વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

કોવિડ-19 પછી ભારતીય અર્થતંત્રને બેઠું કરવા શ્રેષ્ઠ પદ્ધતિઓ ચકાસતી TIFAC


કોવિડ 19 પછી ભારતીય અર્થતંત્રને બેઠું કરવાની વ્યૂહરચના પર શ્વેતપત્ર તૈયાર કરશે

Posted On: 21 APR 2020 5:26PM by PIB Ahmedabad

ભારત સરકારનાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી) અંતર્ગત સ્વાયત્ત ટેકનોલોજી થિંક ટેંક ટેકનોલોજી ઇન્ફોર્મેશન, ફારકાસ્ટિંગ એન્ડ એસેસ્સમેન્ટ કાઉન્સિલ (ટીઆઇએફએસી) ભવિષ્ય માટે વિચારવાની પોતાની કામગીરીને ધ્યાનમાં રાખીને કોવિડ 19 પછી ભારતીય અર્થતંત્રને બેઠું કરવાની વ્યૂહરચના સાથે સંબંધિત શ્વેતપત્ર તૈયાર કરી રહી છે.

શ્વેતપત્ર મુખ્યત્વે મેક ઇન ઇન્ડિયા પહેલોને મજબૂત કરવા, સ્વદેશી ટેકનોલોજીનું વાણિજ્યિકરણ, ટેકનોલોજીથી સંચાલિત જાહેર વિતરણ વ્યવસ્થા (પીડીએસ), ગ્રામીણ વિસ્તારોમાં સ્વાથ્ય સાથે સંબંધિત અસરકારક સારસંભાળ પૂરી પાડવા, આયાત ઘટાડવા, એઆઈ, મશીન લર્નિંગ, ડેટા એનાલીટિક્સ વગેરે જેવી વિકસતી ટેકનોલોજીનો સ્વીકાર કરવા જેવા મુદ્દા પર મુખ્યત્વે કેન્દ્રિત હશે.

સંપૂર્ણ વિશ્વ કોવિડ-19 સામે લડાઈ માટે એક સાથે આવ્યું છે. રોગચાળાએ વિકાસશીલ અને વિકસિત એમ બંને પ્રકારનાં અર્થતંત્રો પર અસર કરી છે. વળી રોગચાળાની અસર ઉત્પાદનથી લઈને વેપાર, પ્રવાસન, શિક્ષણ, હેલ્થકેર વગેરે તમામ ક્ષેત્રોને થઈ છે. રોગચાળાની આર્થિક અસરનો આધાર કોઈ પણ દેશમાં રોગચાળો કેવી રીતે ફેલાયો અને એને નિયંત્રણમાં લેવાની વ્યૂહરચનાની અસરકારકતા પર રહેશે.

ડીએસટીના સચિવ પ્રોફેસર આશુતોષ શર્માએ કહ્યું હતું કે, કોવિડ-19 વાયરસ સાથે આગળ વધવા માટે જ્યારે માનવીય સ્વાસ્થ્ય પર એની ઓછામાં ઓછી અસર થાય એવી દિશામાં ઉપયોગી કામગીરી કરવાની જરૂર છે, ત્યારે સાથે સાથે સામાજિક-આર્થિક સ્તરે મહત્તમ સુખાકારી જાળવવી પણ જરૂરી છે. એટલે ટેકનોલોજી સાથે સંબંધિત ઇચ્છિત હસ્તક્ષેપોનું વિશ્લેષણ અને વિવિધ ક્ષેત્રોમાં એની અસર નિર્ણય લેવા માટે એક મહત્ત્વપૂર્ણ ઉપયોગી પાસું છે.

ટીઆઇએફએસીના વૈજ્ઞાનિકોની ટીમમાં વિવિધ શાખાઓનાં વૈજ્ઞાનિકો સામેલ છે, જેઓ ભારતીય અર્થતંત્રને બેઠું કરવાની શ્રેષ્ઠ પદ્ધતિઓ ચકાસે છે અને કોવિડ 19 પછી એની અસર ઘટાડવા પ્રયાસ કરે છે. તેઓ સમાન સ્થિતિનો સામનો કરવા ભવિષ્યની વ્યૂહરચનાઓ પણ ડિઝાઇન કરે છે.

અત્યાર સુધી ભારતે રોગચાળાને નિયંત્રણમાં લેવા સુઆયોજિત પગલાં લીધા છે, જેમાં શરૂઆતનાં તબક્કામાં લોકડાઉન મહત્ત્વપૂર્ણ છે.તમામ સરકારી વિભાગો, સંશોધન સંસ્થાઓ, નાગરિક સમાજ સંસ્થાઓ, અને વધારે મહત્ત્વપૂર્ણ બાબત છે કે, ભારતીય નાગરિકોએ શક્ય એટલી મહત્તમ રીતે કોવિડ 19ની અસરનો સરભર કરવા હાથ મિલાવ્યાં છે. ટીઆઇએફએસી દ્વારા તાજેતરનો પ્રયાસ કોવિડ-19 પછી ભારતીય અર્થતંત્રને મજબૂત કરવા આગળનો માર્ગ પ્રશસ્ત કરવામાં મદદરૂપ થશે.

 [વધારે વિગત મેળવવા : નિર્મલા કૌશિક, nirmala.kaushik[at]gmail[dot]com, મોબાઇલ : 9811457344]

 

GP/DS



(Release ID: 1616887) Visitor Counter : 147