ગૃહ મંત્રાલય

કેન્દ્ર સરકારે કોવિડ-19 સામે લડવા અને તેનું સંક્રમણ અસરકારક રીતે નિયંત્રિત કરવા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને રાજ્યોના પ્રયાસોમાં વધારો કરવા આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમ (IMCT)નું ગઠન કર્યુ

Posted On: 24 APR 2020 5:10PM by PIB Ahmedabad

દેશના કેટલાક જિલ્લાઓમાં લૉકડાઉનના પગલાંઓના ઉલ્લંઘનની અસંખ્ય ઘટનાઓ સામે આવી રહી છે, જે આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે અને કોવિડ-19ના ફેલાવા માટેનું જોખમ સર્જે છે. બાબત જાહેર જનતાના સામાન્ય હિતની વિરુદ્ધ પણ છે. ઉલ્લંઘનની ઘટનાઓમાં અગ્રણી આરોગ્યસંભાળ વ્યાવસાયિકો ઉપર હિંસક હુમલાઓ, પોલીસ કર્મચારીઓ ઉપર હુમલાં, બજારોમાં સામાજિક અંતરના નિયમોનું ઉલ્લંઘન અને ક્વોરોન્ટાઇન કેન્દ્રોની સ્થાપનાના વિરોધ અને તેવી બીજી અનેક બાબતોનો સમાવેશ થાય છે.

કેન્દ્ર સરકારે ગુજરાત માટે બે અને તેલંગણા, તમિલનાડુ અને મહારાષ્ટ્ર (અગાઉ મુંબઇ-પૂણે માટે ગઠન કરવામાં આવેલી ટીમોની જવાબદારી હેઠળનો વિસ્તાર વધારવામાં આવ્યો છે) માટે એક એક આંતર- મંત્રાલય કેન્દ્રીય ટીમો (IMCT)નું ગઠન કર્યુ છે. ટીમ પરિસ્થિતિનું સ્થાનિક મૂલ્યાંકન કરશે અને તેના ઉપાયો માટે રાજ્ય સત્તામંડળને જરૂરી દિશા-નિર્દેશો જારી કરશે અને જાહેર જનતાના વ્યાપક હિતમાં કેન્દ્ર રકારને તેનો અહેવાલ સુપરત કરશે.

અમદાવાદ અને સુરત (ગુજરાત), થાણે (મહારાષ્ટ્ર), હૈદરાબાદ (તેલંગણા) અને ચેન્નઇ (તમિલનાડુ) જેવા મુખ્ય હોટસ્પોટ જિલ્લાઓ અને ઉભરતાં હોટસ્પોટમાં પરિસ્થિતિ ગંભીર છે. ટીમ કેન્દ્રની તજજ્ઞતાનો ઉપયોગ કરશે અને કોવિડ-19 સામેની લડાઇ અને તેનો ફેલાવો નિયંત્રિત કરવા માટે રાજ્યના પ્રયત્નો વધુ અસરકારક બનાવવા સહાયતા પુરી પાડશે.

IMCT આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ, 2005 અંતર્ગત જારી કરાયેલા દિશા-નિર્દેશો અનુસાર ટીમ લૉકડાઉન પગલાંઓના પાલન અને અમલીકરણ, આવશ્યક ચીજ-વસ્તુઓનો પૂરવઠો, ઘરોની બહાર લોકોના અવર-જવરમાં સામાજિક અંતર, આરોગ્ય માળખાની તૈયારી, હોસ્પિટલ સુવિધાઓ અને જિલ્લામાં સેમ્પલ આંકડાઓ, આરોગ્ય વ્યાવસાયિકોની સલામતી, પરીક્ષણ કીટ્સ, PPE, માસ્ક અને અન્ય સુરક્ષા ઉપકરણોની ઉપલબ્ધતા અને શ્રમિક અને ગરીબ લોકો માટે રાહત છાવણીઓની પરિસ્થિતિ સહિત વ્યાપક મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે.

જો હોટસ્પોટ જિલ્લાઓ/ ઉભરતાં હોટસ્પોટમાં અથવા તેવા સ્થાનો જ્યાં વ્યાપક ફેલાવો અથવા સમુહની સંભાવના હોય તે વિસ્તારોમાં ઉપરોક્ત જણાવેલા ઉલ્લંઘનોની ઘટનાઓ થવા દેવામાં આવે તો દેશના લોકો માટે ગંભીર આરોગ્ય જોખમ પેદા કરી શકે છે.

આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ, 2005ની કલમ 35(1), 35(2)() અને 35(2)(આઇ) અંતર્ગત પ્રાપ્ત થયેલી સત્તાની રૂએ કેન્દ્ર સરકારે સમિતિઓનું ગઠન કર્યુ છે. રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારને સૂચના આપવામાં આવી છે કે જ્યારે તે આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ, 2005 અંતર્ગત ગૃહ બાબતોના મંત્રાલય દ્વારા જારી કરાયેલા દિશા-નિર્દેશોના પાલન માટે કડક પગલાંઓ લાદી શકે છે, ત્યારે તે પગલાંઓના અમલમાં કોઇ હળવાશ રાખવી જોઇએ નહીં.

વધુમાં ભારતની સર્વોચ્ચ અદાલતે પણ તેના 31.03.2020ના આદેશમાં જણાવ્યું છે કે તમામ સંબંધિત રાજ્ય સરકારો, જાહેર સત્તામંડળો અને ભારતના નાગરિકો જાહેર સલામતીના હિતમાં ભારત સરકાર દ્વારા બહાર પડાયેલા નિર્દેશો અને આદેશોનું અક્ષરશઃ પાલન કરશે. સર્વોચ્ચ અદાલતના નિર્દેશ તરીકે ગણવો જોઇએ તેવા અવલોકનની જાણકારી તમામ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની સરકારોને કરી દેવામાં આવી છે.

IMCT તેમની મુલાકાત વહેલામાં વહેલી તકે શરૂ કરશે.

 

 

GP/DS(Release ID: 1617979) Visitor Counter : 282