ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

લૉકડાઉન દરમિયાન અનાજ વિતરણની પરિસ્થિતિની સમીક્ષા માટે શ્રી રામ વિલાસ પાસવાને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ખાદ્યાન્ન મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી


કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લૉકડાઉન દરમિયાન આવશ્યક ચીજોની સંગ્રહખોરી નિયંત્રિત કરવા અને વાજબી ભાવોની ખાતરી માટે તપાસ કરવા જણાવ્યું

વર્ષ 2020-21ની રવિ બજાર સિઝન (આરએમએસ) માટે ઘઉંની ખરીદીનો પ્રારંભ 15 એપ્રિલ, 2020થી થશે

Posted On: 13 APR 2020 8:22PM by PIB Ahmedabad

કેન્દ્ર સરકારે રાજ્યોને એ બાબતની ખાતરી રાખવા જણાવ્યું છે કે લૉકડાઉન દરમિયાન આવશ્યક ચીજોની સંગ્રહખોરી કે ભાવ વધારો થવો જોઈએ નહીં. કેન્દ્રીય ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ મંત્રી શ્રી રામ વિલાસ પાસવાને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ખાદ્યાન્ન, જાહેર વિતરણ અને નાગરિક પૂરવઠા મંત્રીઓ સાથે વિયો કોન્ફરન્સ દરમિયાન આજે આ મુજબ જણાવ્યુ હતું. તેમણે સ્થાનિક બજારોમાં આવશ્યક ચીજો વાજબી ભાવે મળી રહે તે માટે માઈક્રો લેવલ આયોજન શરૂ કરવા નિર્દેશ આપ્યો હતો. શ્રી પાસવાને જણાવ્યું હતું કે રાજ્ય સરકારો આવશ્યક ચીજ-વસ્તુ ધારા હેઠળ આ કાયદાનું પાલન થાય તે માટે પગલાં લેવા શક્તિમાન છે.

શ્રી પાસવાને રવિ બજાર સિઝન (આરએમએસ) 2020-21 માટે ઘઉંની ખરીદી 15 એપ્રિલ, 2020થી શરૂ કરવા માટે તમામ વ્યવસ્થા ગોઠવવા રાજ્યોને જણાવ્યું હતું. પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દર્શાવેલી માર્ગરેખાઓ અને પૂરા પાડેલા ઉદાહરણ મુજબ શ્રી પાસવાને જણાવ્યું હતું કે ખરીદી વખતે સામાજિક અંતરના ધોરણોનો કડકાઈથી અમલ થવો જોઈએ. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે તમામ ખરીદ કેન્દ્રો, ગોડાઉન, ઓફિસ વગેરેમાં સ્ટાફ, કર્મચારીઓ અને શ્રમિકો માટે એક ડ્યુટી રોસ્ટર તૈયાર કરવાનું રહેશે અને કામદારોની કોઈ અછત વર્તાય નહી તેની ખાતરી રાખવાની રહેશે.

શ્રી પાસવાને જણાવ્યું હતું કે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેવાય) હેઠળના લક્ષ્યાંકો પૂરાં કરવા માટે અનાજનો પૂરતો જથ્થો આપવામાં આવ્યો છે. જાહેર વિતરણ વ્યવસ્થાના તમામ લાભાર્થીઓને આગામી ત્રણ માસ માટે વ્યક્તિ દીઠ 5 કી.ગ્રા. અનાજ (ચોખા અથવા ઘઉં) વિનામૂલ્યે પૂરૂ પાડવામાં આવશે. પ્રાયોરિટી હાઉસ હોલ્ડના દરેક વ્યક્તિગત લાભાર્થીને આધારે તથા અંત્યોદય અન્ન યોજના (એએવાય) હેઠળ અનાજની ફાળવણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જાહેર વિતરણ વ્યવસ્થાના તમામ લાભાર્થીઓને કાર્ડ / પરિવાર દીઠ વિનામૂલ્યે 1 કિ.ગ્રા. દાળ આગામી ત્રણ માસ માટે આપવામાં આવશે. શ્રી પાસવાને જણાવ્યું કે આ હેતુ માટે નાફેડને નોડલ એજન્સી જાહેર કરવામાં આવી છે. તેમણે રાજ્યોને લાભાર્થીઓને આ યોજના અંગે માહિતી ઉપલબ્ધ થાય તે માટે પ્રચાર યોજના હાથ ધરવા જણાવ્યું હતું. હાલની વિપરીત પરિસ્થિતિમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની કાળજી લેવા બદલ શ્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપતાં શ્રી પાસવાને જણાવ્યું હતું કે આગામી ત્રણ માસ માટે અનાજ અને કઠોળના વિનામૂલ્યે વિતરણમાં થનાર તમામ ખર્ચ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ કેન્દ્ર સરકાર ભોગવશે.

લૉકડાઉન દરમિયાન ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ) અનાજનો જંગી જથ્થો દેશભરમાં મોકલી રહ્યુ હોવાથી શ્રી પાસવાને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અનાજ અને કઠોળના વિતરણની ગતિમાં વેગ લાવવા અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ યાદ અપાવ્યું હતું કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તેમને ફાળવાયેલા રેશનનો જથ્થો નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (એનએફએસએ) મુજબ તેમની જરૂરિયાતનો આગામી 6 માસનો જથ્થો અનુકૂળતા મુજબ મેળવી શકશે. ભારત સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 3 માસની ક્રેડિટ ઉપર અનાજ ઉપાડવા જણાવ્યું છે. શ્રી પાસવાને જણાવ્યું હતું કે લાભાર્થી પરિવારનો કોઈપણ વ્યક્તિ રહી જતો હોય તો તેનો તાત્કાલિક ઉમેરો કરવામાં આવે કે જેથી કોઈપણ વ્યક્તિ એનએફએસએ યોજના હેઠળના લાભથી વંચિત રહી જાય નહીં.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ઓપન માર્કેટ સેલ્સ સ્કીમ (ઓએમએસએચ) હેઠળ ચોખાની છૂટક કિંમત કી.ગ્રા. દીઠ રૂ.22 અને ઘઉંની કિંમત રૂ.21 નક્કી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે લૉકડાઉન દરમિયાન સામાજીક કલ્યાણની કામગીરીમાં જોડાયેલી કોઈપણ નૉન-ગવર્નમેન્ટ એજન્સી અથવા તો સ્વૈચ્છિક સંસ્થા અને ખાનગી સંસ્થાઓ અનાજનો જથ્થો સીધો ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ડેપો પરથી ઉપાડી શકશે.

શ્રી રામ વિલાસ પાસવાને વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારોને ઘઉંના લોટની ઉપલબ્ધિ અને તેના નિકાલ માટે મિલરો સાથે સંકલન કરવા જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે સસ્તા અનાજની દુકાનોએથી તથા જાહેર વિતરણ વ્યવસ્થાના કેન્દ્રો પર અને દુકાન માલિકો / પીડીએસ ઓપરેટરોએ તથા શ્રમિકોએ અનાજની વિતરણ વ્યવસ્થામાં સામાજિક અંતરના તમામ ધોરણો જાળવવાના રહેશે તથા સુરક્ષાત્મક માસ્ક અને હાથના મોજા પહેરવાના રહેશે.

RP

* * * * *


(Release ID: 1614131) Visitor Counter : 215