સંરક્ષણ મંત્રાલય

ભારતીય નૌસેનાએ “સમુદ્ર સેતુ” ઓપરેશન અંતર્ગત ઇરાનમાંથી ભારતીયોને પરત લાવવાની કામગીરી શરૂ કરી

Posted On: 08 JUN 2020 10:10AM by PIB Ahmedabad

ભારતીય નૌસેના દ્વારા વિદેશમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે 08 મે 2020ના રોજ ઓપરેશન સમુદ્ર સેતુ શરૂ કરવામાં આવ્યું છે. ભારતીય નૌસેનાના જહાજ જલશ્વ અને મગર દ્વારા અત્યાર સુધીમાં માલદીવ્સ અને શ્રીલંકામાંથી 2874 લોકોને ભારતમાં કોચી અને ટુટીકોરીન બંદર પર લાવવામાં આવ્યા છે.

સમુદ્ર સેતુ ઓપરેશનના તે પછીના તબક્કામાં, ભારતીય નૌસેનું જહાજ શાર્દુલ 08 જૂન 2020થી ઇરાનના બંદર અબ્બાસ પરથી ભારતીયોને લઇને ગુજરાતના પોરબંદર ખાતે લાવવાની કામગીરી શરૂ કરશે. ઇસ્લામિક પ્રજાસત્તાક રાષ્ટ્ર ઇરાનમાં સ્થિત ભારતીય મિશન દ્વારા સ્વદેશ લાવવાના હોય તેવા ભારતીયોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને તેમની તબીબી તપાસ કર્યા પછી જહાજમાં બેસવાની સુવિધા પૂરી પાડવામાં આવશે.

INS શાર્દુલ પર કોવિડ-19 સંબંધિત સામાજિક અંતરના માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા છે અને જહાજ વિશેષરૂપે વિદેશમાંથી ભારતીયોને પરત લાવવા માટે તૈનાત કરવામાં આવ્યું છે જેમાં અતિરિક્ત તબીબી સ્ટાફ, ડૉક્ટરો, હાઇજિનિસ્ટ, ન્યુટ્રીશનિસ્ટ, મેડિકલ સ્ટોર, રેશન, વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણો, ફેસ માસ્ક, જીવનરક્ષક ઉપકરણો વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. અધિકૃત તબીબી પહેરવેશ ઉપરાંત, હાલમાં ચાલી રહેલી કોવિડ-19 કટોકટી દરમિયાન ભારતીય નૌસેના દ્વારા તૈયાર કરવામાં આવેલા નાવીન્યપૂર્ણ ઉત્પાદનો સહિત વિશેષરૂપે કોવિડ-19 સામે લડવા માટેના ચોક્કસ તબીબી ઉપકરણો પણ જહાજમાં રાખવામાં આવ્યા છે.

સ્વદેશ પરત લાવવામાં આવેલા લોકોને પોરબંદર સુધીની દરિયાઇ મુસાફરી દરમિયાન પાયાની સુવિધાઓ અને તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. કોઇપણ આકસ્મિક સ્થિતિને ધ્યાનમાં રાખીને વિશેષ આઇસોલેશન કમ્પાર્ટમેન્ટ પણ તૈયાર કરવામાં આવ્યા છે. લક્ષણો ધરાવતા હોય તેવા સંક્રમણ વાહકો સહિત કોવિડ-19 સાથે સંકળાયેલા અનન્ય પડકારોને ધ્યાનમાં રાખીને, દરિયાઇ મુસાફરી માટે સખત પ્રોટોકોલ નિર્ધારિત કરવામાં આવ્યા છે.


તમામ મુસાફરોને પોરબંદર ખાતે ઉતાર્યા પછી, રાજ્યના સત્તામંડળોને આગળની કાર્યવાહી માટે મુસાફરો સોંપવામાં આવશે.

 

 

GP/DS



(Release ID: 1630180) Visitor Counter : 304