનર્નિર્માણની પોતાની પરિકલ્પના અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કેદારનાથ અને બદ્રીનાથ જેવા પવિત્ર સ્થળોના વિકાસની પરિયોજનાઓની સંકલ્પનાની સાથે તેની ડિઝાઇન એવી રીતે તૈયાર કરવી જોઇએ જે સમયની કસોટીમાં પાર ઉતરે, પર્યાવરણને અનુકૂળ હોય અને પ્રકૃતિ તેમજ આસપાસના વાતાવરણની સાથે તાલમેલ બેસાડેલો હોય.

વર્તમાન સ્થિતિના કારણે તીર્થસ્થળોમાં પર્યટકો તેમજ શ્રદ્ધાળુઓની સંખ્યામાં અગાઉની સરખામણીએ ઘટાડો થયો છે તેને ધ્યાનમાં રાખતા, પ્રધાનમંત્રીએ સૂચન કર્યું હતું કે, વર્તમાન સમયમાં શ્રમિકોની યોગ્ય ફાળવણી દ્વારા પડતર કાર્યો પૂરા કરવા માટે સમયનો સદુપયોગ કરી લેવો જોઇએ અને સાથે સાથે યોગ્ય સામાજિક અંતરના માપદંડોનું પાલન થાય તે પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. આમ કરવાથી આવનારા વર્ષોમાં પર્યટકોની સંખ્યામાં વૃદ્ધિ જાળવી રાખવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ તૈયાર કરવામાં મદદ મળશે.

કેટલાક વિશેષ સૂચનો અંતર્ગત, પ્રધાનમંત્રીએ રામબનથી કેદારનાથ સુધી વચ્ચે અન્ય ધરોહરો અને ધાર્મિક સ્થળોના વિકાસના કાર્યો હાથ ધરવાના પણ નિર્દેશો આપ્યા હતા. કાર્યો કેદારનાથના મુખ્ય મંદિરના જીર્ણોદ્ધાર ઉપરાંત હશે.

બેઠકમાં શ્રદ્ધાળુઓના સ્વાગત માટે બ્રહ્મ કમલ વાટિકા અને સંગ્રહાલયના વિકાસની સ્થિતિ સંબંધિત વિવરણ પર પણ વિગતવાર ચર્ચા થઇ હતી જે વાસુકી તાલના માર્ગમાં છે. સાથે જુના શહેરના મકાનો અને સ્થાપત્યની દ્રષ્ટિએ ઐતિહાસિક મહત્વ હોય તેવી મિલકતોના પુનઃવિકાસ ઉપરાંત અન્ય સુવિધાઓ જેમ કે, મંદિરથી યોગ્ય અંતરે તેમજ નિયમિત અંતરાલ પર પર્યાવરણને અનુકૂળ પાર્કિંગ સ્થળ વગેરે બાબતે પણ વિસ્તૃત ચર્ચા થઇ હતી.

બેઠકમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી ત્રિવેન્દ્રસિંહ રાવત અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા.

 

 

GP/DS

 



(Release ID: 1630671) Visitor Counter : 297