સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારત સરકારે કોવિડ-19 તાત્કાલિક પ્રતિભાવ અને આરોગ્ય વ્યવસ્થાની તૈયારી માટે રૂ. 15,000 કરોડનું પેકેજ મંજૂર કર્યુ

Posted On: 09 APR 2020 4:52PM by PIB Ahmedabad

કોવિડ-19 તાત્કાલિક પ્રતિભાવ અને આરોગ્ય વ્યવસ્થા તૈયારી માટે ભારત સરકારે રૂ.15,000 કરોડના પેકેજ તરીકે નોંધપાત્ર રોકાણની જાહેરાત કરી છે. આ મંજૂર કરાયેલા ભંડોળનો ઉપયોગ કોવિડ-19 તાત્કાલિક પ્રતિભાવ (રૂ. 7774 કરોડની રકમ)ના તાત્કાલિક ઉપયોગ અને બાકીની રકમ મિશન મોડ અભિગમ હેઠળ મધ્યમ-ગાળાની સહાય (1-4 વર્ષ) માટે વાપરવામાં આવશે.

આ પેકેજનો મુખ્ય હેતુઓમાં ભારતમાં કોવિડ-19નો ફેલાવો ધીમો અને મર્યાદિત કરવા માટે આપાતકાલીન પ્રતિભાવો વધારવાનો છે. આ કામગીરીઓમાં નિદાન સુવિધાઓના વિકાસ અને કોવિડ-19 વિશિષ્ટ સારવાર સુવિધાઓ, સંક્રમિત દર્દીઓની સારવાર માટે આવશ્યક તબીબી સાધનો અને જરૂરી દવાઓની મધ્યસ્થ ખરીદી, ભવિષ્યમાં ચેપી રોગોના ફેલાવો અટકાવવા અને તેની તૈયારીઓને મદદ કરવા પ્રતિરોધક રાષ્ટ્રીય અને રાજ્ય આરોગ્ય વ્યવસ્થાના નિર્માણ, લેબોરેટરીની સ્થાપના અને દેખરેખ પ્રવૃતિઓમાં વધારો, જૈવ-સુરક્ષા તૈયારીઓ, મહામારી સંશોધન અને સમુદાયોને સક્રિય રીતે જોડાણ અને જોખમ પ્રસારણ પ્રવૃતિઓનો સમાવેશ થાય છે. આ હસ્તક્ષેપ અને પ્રારંભિક કામગીરીનો અમલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સમગ્રલક્ષી દેખરેખ હેઠળ કરવામાં આવશે.

માનનીય પ્રધાનમંત્રીએ 24 માર્ચ, 2020ના રોજ પોતાના રાષ્ટ્રીય સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, "કેન્દ્ર સરકારે કોરાના દર્દીઓની સારવાર અને દેશના તબીબી માળખાને મજબૂત બનાવવા માટે 15 હજાર કરોડ રૂપિયાની જોગવાઇને મંજૂરી આપી છે. તેના કારણે કોરોના પરીક્ષણ સુવિધાઓની સંખ્યા ઝડપથી વધારવા, વ્યક્તિગત સંરક્ષણ સાધનો, આઇસોલેશન બેડ, ICU બેડ, વેન્ટિલેટર અને અન્ય આવશ્ય ઉપકરણોની ખરીદીને સહાયતા મળશે. તેની સાથે સાથે તબીબી અને પેરામેડિકલ માનવશક્તિની તાલીમની વ્યવસ્થા પણ હાથ ધરાશે. મેં રાજ્ય સરકારોને વિનંતી કરી છે કે વર્તમાન સમયમાં એકમાત્ર આરોગ્ય સંભાળને પ્રથમ અને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે."

આ ખર્ચનો મોટાભાગના હિસ્સાનો ઉપયોગ મજબૂત આપાતકાલિન વ્યવસ્થા, રાષ્ટ્રીય અને રાજ્ય આરોગ્ય વ્યવસ્થા મજબૂત કરવા અને વન હેલ્થ, સમુદાયિક જોડાણ તેમજ જોખમ સંચાર અને અમલીકરણ, સંચાલન, ક્ષમતા નિર્માણ, દેખરેખ અને મૂલ્યાંકન ઘટકોની સાથે સાથે મહામારી સંશોધન અને બહુક્ષેત્રીય રાષ્ટ્રીય સંસ્થાઓને મજબૂત બનાવવા કરવામાં આવશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આ પેકેજના ઘટકો વચ્ચે અને વિવિધ અમલીકરણ સંસ્થાઓમાં (રાષ્ટ્રીય આરોગ્ય મિશન, કેન્દ્રીય માલ-સામાન મધ્યસ્થ ખરીદી, રેલવે, આરોગ્ય સંશોધન/ICMR, રોગ નિયંત્રણ માટે રાષ્ટ્રીય સંસ્થા) વચ્ચે ઉભરતી પરિસ્થિતિ અનુસાર સંશાધનોની પુનઃવહેંચણી માટે અધિકૃત છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ચેપ નિવારણ અને નિયંત્રણને ચાવીરૂપ પ્રતિભાવ વ્યૂહરચના તરીકે આરોગ્ય ક્ષેત્રના પ્રતિભાવોનું અમલીકરણ કરવા અગ્રેસર ભૂમિકા નિભાવી રહી છે. આજ દિન સુધીમાં, 157 સરકારી અને 66 ખાનગી લેબોરેટરીના નેટવર્કનો સમાવેશ કરતી કુલ 223 લેબોરેટરી સ્ક્રિનિંગ પ્રક્રિયાની જટીલ કામગીરી કરી રહી છે. વધુમાં કોવિડ સામે લડવા તાત્કાલિક પગલાં રૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રૂ. 4113 કરોડનું વિતરણ કરી દીધું છે.

 

RP

****


(Release ID: 1612661) Visitor Counter : 357