પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાજકીય પક્ષોનાં નેતાઓ સાથે બેઠક કરી


સરકારની પ્રાથમિકતા દરેકનું જીવન બચાવવાની છેઃ પ્રધાનમંત્રી

આજની ચર્ચા રચનાત્મક અને સકારાત્મક રાજકારણનું પ્રતિબિંબ છે, ભારતનાં મજબૂત લોકતાંત્રિક પાયાને મજબૂત કરે છે અને સહકારી સંઘવાદનો જુસ્સો વધારે છેઃ પ્રધાનમંત્રી

દેશ ‘સામાજિક કટોકટી’માં હોય એવી સ્થિતિમાં છે; સરકારને આકરાં નિર્ણયો લેવાની ફરજ પડી છે અને આપણે હંમેશા સતર્ક રહેવું જોઈએઃ પ્રધાનમંત્રી

રાજ્યો, જિલ્લા વહીવટીતંત્રો અને નિષ્ણાતોએ વાયરસના પ્રસારને નિયંત્રણમાં લેવા લૉકડાઉનને લંબાવવાની ભલામણ કરીઃ પ્રધાનમંત્રી

નેતાઓએ પ્રતિભાવ આપ્યાં, નીતિગત પગલાં સૂચવ્યાં, લૉકડાઉન અને આગામી કામગીરી વિશે ચર્ચા કરી

Posted On: 08 APR 2020 3:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે સંસદમાં રાજકીય પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે આખી દુનિયા કોવિડ-19ના ગંભીર પડકારનો સામનો કરી રહી છે. વર્તમાન સ્થિતિ માનવજાતના ઇતિહાસમાં યુગપરિવર્તક ઘટના છે અને આપણે એની અસરનો સામનો કરવા પરિવર્તન કરવું પડશે. તેમણે આ મહામારી સામેના સંઘર્ષમાં કેન્દ્ર સાથે સંયુક્તપણે કામ કરવાના રાજ્ય સરકારનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ સંઘર્ષમાં તમામ રાજકીય પક્ષો એકમંચ પર આવ્યાં છે, જેથી દેશમાં રચનાત્મક અને સકારાત્મક રાજકારણ જોવા મળ્યું છે. તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગ, જનતા કર્ફ્યુ કે લૉકડાઉનનું પાલન કરવાના પ્રયાસમાં દરેક અને તમામ નાગરિકની નિષ્ઠા, શિસ્તબદ્ધતા, સમર્પણ અને પ્રતિબદ્ધતાની ભાવનાની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ ઊભી થઈ રહેલી સ્થિતિની અસર તેમજ સંસાધનની ખેંચ પર ભાર મૂક્યો હતો. છતા ભારત અત્યાર સુધી વાયરસના પ્રસારની ઝડપને નિયંત્રણમાં રાખનારા થોડા દેશોમાં સામેલ છે. તેમણે એવી ચેતવણી પણ આપી હતી કે, સતત સ્થિતિ બદલાઈ રહી છે અને વ્યક્તિએ હંમેશા સતર્ક રહેવાની જરૂર છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશમાં સામાજિક સંકટ જેવી સ્થિતિ પ્રવર્તે છે. સરકારને આકરાં નિર્ણયો લેવાની ફરજ પડી છે અને સતત સ્થિતિ પર નજર રાખવી પડશે. તેમણે કહ્યું હતું કે, કેટલીક રાજ્ય સરકારો, જિલ્લા વહીવટીતંત્રો અને નિષ્ણાતોએ લૉકડાઉનનો તબક્કો વધારવાની ભલામણ કરી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ બદલાતી સ્થિતિમાં દેશે એની કાર્યસંસ્કૃતિ અને કાર્યશૈલીમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, સરકારની પ્રાથમિકતા દરેક અને તમામનાં જીવનને બચાવવાની છે. તેમણે ઉમેર્યું હતું કે, કોવિડ-19ના પરિણામે દેશ ગંભીર આર્થિક પડકારોનો સામનો કરી રહ્યો છે અને સરકાર તેમાંથી બહાર આવવા પ્રતિબદ્ધ છે.

ભારત સરકારનાં ટોચના અધિકારીઓએ નવા પડકારોને પહોંચી વળવા હાથ ધરવામાં આવેલા વિવિધ પગલાં વિશે વિસ્તૃત રજૂઆત કરી હતી, જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ લાભનાં વિતરણની સ્થિતિ સામેલ છે.

આ બેઠક માટે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે સમયસર પગલાં લેવા બદલ પ્રધાનમંત્રીની પ્રશંસા કરીને જણાવ્યું હતું કે, સંપૂર્ણ દેશ કટોકટીના સમય દરમિયાન તેમની સાથે છે. તેમણે હેલ્થકેર વર્કર્સનું સ્વાસ્થ્ય જાળવવા અને તેમનો નૈતિક જુસ્સો વધારવા વિશે, પરીક્ષણ સુવિધાઓ વધારવાની, નાનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મદદ કરવાની જરૂરિયાત વિશે તથા ભૂખમરો અને કુપોષણના પડકારોને નિયંત્રણમાં લેવા જેવા વિવિધ મુદ્દા પર વાત કરી હતી. તેમણે મહામારી સામે આ સંઘર્ષમાં દેશની ક્ષમતા વધારવા આર્થિક અને અન્ય નીતિગત પગલાં લેવા વિશે પણ વાત કરી હતી. લૉકડાઉન લંબાવવા માટે નેતાઓએ સૂચનો કર્યા હતા અને લૉકડાઉન પૂર્ણ થાય પછી તબક્કાવાર એનો અંત લાવવાની પણ વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ નેતાઓનો રચનાત્મક સૂચનો અને પ્રતિભાવ બદલ આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, આ સંઘર્ષમાં તેમની પ્રતિબદ્ધતા સરકારને સહાય કરવાની છે, જેથી દેશનો લોકતાંત્રિક પાયો મજબૂત થશે અને સહકારી સંઘવાદને પ્રોત્સાહન મળશે.

આ બેઠકમાં કેન્દ્રીય સંસદીય બાબતોનાં મંત્રી, ભારત સરકારનાં વરિષ્ઠ અધિકારીઓ અને દેશભરના રાજકીય પક્ષોના નેતાઓ સહભાગી થયા હતા.

GP/RP



(Release ID: 1612270) Visitor Counter : 252