ગૃહ મંત્રાલય

કોવિડ-19 મહામારીના કારણે વિસ્થાપિત શ્રમિકો રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જ્યાં છે ત્યાં જ ફસાઇ ગયા છે તેમના આવનજાવન માટે SOP


શ્રમિકો હાલમાં જે રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશમાં છે તેની હદ બહાર જવાની કોઇ જ મંજૂરી મળશે નહીં

Posted On: 19 APR 2020 3:37PM by PIB Ahmedabad

કોવિડ-19 વાયરસના ફેલાવાના કારણે, ઉદ્યોગો, ખેતી, બાંધકામ અને અન્ય ક્ષેત્રોમાં સંકળાયેલા કામદારો તેમના કાર્યસ્થળેથી નીકળી ગયા છે અને રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો દ્વારા શરૂ કરવામાં આવેલી રાહત/ આશ્રય શિબિરોમાં તેમને રોકવામાં આવ્યા છે. સંકલિત સુધારેલી માર્ગદર્શિકામાં ચેપગ્રસ્ત વિસ્તારની બહારના ઝોનમાં વધારાની કેટલીક પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે જેનો અમલ 20 એપ્રિલ 2020થી થતો હોવાથી, કામદારો ઔદ્યોગિક, ઉત્પાદન, બાંધકામ, ખેતી અને મનરેગા કાર્યોમાં જોડાઇ શકશે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અગાઉ 29 માર્ચ 2020, 15 એપ્રિલ 2020 અને 16 એપ્રિલ 2020ના રોજ આપવામાં આવેલા આદેશ અનુસાર, રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશની સીમાની અંદર ફસાયેલા શ્રમિકોના આવનજાવન માટે પ્રમાણભૂત પરિચાલન પ્રોટોકોલ (SOP) ભારત સરકારના તમામ મંત્રાલયો/ વિભાગો, રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો અને રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોના સત્તામંડળો માટે બહાર પાડવામાં આવ્યા છે જેનું ચુસ્ત પાલન કરવાના નિર્દેશો આપવામાં આવ્યા છે.

રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશની હદની અંદર તેમના આવનજાવનની સુવિધા માટે નીચે દર્શાવેલી માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે:

  • હાલમાં રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો દ્વારા ઉભી કરવામાં આવેલી રાહત/ આશ્રય શિબિરોમાં રહેતા સંબંધિત સ્થાનિક સત્તામંડળ સાથે નોંધાયેલા વિસ્થાપિત શ્રમિકો અને તેમના કૌશલ્યો જાણવામાં આવશે જેથી તેમના માટે અનુકૂળ વિવિધ પ્રકારના કામ શોધી શકાય.
  • જો કોઇ શ્રમિકોનો સમૂહ તેઓ જ્યાં રોકાયેલા છે રાજ્યની અંદર તેમના કાર્યસ્થળે પરત ફરવા માંગતો હોય તો, તેવી સ્થિતિમાં તેમનું સ્ક્રિનિંગ કરવામાં આવશે અને જેમનામાં લક્ષણો દેખાય તેમને સંબંધિત કાર્યસ્થળે મોકલવામાં આવશે.
  • અહીં નોંધનીય છે કે, શ્રમિકો હાલમાં જે રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશમાં રોકાયેલા છે તેની હદ બહાર જવાની કોઇ મંજૂરી આપવામાં આવશે નહીં.
  • બસમાં મુસાફરી દરમિયાન, તેમની વચ્ચે સામાજિક અંતરના માપદંડોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે અને તેમના પરિવહન માટે ઉપયોગમાં લેવામાં આવતી બસોનું આરોગ્ય સત્તામંડળની માર્ગદર્શિકા અનુસાર સેનિટાઇઝેશન કરવામાં આવશે.
  • તારીખ 15 એપ્રિલ 2020ના રોજ સંકલિત સુધારેલી માર્ગદર્શિકા હેઠળ બહાર પાડવામાં આવેલા કોવિડ-19 વ્યવસ્થાપન સંબંધિત રાષ્ટ્રીય દિશાનિર્દેશોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.
  • લોકોને મુસાફરી દરમિયાન સ્થાનિક સત્તામંડળો દ્વારા ભોજન અને પાણીની સગવડ પણ કરી આપવામાં આવશે.

 

આદેશ જોવા માટે અહીં ક્લિક કરો

 

 

 

 

GP/DS


(Release ID: 1616087) Visitor Counter : 272