નાણા મંત્રાલય

નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (NIP) અંગે ટાસ્ક ફોર્સે નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ સમક્ષ અંતિમ અહેવાલ રજૂ કર્યો

Posted On: 29 APR 2020 3:48PM by PIB Ahmedabad

નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (NIP) પર ટાસ્ક ફોર્સે આજે અહીં કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણને નાણાકીય વર્ષ 2019-25 માટે એનઆઇપીનો અંતિમ અહેવાલ સુપરત કર્યો હતો. વર્ષ 2019-2025 માટે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન પર ટાસ્ક ફોર્સનો સમરી રિપોર્ટ 31 ડિસેમ્બર, 2019ના રોજ નાણાં મંત્રીએ જાહેર કર્યો છે.

કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે વર્ષ 2019-20 માટે એમના બજેટના ભાષણમાં જાહેરાત કરી હતી કે, આગામી પાંચ વર્ષમાં રૂ. 100 લાખ કરોડનું રોકાણ માળખાગત સુવિધા પર થશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2019માં સ્વતંત્રતા દિવસના ભાષણમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, અદ્યતન માળખાગત સુવિધાના વિકાસ માટે ગાળા માટે રૂ. 100 લાખ કરોડની રકમ અંકિત કરવામાં આવી છે, જે જીવનનાં ધારાધોરણો સુધારવાની સાથે રોજગારીની નવી તકોનું સર્જન કરશે.

એનઆઇપી દેશભરમાં વૈશ્વિક કક્ષાનું માળખું પ્રદાન કરવા તથા તમામ નાગરિકો માટે જીવનની ગુણવત્તા સુધારવાની પ્રથમ પ્રકારની સંપૂર્ણ સરકારી કવાયત છે. એનો ઉદ્દેશ પ્રોજેક્ટની તૈયારીમાં સુધારો કરવાનો, માળખાગત ક્ષેત્રમાં રોકાણને આકર્ષવાનો (સ્થાનિક અને વિદેશી એમ બંને) છે અને નાણાકીય વર્ષ 2024-25 સુધીમાં અર્થતંત્રને 5 ટ્રિલિયન ડોલરનું બનાવવાનાં લક્ષ્યાંક માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે.

એનઆઇપીમાં વિવિધ ભાગીદારો દ્વારા પ્રદાન કરેલી કુલ માહિતી દ્વારા શ્રેષ્ઠ સહિયારા પ્રયાસો થયા છે, જેમાં હાર્મોનાઇઝ માસ્ટર લિસ્ટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઓળખ કરવામાં આવેલા તમામ માળખાગત પેટા ક્ષેત્રોમાં સંબંધિત મંત્રાલયો, વિભાગો, રાજ્ય સરકારો અને ખાનગી ક્ષેત્ર સામેલ છે. એનઆઇપી બનાવવા નીચેથી ઉપરનો અભિગમ અપનાવવામાં આવ્યો હતો, જેમાં પ્રોજેક્ટ દીઠ રૂ. 100 કરોડથી વધારેનો ખર્ચ ધરાવતા તમામ પ્રોજેક્ટ (ગ્રીનફિલ્ડ કે બ્રાઉનફિલ્ડ, અમલીકરણ હેઠળ કે આયોજનનાં તબક્કામાં હોય એવા)ની જાણકારી મેળવવામાં આવી હતી.

એનઆઇપીનો અહેવાલ જાહેર થયા પછી કેન્દ્રીય મંત્રાલયો/રાજ્ય સરકારોએ પ્રદાન કરેલા વધારાના/સંશોધિત આંકડાઓને ધ્યાનમાં રાખીએ તો એનઆઇપી ટાસ્ક ફોર્સનો અંતિમ અહેવાલ નાણાકીય વર્ષ 2020-25ના સમયગાળા દરમિયાન રૂ. 111 લાખ કરોડનાં કુલ માળખાગત રોકાણની ધારણા વ્યક્ત કરે છે. એનઆઇપી ટાસ્ક ફોર્સનો અંતિમ અહેવાલ ત્રણ વોલ્યુમમાં છે. વોલ્યુમ 1 અને 2ને ડીઇએની વેબસાઇટ www.dea.gov.in, www.pppinindia.gov.in અને નાણાં મંત્રાલયની વેબસાઇટ પર અપલોડ થશે તેમજ વોલ્યુમ 3 અને બીમાં સામેલ પ્રોજેક્ટ ડેટાબેઝને આગામી સમયમાં ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ ગ્રિડ પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે.

