વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

CSIRએ કોવિડ-19નો મુકાબલો કરવા સંશોધન અને વિકાસ આધારિત ટેકનોલોજિકલ ઉપાયો અને ઉત્પાદનો ઉપરાંત હેન્ડ સેનિટાઈઝર્સ, સાબુ અને જીવાણુનાશકો પૂરાં પાડીને તાત્કાલિક સહાય કરી

Posted On: 25 APR 2020 4:11PM by PIB Ahmedabad

#CSIRFightsCovid19

 

કોરોનાવાયરસ દ્વારા ફેલાતી મહામારીને મ્હાત કરવા માટેની લડાઈ નિયમિત હાથ ધોવાથી શરૂ થાય છે, જે બચાવનું મુખ્ય આરક્ષણ પૂરું પાડે છે. આલ્કોહોલ-આધારિત હેન્ડ સેનિટાઈઝર્સ પણ સૂક્ષ્મ જીવાણુઓના રક્ષણાત્મક બાહ્ય પ્રોટિનને ઘટાડીને અને તેનાં પટલ ઓગાળીને વાયરસને મારી નાખે છે. જોકે, મહામારી વિશ્વભરમાં ઝડપભેર ફેલાઈ રહી હોવાથી ટૂંક સમયમાં હેન્ડ સેનિટાઈઝર્સની  ગભરાટભરી ખરીદી જોવા મળી અને તેનો સ્ટોક પૂરો થઈ ગયો. એટલું નહીં, બજારમાં નકલી અને બનાવટી હેન્ડ સેનિટાઈઝર્સ વેચાવા શરૂ થઈ ગયાં હતાં.

સ્વચ્છતા અને સ્વાસ્થ્ય-રક્ષા સાર્સ-કોવ-ટુ વાયરસ સામે લડતનો મુખ્ય મોરચો બનશે તેવા અનુમાનને પગલે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્સ (સીએસઆઈઆર)ની પ્રયોગશાળાઓ તાત્કાલિક વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકા મુજબનાં સલામત, રસાયણ-મુક્ત અને આલ્કોહોલ-આધારિત અસરકારક હેન્ડ સેનિટાઈઝર્સ અને જીવાણુનાશકો લઈને આવી.

સીેસઆઈઆરના ડાયરેક્ટર જનરલ ડૉ. શેખર સી. માન્ડેએ જણાવ્યું કેસીએસઆઈઆરએ દેશ સામે આવેલી કેટલીક અત્યંત પડકારજનક મુશ્કેલીઓ માટે હંમેશા આધુનિક વિજ્ઞાન ઉપર આધારિત ટેકનોલોજીકલ ઉકેલો આપ્યાં છે. અને કોવિડ-19 સામેની લડતમાં પણ અમારી પ્રયોગશાળાઓએ દવાઓ અને રસીઓ વિકસાવવા માટે તેમનો સમૃદ્ધ વૈજ્ઞાનિક અનુભવ કામે લગાડ્યો છે. પરંતુ એની સાથે સાથે સીએસઆઈઆરએ મહામારી ફાટી નીકળ્યા બાદ દેશના નાગરિકોને તત્કાળ સહાય પણ પૂરી પાડી છે - અને જીવલેણ ચેપથી દૂર રહેવા માટે ઉપયોગી એવાં અસરકારક હેન્ડ સેનિટાઈઝર્સ, સાબુ અને જીવાણુનાશકોની જોગવાઈ આવી એક તાત્કાલિક કાર્યવાહી હતી, જે અમારી પ્રયોગશાળાઓએ લેવાનું નક્કી કર્યું હતું.”

દેશના જુદા જુદા હિસ્સાઓમાં પથરાયેલી સીએસઆઈઆરની અનેક પ્રયોગશાળાઓએ હેન્ડ સેનિટાઈઝર્સ અને જીવાણુનાશકોનાં ઉત્પાદન અને વિતરણ દ્વારા દેશના નાગરિકોને તાત્કાલિક અને અસરકારક રાહત આપવાના પ્રયાસો શરૂ કર્યા.

