સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતે કોરોનાવાયરસનો પડકાર ઝીલવા માટે પર્યાપ્ત ક્ષમતા અને સંસાધન હાંસલ કર્યા છેઃ ડૉ. હર્ષવર્ધન


કોવિડ-19 સામેની લડાઈમાં ભારત દુનિયાના અન્ય દેશો કરતાં વધુ સારી સ્થિતિમાં છે
ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, કોવિડ-19 સંક્રમણથી ઉત્પન્ન સ્થિતિનું સમાધાન કરવામાં ભારતનો સંઘર્ષ અતિ-સક્રિય અને તબક્કાવાર રહ્યો છે

"અમે ચોક્કસ આ વાયરસને પરાસ્ત કરીશું" – ડૉ. હર્ષવર્ધન

Posted On: 23 APR 2020 9:10PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે કોવિડ-19 નિયંત્રણ માટે થઈ રહેલા ઉપાયો પર વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)ના સભ્ય દેશોના આરોગ્ય મંત્રીઓ સાથે એક વર્ચ્યુઅલ ચર્ચા સત્રમાં ભાગ લેતા કહ્યું હતું કે, કોવિડ-19 સંક્રમણથી પેદા થયેલી સ્થિતિ સામે ભારતીય સંઘર્ષ અતિ-સક્રિય, પ્રથમ અને શ્રેણીબદ્ધ રહ્યો છે.

ડૉ. હર્ષવર્ધને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, દુનિયામાં કોવિડ-19ની વર્તમાન સ્થિતિ ચિંતાજનક છે અને જાનહાનિ ઘટાડવા વિશેષ ઉપાયો અપનાવવાની જરૂર છે. ડબલ્યુએચઓના અધિકારીઓને સંબોધન કરતા ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, આપણા બધાની મુલાકાત એક મુશ્કેલ સમયમાં થઈ રહી છે અને કોવિડ-19નો અંત લાવવા માટે આપણે આપમી સર્વોત્તમ કાર્યવ્યવસ્થાઓને સહિયારી કરવા ખભેખભો મિલાવીને કામ કરવું પડશે.

ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે, કોવિડ-19નો સામનો કરવા ભારતની ભૂમિકા અગ્રણી રહી છે અને પોતાના કોરોના વોરિયર્સની મહત્ત્વપૂર્ણ અને ઉત્કૃષ્ટ સેવાઓને કારણે ભારત દુનિયાનાં બાકીનાં દેશો કરતાં વધારે સારી સ્થિતિમાં છે. તેમણે સંભવિત દર્દીઓ કે રોગના વાહનો પર નજર રાખવા માટે સરકારી સંસ્થાઓએ રાખેલી સક્રિય નજરના પ્રયાસોનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, આપણે વાયરસ અને એના સ્થાને જાણીએ છીએ. તેમણે કહ્યું હતું કે, આપણે શત્રુ પર સામુદાયિક નજર રાખવા, વિવિધ સલાહો જાહેર કરીને તથા સક્રિય વ્યૂહરચનાના માધ્યમથી રોકવા સક્ષમ બનવાની જરૂર છે.

કોવિડ-19થી ઉત્પન્ન સંકટને દેશમાં સ્વાસ્થ્ય સેવાની વિતરણ વ્યવસ્થાને મજબૂત કરવાની તકમાં કેવી રીતે બદલવામાં આવે એના પર પોતાના વિચારો વ્યક્ત કરીને ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે, શરૂઆતમાં કોવિડ-19ની તપાસ માટે પૂણેમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (એનઆઈવી)માં અમારી ફક્ત એક પ્રયોગાશાળા હતી. તેમણે કહ્યું હતું કે, છેલ્લાં 3 મહિના દરમિયાન અમે 16,000થી વધારે સેમ્પલ સંગ્રહ કેન્દ્રો સાથે 87 ખાનગી પ્રયોગશાળાઓની મદદ સાથે સરકારી પ્રયોગશાળાઓની સંખ્યા 230 સુધી વધારી છે. અત્યાર સુધી અમે કોવિડ-19 માટે 5 લાખથી વધારે લોકોની તપાસ કરી છે. અમે 31 મે, 2020 સુધી સરકારી પ્રયોગશાળાઓની સંખ્યા વધારીને 300 કરવા અને દરરોજ પોતાની વર્તમાન દૈનિક તપાસ ક્ષમતા 55,000થી 1 લાખ સુધી કરવાના અગ્રેસર છીએ.

