સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ડૉ. હર્ષવર્ધને કોવિડ-19ના વ્યવસ્થાપનની સમીક્ષા કરવા રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલ્ટી હોસ્પિટલની મુલાકાત લીધી
લોકડાઉન 2.0 દરમિયાન કોવિડ-19 સામે લડવામાં જીવનમાં આવેલા પરિવર્તનની દ્રષ્ટિએ આપણને શિસ્ત જાળવવાનો લાભ મળશે
“આવા કટોકટીનાં સમયમાં નિષ્ઠાપૂર્વક સેવા કરનાર આપણા હેલ્થ વોરિયર્સનો દેશ હંમેશા ઋણી રહેશે”
ભારતમાં રિકવરીનાં દરમાં સુધારો આપણા મોખરાનાં હેલ્થ વર્કર્સ દ્વારા પ્રદાન કરવામાં આવતી ગુણવત્તાયુક્ત સારવારનું પ્રતિબિંબ છેઃ ડૉ. હર્ષવર્ધન
Posted On:
19 APR 2020 6:08PM by PIB Ahmedabad
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે કોવિડ-19 વ્યવસ્થાપનની સ્થિતિની સમીક્ષા કરવા રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલ્ટી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની તૈયારી માટે નવી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજીવ ગાંધી સુપર સ્પેશ્યાલ્ટી હોસ્પિટલ કાર્યરત છે, જેમાં 450-બેડની કોવિડ-19 હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે, જેમાં પર્યાપ્ત સંખ્યામાં આઇસોલેશન વોર્ડ અને બેડ છે.
કેન્દ્રીય મંત્રીએ ફ્લુ કોર્નર, આઇસોલેશન વોર્ડ, ઓબ્ઝર્વેશન વોર્ડ, ક્રિટિકલ એરિયા/આઇસીયુ, કોવિડ કોરિડોર, કોવિડ એરિયા, કોવિડ ઓપીડી, કોવિડ સેમ્પલ કલેક્શન યુનિટ, ડૉક્ટરો અને હેલ્થ વર્કર્સ માટે ચેન્જિંગ સુવિધાની મુલાકાત લીધી હતી. આરએમઓ હોસ્ટેલમાં પોતાને ડિસઇન્ફેક્ટ કરવા માટે આ વોર્ડમાં ડૉક્ટરો અને સ્ટાફ માટે સ્પેશ્યલ બાથિંગ, ચેન્જિંગ અને સ્પ્રે ફેસિલિટી છે એના પર તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. પરિવહનની સમસ્યાનું સમાધાન કરવા અને તેમના પરિવારજનોનો સંસર્ગ ટાળવા નજીકની થોડી હોસ્ટેલોમાં હેલ્થ વર્કર્સને રહેવાની અને જમવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે. કોવિડ વોર્ડમાં મંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક દર્દી સાથે વાત કરી હતી, જે પોતે ડૉક્ટર છે અને કોવિડ પોઝિટિવ બન્યા પછી સુવિધામાં ભરતી કરવામાં આવ્યાં છે. તેઓ એરપોર્ટ પર કોવિડ દર્દીઓનું સ્ક્રીનિંગ કરતાં હતાં અને નારેલા ક્વારેન્ટાઇનમાં છે. મંત્રીએ કહ્યું હતું કે, “મને એ જાણીને ખુશી થઈ છે કે, તેઓ હોસ્પિટલમાં ખુશ છે અને ધીમે ધીમે સાજાં થઈ રહ્યાં છે. પોતે કોવિડથી પીડિત હોવા છતાં એમનો જુસ્સો પ્રોત્સાહનજનક છે.”
હોસ્પિટલનાં વિવિધ વોર્ડ અને સંકુલની સમીક્ષા અન વિસ્તૃત ચકાસણી કર્યા પછી તેમણે વિવિધ એકમોની કામગીરી પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કેઃ “છેલ્લાં થોડાં દિવસોમાં મેં વિવિધ હોસ્પિટલો એમ્સ (દિલ્હી), એલએનજેપી, આરએમએલ, સફદરજંગ, એમ્સ જઝ્ઝર અને હવે રાજીવ ગાંધી સુપર સ્પેશ્યાલ્ટીની મુલાકાત લીધી છે, જેથી કોવિડ-19 સામે તૈયારીની સમીક્ષા કરી શકાય અને હું આ હોસ્પિટલોએ રોગચાળા સામે અસરકારક રીતે લડવા માટે કરેલી વ્યવસ્થાઓ સાથે સંતુષ્ટ છું.”
