રેલવે મંત્રાલય

ભારતીય રેલવેએ આજે વિનામૂલ્યે ભોજન વિતરણનો 30 લાખનો આંકડો વટાવી દીધો


કોવિડ-19ના કારણે લૉકડાઉન દરમિયાન દેશમાં અંદાજે 300 જગ્યાએ ભોજનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે

દરરોજ હજારો લોકોને ગરમ ભોજન ખવડાવવા અને તેમનામાં આશાનું કિરણ જગાવવા ભારતીય રેલવે સંગઠનો એકજૂથ થયા

Posted On: 30 APR 2020 4:18PM by PIB Ahmedabad

કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉનના સમય દરમિયાન ભારતીય રેલવેએ આજે વિનામૂલ્યે રાંધેલા ગરમ ભોજનના વિતરણનો 30 લાખનો આંકડો વટાવી દીધો છે. 20 એપ્રિલ 2020ના રોજ ભારતીય રેલવેએ વિનામૂલ્યે ભોજનનો 20 લાખનો આંકડો પાર કર્યા પછી માત્ર 10 દિવસમાં 10 લાખ વિનામૂલ્યે ગરમ ભોજનની થાળીનું જરૂરિયાતમંદ લોકોમાં વિતરણ કરવામાં આવ્યું છે.

વૈશ્વિક મહામારીના કારણે ઉભી થયેલી અભૂતપૂર્વ સ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો ભુખના કારણે નિઃસહાય સ્થિતિમાં મૂકાઇ ગયા છે. મહામારી અને લૉકડાઉનના કારણે અન્ય પ્રદેશોમાં ફસાયેલા લોકો, દૈનિક વેતનદાર શ્રમિકો, વિસ્થાપિત શ્રમિકો, બાળકો, કુલી, નિરાધાર લોકો અને ગરીબો તેમજ વિચરતા સમુદાયના સંખ્યાબંધ લોકોને સૌથી વધુ વિપરિત અસર પડી છે.

સંખ્યાબંધ રેલવે સંગઠનોમાં સંકળાયેલા ભારતીય રેલવેના સ્ટાફે 28 માર્ચ 2020થી અવિરત પરિશ્રમ કરીને કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન પછી જરૂરિયાતમંદ લોકોને રાંધેલું ગરમ ભોજન પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. રેલવે દ્વારા IRCTCના બેઝ રસોડા, RPFના સ્રોતો અને NGOના યોગદાનથી બપોરના ભોજન માટે કાગળની ડીશો સાથે જથ્થાબંધ ભોજન પૂરું પાડવામાં આવે છે જ્યારે રાત્રિના ભોજન માટે તૈયાર ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવે છે. જરૂરિયાતમંદ લોકોને ભોજન પહોંચાડતી વખતે સામાજિક અંતરના માપદંડોનું પણ ખાસ પાલન કરવામાં આવે છે.

ભોજનના વિતરણની કામગીરી RPF, GRP, ઝોનના વ્યાપારી વિભાગો, રાજ્ય સરકારો, જિલ્લા વહીવટીતંત્રો અને NGOના સહયોગથી કરવામાં આવે છે. સ્ટેશન વિસ્તાર ઉપરાંત રેલવે સ્ટેશોનોની આસપાસના વિસ્તારોમાં પણ જરૂરિયાતમંદ લોકો સુધી ભોજન પહોંચાડવામાં આવે છે.

ઉત્તરીય, પશ્ચિમી, પૂર્વીય, દક્ષિણી અને દક્ષિણ મધ્ય ઝોનમાં નવી દિલ્હી, બેંગલોર, હુબલી, મુંબઇ સેન્ટ્રલ, અમદાવાદ, ભુસાવળ, હાવરા, પટણા, ગયા, રાંચી, કટીહાર, દીનદયાળ ઉપાધ્યાય નગર, બાલાસોર, વિજયવાડા, ખુરદા, કટાપડી, તિરુચિરાપલ્લી, ધનબાદ, ગુવાહાટી, સમસ્તીપુર, પ્રયાગરાજ, ઇટારસી, વિશાખાપટ્ટનમ, ચેંગાલપટુ, પૂણે, હાજીપુર, રાયપુર અને ટાટાનગર ખાતે આવેલા IRCTCના બેઝ રસોડા મારફતે આજદિન એટલે કે 30 એપ્રિલ 2020 સુધીમાં 30 લાખથી વધુ ભોજનનું વિતરણ કરવામાં આવ્યું છે.

આમાંથી, 17.17 લાખ રાંધેલા ભોજનની થાળીઓ IRCTC દ્વારા, 5.18 લાખ ભોજનની થાળીઓ RPFના તેમના પોતાના સ્રોતોમાંથી અને 2.53 લાખ ભોજનની થાળીઓ વ્યાપારી વિભાગ અને રેલવેના અન્ય વિભાગો તેમજ અંદાજે 5.60 લાખ ભોજનની થાળીઓ NGO દ્વારા રેલવે સંગઠનો સાથે કામ કરીને પૂરી પાડવામાં આવી છે.

IRCTC, રેલવેના અન્ય વિભાગો, NGO દ્વારા તેમના પોતાના રસોડામાં તૈયાર કરવામાં આવેલા ભોજનનું જરૂરિયાતમંદ લોકોમાં વિતરણ કરવા માટે રેલવે સુરક્ષા દળ ખૂબ મોટી ભૂમિકા નિભાવી છે. 28.03.2020ના રોજ 74 સ્થળોએ 5419 જરૂરિયાતમંદ લોકોને ભોજનના વિતરણથી શરૂઆત કરીને દરરોજ તેમાં વૃદ્ધિ થઇ છે. હાલમાં દરરોજ સરેરાશ 50000 લોકોને RPF દ્વારા દેશભરમાં અંદાજે 300 સ્થળે ભોજનનું વિતરણ કરવામાં આવે છે.

 

 

GP/DS


(Release ID: 1619611) Visitor Counter : 219