પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી એ સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની રીતો અંગે ચર્ચા કરવા માટે બેઠક યોજી

Posted On: 30 APR 2020 10:26PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને અર્થતંત્રને પ્રોત્સાહન આપવાની પહેલો અને સશસ્ત્ર દળોની ટૂંકા અને લાંબા  ગાળાઓની જરૂરિયાતો પૂરી કરવા માટે ભારતમાં એક મજબૂત અને સ્વનિર્ભર સંરક્ષણ ઉદ્યોગને ઊભો કરવા સંભવિત સુધારા પર ચર્ચાવિચારણા કરવા માટે એક વિસ્તૃત બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં સંરક્ષણ ક્ષેત્રની સાધનસામગ્રીનાં કારખાનામાં કામકાજ સુધારવા, ખરીદીની પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા, સંસાધનની ફાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરવા, સંશોધન અને વિકાસ/નવીનતાને પ્રોત્સાહન આપવા, મહત્ત્વપૂર્ણ સંરક્ષણ ટેકનોલોજીઓમાં રોકાણને આકર્ષિત કરવા અને નિકાસને પ્રોત્સાહન આપવા જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચાવિચારણા કરી હતી.

પ્રધાનમંત્રીશ્રી સંરક્ષણ અને એરોસ્પેસના ક્ષેત્રોમાં દુનિયાનાં ટોચના દેશોમાં ભારતને સ્થાપિત કરવાના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને સ્વનિર્ભરતા અને નિકાસના બેવડા ઉદ્દેશોને પાર પાડવા ડિઝાઇનથી લઈને ઉત્પાદન સુધીની પ્રક્રિયામાં સરકાર અને ખાનગી ક્ષેત્રની સક્રિય ભાગીદારી પર ભાર મૂક્યો હતો. તેમણે સંરક્ષણ ક્ષેત્રમાં સ્થાનિક અને વિદેશી રોકાણને આકર્ષિત કરવા માટે સૂચિત સુધારાઓની પણ સમીક્ષા કરી હતી.

બેઠકમાં સંરક્ષણ સંબંધિત ખર્ચને ઘટાડવાની સાથે બચતનો ઉપયોગ સંરક્ષણ ક્ષેત્રમાં વ્યૂહાત્મક મૂડી સંપાદિત કરવાના મુદ્દે ચર્ચાવિચારણા કરી હતી. ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રમાં ખરીદીની પ્રક્રિયાઓ, ઓફસેટ નીતિઓ, સ્પેર્સનું સ્વદેશીકરણ, ટેકનોલોજીનું હસ્તાંતરણ, ભારતમાં માળખાગત સુવિધાઓ સ્થાપિત કરવા માટે આંતરરાષ્ટ્રીય ઓઈએમને આકર્ષિત કરવા, આંતરરાષ્ટ્રીય પુરવઠા સાંકળમાં ભારતની કામગીરી વધારવા અને હિસ્સો વધારવા વગેરે સાથે સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં વિષય પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો કે, સંરક્ષણમાં ઉત્પાદનમાં આંતરરાષ્ટ્રીય સ્વરૂપે લીડર બનવાના ઉદ્દેશ સાથે ભારતને ગુણવત્તા અને અદ્યતન ઉપકરણો/સિસ્ટમ્સ/પ્લેટફોર્મની નિકાસ પર પણ ધ્યાન કેન્દ્રીત કરવું પડશે.

પ્રધાનમંત્રીશ્રી ભારતની આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને અદ્યતન સંરક્ષણ ઉપકરણોની ડિઝાઇન, એનો વિકાસ અને એનું ઉત્પાદન કરવા માટે પોતાની સ્થાનિક ક્ષમતાઓ વધારવા "મેક ઇન ઇન્ડિયા"ને વેગ આપવાની સૂચના પણ આપી હતી. તેમણે આંતરરાષ્ટ્રીય સંરક્ષણ ઉત્પાદન મૂલ્ય સાંકળમાં ઉદ્યોગની ભાગીદારીની સાથે સંરક્ષણ ક્ષેત્રમાં ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન આપવાની પહેલો માટે એક એવું વાતાવરણ બનાવવા ભાર મૂક્યો હતો, જેમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવાની સાથે નવીનતાને બિરદાવવા માટે ભારતીય આઇપીની માલિકીનું નિર્માણ કરી શકાય.

બેઠકમાં સંરક્ષણ મંત્રી, ગૃહ મંત્રી, નાણાં મંત્રી અને રાજ્ય કક્ષાનાં નાણાં મંત્રીની સાથે સાથે ભારત સરકારનાં વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ થયા હતા.

 

 

GP/DS


(Release ID: 1619902) Visitor Counter : 271