વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ગુવાહાટીના NIPER દ્વારા કોવિડ-19 સામે લડવા માટે નવીનતમ 3D ઉત્પાદનો તૈયાર કરાયા

Posted On: 11 APR 2020 12:30PM by PIB Ahmedabad

નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ફાર્માસ્યુટિકલ એન્ડ રીસર્ચ- ગુવાહાટી (NIPER-G) દ્વારા બે એવા નવીનતમ ઉત્પાદનો તૈયાર કરવામાં આવ્યા છે જે સમગ્ર દુનિયામાં અત્યારે ફેલાયેલી બીમારી કોવિડ-19 મહામારીના ચેપ સામે લડવા માટે ખૂબ મદદરૂપ થઇ શકે છે.

પ્રથમ ઉત્પાદન 3D પ્રિન્ટેડ હેન્ડ્સ ફ્રી વસ્તુ છે જેનો ઉપયોગ દરવાજા, બારી, ડ્રોઅર (આડા અને ઉભા બંને) ખોલવા માટે, રેફ્રિજરેટરના હેન્ડલ પકડવા માટે અથવા એલિવેટરના બટન દબાવવા અને લેપટોપ/ ડેસ્કટોપના કીબોર્ડ પર કામ કરવા તેમજ સ્વિચ ચાલુ અને બંધ કરવા માટે થઇ શકે છે.

દરવાજા, બારીઓ, સ્વિચના બટનો, એલિવેટરના બટનો, ડ્રોઅરના હેન્ડલ, રેફ્રિજરેટરનું હેન્ડલ અને લેપટોપ / ડેસ્કટોપના કીબોર્ડ વગેરે એવી કેટલીક જંતુયુક્ત ચીજો છે જે ઘર, હોસ્પિટલો, ફેક્ટરીઓ, કંપનીઓ, સંસ્થાઓ, સંગઠનો અને અન્ય ઇમારતોમાં બીમારી ફેલાવી શકે છે. કોવિડ-19 મહામારીના ફેલાવાની વર્તમાન સ્થિતિમાં કોઇપણ વ્યક્તિ ખુલ્લા હાથે આવી ચીજોના સંપર્કમાં આવે અથવા દૂષિત સપાટીના સંપર્કમાં આવે તો બીમારીના સંક્રમણમાં આ ચીજો મુખ્ય ભૂમિકા નિભાવી શકે છે.

સંશોધકોએ જોખમ માપવા માટે તેમજ કેવી રીતે ખુલ્લા હાથથી વાયરસનો ફેલાવો થાય છે તે અંગે કેટલાક સંસાધનોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યા પછી 3D પ્રિન્ટેડ વસ્તુ બનાવવા માટે ડિઝાઇન તૈયાર કરી.

NIPER-Gના નિદેશક ડૉ. યુ.એસ.એન. મૂર્તિએ નોંધ્યું કે, આ ઉત્પાદનની ડિઝાઇન તૈયાર કરવાની સરળ હતી અને ઝડપથી તેના પ્રોટોટાઇપ તૈયાર કરવામાં પણ અનુકૂળતા રહી શકે છે. આ વસ્તુ હાથવગી છે, ઉપયોગમાં સરળ છે, તકલાદી નથી અને અત્યારે ઉપયોગમાં લેવાતા સેનિટાઇઝર અથવા કોઇપણ આલ્કોહોલ ડિસઇન્ફેક્ટન્ટથી તેને સરળતાથી સાફ કરી શકાય છે.

બીજું ઉત્પાદન 3D પ્રિન્ટેડ એન્ટિ-માઇક્રોબાયલ ફેસ શિલ્ડ છે જે નોવલ કોરોના વાયરસનો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે તૈયાર કર્યું છે. આ વાયરસ કેવી રીતે મોં, નેત્ર, ઘ્રાણોન્દ્રિય અને શરીરની અન્ય કેવિટી (ગુહા)માં ફેલાય છે તેનો સુંપૂર્ણ અભ્યાસ કર્યા પછી આની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.

ફેસ શિલ્ડની ડિઝાઇન પણ સરળતાથી તૈયાર થઇ શકે છે અને તેના પ્રોટોટાઇપ ખૂબ ઝડપથી બની શકે છે. તેનો ખર્ચ પણ ઘણો ઓછો છે, પહેરવામાં સરળ છે અને સારી રાસાયણિક સ્થિરતા ધરાવે છે, તકલાદી નથી અને અત્યારે ઉપયોગમાં લેવાતા સેનિટાઇઝર અથવા કોઇપણ આલ્કોહોલ ડિસઇન્ફેક્ટન્ટથી તેને સરળતાથી સાફ કરી શકાય છે.

ડૉ. મૂર્તિએ નોંધ્યું હતું કે, NIPER-G રાષ્ટ્રીય મહત્વની દૃષ્ટિએ એક અગ્રણી સંસ્થા હોવાથી, ઝડપથી માન્યતા આપેલ આ પ્રોટોટાઇપ / ઉત્પાદનનો ઉપયોગ કોરોનાવાયરસ સામે લડવા માટે દેશને મદદરૂપ થશે. “NIPER-G ઉપયોગી યોગદાન અને ઉકેલો આપવા માટે પ્રતિબદ્ધ છે.”
 


(Release ID: 1613294) Visitor Counter : 269