નાગરિક ઉડ્ડયન મંત્રાલય

કોવિડ-19 લોકડાઉન દરમિયાન લાઇફલાઇન ઉડાન ફ્લાઇટો દ્વારા 3,43,635 કિલોમીટર આવરીને 591 ટનથી વધારે કાર્ગોનું પરિવહન થયું

Posted On: 24 APR 2020 5:27PM by PIB Ahmedabad

રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ કોવિડ-19 કટોકટી દરમિયાન ઉડ્ડયન વ્યાવસાયિકો અને ભાગીદારોની લાઇફલાઇન ઉડાન હેઠળ દેશભરમાં નાગરિકોને જીવનરક્ષક તબીબી અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની કામગીરીની પ્રશંસા કરી હતી. આજે ટ્વીટ કરીને મંત્રીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી લાઇફલાઇન ઉડાન વિમાનોએ 3,43,635 કિલોમીટરનો પ્રવાસ કર્યો છે. એર ઇન્ડિયા, એલાયન્સ એર, આઇએએફ અને ખાનગી વિમાનો દ્વારા લાઇફલાઇન ઉડાન અંતર્ગત 347 ફ્લાઇટ કાર્યરત થઈ છે. એમાંથી 206 ફ્લાઇટ એર ઇન્ડિયા અને એલાયન્સ એરએ ઓપરેટ કરી છે. અત્યાર સુધી 591.66 ટન કાર્ગોનું પરિવહન થયું છે.

વિસ્તારાએ 19થી 23 એપ્રિલ, 2020 દરમિયાન 7 કાર્ગો ફ્લાઇટ કાર્યરત કરીને 8,989 કિલોમીટરનો પ્રવાસ કરીને 20 ટન કાર્ગોનું વહન કર્યું હતું. 24 માર્ચથી 23 એપ્રિલ, 2020 દરમિયાન સ્પાઇસજેટની 522 કાર્ગો ફ્લાઇટે 7,94,846 કિલોમીટરને આવરી લીધા હતા અને 3993 ટન કાર્ગોનું વહન કર્યું હતું. એમાંથી 178 ઇન્ટરનેશનલ કાર્ગો ફ્લાઇટ હતી. 25 માર્ચથી 23 એપ્રિલ, 2020 દરમિયાન બ્લૂ ડાર્ટે 184 કાર્ગો ફ્લાઇટ દ્વારા 1,84,155 કિલોમીટરને આવરીને 2957 ટન કાર્ગોનું વહન કર્યું હતું. એમાંથી 6 ઇન્ટરનેશનલ કાર્ગો ફ્લાઇટ હતી. ઇન્ડિગોએ 3થી 23 એપ્રિલ, 2020 દરમિયાન 37 કાર્ગો ફ્લાઇટ ઓપરેટ કરીને 48,344 કિલોમીટર આવરીને આશરે 101 ટન કાર્ગોનું વહન કર્યું હતું, જેમાં 8 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સામેલ હતી. એમાં સરકાર માટે નિઃશુલ્ક તબીબી પુરવઠાનું વહન સામેલ હતું. સ્થાનિક કાર્ગો ઓપરેટર્સ વાણિજ્યિક ધોરણે કાર્ગો ફ્લાઇટ ઓપરેટ કરે છે.

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં 23 એપ્રિલ, 2020નાં રોજ હોંગકોંગ અને ગુઆંગ્ઝોથી 61 ટન મેડિકલ કાર્ગોનું વહન થયું હતું. ઉપરાંત બ્લૂ ડાર્ટે આશરે 14 એપ્રિલથી 23 એપ્રિલ, 2020 વચ્ચે ગુઆંગ્ઝોથી આશરે 86 ટન તબીબી પુરવઠાને લાવવામાં આવ્યો છે.

 

 

GP/DS



(Release ID: 1617975) Visitor Counter : 148