પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ડેન્માર્કના પ્રધાનમંત્રી મહામહિમ મેટ્ટે ફ્રેડેરિક્સન વચ્ચે ટેલીફોન પર વાર્તાલાપ થયો

Posted On: 14 MAY 2020 8:03PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડેન્માર્કના પ્રધાનમંત્રી મહામહિમ મેટ્ટે ફ્રેડેરિક્સન સાથે ટેલીફોન પર ચર્ચા કરી હતી. બંને મહાનુભવોએ કોવિડ-19 મહામારીને નિયંત્રણમાં લેવા માટે બંને દેશોમાં લાગુ કરવામાં આવેલા પગલાંની તુલના કરી હતી. ડેન્માર્કમાં ચેપ ફેલાવાની સંખ્યામાં વધારો થયા વગર લૉકડાઉનના પ્રતિબંધો દૂર કરવામાં તેમને મળેલી સફળતા બદલ પ્રધાનમંત્રીએ તેમની પ્રશંસા કરી હતી. ભારતીય અને ડેનિશ નિષ્ણાતો એકબીજાના અનુભવોનું આદાનપ્રદાન કરવા માટે સંપર્કમાં રહેશે તે વાતે તેઓ સંમત થયા હતા.


બંને નેતાએ પુનરોચ્ચાર કર્યો હતો કે, ભારત અને ડેન્માર્ક વચ્ચેના સંબંધો વધુ મજબૂત કરવાની બંનેની ઇચ્છા છે અને કોવિડ પછીની દુનિયામાં બંને સાથે મળીને કેવી રીતે કામ કરી શકે છે તે અંગે પણ વિવિધ શક્યતાઓ પર ચર્ચા કરવા માંગે છે.


12 મે 2020ના રોજ બંને દેશના વિદેશમંત્રીઓ વચ્ચે સંયુક્ત કમિશન બેઠકનું આયોજન થયું તે સફળતાને તેમણે આવકારી હતી.


આરોગ્ય સંશોધન, સ્વચ્છ અને હરિત ઉર્જા તેમજ જળવાયુ પરિવર્તન સામે ટકાઉક્ષમતા જેવા ક્ષેત્રો પારસ્પરિક રીતે લાભદાયી જોડાણ માટે વિપુલ તકો આપી શકે છે તે બાબતે બંને નેતાઓ સંમત થયા હતા તેમજ ભારત અને ડેન્માર્ક વચ્ચે પ્રચંડ હરિત વ્યૂહાત્મક ભાગીદારીનું નિર્માણ કરવાના લક્ષ્ય પ્રત્યે સાથે મળીને કામ કરવા માટે તેમણે પ્રતિબદ્ધતા દાખવી હતી.


(Release ID: 1623998) Visitor Counter : 286