સંરક્ષણ મંત્રાલય

મુંબઇના ઘાટકોપર ખાતે નૌસેના ક્વૉરેન્ટાઇન શિબિરમાંથી 44 બિન-નિવાસી ભારતીયો ઘરે પરત ફર્યા

Posted On: 13 APR 2020 11:52AM by PIB Ahmedabad

મુંબઇમાં ઘાટકોપર ખાતે ભૌતિક સંગઠનમાં આવેલી નૌસેના ક્વૉરેન્ટાઇન સુવિધામાં ઇરાનથી આવેલા 44 બિન-નિવાસી ભારતીયો (24 મહિલા સહિત)એ શાંતિથી અને સફળતાપૂર્વક તેનો ક્વૉરેન્ટાઇનનો સમય પૂરો કર્યો છે. આ તમામ 44 લોકોને 13 માર્ચ 2020થી અહીં રાખવામાં આવ્યા હતા અને 28 માર્ચના રોજ દરેકનો કોવિડ-1નો રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી તેમણે કુલ 30 દિવસ અહીં પૂરા કર્યા છે.

નૌસેનાની સમર્પિત તબીબી ટીમે આ તમામ લોકોના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખવા માટે સતત કામ કર્યું હતું. અહીં રાખવામાં આવેલા તમામ લોકોની સંભાળ લેવામાં, આ જગ્યાની સ્વચ્છતા જાળવવામાં અને દરેકના આરામ તેમજ સુખાકારી માટે સફાઇ કર્મચારીઓ અને અન્ય ટીમો સતત તેમના સહકારમાં રહી હતી. તમામ લોકોને આપવામાં આવતું ભોજન ચુસ્ત દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવતું હતું અને તમામ વિશેષ જરૂરિયાતો પૂર્ણ થાય તેનું ધ્યાન રાખવામાં આવતું હતું.
તમામ બિન-નિવાસી ભારતીયોને પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવા અને તેમની આરામદાયકતા માટે ક્વૉરેન્ટાઇન સુવિધામાં અન્ય કેટલીક સગવડો પણ ઉભી કરવામાં આવી છે જેમાં પુસ્તકાલય, ટીવી રૂમ, ઇન્ડોર રમતો, નાનું જીમ્નેશિયમ અને મર્યાદિત પ્રમાણમાં ક્રિકેટની સુવિધાનો સમાવેશ થાય છે.

મર્યાદિત માત્રામાં સ્ટોર્સની ઉપલબ્ધતા સાથે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉનના કારણે ઉભા થયેલા વધારાના પડકારો નાવીન્યતા અને દૃઢ નિશ્ચય સાથે દૂર કરવામાં આવ્યા હતા. વધુમાં, તમામ લોકો નિર્ધારિત સમય કરતા વધુ રોકાય હતા કારણ કે તેમને શ્રીનગર અને લદ્દાખ જવા માટે મુસાફરીનું કોઇ માધ્યમ ઉપલબ્ધ નહોતું. ત્યારબાદ, ભારતીય વાયુ સેનાના વિમાનનો ઉપયોગ કરીને તેમને વાયુમાર્ગે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી અને તમામ લોકો 12 એપ્રિલ 2020ના રોજ C-130 વિમાનમાં શ્રીનગર જવા રવાના થયા હતા. ઘર તરફના પ્રવાસ દરમિયાન, દરેક વ્યક્તિને NWWA ઘાયકોપરના સૌજન્યથી ભોજનના પેકેટ, રિફ્રેશમેન્ટ્સ અને હાથે સીવેલા બે માસ્ક આપવામાં આવ્યા હતા.

ભારતીય નૌસેના કોવિડ-19 સામેની લડાઇમાં રાષ્ટ્રના પ્રયાસોમાં સહકાર આપવા માટે હંમેશા પ્રતિબદ્ધ છે અને ભારતના નાગરિકો તેમજ નાગરિક વહીવટીતંત્રને તમામ પ્રકારે મદદ કરવા માટે ખડેપગે તૈનાત છે.



(Release ID: 1613857) Visitor Counter : 123