ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

કોવિડ-19 માટે ખોટી માહિતીના વાયરસને તાત્કાલિક તપાસો: ઉપરાષ્ટ્રપતિ


અંધશ્રદ્ધા અને અફવાઓ નોવેલ કોરોનાવાયરસ સામેની આપણી લડાઈને નબળી ન પાડી શકવી જોઈએ: ઉપરાષ્ટ્રપતિ

તમામ ધાર્મિક સમુદાયોએ આ વાત સમજવી જોઇએ કે સોશિયલ ડિસ્ટન્સિંગને હળવાશથી ન લઈ શકાય: ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિએ કોઈ પણ સમુદાયો માટે આધાર વિનાનો કોઈ પૂર્વાગ્રહ ન રાખવા માટે અપીલ કરી

મોખરે રહીને લડત આપી રહેલા, ખાસ કરીને તબીબી વ્યાવસાયિકોની સલામતિ અત્યંત આવશ્યક છે: ઉપરાષ્ટ્રપતિ

Posted On: 06 APR 2020 1:34PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેન્કૈયા નાયડુએ ખોટી માહિતીના ફેલાવા, ખાસ કરીને સોશિયલ મીડિયા દ્વારા ફેલાતી ખોટી માહિતીને વાયરસ ગણાવીને આવી માહિતીની તપાસ જરૂરી હોવાનું જણાવતાં ચેતવણી આપી હતી, એમણે ઉમેર્યું હતું કે, અંધશ્રદ્ધા અને અફવાઓની વાતોને કોવિડ-19 સામેની આપણી લડાઈને નબળી પાડવાની મંજૂરી આપી શકાય નહીં.

શ્રી નાયડુએ ફેસબૂક પર પોસ્ટ દ્વારા જણાવ્યું કે અફવાઓ અને ખોટી માહિતીને દબાવી દેવા મોટા પાયે અધિકૃત માહિતીનો પ્રવાહ વહે તે મહત્ત્વનું છે. તેમણે જણાવ્યું કે સમસ્યાના પરિમાણ બાબતે જો આપણી પાસે અપર્યાપ્ત કે ભૂલભરેલી સમજણ હશે તો વાયરસ સામેની લડાઈ જીતી શકાશે નહીં.

કેટલાંક રાજ્યોમાં અગમચેતી રૂપે અપાયેલી સોશિયલ ડિસ્ટન્સિંગની માર્ગદર્શિકાની બેજવાબદારીપૂર્વકની અવગણના અને તાજેતરમાં નવી દિલ્હીમાં યોજાયેલા મેળાવડાના દાખલાનો સંદર્ભ આપીને ઉપરાષ્ટ્રપતિએ માર્ગદર્શિકાના વધુ પ્રસાર અને કડક અમલની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

તેમણે જણાવ્યું છે કે તમામ જાતિ, પંથ, વર્ગ, ભાષા, પ્રદેશ અને ધર્મને બાજુએ રાખીને સમયની માગ, અતિઆવશ્યકતા અને વાયરસના ફેલાવાના વૈજ્ઞાનિક પુરાવા બાબતે વધુ જાગૃતિની જરૂર છે.

શ્રી નાયડુએ એમ પણ જણાવ્યું કે આ સાથે જ, તમામ ધાર્મિક જૂથોમાં એક સમાન સમજ હોવી જોઈએ કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોને હળવાશથી લઈ શકાય નહીં અને જ્યાં સુધી આ મહામારીની સમસ્યામાંથી બહાર ન નીકળીએ ત્યાં સુધી મોટા મેળાવડા યોજી શકાય નહીં. તેમણે કહ્યું કે, “આપણે આશા રાખીએ કે હવે ભવિષ્યમાં અપાયેલી માર્ગદર્શિકાઓનું આવું કમનસીબ, બેશરમ ઉલ્લંઘન કરવામાં નહિ આવે.”

ઉપરાષ્ટ્રપતિએ કોઈ પણ સમુદાયો વિશે કોઈ પાયા વગરનો પૂર્વગ્રહો રાખી ઘટનાઓને ઘટનાઓને નહીં મૂલવવા જણાવ્યું હતું.

તમામ રાજ્ય સરકારો, નાગરિક સમાજ અને ખાનગી ક્ષેત્ર દ્વારા વાયરસ સામેની લડત માટે હાથ ધરવામાં આવેલાં વિવિધ પગલાંનો સંદર્ભ ટાંકીને તેમણે જણાવ્યું કે માનવતાવાદી કાર્યો વેગ પકડી રહ્યાં છે અને ગરીબ વર્ગ તેમજ સ્થળાંતર કરનારા શ્રમિકોની મુશ્કેલીઓ ઓછી થઈ રહી છે. જ્યાં સુધી લણણીની સિઝનની વાત છે, રાજ્ય સરકારો ખેડૂતોની સમસ્યાથી વાકેફ છે ને લણણીનાં કામકાજ સુગમતાપૂર્વક હાથ ધરી શકાય તે સુનિશ્ચિત કરવા માટે તેમજ અનાજની ખરીદી માટે તેમણે શ્રેણીબદ્ધ પગલાંની યોજના બનાવી છે.

અત્યારે આરામથી બેસવાનો સમય નથી અને આગળ હજુ વધુ મુશ્કેલ લડત આપવાની છે, તેમ જણાવતાં શ્રી નાયડુએ કહ્યું કે, “આપણે સતત સજાગ રહેવું પડશે અને સાથે મળીને આ સંકટનો મુકાબલો કરવો પડશે. તમામ બહાદુર યોદ્ધાઓએ વિચારો અને કાર્યોની એકતા તેમજ સૌહાર્દ સ્થાપવાની જરૂર છે.”

કોવિડ-19 સામેના યુદ્ધમાં વિજયના આપણા ધ્યેયને હાંસલ કરવા માટે મોખરે રહીને લડત આપતા યોદ્ધાઓ, ખાસ કરીને તબીબી વ્યાવસાયિકોની સલામતિ માટે ચિંતા અને તેમને માટે આદર હોવાં અત્યંત અનિવાર્ય છે, એમ જણાવતાં તેમણે કહ્યું કે, એક ઉદાર કાર્ય, કરુણાભર્યો વ્યવહાર, દ્રઢ નિર્ધાર સાથે જુસ્સાભર્યું કાર્ય માનવીય વેદનાને દૂર કરવાનું એક કદમ, આપણે અત્યારે જે અંધારી ટનલમાંથી પસાર થઈ રહ્યા છીએ, તેના અંત સુધી પહોંચવા માટે આપણને આગળ વધારશે.

GP/RP



(Release ID: 1611649) Visitor Counter : 211