સંકટનું સમાધાન કરવા દેશની તૈયારીઓ વિશે વિસ્તારપૂર્વક જાણકાર આપતા તેમણે કહ્યું હતું કે, સરકારને આગામી સમયમાં રોગીઓની સંખ્યા વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખવાની તૈયારી સુનિશ્ચિત કરી લીધી છે. સરકારે રોગની ગંભીરતાને આધારે કોવિડ ઉપચાર સુવિધાઓને ત્રણ કેટેગરીમાં વર્ગીકૃત કરી છે, જેમાં ઓછા લક્ષણ ધરાવતા દર્દીઓ માટે કોવિડ સારવાર કેન્દ્ર, મધ્યમ લક્ષણ ધરાવતા દર્દીઓ માટે કોવિડ આરોગ્ય સારસંભાળ કેન્દ્ર અને ગંભીર લક્ષણો ધરાવતા રોગીઓ માટે સમર્પિત કોવિડ હોસ્પિટલ સામેલ છે. રોગની ગંભીરતા અનુસાર દર્દીઓનાં સ્થળાંતરણની સુવિધા માટે પણ ત્રણ પ્રકારના કોવિડ કેન્દ્રો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. અમારી પાસે દેશનાં તમામ 2,033 સમર્પિત સુવિધાઓમાં 1,90,000થી વધારે અલગ બેડ, 24,000થી વધારે આઈસીયુ બેડ અને 12,000થી વધારે વેન્ટિલેટર છે. તમામ સુવિધાઓને છેલ્લાં 03 મહિનાઓની અંદર વ્યવસ્થિત કરવામાં આવી છે.

ઉપરાંત જોખમને ઓછું કરવાના સમાધાન વિશે લોકોની જિજ્ઞાસાને ધ્યાનમાં રાખીને ડૉ. હર્ષવર્ધને આરોગ્યસેતુ મોબાઇલ એપ્લિકેશનની અસરકારકતા વિશે જાણકારી આપી હતી, જેને 7.2 કરોડથી વધારે લોકોએ ડાઉનલોડ કરી છે. કોવિડ-19 વિરૂદ્ધ અમારી સંયુક્ત લડાઈમાં આવશ્યક સ્વાસ્થ્ય સેવાઓને જોડવા માટે ભારત સરકાર દ્વારા વિકસિત એક મોબાઇલ એપ્લિકેશન છે. એપનો ઉદ્દેશ ભારત સરકારની પહેલને પ્રોત્સાહન આપીને કોવિડ-19 સાથે સંબંધિત જોખમો, સર્વોત્તમ કાર્યવ્યવસ્થાઓ અને પ્રાસંગિક સલાહને એપના વપરાશકર્તાઓ સુધી પહોંચાડવાનો તથા તેમને વિશે સૂચના આપવાનો છે.

સત્રના સમાપન પર ડૉ. હર્ષવર્ધને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વની પ્રશંસા કરીને કહ્યું હતું કે, પ્રધાનમંત્રી સ્વરૂપે અમારી પાસે એક મહાન નેતા છે, કારણ કે તેઓ બહુ સુગ્રાહી છે અને સમયેસમયે નિષ્ણાતોના સૂચનોને સ્વીકારે છે અને એટલે તેઓ ભારતમાં કોવિડ-19ની સ્થિતિને અસરકારક રીતે સંભાળી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, લોકોએ પણ લોકડાઉનને સફળ બનાવવામાં સરકારના પ્રયાસોને સમર્થન આપ્યું છે. તેમણે આશ્વાસન આપતા કહ્યું હતું કે, અમે કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ અને આગામી સમયમાં અમે તમામ દર્દીઓને સ્વસ્થ ખવા અને તેમને સંપૂર્ણપણે ફિટ રાખવા માટે આરોગ્યની ઉચિત સારસંભાળ પ્રદાન કરવાની સ્થિતિમાં છીએ.

 

 

GP/DS



(Release ID: 1617868) Visitor Counter : 280