કુલ અપેક્ષિત મૂડીગત ખર્ચ રૂ. 111 લાખ કરોડમાંથી રૂ. 44 લાખ કરોડનાં અલગ-અલગ પ્રોજેક્ટ (એનઆઇપીના 40 ટકા) અમલીકરણ હેઠળ છે, રૂ. 33 લાખ કરોડનાં જુદાં જુદાં પ્રોજેક્ટ (30 ટકા) વિભાવનાના તબક્કામાં છે અને રૂ. 22 લાખ કરોડનાં વિવિધ પ્રોજેક્ટ (20 ટકા) વિકાસના તબક્કામાં છે. રૂ. 11 લાખ કરોડ (10 ટકા)ના પ્રોજેક્ટ પ્રોજેક્ટ કયા તબક્કામાં છે સંબંધિત માહિતી ઉપલબ્ધ નથી. ભારતમાં માળખાગત રોકાણ ધરાવતા પ્રોજેક્ટમાં ઊર્જા (24 ટકા), માર્ગ (18 ટકા), શહેરી (17 ટકા) અને રેલવેઝ (12 ટકા) જેવા ક્ષેત્રો 71 ટકા હિસ્સો ધરાવે છે. ભારતમાં એનઆઇપીના અમલીકરણમાં કેન્દ્ર (39 ટકા) અને રાજ્યો (40 ટકા) એમ લગભગ એકસમાન હિસ્સો ધરાવશે એવી અપેક્ષા છે અને પછી ખાનગી ક્ષેત્ર (21 ટકા) હિસ્સો ધરાવશે.

અંતિમ અહેવાલમાં ભારતમાં તેમજ દુનિયામાં માળખાગત સુવિધાઓના તમામ ક્ષેત્રોમાં જોવા મળતા પ્રવાહોની ઓળખ કરવામાં આવી છે અને એના વિશે જાણકારી આપવામાં આવી છે. એમાં જે તે ક્ષેત્રની પ્રગતિ, ખામીઓ અને પડકારો વિશે પણ જણાવવામાં આવ્યું છે. હાલની ક્ષેત્ર સંબંધિત નીતિઓને અપડેટ કરવા ઉપરાંત અંતિમ અહેવાલમાં દેશભરમાં વિવિધ ક્ષેત્રોમાં માળખાગત રોકાણને વધારવા અને એને વેગ આપવા વિવિધ સુધારાઓની ઓળખ કરીને એના વિશે જાણકારી આપવામાં આપવામાં આવી છે. અહેવાલ કોર્પોરેટ બોન્ડ બજારોને વધારે સઘન બનાવીને એનઆઇપીના ધિરાણની રીતો અને માધ્યમો પણ સૂચવ્યાં છે, જેમાં મ્યુનિસિપલ બોન્ડ્સ, માળખાગત ક્ષેત્ર માટે વિકાસલક્ષી ધિરાણ સંસ્થાઓની રચના, માળખાગત અસ્કયામતનાં મોનેટાઇઝેશનને વેગ આપવો, જમીનનું મોનેટાઇઝેશન વગેરે સામેલ છે.

ટાસ્ક ફોર્સે ત્રણ સમિતિ રચવાની ભલામણ કરી છે:

         i.     એનઆઇપીની પ્રગતિ પર નજર રાખવા અને વિલંબો દૂર કરવા એક સમિતિ;

        ii.     અનુવર્તી અમલીકરણ માટે દરેક માળખાગત મંત્રાલયમાં સંચાલન સમિતિ; અને

       iii.     એનઆઇપી માટે નાણાકીય સંસાધનો ઊભા કરવા ડીઇએમાં સંચાલન સમિતિ.

જ્યારે એનઆઇપીની પ્રગતિ પર નજર રાખવાની મૂળભૂત કામગીરી મંત્રાલય અને પ્રોજેક્ટ એજન્સી કરશે, ત્યારે સ્થગિત થયેલા પ્રોજેક્ટ્સની સમસ્યાઓનું સમાધાન કરવા અને એને હાથ ધરવા માટે વિવિધ સુધારા કરવા ઉચ્ચ સ્તરીય નિરીક્ષણની જરૂર છે. નિરીક્ષણ અને મૂલ્યાંકનનાં માળખાગત કાર્યના મૂળભૂત પાસાં એનઆઇપીના રિપોર્ટના વોલ્યુમ-1માં આપ્યાં છે, જેમાં વહીવટને સુધારવા માટેના માપદંડોની ભલામણ સામેલ છે.

એનઆઇપી પ્રોજેક્ટ ડેટાબેઝ ટૂંક સમયમાં ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ ગ્રિડ પર મૂકવામાં આવશે, જે એનઆઇપીને વિઝિબિલિટી પ્રદાન કરશે અને એનાથી સ્થાનિક અને વિદેશી એમ બંને પ્રકારનાં સંભવિત રોકાણકારો પાસેથી રોકાણ મેળવવામાં મદદ મળવાની સાથે પ્રોજેક્ટ સાથે સંબંધિત અદ્યતન માહિતી મળશે. દરેક સંબંધિત મંત્રાલય/રાજ્ય વધુ નવા પ્રોજેક્ટ ઉમેરશે અને તેમની સાથે સંબંધિત પ્રોજેક્ટની વિગત પૂર્વનિર્ધારિત સમય અંતરાલ પર અપડેટ કરશે, જેથી સંભવિત રોકાણકારોને અદ્યતન ડેટા ઉપલબ્ધ થાય છે.

 

 

 

 

GP/DS

 



(Release ID: 1619401) Visitor Counter : 266