  • અત્યાર સુધીમાં સીએસઆઈઆરની પ્રયોગશાળાઓમાં આશરે 50,000 લીટર હેન્ડ સેનિટાઈઝર્સ અને જીવાણુનાશકોનું ઉત્પાદન કરાયું છે અને તેનું સમાજના વિવિધ વર્ગના 1,00,000થી વધુ લોકોમાં વિતરણ કરાયું છે.
  • ઉપરાંત, પ્રયોગશાળાઓએ પોલીસ દળ, મ્યુનિસિપલ કોર્પોરેશનો, વીજળીનો પુરવઠો આપતાં એકમો, મેડિકલ કોલેજો, હોસ્પિટલ્સ, પંચાયતો અને બેન્કો તેમજ અન્ય સંસ્થાઓના કર્મચારીઓને સેનિટાઈઝર્સ અને જીવાણુનાશકોના વિતરણ માટે સ્થાનિક વહીવટીતંત્ર સાથે જોડાણ પણ કર્યું હતું.
  • સીએસઆઈઆરની પ્રયોગશાળાઓએ સ્થાનિક રીતે ઉપલબ્ધ હોય તેવા કાચા માલમાંથી અસરકારક, સલામત અને પરવડે તેવાં સેનિટાઈઝર્સ અને જીવાણુનાશકો વિકસાવ્યાં છે. દાખલા તરીકે, હિમાચલ પ્રદેશના પાલમપુરમાં આવેલી પ્રયોગશાળા સીએસઆઈઆર-આઈએચબીટીના વૈજ્ઞાનિકોએ ડબલ્યુએચઓની માર્ગદર્શિકા મુજબ હેન્ડ સેનિટાઈઝર વિકસાવ્યું છે, પરંતુ તે ચાના સક્રિય ઘટકો, કુદરતી સુગંધ અને આલ્કોહોલ પણ ધરાવે છે; સેનિટાઈઝર બનાવવામાં પેરાબેન્સ જેવાં રસાયણો, ટ્રાયક્લોઝન અને ફ્થેલેટ્સ જેવી સિન્થેટિક સુગંધ વાપરવામાં આવી નથી.
  • દક્ષિણ ભારત સ્થિત સીએસઆઈઆર-આઈઆઈસીટીએ આલ્કોહોલ-આધારિત સેનિટાઈઝિંગ જેલ બનાવવા માટેની પ્રક્રિયા પ્રમાણિત કરી અને 800 લીટર જેલ તેલંગાણા પોલીસ અને ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને વિતરિત કરી હતી. ઉપરાંત, ચેન્નાઈ સ્થિત સીએસઆઈઆર-સીએલઆરઆઈ અને કરાઈકુડીમાં આવેલી સીએસઆઈઆર-સીઈસીઆરઆઈએ જિલ્લા વહીવટીતંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન, મેડિકલ કોલેજો, પોલીસ સ્ટેશન અને પંચાયતોના કર્મચારીઓને હજારો લીટર સેનિટાઈઝર્સ વિતરિત કર્યું હતું.
  • લખનઉમાં સીએસઆઈઆરની પ્રયોગશાળાઓ અત્યંત સક્રિય રહી છે અને લખનઉ સ્થિત સીએસઆઈઆર-આઈઆઈટીઆરએ પોતે બનાવેલાં 2800 લીટર હેન્ડ સેનિટાઈઝર્સ આવશ્યક સેવાઓમાં કાર્યરત લોકોને વહેંચ્યાં હતાં. ઈન્સ્ટીટ્યુટે સેનિટાઈઝરનાં યુનિટ્સ જિલ્લા વહીવટી તંત્ર, સ્ટેટ મિશન ઓફ ક્લીન ગંગા (એસએમસીજી), વીજ પુરવઠો આપતાં એકમ, પોલીસ વહીવટીતંત્ર, જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજોને આપ્યાં હતાં. સીએસઆઈઆર, એનબીઆરઆઈએ હર્બલ આલ્કોહોલ-આધારિત હેન્ડ સેનિટાઈઝર બનાવવા માટેની ટેકનોલોજીઝ મોટા પાયે ઉત્પાદન માટે બે ઉદ્યોગસાહસિકોને આપી હતી. તેણે પણ 1500 લીટરથી વધુ સેનિટાઈઝર્સ લખનઉના વિવિધ ઝોનમાં સ્વાસ્થ્ય કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓને વહેંચ્યાં હતાં. સીએસઆઈઆર-સીઆઈએમએપીએ પણ લખનઉમાં પોતાની પ્રાયોગિક સવલત તૈયાર કરી અને તેનાં હેન્ડ સેનિટાઈઝર (હેન્ડકૂલ)ની 1000થી વધુ શીશી, જમીનને જીવાણુમુક્ત રાખવા માટેનાં જીવાણુનાશક (સ્વેબી)ની 1000 શીશી અને 50 લીટર ફ્લોર ક્લિનર (ક્લીનજર્મ) લખનઉ નગર નિગમ તેમજ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને વિતરણ માટે સોંપ્યાં હતાં.