કોવિડ-19નો સામનો કરવામાં ખંત, મહેનત, સમર્પણ અને પ્રતિબદ્ધતા દાખવનાર નર્સો, ડૉક્ટરો અને અન્ય હેલ્થકેર કર્મચારીઓ જેવા મોખરાનાં વોરિયર્સની પ્રશંસા કરીને ડૉ. હર્ષવર્ધને કહ્યું હતું કે, “કોવિડ-19ના દર્દીઓની તબિયતમાં સુધારો થવાનો દર 29 માર્ચના રોજ પૂર્ણ થયેલા અઠવાડિયામાં 8 ટકા હતો, જે આ અઠવાડિયે સુધરીને 12 ટકા થયો હતો. આ દર્શાવે છે કે, આ દર્દીઓ વધુને વધુ સાજાં થઈ રહ્યાં છે અને તેમનાં ઘરે પરત ફરી રહ્યાં છે. આ ભારતમાં આપણા મોખરાનાં હેલ્થ વર્કર્સ દ્વારા પ્રદાન કરવામાં આવેલી ગુણવત્તાયુક્ત સારસંભાળનું પ્રતીક છે. હું આ સફળતા બદલ તેમને અભિનંદન આપું છું. હાલના કટોકટીનાં સમયમાં તેમની સેવાઓ બદલ દેશ તેમનો ઋણી છે. હાલના સ્થિતિસંજોગોમાં આપણા હેલ્થ વોરિયર્સના ઉચ્ચ ઉત્સાહને જોઈને આનંદ થાય છે.”
ડૉ. હર્ષવર્ધને એવું પણ જણાવ્યું હતું કે, દેશમાં કોવિડ-19ના નિવારણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન પર રાજ્ય સરકારો સાથે જોડાણમાં સર્વોચ્ચ સ્તરેથી નિયમિતપણે નજર રાખવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, “નવા કેસોની વૃદ્ધિનો દર છેલ્લાં થોડાં દિવસથી સ્થિર પણ છે. લોકડાઉન અગાઉ ભારતમાં કેસ બમણા થવાનો ગાળો 3 દિવસ હતો. અત્યારે સવારે 8 વાગે પ્રાપ્ત થયેલા ડેટા મુજબ, છેલ્લાં સાત દિવસમાં કેસ બમણા થવાનો દર 7.2 દિવસ છે, છેલ્લાં 14 દિવસમાં આ દર 6.2 દિવસ છે અને છેલ્લાં ત્રણ દિવસમાં આ દર 9.7 દિવસ છે. દરરોજ પરીક્ષણમાંથી પસાર થનાર વ્યક્તિઓની સંખ્યામાં લગભગ 14 ગણો વધારો થયો હોવા છતાં કેસ બમણા થવાના દરમાં ઘટાડો થયો છે. આ જ દ્રષ્ટિએ તમે 15 માર્ચથી 31 માર્ચ સુધીનો વિચાર કરો તો કેસ બમણો થવાનો દર 2.1 દિવસ હતો, ત્યારે એપ્રિલમાં આ દર ઘટીને 1.2 દિવસ થઈ ગયો છે, જે 40 ટકાનો સારો ઘટાડો છે, જે સકારાત્મક સંકેત છે અને આખા દેશ માટે પ્રોત્સાહનજનક છે. વળી આ એનો પણ સંકેત છે કે કોવિડ-19ના કેસોની કુલ સંખ્યા વધી રહી નથી અને કદાચ સ્થિર થવાની શરૂઆત થઈ છે.”
ડૉ. હર્ષવર્ધને ભારતનાં લોકોને લોકડાઉનનાં સમયગાળા (03 મે, 2020 સુધી)ને કોવિડ-19ના સંક્રમણની સાંકળને તોડવા અસરકારક હસ્તક્ષેપ તરીકે લેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, લોકડાઉન 2.0 દરમિયાન રોજિંદા જીવનમાં શિસ્તથી આપણને કોવિડ-19 સામે લડવાની દ્રષ્ટિએ લાભ થશે. આપણે આ લડાઈમાં વિજય મેળવીશું અને કોવિડ-19 સામે વિજય મેળવીશું.
GP/DS
(Release ID: 1616186)
Visitor Counter : 313