વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

માસ્ક પર હર્બલ ડિકન્જસ્ટન્ટ છાંટવાથી ગુંગળામણ રોકી શકાય છે


આ દ્રાવણ શ્વસન નળીમાંથી લાળ અને કફ દૂર કરીને તેને ચોખ્ખી કરે છે અને અશુદ્ધિઓ દૂર કરે છે જેથી શ્વાસ લેવામાં સરળતા રહે છે

Posted On: 25 APR 2020 3:42PM by PIB Ahmedabad

કોરોના વાયરસનો ચેપ ફેલાતો રોકવા માટે આરોગ્ય અધિકારીઓ સતત માસ્ક પહેરવાની ભલામણ કરી રહ્યા છે. સાથે સાથે, લાંબો સમય માસ્ક પહેરી રાખવાથી શ્વાસ લેવામાં તકલીફ અને શ્વસનતંત્ર જામ થવાની ફરિયાદો પણ મળી રહી છે. સમસ્યાનો ઉકેલ લાવવા માટે, લખનઉમાં આવેલી CSIR – રાષ્ટ્રીય બોટનિકલ સંશોધન સંસ્થા (NBRI) ખાતેના વૈજ્ઞાનિકોએ હર્બલ ડિકન્જસ્ટન્ટ તૈયાર કર્યું છે.

CSIR- NBRIના વરિષ્ઠ અગ્ર વૈજ્ઞાનિક ડૉ. શરદ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “આવી સમસ્યા થવા પાછળનું મુખ્ય કારણ માસ્કની આંતરિક કેવિટી (ગુહા)માં કાર્બન ડાયોક્સાઇડ અને ભેજનું એકત્રીકરણ છે. જ્યારે વ્યક્તિ શ્વાસ અંદર લે ત્યારે, તે ફેફસામાં થઇને પાછો આવે છે. લાંબો સમય પ્રક્રિયાનું પુનરાવર્તન થવાથી શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે અને ભરાવો થઇ ગયો હોય તેવું લાગે છે.”

ડૉ. શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “હર્બલ ડિકન્જસ્ટન્ટ સ્પ્રે ચાર ઔષધી આધારિત તેલના સચોટ મિશ્રણથી તૈયાર કરવામાં આવ્યું છે પરંતુ બૌદ્ધિક સંપદાના મુદ્દાને ધ્યાનમાં રાખીને ઔષધીઓના નામ હાલમાં જાહેર કરી શકાય તેમ નથી. ઉત્પાદન આયુર્વેદના સિદ્ધાંતોના આધારે તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં પરંપરાગત ગ્રંથોમાં લખેલા ઘટકો સામેલ છે.”

દ્રાવણ શ્વસન નળીમાંથી લાળ અને કફ દૂર કરીને તેને ચોખ્ખી કરે છે અને અશુદ્ધિઓ દૂર કરે છે જેથી શ્વાસ લેવામાં સરળતા રહે છે. માસ્કના વધુ પડતા ઉપયોગના કારણે ઉભો થતો તણાવ અને ભરાવો ઘટાડવામાં પણ તે મદદરૂપ થાય છે. સ્પ્રે આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર તૈયાર કરવામાં આવ્યો છે.

 

લખનઉ સ્થિત NBRI વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR)ની પેટા લેબોરેટરી છે જે મુખ્યત્વે તેના વાનસ્પતિક સંશોધન કાર્યો માટે ઓળખાય છે. સંશોધકોએ જણાવ્યું હતું કે, NBRIના ઔષધીય સ્પ્રેનું પ્રારંભિક પરિણામ અત્યંત પ્રભાવશાળી છે. લાંબા સમય સુધી માસ્ક પહેરતા લોકોને આનાથી ઘણી રાહત મળી શકે છે

ઇન્હેલરનું વ્યાપારિક ધોરણે ઉત્પાદન કરવા માટે સંસ્થા તેની ટેકનોલોજી સ્થળાંતરિત કરવાની યોજનામાં છે જેથી મોટાપાયે તેનું ઉત્પાદન થઇ શકે અને કોવિડ-19 મહામારી સામે લડવામાં અગ્ર હરોળના યોદ્ધાઓને તે મોકલી શકાય.

 

[For More Details : Dr. Sharad Srivastava, CSIR-NBRI, Lucknow

ઇમેલ : sharad@nbri.res.in,sharad_ks2003@yahoo.com]

 

GP/DS



(Release ID: 1618183) Visitor Counter : 267