પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાજીવ ગાંધી આરોગ્ય વિજ્ઞાન યુનિવર્સિટીના 25મા સ્થાપના દિવસ નિમિત્તે સંબંધોન કર્યું


કોવિડ-19 સામેની લડાઇમાં ભૂમિકા નિભાવી રહેલા ડૉક્ટરો અને આરોગ્ય સંભાળ કર્મચારીઓને અજેય યોદ્ધા ગણાવ્યા

અદૃશ્ય અને અજેય વચ્ચેના યુદ્ધમાં આપણા તબીબી પ્રોફેશનલ્સનો ચોક્કસ વિજય થશે - પ્રધાનમંત્રી

દેશમાં તબીબી સંભાળને વેગ આપવા માટે ચાર સ્તંભની વ્યૂહરચના જાહેર કરી

ટેલિ-મેડિસિન, આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં મેક ઇન ઇન્ડિયા અને IT આધારિત આરોગ્ય સેવાઓમાં સુધારા માટેની રીતોના સૂચનો માંગ્યા

Posted On: 01 JUN 2020 1:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેંગલુરુમાં યોજાયેલા રાજીવ ગાંધી આરોગ્ય વિજ્ઞાન યુનિવર્સિટીના 25મા સ્થાપના દિવસ કાર્યક્રમને સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ તેમના સંબોધન દરમિયાન, કોવિડ-19ની પરિસ્થિતિનું સંચાલન કરવા માટે કર્ણાટક સરકારે કરેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આજે આખી દુનિયા બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી મોટી કટોકટીનો સામનો કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, જે પ્રકારે વિશ્વ યુદ્ધ પહેલા અને પછીના તબક્કામાં આખી દુનિયામાં પરિવર્તન આવી ગયું તેવી રીતે, કોવિડ પહેલાં અને પછીની દુનિયામાં તફાવત જોવા મળશે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, કોવિડ-19 સામે ભારતની હિંમતપૂર્વકની લડતના મૂળિયામાં તબીબી સમુદાય અને આપણા કોરોના યોદ્ધાઓનો અથાક પરિશ્રમ સમાયેલો છે. તેમણે દેશના ડૉક્ટરો અને તબીબી કર્મચારીઓ સૈન્યના યોદ્ધાઓ સાથે સરખાવ્યા હતા અને કહ્યું હતું કે, તેઓ સૈન્યના ગણવેશ વગરના યોદ્ધા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વાયરસ આપણો અદૃશ્ય દુશ્મન હોઇ શકે છે પરંતુ આપણા કોરોના યોદ્ધાઓ અજેય છે અને અદૃશ્ય વિરુદ્ધ અજેયની લડાઇમાં, આપણા તબીબી કર્મચારાઓનો ચોક્કસ વિજય થશે.

પ્રધાનમંત્રીએ ટોળાની માનસિકતાનો ઉલ્લેખ કરી અગ્રણી હરોળમાં રહીને ફરજ નિભાવી રહેલા તબીબી કર્મચારીઓ સામે થતી હિંસાની ઘટનાઓ અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, આવી ઘટનાઓ ખતમ કરવા માટે સરકાર દ્વારા કેટલાક પગલાં લેવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, સરકારે અગ્ર હરોળમાં રહીને ફરજ નિભાવી રહેલા આવા કર્મચારીઓને રૂપિયા 50 લાખનું વીમા કવચ પણ પૂરું પાડ્યું છે.

પ્રધાનમંત્રીએ વૈશ્વિકરણના યુગમાં આર્થિક બાબતો કેન્દ્રિત ચર્ચાઓના બદલે વિકાસ માટેના માનવ કેન્દ્રિત પાસાંઓ પર ધ્યાન આપવા માટે આહ્વાન કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, દુનિયાના રાષ્ટ્રોમાં આરોગ્ય ક્ષેત્રમાં પ્રગતિનું મહત્વ અગાઉ ક્યારેય ના હોય એટલું થઇ જશે અને છેલ્લા વર્ષ દરમિયાન, સરકારે ભારતમાં આરોગ્ય સંભાળ અને તબીબી શિક્ષણ ક્ષેત્રે સંખ્યાબંધ પહેલ હાથ ધરી છે.

આરોગ્ય સંભાળ ક્ષેત્ર, તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રત્યેક તેમજ દરેક વ્યક્તિને સુવિધાઓની પહોંચમાં સુધારો લાવવા માટે પ્રધાનમંત્રી ચાર સ્તંભની વ્યૂહરચના પર કામ કરવા આહ્વાન કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, પહેલો સ્તંભ નિવારાત્મક આરોગ્ય સંભાળ છે જેમાં યોગ, આયુર્વેદ અને સામાન્ય તંદુરસ્તી પર સૌથી વધુ ભાર મૂકવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, 40,000થી વધુ સુખાકારી કેન્દ્રો ખોલવામાં આવ્યા છે જ્યાં મુખ્યત્વે જીવનશૈલી સંબંધિત બીમારીઓને નિયંત્રણમાં લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. સ્વચ્છ ભારત મિશનમાં મળેલી સફળતા પણ નિવારાત્મક આરોગ્ય સંભાળનો અન્ય એક મુખ્ય ભાગ છે.

