ભારત સરકારના અગ્ર વૈજ્ઞાનિક સલાહકારનું કાર્યાલય

CSIR-IMTECH દ્વારા કોવિડ-19ના નમૂનાનું પરીક્ષણ શરૂ


CSIR-IMTECH વ્યક્તિગત સુરક્ષા ઉપકરણો આપીને પણ આરોગ્ય કર્મીઓને મદદ કરી રહ્યા છે

Posted On: 04 APR 2020 12:23PM by PIB Ahmedabad

કોવિડ-19ના કારણે સ્વાસ્થ્ય સંભાળ ક્ષેત્ર સામે ઘણા પડકારો ઉભા થયા છે. કોવિડ-19 માટે મર્યાદિત સંખ્યામાં પરીક્ષણની કીટ પણ આમાનો એક પડકાર છે. વર્તમાન સમયમાં, ભારત ટ્રાવેલ હિસ્ટ્રી (વિદેશ પ્રવાસ કર્યો હોય તેવા) ધરાવતા દર્દીઓનું પ્રાથમિક ધોરણે પરીક્ષણ કરે છે. જોકે, પ્રતિ મિલિયન વસ્તી દીઠ પરીક્ષણના સંદર્ભમાં પરીક્ષણનો દર વધી શકે છે.
પરીક્ષણની ક્ષમતા વધારવા માટે, કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ – ઇન્સ્ટિટ્યુટ ઓફ માઇક્રોબાયલ ટેકનોલોજી (CSIR-IMTECH)એ કોવિડ-19ના નમૂનાનું પરીક્ષણ શરૂ કર્યું છે. CSIR હેઠળ આવતી લેબોરેટરી તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST), બાયોટેકનોલોજી વિભાગ (DBT) અને અણુ ઉર્જા વિભાગ (DAE) સાથે સંકળાયેલી અન્ય લેબ દ્વારા કોવિડ-19ના પરીક્ષણની કામગીરી શરૂ કરવા માટે ભારત સરકારના અગ્ર વૈજ્ઞાનિક સલાહકાર (PSA)ના નિર્દેશો અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (ICMR) દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાના અનુસાર પગલાં લેવામાં આવ્યા છે.
ચંદીગઢ ખાતે આવેલા IMTECHના નિદેશક ડૉ. સંજીવ ખોસલાએ જણાવ્યું હતું કે, “સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ લેબને સામેલ કરવાની ICMRની પહેલ આવકાર્ય પગલું છે અને કોવિડ-19ના નમૂનાના પરીક્ષણમાં આ પગલું બાજી પલટનારું પૂરવાર થશે. આના કારણે શંકાસ્પદ લોકોમાં પરીક્ષણનો દર વધશે. પ્રારંભિક તબક્કામાં, IMTECHની યોજના દરરોજ 50 થી 100 નમૂનાનું પરીક્ષણ કરવાની ક્ષમતા કાર્યરત કરવાનું છે, જેને તબક્કાવાર જરૂરિયાત અનુસાર વધારવામાં આવશે.”
કોવિડ-19ના તબીબી પરીક્ષણ માટે આ ઇન્સ્ટિટ્યુટ દ્વારા તેમની ક્ષમતાઓ વધારવામાં આવી છે અને મોલેક્યૂલર માઇક્રોબાયોલોજીમાં તેમની પાસે પૂરતા પ્રમાણમાં તજજ્ઞતા છે. લેબ પાસે બાયો સેફ્ટી લેવલ (BSL)-3 સુવિધા સહિત પૂરતા પ્રમાણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કારણ કે લેબોરેટરીઓને સલાહ આપવામાં આવી હતી કે, તેઓ પરીક્ષણ કરતા પહેલાં બાયો સેફ્ટી અને બાયો સિક્યુરિટી માટે તમામ પ્રકારે યોગ્ય સાવચેતી રાખે. નવી જ બાંધવામાં આવેલી BSL-2+ વાયરોલોજી લેબ રીવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલીમરાઇઝ ચેઇન રીએક્શન (RT-PCR) ઉપકરણથી સજ્જ છે અને તેને લગાવી દેવામાં આવ્યું છે. નમૂનાઓના તબીબી પરીક્ષણ માટે આવશ્યક તમામ મંજૂરીઓ મેળવી લેવામાં આવી છે જેથી વહેલામાં વહેલી તકે પરીક્ષણની કામગીરી શરૂ થઇ શકે.
CSIR-IMTECH દ્વારા તબીબી નમૂનાઓનું પરીક્ષણ કરવા ઉપરાંત, સ્વાસ્થ્ય સંભાળ પ્રોફેશનલ્સ કોઇપણ દર્દીની સેવા કરતા હોય ત્યારે તેમને કોઇપણ પ્રકારના ચેપથી બચાવવા માટે તેમને વ્યક્તિગત સુરક્ષા ઉપકરણો (PPE) ઉપલબ્ધ કરાવીને પણ યોગદાન આપવામાં આવે છે. આ સંસ્થા દ્વારા સ્થાનિક વહીવટીતંત્ર અને ચંદીગઢના રેડ ક્રોસ યુનિટને લોજિસ્ટિકલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહકાર આપીને પણ મદદ કરવામાં આવી રહી છે.

GP/RP



(Release ID: 1611030) Visitor Counter : 153