વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

કોવિડ 19ના પડકારોનો સામનો કરવા IUSSTF ઈન્ડો-યુએસ વર્ચ્યુઅલ નેટવર્ક વિસ્તારશે

Posted On: 13 APR 2020 11:21AM by PIB Ahmedabad

ઈન્ડો-યુએસ સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોરમ (IUSSTF)એ ‘કોવિડ-9 ઈન્ડો-યુએસ વર્ચ્યુઅલ નેટવર્સ્જ’ માટે દરખાસ્તો મંગાવી છે, જેનાથી કોવિડ-સંબંધિત સંશોધનમાં હાલમાં કાર્યરત હોય તેવા ભારતીય તેમજ અમેરિકી વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા સંશોધનની પ્રવૃત્તિઓ સાથે મળીને કરી શકશે તેમજ હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભંડોળનો લાભ મેળવી શકશે. કોવિડ-19ને લગતા મહત્ત્વના પડકારો પર ધ્યાન આપવા અને અદ્યતન સંશોધન માટે ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારીના લાભ અને મૂલ્યોને ખાતરીપૂર્વક દર્શાવતી દરખાસ્તોને પ્રોત્સાહિત કરવામાં આવે છે.

કોવિડ 19 મહામારી જેવા વૈશ્વિક સંકટો, વૈશ્વિક સહયોગ અને ભાગીદારી માટેનો સમય છે, જે શ્રેષ્ઠ અને તેજસ્વી વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને ઉદ્યોગસાહસિકોને સાથે મળીને માત્ર હાલની મહામારી સામે લડત આપવા જ નહીં પરંતુ ભવિષ્યની સમસ્યાઓ ઉકેલવા માટે પણ એક મંચ ઉપર સાથે લાવીને મૂકે છે. આઈયુએસએસએફટી બંને દેશોમાં સહયોગી પહેલને ઉત્તેજન આપવા તેમના મૂળ ઉદ્દેશને ધ્યાનમાં રાખને આ ચોક્કસ હેતુ માટે આવાં જોડાણોને પ્રોત્સાહન આપી રહી છે.

માર્ચ, 2000માં ભારત સરકાર અને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા વચ્ચે એક કરાર હેઠળ IUSSTFની સ્થાપના થઈ છે. બંને સરકારો દ્વારા સંયુક્તપણે ભંડોળ મેળવતું આ એક સ્વાયત્ત દ્વિપક્ષીય સંસ્થાન છે, જે સરકાર, શિક્ષણવિદો અને ઉદ્યોગ વચ્ચે પરસ્પર નોંધપાત્ર વાતચીત દ્વારા વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જનિયરીંગ અને નવપ્રવર્તનને પ્રોત્સાહન આપે છે. ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ તેના સંબંધિત મધ્યસ્થ વિભાગો છે.

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ પ્રૉ. આશુતોષ શર્માએ જણાવ્યું હતું કે "કોવિડ-19ના સમયે વિજ્ઞાનનો આશરો લેવાથી સમસ્યા નિવારણ માટે અસરકારક પ્રત્યાયન, આવશ્યકતા ઓળખવી, સહયોગ, ઝડપ, અનુવાદિત અને ટેકનિકલ પાસાંઓ, પારદર્શિતા, જવાબદારી, સામાજિક લાભ અને એક સામાન્ય ઉત્સાહ જેવાં તત્ત્વો વૈશ્વિક સ્તરે બહાર આવે છે. અસરકારક ઉકેલો મળી આવે તે આંતરરાષ્ટ્રીય બનવાની સંભાવના છે. મજબૂત સહયોગ દ્વારા સુસંગત ટેકનોલોજીસ વિકસાવવાનો IUSSTFનો ઈતિહાસ છે અને આ રીતે, પ્રવૃત્તિઓ માટે એક સારો મંચ મળે છે."

સમગ્ર દુનિયા જ્યારે કોવિડ-19 મહામારી સામે લડત આપી રહી છે, ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રના સમુદાયો સાથે મળીને કામ કરે અને આ વૈશ્વિક પડકારનો સામનો કરવા સંસાધનો પરસ્પર વહેંચે તે હિતાવહ છે. નવી રસી, દવા, નિદાનનાં સાધનો અને માહિતી પ્રણાલી વિકસાવવા માટે વિજ્ઞાન, એન્જિનિયરીંગ અને ટેકનોલોજી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, ઉપરાંત, આ મહામારી સામેની લડત માટે સમુદાયો અને રાષ્ટ્રોને સંસાધનોના વ્યવસ્થાપન અને રોકાણની વ્યૂરચનાઓ ઘડવામાં પણ મદદગાર નીવડશે. રાષ્ટ્રો અને સંસ્થાઓ વચ્ચેના સહયોગથી વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રના સમુદાયોમાં જાણકારી વહેંચી શકાય અને તેનો લાભ મેળવી શકાય અને તે વિવિધ, વૈશ્વિક સ્તરે કાર્યરત વિજ્ઞાન, એન્જિનિયરીંગ અને ટેકનોલોજી સક્ષમ કર્મચારીઓને સહાયરૂપ બનીને તેમને મહામારીના ઉકેલો શોધવા માટે સક્રિયપણે કાર્યરત રાખી શકે. આ માટેની અરજીઓ 15મી એપ્રિલ, 2020 થી 15મી મે, 2020ના રોજ સુધી ઓનલાઈન સ્વીકારવામાં આવશે.

[વધુ માહિતી માટે, મુલાકાત લો https://www.iusstf.org/
સંપર્કની માહિતી : ડૉ. (કુ)  નંદિની કન્નન, ઈડી, IUSSTF
ઈ મેઇલ : nandini.kannan@indousstf.org મોબાઈલ : +91-9717957003]

GP/RP


(Release ID: 1613985) Visitor Counter : 198