બીજો સ્તંભ છેપરવડે તેવી આરોગ્ય સંભાળ. પ્રધાનમંત્રીએ માટે, ભારતમાં ચાલી રહેલી દુનિયાની સૌથી મોટી આરોગ્ય સંભાળ યોજના - આયુષમાન ભારત પર પ્રકાશ પાડ્યો હતો અને કેવી રીતે માત્ર બે વર્ષથી ઓછા સમયમાં, ખાસ કરીને મહિલાઓ અને ગામડામાં રહેતા લોકો સહિત એક કરોડ દેશવાસીઓએ યોજનાનો લાભ લીધો છે તે જણાવ્યું હતું.

ત્રીજો સ્તંભ છેપૂરવઠા બાજુએ સુધારા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત જેવા રાષ્ટ્રમાં યોગ્ય તબીબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તબીબી શિક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જરૂરી છે.

તેમણે કહ્યું હતું કે, દેશમાં દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ અથવા અનુસ્નાતક મેડિકલ ઇન્સ્ટિટ્યુટ હોય તે સુનિશ્ચિત કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. દેશમાં વધુ 22 એઇમ્સ ઉભી કરવા માટે દિશામાં ઝડપથી પ્રગતિ થઇ રહી છે તે બાબત પર પણ પ્રધાનમંત્રીએ પ્રકાશ પાડ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં, અમે MBBSમાં 30,000થી વધુ અને અનુસ્નાતક અભ્યાસમાં 15,000થી વધુ બેઠકો ઉમેરવામાં સમર્થ રહ્યાં છીએ. સ્વતંત્રતા પછી કોઇપણ સરકાર દ્વારા તેમની પાંચ વર્ષની મુદત દરમિયાન કરવામાં આવેલી સૌથી મોટી વૃદ્ધિ છે.

પ્રધાનમંત્રી, સંસદના કાયદાની મદદ લઇને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના બદલે હવે નેશનલ મેડિકલ કમિશનની રચના કરવામાં આવી તે અંગે પણ બોલ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે, ચોથો સ્તંભ તમામ યોજનાઓનું મિશન મોડ પર અમલીકરણ છે અને સારા વિચારની સફળતા માટે અમલીકરણ કરવામાં આવે તે ખૂબ મહત્વપૂર્ણ છે.

રાષ્ટ્રીય પોષણ મિશન યુવાનો અને માતાઓને કેવી રીતે મદદરૂપ થઇ રહ્યું છે અને 2025 સુધીમાં ભારતમાંથી TB નાબૂદ કરવા માટે દેશ અત્યારે તેવી રીતે કામ કરી રહ્યો છે તે અંગે પણ તેમણે માહિતી આપી હતી. 2030માં સમગ્ર દુનિયામાંથી TB નાબૂદીના લક્ષ્યની સરખામણીએ ભારતનું લક્ષ્ય પાંચ વર્ષ અગાઉ છે.

મિશન ઇન્દ્રધનુષના કારણે રસીકરણ કવરેજની વાર્ષિક વૃદ્ધિમાં ચાર ગણો વધારો થયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું .

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે તાજેતરમાં 50થી વધુ અલગ અલગ આનુષંગિક અને આરોગ્ય સંભાળ પ્રોફેશનલ્સ શિક્ષણમાં વિસ્તરણ કરવાની મંજૂરી આપતો નવા કાયદો લાવવાની માન્યતા આપી છે જેનાથી દેશમાં પેરા-મેડિકલ સ્ટાફની અછતની સમસ્યાને નિવારવામાં મદદ મળશે.

તેમણે તમામ ઉપસ્થિત લોકોને ત્રણ બાબતો પર ચર્ચા અને મંત્રણા કરવાની વિનંતી કરી હતી જેમાં ટેલિ-મેડિસિન; કેવી રીતે આરોગ્ય સંભાળ ક્ષેત્રમાંમેક ઇન ઇન્ડિયાદ્વારા લાભ મેળવવો અને કેવી રીતે આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં IT આધારિત સેવાઓ લાવવી ત્રણ બાબતોનો સમાવેશ થાય છે.

મેક ઇન ઇન્ડિયા ક્ષેત્રમાં સ્થાનિક ઉત્પાદકોએ દેશમાં PPE અને N-95 માસ્કનું ઉત્પાદન શરૂ કર્યું અને 1 કરોડથી વધુ PPE તેમજ 1.5 કરોડ N-95 માસ્કનો પૂરવઠા પહોંચાડવાથી જે લાભ મળ્યો તેની પણ તેમણે પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ કોરોના વાયરસ સામેની લડાઇમાં જે રીતે આરોગ્ય સેતુ એપ્લિકેશન મદદરૂપ થઇ રહી છે તે અંગે પણ પ્રશંસા કરી હતી.

 

GP/DS



(Release ID: 1628333) Visitor Counter : 287