કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય

1 એપ્રિલથી શરૂ કરીને છેલ્લા 20 દિવસમાં કોવિડ-19 સંબંધિત 25,000થી વધુ પોર્ટલ ફરિયાદોનું નિવારણ લાવવામાં આવ્યું: ડૉ. જીતેન્દ્રસિંહ

Posted On: 20 APR 2020 8:05PM by PIB Ahmedabad

પૂર્વોત્તર પ્રદેશના વિકાસ (DoNER) માટે કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર), રાજ્યમંત્રી PMO, કાર્મિક, જાહેર ફરિયાદ, પેન્શન, અણુ ઉર્જા અને અવકાશ ડૉ. જીતેન્દ્રસિંહે આજે માહિતી આપી હતી કે, 1 એપ્રિલથી શરૂ કરીને છેલ્લા 20 દિવસમાં કોવિડ-19 સંબંધિત 25,000થી વધુ પોર્ટલ ફરિયાદનું નિવારણ લાવવામાં આવ્યું છે.

 

કોરોના મહામારીના ફેલાવાના કારણે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉનના પગલે, કાર્મિક મંત્રાલય હેઠળ આવતા DARPG (વહીવટી સુધારા અને જાહેર ફરિયાદ વિભાગ) દ્વારા 1 એપ્રિલના રોજ શરૂ કરવામાં આવેલા નેશનલ મોનિટરિંગ ડેશબોર્ડ અંગે વર્તમાન સ્થિતિની વાત કરીએ તો, ફરિયાદ પોર્ટલને છેલ્લા ત્રણ અઠવાડિયામાં જોરદાર પ્રતિભાવ મળ્યો છે જેના પરિણામે, 1 એપ્રિલના રોજ જાહેર જનતા દ્વારા કોવિડ સંબંધિત 332 ફરિયાદો નોંધાવવામાં આવી હતી તેની સામે 15 દિવસમાં એટલે કે 16 એપ્રિલ સુધીમાં આંકડો વધીને 5,566 કેસ સુધી પહોંચી ગયો છે.

 

ડૉ. જીતેન્દ્રસિંહે જાહેર ફરિયાદ વિભાગ અને નેશનલ મોનિટરિંગ ડેશબોર્ડ દ્વારા તુરંત અને ચોવીસ કલાકના ધોરણે ફોલોઅપની કામગીરી બદલ તેમની પ્રશંસા કરી હતી કારણ કે પ્રયાસોના પરિણામે સરેરાશ 1.57 દિવસમાં ફરિયાદોનો નિકાલ થઇ સંભવ બન્યો છે.

ઉલ્લેખનીય છે કે, ફરિયાદ પોર્ટલમાં નેશનલ મોનિટરિંગ ડેશબોર્ડ (https://darpg.gov.in) એક એક્સક્લુઝિવ વિન્ડો છે જેની શરૂઆત કોવિડ સંબંધિત ફરિયાદો માટે કરવામાં આવી છે અને તેના પરિણામે, કોવિડ સંબંધિત કોઇપણ ફરિયાદ સંબંધિત વ્યક્તિ કે વિભાગ દ્વારા જેમણે ફોલોઅપ લેવાનું હોય તેમની પાસે સીધી નોંધાઇ જાય છે.

દરમિયાન, કોવિડ સંબંધિત અંદાજે 14,982 ફરિયાદો વિવિધ રાજ્ય સરકારોને મોકલવામાં આવી છે જ્યારે અન્ય ફરિયાદો કેન્દ્ર સરકારના અલગ અલગ મંત્રાલયોને નિવારણ અર્થે મોકલવામાં આવી છે. ખાસ કરીને વિસ્થાપિત શ્રમિકો, આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્વૉરેન્ટાઇન, ભોજન અને નાગરિક પૂરવઠા સંબંધિત સમસ્યાઓ, બેંકિંગ અને ફાઇનાન્સિઅલ ક્ષેત્રની સમસ્યા, પગાર અને કર્મચારીના પ્રશ્નો તેમજ શાળા અને ઉચ્ચ અભ્યાસ સંબંધિત પ્રશ્નો પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે.

 

GP/DS



(Release ID: 1616712) Visitor Counter : 226