  • ઉત્તર - પૂર્વનાં રાજ્યોમાં, સીએસઆઈઆર-એનઈઆઈએસટીએ આશરે 1300 લીટર હેન્ડ સેનિટાઈઝર્સ જોરહાટમાં એર ફોર્સ સ્ટેશન, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, જોરહાટ રેલવે સ્ટેશન અને પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તેમજ ઓએનજીસી અને એફસીઆઈના સ્ટાફ, ઈમ્ફાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ આસપાસનાં ગામડાંનાં લોકોને પણ વહેંચ્યાં હતાં.
  • જમ્મુમાં સીએસઆઈઆર-આઈઆઈઆઈએમએ સરકારી મેડિકલ કોલેજોના કર્મચારીઓ તેમજ એર ફોર્સ સ્ટેશન અને ભારતીય સેનાના જવાનોને 1800 લીટર હેન્ડ સેનિટાઈઝર્સ વહેંચ્યાં હતાં. દહેરાદૂન સ્થિત સીએસઆઈઆર-આઈઆઈપીએ દૂન હોસ્પિટલ, પોલીસ ડિપાર્ટમેન્ટ અને સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સને આશરે 1000 લીટર સેનિટાઈઝર્સનો પુરવઠો પૂરો પાડ્યો હતો.
  • પશ્ચિમ ભારતમાં ભાવનગરમાં આવેલી સીએસઆઈઆર-સીએસએમસીઆરઆઈના વૈજ્ઞાનિકોએ ભાવનગર મેડિકલ કોલેજ (બીએમસી)ને સેનિટાઈઝર્સ પહોંચાડ્યાં હતાં.
  • ભુવનેશ્વરમાં સીએસઆઈઆર-આઈએમએમટી પણ સુગંધની સાથે સાથે જીવાણુનાશક લક્ષણો ધરાવતાં વનસ્પતિનાં અર્કમાંથી આલ્કોહોલ-આધારિત લિક્વિડ હેન્ડ-રબ બનાવવાના પ્રયાસો કરી રહી છે અને તે સાબુ બનાવવા માટેની કોલ્ડ પ્રોસેસનો ઉપયોગ કરીને ચેપ-વિરોધી ગુણધર્મો ધરાવતાં પરવડે તેવાં સાબુ બનાવવાની પ્રક્રિયા ઉપર પણ કામ કરી રહી છે.
  • અત્યંત ચેપી એવા કોરોનાવાયરસ સામે રક્ષણાત્મક સાધન તરીકે સાબુની માગ વધતી જતી હોવાને કારણે પાલમપુરમાં આવેલી સીએસઆઈાર-આઈએચબીટીએ નેચરલ સેપોનિન્સ ધરાવતાં હર્બલ સાબુ પણ વિકસાવ્યાં છે. કમ્પોઝિશન ખનિજ તેલ, એસએલઈએસ (સોડિયમ લોર એથ સલ્ફેટ) અને એસડીએસ (સોડિયમ ડોડેસિલ સલ્ફેટ) ધરાવતું નથી તેમજ તેનાથી ફૂગ વિરોધી, જીવાણુ વિરોધી, સફાઈ તેમજ મોઇશ્ચરાઈઝિંગના લાભ મળે છે. સાબુ બનાવવાની ટેકનોલોજી હિમાચલ પ્રદેશમાં આવેલી બે કંપનીઓને વ્યાપારી ઉત્પાદન માટે તેમજ સાબુ દેશભરનાં મુખ્ય શહેરોમાં ઉપલબ્ધ બનાવવા માટે આપવામાં આવી છે.
  • ઉપરાંત, સીએસઆઈઆરની અનેક પ્રયોગશાળાઓ પણ સેનિટાઈઝર્સના મોટા પાયે ઉત્પાદન માટે તેની આસપાસનાં ક્ષેત્રોમાં અને આસપાસનાં એમએસએમઈ અને ઉદ્યોગોને ટેકનોલોજી હસ્તાંતરિત કરી રહી છે.

 

GP/DS



(Release ID: 1618289) Visitor Counter : 192