સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ સાથે કોવિડ-19 અંગે લેવામાં આવેલા પગલાં સંબંધે વીડિયો કોન્ફરન્સ યોજાઇ


“આપણો દુશ્મન ક્યાં છે તે આપણે જાણીએ છીએ અને યોગ્ય, ક્રમબદ્ધ તેમજ માર્ગદર્શિત પ્રતિભાવ સાથે આપણે આ સ્થિતિમાંથી બહાર આવી શકીએ છીએ.”

Posted On: 24 APR 2020 7:42PM by PIB Ahmedabad

ડૉ. હર્ષવર્ધને તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય અને તબીબી શિક્ષણ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે કોવિડ-19 સામે લડવાની સજ્જતા અને દેશમાં જાહેર આરોગ્ય માટે લેવામાં આવેલા પગલાં અંગે વીડિયો કોન્ફરન્સ (VC)ના માધ્યમથી સમીક્ષા બેઠક યોજી ત્યારે કહ્યું હતું કે, “તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ કોવિડ-19 સામેની આપણી લડાઇમાં પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે અને તેનું વ્યવસ્થાપન કરવા માટે જે પ્રયાસો કર્યા તે બદલ હું સૌને અભિનંદન પાઠવું છું.” બેઠકમાં રાજ્યમંત્રી (HFW) શ્રી અશ્વિનીકુમાર ચોબે પણ ઉપસ્થિત રહ્યા હતા.

વીડિયો કોન્ફરન્સમાં મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, કેરળ, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, હરિયાણા, ઓડિશા, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ, આસામ, ચંદીગઢ, આંદામાન અને નિકોબાર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને ઉત્તરાખંડના મંત્રીઓ અને અધિકારીઓએ ભાગ લીધો હતો.

ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, “ મહામારી સામેની લડાઇ હવે સાડા ત્રણ મહિનાથી વધુ જુની છે અને દેશમાં કોવિડ-19ના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપનની કામગીરી પર રાજ્યોના સહયોગથી ઉચ્ચ કક્ષાએ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.” તેમણે વધુમાં કહ્યું હતું કે, “દેશમાં બીમારીના કારણે મૃત્યુદર 3 ટકા છે અને સાજા થવાનો દર 20 ટકાથી વધારે છે.” સરકાર દ્વારા દેખરેખ માટે કરવામાં આવતા પ્રયાસો વિશે તેમણે કહ્યું હતું કે, “આપણો દુશ્મન ક્યાં છે તે આપણે જાણીએ છીએ અને યોગ્ય, ક્રમબદ્ધ તેમજ માર્ગદર્શિત પ્રતિભાવ સાથે આપણે સ્થિતિમાંથી બહાર આવી શકીએ છીએ.”

વધુમાં તેમણે માહિતી આપી હતી કે, “અમે ટેકનિકલ અધિકારીઓની ટીમોને રાજ્યોની પરિસ્થિતિને હાથવગી કરવા અને તેની સમીક્ષા કરવા તેમજ કોવિડ -19 સામે દૈનિક લડતમાં મદદ કરવા માટે મોકલી છે.” એન્ટી-બોટી પરીક્ષણોના મુદ્દે તેમણે જણાવ્યું હતું કે, “પરીક્ષણનાં પરિણામો જેમ સ્થળ બદલાય તેવી રીતે અલગ અલગ હોય છે અને તેના પર સંપૂર્ણ આધાર રાખી શકાતો નથી. ઉપરાંત, WHO પણ તેની ચોકસાઈ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. ICMR પરીક્ષણો અને કીટ્સની અસરકારકતા અંગે પોતાની લેબોરેટરીમાં સમીક્ષા કરી રહ્યું છે અને ટૂંક સમયમાં અદ્યતન માર્ગદર્શિકા સાથે બહાર આવશે.”

મહામારી દરમિયાન આરોગ્ય સંભાળ સેવા કર્મચારીઓ સામે થતી હિંસાઓથી તેમને સુરક્ષા પૂરી પાડવા માટે મહામારી બીમારી અધિનિયમ 1897માં સુધારો કરવા માટે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમ અંગે રાજ્યોને માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, “વર્તમાન મહામારી જેવી કોઇપણ પરિસ્થિતિ દરમિયાન આરોગ્ય સંભાળ કર્મચારીઓ વિરુદ્ધ કોઇપણ પ્રકારે હિંસા અને તેમની મિલકતોને નુકસાન પહોંચાડવામાં સંડોવાયેલા લોકો વિરુદ્ધ સહેજ પણ દયાભાવ રાખ્યા સખત પગલાં લેવામાં આવશે. સુધારા અંતર્ગત આવા કોઇપણ કૃત્યને દેખીતો અને બિન જામીનપાત્ર ગુનો માનવામાં આવ્યો છે. હિંસાની આવી કોઇપણ પ્રવૃત્તિ કરવી અથવા તેના માટે સહાય કરવી તે ત્રણ મહિનાથી પાંચ વર્ષ સુધીની જેલ અને રૂપિયા 50,000/- થી રૂ. 2,00,000/- સુધીના દંડને પાત્ર રહેશે. જો ગંભીર હાનિ કે ઇજા હશે તો તેવા કિસ્સામાં, સજાનો સમયગાળો વધીને મહિનાથી સાત વર્ષ અને દંડની રકમ વધીને રૂ. 1,00,000/-થી રૂ. 5,00,000/- થઇ શકે છે.વધુમાં તેમણે માહિતી આપી હતી કે, “ભારત સરકારે કોવિડ-19 મહામારીના ઉપદ્રવના વ્યવસ્થાપનમાં સંકળાયેલા અગ્ર હરોળમાં કામ કરતા આરોગ્ય કર્મચારીઓના મૃત્યુના કિસ્સામાં રૂપિયા 50 લાખનું વીમા કવચ આપ્યું છે જેમાં સફાઇ સ્ટાફ, ડૉક્ટરો, આશા કામદારો, પેરામેડિકલ સ્ટાફ, નર્સો અને ખાનગી ડૉક્ટરો પણ સમાવી લેવામાં આવ્યા છે.”

તેમણે દરેક રાજ્યોમાં PPE, N95 માસ્ક, પરીક્ષણ કીટ્સ, દવાઓ અને વેન્ટિલેટર્સની જરૂરિયા અને પર્યાપ્તતાની સમીક્ષા કરી હતી અને ખાતરી આપી હતી કે, ભારત સરકાર મહત્વપૂર્ણ ચીજવસ્તુઓના પૂરવઠામાં અછત વર્તાય તે સુનિશ્ચિત કરશે. ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, “અત્યાર સુધી ઉપયોગમાં લેવાતા PPE અને N95 માસ્ક આયાત કરવામાં આવતા હતા પરંતુ હવે આપણી પાસે અંદાજે 100 ઉત્પાદન એકમો છે જેઓ ભારતની જરૂરિયાતને પહોંચી વળવા માટે સક્ષમ છે.” વધુમાં, રાજ્યોએ કરેલા પ્રયાસોની પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે, તેઓ એકબીજાની શ્રેષ્ઠ પ્રવૃત્તિઓનું અનુસરણ પણ કરી શકે છે.

ડૉ. હર્ષવર્ધને દેશમાં કોવિડ-19 સમર્પિત હોસ્પિટલોની સ્થિતિની પણ સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “દેશના દરેક જિલ્લામાં સમર્પિત કોવિડ-19 હોસ્પિટલો શરૂ કરવાની અને વહેલામાં વહેલી તકે તેમને સૂચિત કરવાની જરૂર છે જેથી લોકો સુધી સુવિધા વિશે માહિતી પહોંચે.”

ડૉ. હર્ષવર્ધને તમામ મંત્રીઓને કોવિડ-19 દર્દીઓની કોઇપણ પ્રકારે અવગણના થાય તે સુનિશ્ચિત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “આપણે જ્યારે કોવિડ-19ના દર્દીઓને સારવાર અને સંભાળ આપતા હોઇએ ત્યારે આપણે કોવિડ-19 સિવાયના દર્દીઓને પણ સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે જેમાં ખાસ કરીને શ્વાસને લગતી બીમારી અથવા હ્રદય રોગથી પીડાતા ગંભીર દર્દીઓ, ડાયાલિસિસની હોય તેવા દર્દીઓ, લોહી ચડાવવાની જરૂર હોય તેવા દર્દીઓ અને સગર્ભા માતાઓ પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. આપણે તેમને કોઈપણ સામાન્ય બહાના કાઢીને પાછા ધકેલી શકીએ નહીં અને આવી ગંભીર પ્રક્રિયાઓમાં ક્યારેય રાહ જોઇ શકાતી નથી.” તેમણે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપવાની જરૂર છે અને તેમને વિનંતી કરી હતી કે, અન્ય ચેપી બીમારીઓ જેમ કે મેલેરિયા, ડેંગ્યુ અને ટીબી માટે પણ તેમણે તૈયારી રાખવી કારણ કે વર્તમાન સંજોગોમાં આવી બીમારીઓને અવગણવામાં આવે છે.

તેમણે તમામ લોકોને આરોગ્ય સેતૂ એપ્લિકેશન ડાઉનલોડ કરવા અને તેનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી કારણ કે, તેનાથી લોકો પોતાને કોરોના વાયરસનો ચેપ લાગવાના જોખમનું આકલન કરી શકે છે. તેમણે કહ્યું હતું કે, “એકવાર એપ્લિકેશનને સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કર્યા પછી, વ્યવહારદક્ષ માપદંડોના આધારે તે ચેપના જોખમનું આકલન કરી શકે છે.”

અંતે, ડૉ. હર્ષવર્ધને તમામ લોકોને વિનંતી કરી હતી કે, કોવિડ-19 સામેની લડાઇમાં તેઓ સામાજિક અંતર સુનિશ્ચિત કરે અને અંગત સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવે. તેમણે રાજ્યોના આરોગ્ય મંત્રીઓને સમગ્ર પ્રક્રિયા પર વ્યક્તિગત રીતે દેખરેખ રાખવાની અપીલ કરી હતી. તેમણે વધુમાં સલાહ આપી હતી કે, “આપણે શક્ય એટલી વહેલી તકે લૉકડાઉન 2.0નું શબ્દશ: ચુસ્ત પાલન કરવું જોઇએ.” લૉકડાઉન દરમિયાન અતિ રાહતનો અભિગમ રાખવા અને તમામ પગલાંનું પાલન જાળવી રાખવા બાબતે પણ તેમણે તમામ રાજ્યોને ચેતવ્યા હતા. તેમણે ઉત્તરપ્રદેશનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, ત્યાં લૉકડાઉનનું કાર્યદક્ષ રીતે પાલન થઇ રહ્યું છે અને અન્ય રાજ્યોને તેનું અનુસરણ કરવાની સલાહ આપી હતી.

ડૉ. હર્ષવર્ધને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને તેમનો જુસ્સો જાળવી રાખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા જેથી દેશ મહામારી સામે દૃઢતાપૂર્વક લડતી વખતે મહત્વપૂર્ણ આરોગ્ય સંભાળ સેવાઓ આપવામાં વધુ સુદૃઢ અને આત્મનિર્ભર થઇ શકે. તેમણે કહ્યું કે, ભારત ખૂબ બહોળો દેશ છે અને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના સહકારથી આપણે કોરોના વાયરસ સામેની લડાઇમાં ઇચ્છિત અંત લાવી શકીએ છીએ.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ સુશ્રી પ્રિતિ સુદાન, DHR અને ICMRના મહા નિદેશક ડૉ. બલરામ ભાર્ગવ, આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને ICMRના પ્રતિનિધિઓએ પણ સમીક્ષા બેઠકમાં ભાગ લીધો હતો.

 

 

GP/DS



(Release ID: 1618299) Visitor Counter : 197